(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • એપલના આઇફોનમાં ગૂગલ જેમિનીની મદદથી એઆઇ ફીચર્સ
  • એપલની સ્માર્ટવોચમાં બ્લડ પ્રેશર મોનિટરિંગની સુવિધા મળવાની શક્યતા
  • ડેસ્કટોપ પબ્લિશિંગ (ડીટીપી)ના ક્ષેત્રે મોટી ઉથલપાથલનાં એંધાણ
  • એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં એક સાથે બે એપ ડાઉનલોડ કરવાની સુવિધા

એપલ કંપની તરફથી એક મોટા સમાચાર છે. એક શક્યતા અનુસાર એપલ અને ગૂગલ કંપની હાથ મિલાવે તેવી શક્યતા છે. બંને કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ માટે એકમેકની નજીક આવી રહી છે. હાલમાં એઆઇ ક્ષેત્રે માઇક્રોસોફ્ટના સાથમાં ઓપનએઆઇ અને ગૂગલ વચ્ચે ગળાકાપ હરિફાઈ છે. અત્યાર સુધી એપલ કંપની તરફથી એઆઇ બાબતે કોઈ મોટું એનાઉન્સમેન્ટ થયું નથી. પરંતુ હવે શક્યતા છે કે કંપની આઇફોન માટેની આઇઓએસ ૧૮માં ગૂગલના જેમિનિ એઆઇ એન્જિનનો ઉપયોગ કરશે!

જો સમાચાર હકીકત બનશે તો તે એઆઇની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ બને તેવી શક્યતા છે. આઇફોન પર સર્ચ એન્જિન તરીકે બાયડિફોલ્ટ ગૂગલનો ઉપયોગ થાય એ માટે અત્યારે ગૂગલ એપલને વાર્ષિક લગભગ ૨ અબજ ડોલર ચૂકવી રહી છે. એઆઇ ડીલ લગભગ એ જ સ્તરની થાય એવી સંભાવના છે.

ગયા વર્ષે  સપ્ટેમ્બર મહિનામાં એપલ કંપનીએ તેની સ્માર્ટવોચ સીરિઝ-૯ લોન્ચ કરી તે સમયે કંપનીએ લોકોના કાંડા પરથી જ વિવિધ પ્રકારની હેલ્થ ઇન્ફર્મેશનનો ડેટા આપવાની દિશામાં આગેકૂચ કરી હતી. અત્યારે એપલની સ્માર્ટવોચમાં હાર્ટરેટ, લોહીમાં ઓક્સિજનનું લેવલ, લોકોની ઊંઘવાની પેટર્ન, મૂવમેન્ટ, ટેમ્પરેચર વગેરે ઘણા પ્રકારની હેલ્થ ઇન્ફર્મેશનનો ડેટા મળે છે.

હવે શક્યતા છે કે એપલની વોચ સીરિઝ-૧૦માં સ્માર્ટવોચ આપણું બ્લડપ્રેશર પણ મોનિટર કરવા લાગશે.

હાલમાં સેમસંગની સ્માર્ટવોચમાં આ ફીચર ઉપલબ્ધ છે. સેમસંગની સ્માર્ટવોચમાં ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી (ઇસીજી) તથા બીપીનું મોનિટરિંગ કરવાની સગવડ છે. હુવેઈ કંપનીની સ્માર્ટવોચમાં પણ આ પ્રકારે ઓટોમેટિક બ્લડપ્રેશર મોનિટરિંગની સગવડ છે.

એપલની સ્માર્ટવોચમાં બ્લડપ્રેશર મોનિટર કરવાની સગવડ મળી જતા લોકોએ પરંપરાગત રીતે ક્લિનિકમાં જઇને અથવા ઘરમાં વસાવેલા ડિજિટલ બ્લડપ્રેશર મોનિટરિંગ સાધનો પર આધાર રાખવાની જરૂર નહીં રહે. સ્માર્ટવોચની મદદથી બ્લડપ્રેશરનું સતત, નિયમિત રીતે મોનિટરિંગ થવાને કારણે હાઇપર ટેન્શન, હૃદયરોગ કે અન્ય મુશ્કેલીઓની સમયસર પરખ થઈ શકશે.

તમે જાણતા જ હશો કે હજી થોડાં વર્ષ પહેલાં સુધી ન્યૂઝપેપર, મેગેઝિન, બ્રોશર વગેરે પ્રિન્ટેડ મટિરિઅલના ડિઝાઇનિંગ માટે કોરલડ્રો, ક્વાર્ક એક્સપ્રેસ અને એડોબ જેવી કંપનીના સોફ્ટવેર સિવાય લગભગ કોઈ વિકલ્પ નહોતો. ખાસ કરીને એડોબ ઇનડિઝાઇન, એડોબ ઇલસ્ટ્રેટર અને એડોબ ફોટોશોપ જેવા સોફ્ટવેરે ડેસ્કટોપ પબ્લિશિંગ (ડીટીપી)ના ફીલ્ડમાં રીતસર ધાક જમાવી દીધી હતી.

તકલીફ એ હતી કે આ સોફ્ટવેર ખાસ્સાં મોંઘાં છે. અગાઉ તેમનું એક વર્ષનું લાઇસન્સ રૂ. ૬૦-૮૦ હજાર રૂપિયાનું રહેતું અને તેમાં પાછા અપડેટ્સ જોઇતા હોય તો દર વર્ષે તેનું લાઇસન્સ રીન્યુ કરાવવું પડે – ઓછામાં ઓછા વીસેક હજાર રૂપિયાના ખર્ચે.

એ પછી એડોબ કંપનીએ માસિક સબસ્ક્રિપ્શન લેવાનું શરૂ કર્યું. એક સાથે મોટો ખર્ચો નહીં, પણ એક સોફ્ટવેર માટે માસિક બે હજાર રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડે. ક્રિએટિવિટી અને ફીચર્સની બાબતે અન્ય કોઈ સોફ્ટવેર આ સોફ્ટવેરની તોલે ન આવે એ પણ ખરું.


એ પછી, એકાદ દાયકા પહેલાં બે મોટાં પરિવર્તન આવ્યાં. એક તરફ, યુરોપની ‘સેરિફ’ નામની એક કંપનીએ એડોબની હારોહાર ઊભા રહી શકે તેવાં ડીટીપી સોફ્ટવેર ડેવલપ કર્યાં અને શરૂઆતમાં ભારે ડિસ્કાઉન્ડ સાથે વેચવાનું શરૂ કર્યું. ડિસ્કાઉન્ટ સાથે એક સોફ્ટવેરની કિંમત હતી માંડ બે હજાર રૂપિયા – માસિક સબસ્ક્રિપ્શન નહીં, કાયમી લાઇસન્સ!

બીજી તરફ, ઓસ્ટ્રેલિયામાં કેનવા નામનું એક સ્ટાર્ટઅપ શરૂ થયું, તેણે ખાસ કરીને સોશિયલ મીડિયા માટે ક્લાઉડમાં જ ડિઝાઇન્સ બનાવવાની એકદમ સહેલી સગવડ આપી. ઓફલાઇન ઉપયોગ માટે સેરિફના ‘એફિનિટી’ ડિઝાઇન સોફ્ટવેર અને ઓનલાઇન ઉપયોગ માટે કેનવા સર્વિસ બંને અત્યંત પોપ્યુલર થયાં અને પોતપોતાની રીતે એડોબને જબરી હરીફાઇ આપવા લાગ્યાં.

હવે સમાચાર છે કે કેનવા કંપની સેરિફ કંપની ખરીદી રહી છે! અત્યારે સેરિફના પ્રોગ્રામ્સમાં યુનિકોડનો ઉપયોગ શક્ય નથી, ફક્ત એ એક કારણે, ભારતીય ભાષામાં ડિઝાઇનિંગ કરતા ડીટીપી યુનિટ્સ સેરિફના એફિનિટી પ્રોગ્રામ્સનો લાભ લઈ શકતા નથી. કેનવા અને સેરિફ એક થઈ જતાં, તેમાં યુનિકોડનો લાભ મળવા લાગશે તો ભારતનાં ડીટીપી યુનિટ્સને બહુ મોટો લાભ થશે એ નક્કી.

અત્યાર સુધી આપણે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવી હોય તો ગૂગલ પ્લેસ્ટોરમાં જઇએ, તેમાં કોઈ એક એપ પસંદ કરીએ અને ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરીએ. એ પછી બીજી કોઈ એપ ડાઉનલોડ કરવી હોય તો આપણે પહેલી એપ ઇન્સ્ટોલ થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડે.

હવે આ વાત બદલાઈ જાય તેવી શક્યતા છે. ગૂગલના પ્લેસ્ટોરના લેટેસ્ટ વર્ઝનમાં ‘પેરેલલ ડાઉનલોડ’ ફીચર  ઉમેરાય તેવી શક્યતા છે. મતલબ કે આ ફીચર લાઇવ થયા પછી આપણે ફોનમાં એક સાથે એકથી વધુ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકીશું. જોકે અત્યારે એવું લાગે છે કે આ રીતે એકને બદલે ફક્ત બે એપ સાથે ડાઉનલોડ કરી શકાશે.

ખરેખર તો પ્લેસ્ટોરમાં આ ફીચર પર ઘણાં વર્ષોથી કામ ચાલી રહ્યું હતું. પરંતુ હજી સુધી આ ફીચર લાઇવ થયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!