થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં વાત કરી હતી કે ગૂગલ સર્ચમાં ‘મલ્ટિસર્ચ’ નામની એક સુવિધા આવી રહી છે.
શરૂઆતમાં ફક્ત યુએસમાં લોન્ચ થયેલું આ ફીચર હવે આખા વિશ્વમાં રોલઆઉટ થઈ ગયું છે અને મોટા ભાગે તમારા ફોનમાં પણ આવી ગયું હશે. મલ્ટિસર્ચ ફીચર તેના નામ મુજબ મલ્ટિ – એકથી વધુ ફેકટરથી એક સાથે સર્ચ કરવાની સગવડ આપે છે. મતલબ કે તેમાં આપણે ઇમેજ અને ટેકસ્ટ બંનેનો એક સાથે ઉપયોગ કરીને સર્ચ કરી શકીએ છીએ.
ઉદાહરણ સાથે વાત કરીએ તો તમારી પાસે કોઈ એક ડ્રેસ છે જેની પેટર્ન તમને ગમે છે પરંતુ એ જ પેટર્ન બીજા કલરમાં જોઇએ છે. અથવા માની લો કે તમારી પાસે લેધરની બ્રાઉન કલરની ઓફિસ બેગ છે, પરંતુ હવે તમે બ્લેક કલરની એવી જ બેગ ખરીદવા માગો છો તો મલ્ટિસર્ચ ફીચર તમને ઉપયોગી થઈ શકે.
તેની અજમાયશ કરી જોવા માટે તમારા ઘરમાંની આવી કોઈ વસ્તુ શોધી કાઢો અને સ્માર્ટફોન ઓપન કરી તેમાં સર્ચ એપમાં લેન્સ આઇકન પર ક્લિક કરો.
હવે તમને જે વસ્તુ બીજા કલરમાં જોઇએ છે તે વસ્તુનો ફોટોગ્રાફ લો.

આથી પહેલાં એ જ કલરની ઓફિસ બેગ્સનું પ્રાઇઝ સાથે રિઝલ્ટ પેજ ઓપન થશે. પરંતુ આપણે તો બીજો કલર જોઇએ છે. એ માટે રિઝલ્ટ પેજમાં ઉપર એક વર્તુળમાં આપણી ઇમેજનો ભાગ દેખાશે અને બાજુમાં ‘પ્લસ’ની નિશાની સાથે ‘એડ ટુ યોર સર્ચ’ લખેલું જોવા મળશે.
સર્ચ બોક્સમાં લખ્યા મુજબ આપણે બીજો કોઈ કલર, બ્રાન્ડ નેમ કે બીજું કંઈ પણ લખી શકીએ છીએ. આથી આપણે સર્ચ કરેલી ઓફિસ બેગ જેવી પરંતુ બ્લેક કલરની ઇમેજિસ જોવા મળશે અને તેની કિંમતો પણ જોવા મળશે!
આ રીતે મનગમતા ડ્રેસ, વૉચ વગેરેની એક ઇમેજ લઈ, તેને સંબંધિતા બીજા વિકલ્પો ટેક્સ્ટથી ઉમેરીને આપણે પરિણામ મેળવી શકીએ છીએ.
જેમ કે તમે ઓફિસ કે ઘરમાં કોઈ ઇન્ડોર પ્લાન્ટ રાખ્યો હોય તો તેની સંભાળની ટિપ્સ માટે છોડનો ફોટોગ્રાફ લઈ ‘કેર ઇન્સ્ટ્રક્શન્સ’ સર્ચ કરી શકો છો – છોડનું સાયન્ટિફિક નામ ન આવડતું હોય તો ચાલે!
ગૂગલ કહે છે તેમ આ રીતે વિઝ્યુઅલ + ટેકસ્ટથી સર્ચ કરવાનું ફીચર હજી પ્રયોગાત્મક સ્ટેજ પર છે તેથી તેમાં બહુ સંતોષજનક પરિણામ કદાચ ન પણ મળે. આમ જુઓ તો અત્યારે આપણે ફોટોગ્રાફ + કલર લખીને સર્ચ કરવાની જહેમતને બદલે સીધું જ બ્લેક લેધર ઓફિસ બેગ લખીને સર્ચ કરીએ તો પણ સહેલાઈથી જોઈતાં રિઝલ્ટ સુધી પહોંચી શકીએ. પરંતુ વાત જ્યારે કોઈ એકદમ નિશ્ચિત પેટર્ન કે ડિઝાઇનની હોય જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હોય ત્યારે આ પ્રકારનું મલ્ટિસર્ચ વધુ ઉપયોગી થઈ શકે.

