(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ : સમજીએ એકડેએકથી

નવા વર્ષમાં શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં ઝંપલાવવા માગતા યંગસ્ટર્સ કે મહિલાઓનું ઇન્વેસ્ટમેન્ટ સહેલું બનાવતી વાતો...

રસોડામાં કૂકરની સિટી પર સિટી વાગતી હોય કે કોલેજમાં પ્રોફેસર કોઈ કોમ્પ્લેક્સ ટોપિક સમજાવતા હોય એ સમયે પણ તમારા મનમાં સ્માર્ટફોન હાથમાં લઈ, કરંટ ફેવરિટ એપ ઓપન કરી, સેન્સેક્સ કેટલે પહોંચ્યો એ જોઈ લેવાની તાલાવેલી રહે છે? નક્કી તમે પણ, ઓનલાઇન ટ્રેડિંગના નવા ઘોડાપૂરમાં તણાઈ ગયા છો (હોપફુલી, ડૂબ્યા નહીં હો!)

એવું પણ બની શકે કે તમે હજી શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કર્યું ન હોય, પરંતુ મનમાં ઇચ્છા જરૂર સળવતી હોય.

કાગળ પરના શેર સર્ટિફિકેટથી આજના ડિજિટલ યુગ સુધીમાં રોકાણકાર અને શેરબજાર બંનેએ મોટી પ્રગતિ કરી છે. પાછલાં થોડાં વર્ષોથી હેવી ડિસ્કાઉન્ટ્સ સાથે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ સહેલું બનાવતી એપ્સ અને પ્લેટફોર્મ્સનો જુવાળ આવ્યો છે. ગૃહિણીઓ અને યંગસ્ટર્સ બંને મૂડીબજાર તરફ આકર્ષાયા છે ત્યારે તેમાં રોકાણ સંબંધિત કેટલી પાયાની વાતો કરી લઈએ.

આ લેખ તમારા માટે જ છે – જેમના મનમાં આંગળીન ઇશારે, ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવાની તાલાવેલી છે, પરંતુ પાયાની કેટલીક બાબતો વિશે અને ક્યાંથી, કેવી રીતે શરૂઆત કરવી એ વિશે મૂંઝવણો છે.

ભારતમાં શેર સર્ટિફિકેટ કાગળિયાંમાંથી ડિજટલ બન્યા ત્યાં સુધીમાં, ૩૪ વર્ષમાં, સેન્સેક્સ એક હજારથી એક તબક્કે ૮૫ હજારે પહોંચ્યો છે! આ જુવાળમાં નવા ઇન્વેસ્ટર્સ અને ઓનલાઇન ટ્રેડિંગ એપ્સ બંનેની બહુ મોટી ભૂમિકા છે.

પરંતુ લેખના શીર્ષકમાં ‘ટ્રેડિંગ’ને બદલે ‘ઇન્વેસ્ટમેન્ટ’ શબ્દ વાપર્યો છે, એ તરફ પણ થોડું ધ્યાન આપજો. બંનેમાં ફેર છે. ટ્રેડિંગમાં ટૂંકા ગાળાના લાભ પર ફોકસ છે, તો ઇન્વેસ્ટમેન્ટમાં લાંબા ગાળે સંપત્તિ ઊભી કરવાનું લક્ષ્ય હોય છે.

તમે શેરબજારમાં ઝુકાવવા ઇચ્છો છો? પણ ક્યાંથી શરૂઆત કરવી એ સમજાતું નથી? અહીં આપેલી વિગતો ઉપયોગી થશે.

બંનેમાંથી તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય તે કરો, પણ ફક્ત નવી એપ્સની ટીવી એડ્સથી દોરવાઇ જવાને બદલે, ઇન્વેસ્ટમેન્ટનું ટોટલ પિક્ચર પણ સમજશો તો વાત વધુ મજેદાર અને ખાસ તો વધુ ફાયદેમંદ બનશે. નવા સમયની એપ્સ પણ મૂડીબજારની ઊંડી સમજ કેળવવામાં બહુ સરસ રીતે મદદ કરે છે. અહીં એકદમ પાયાથી વાત કરી છે, તમને કામ લાગે  તો નવા વર્ષમાં કરો શ્રીગણેશ!

પહેલાં થોડી જૂની વાત કરીએ. ધીરુભાઈ અંબાણીની જીવનગાથા કહેતી ‘ગુરુ’ મૂવી તમે જોઈ હશે તો તેમાં મંુબઈમાં દલાલ સ્ટ્રીટ પરના શેરબજારમાં હૈયેહૈયું દળાય એવી ભીડ અને ભારે શોરબકોર વચ્ચે, બૂમો પાડીને શેરની લે-વેચ કરતા ‘ધીરુભાઈ’ અને અન્ય લોકો તમને યાદ હશે. ૧૯૯૦ના દાયકા સુધી ભારતમાં રૂપિયાની નોટની જેમ શેર પણ કાગળિયાં પરનાં સર્ટિફિકેટ હતા. એની લે-વેચ માટે બજારમાં રૂબરૂ જવું પડતું ને લેવેચ પછી પણ શેર સર્ટિફિકેટની બરાબર ટ્રાન્સફર થવાનો ભરોસો ન રહેતો, વિલંબ થતો અને ફ્રોડ પણ થતા.

શેર સર્ટિફિકેટને મળ્યું નવું સ્વરૂપ

૧૯૯૧માં સરકારે કાગળના શેર સર્ટિફિકેટને ‘ડીમટિરિઅલાઇઝ’ કરવાનું એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આપવાનું આયોજન શરૂ કર્યું. પછીના વર્ષે સમગ્ર મૂડીબજારના નિયમન માટે સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ની રચના થઈ. પછી ૧૯૯૬માં સેબી હેઠળ, વિવિધ સંસ્થાઓના સાથમાં ‘એનએસડીએલ’ અને ‘સીએસડીએલ’ તરીકે બે ‘ડિપોઝિટરી’ની રચના થઈ. આ બે સંસ્થા ભારતના તમામ શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રેકોર્ડ જાળવે છે.

કાગળ આધારિત ફ્લેશબેક પૂરો કરીને, આજના ડિજિટલ યુગમાં આવી જઈએ.

આજે બધું આંગળીના ટેરવે હોય, તો મૂડીરોકાણની સુવિધા કેમ નહીં? એપ્સને કારણે સૌ માટે ઇન્વેસ્ટમેન્ટ સહેલું બન્યું છે.

આજે ભારતમાં અનેક પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ  એપ્સ, પ્લેટફોર્મ્સનો રાફડો ફાટ્યો છે. કોલેજના સ્ટુડન્ટ્સ અને ગૃહિણીઓ પણ આંગળીના ઇશારે ને આંખના પલકારે શેર્સ, એમએફ, આઇપીઓ, એનએફઓ વગેરેમાં ઇન્વેસ્ટ કરવા લાગ્યાં છે.

કારણ દેખીતું છે. શેરનું ડીમટિરિઅલાઇઝેશન શરૂ થયું એ અરસામાં, ૧૯૯૦માં જુલાઈ ૨૫ના દિવસે સેન્સેક્સ પહેલી વાર ૧૦૦૧ના આંકે પહોંચ્યો હતો, આજના ઇન્ટરનેટ યુગમાં સેન્સેક્સ હમણાં જ ૮૫,૯૭૮.૨૫ના વિક્રમી આંકે પહોંચ્યો હતો!

ડિજિટલ એપ્સનો નવો યુગ

ભારતમાં ઓનલાઇન ટ્રેડિંગ ૨૦૦૦માં શરૂ થયું. વર્ષ ૨૦૧૦માં ભારતમાં પહેલી વાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) મોબાઇલ ફોન પર ટ્રેડિંગની વ્યવસ્થા લોન્ચ કરી. એ પછી તો બીએસઇ, એનએસઇ સાથે જોડાયેલા વિવિધ બ્રોકર્સ, બેન્ક્સ વગેરે ક્લાયન્ટ્સને મોબાઇલ એપમાં ટ્રેડિંગની સુવિધા આપવા લાગ્યા.

શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું, તેનું સતત ટ્રેકિંગ કરવું અને જરૂર મુજબ લે-વેચ કરવી વગેરે કામ હવે બહુ સહેલાં બન્યાં છે. આપણે પોતાની બેન્કમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવીને કે કોઈ સારી એપથી આ કામ ફટાફટ થઈ શકે છે.

વર્ષ ૨૦૧૦ પછી ઓનલાઇન ટ્રેડિંગ એપ્સમાં રીતસર ઉછાળો આવ્યો. આવી એપ્સ ‘ડિસ્કાઉન્ટ બ્રોકરેજ’ તરીકે પણ ઓળખાય છે, પરંપરાગત બ્રોકર હાઉસની તુલનામાં આવી એપ્સમાં બ્રોકરેજ, કમિશન, એન્યુઅલ ચાર્જ વગેરે ઘણુા જ ઓછા છે. આવી એપ્સને કારણે જ યંગસ્ટર્સ અને મહિલાઓ મોટા પ્રમાણમાં શેરબજાર તરફ વળ્યાં છે (જોકે લોકોને ટેવ પાડ્યા પછી આવી એપ્સમાં પણ ચાર્જ આવવા લાગ્યા છે).

ઇઝી ઇન્ટરફેસ, બેઝિક્સ સમજાવતા ટ્યુટોરિયલ્સ, રિઅલ-ટાઇમ ડેટા અને એનાલિસિસ, સફળ ઇન્વેસ્ટર્સની રોકાણ પેટર્નને કોપી કરવાની તક વગેરે પાસાંએ આવી એપ્સનો ઉપયોગ વધારવામાં મોટો ભાગ ભજવ્યો છે.

અહીં આપેલી વાતો એકદમ બેઝિક છે, બધું સમાવવું શક્ય નથી, પણ  આ એપ્સનો ઉપયોગ કરવામાં એ તમને કામ લાગશે!

આ રોકાણ શરૂ કર્યા પછીની વાત છે. આપણું તમામ મૂડીરોકાણ એક સાથે જોવું હોય તો? આપણી પસંદની એપ ઉપરાંત, આપણા દેશમાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝટરી લિમિટેડ (એનએસડીએલ-https://nsdlcas.nsdl.com/), સેન્ટ્રલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (સીડીએસએલ-https://www.cdslindia.com/cas/logincas.aspx) એ બે ડિપોઝિટરી  મદદ કરે છે, જે તમામ રોકાણકારોના સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડસ વગેરેનો રેકોર્ડ જાળવે છે.

જોકે ઘણા યંગસ્ટર્સ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટને પણ રિઅલ મની ગેમ તરીકે જુએ છે અને ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં રચ્યાપચ્યા રહે છે. એ જોખમી બની શકે. સારા વળતર માટે વિવિધ પાસાંની જાણકારી અને કંપનીઓનો અભ્યાસ અનિવાર્ય છે.

 આપણે આ કંપનીઓમાં પોતાના પાન નંબર તથા મોબાઇલ નંબરની મદદથી રજિસ્ટ્રેશન કરાવીએ તે પછી તેમના તરફથી નિશ્ચિત સમયગાળે આપણા કુલ રોકાણનું કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટ ઇમેઇલ દ્વારા નિયમિત રીતે મળે છે.  આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે જો આપણું રોકાણ અલગ અલગ એપ કે ડીમેટ એકાઉન્ટ દ્વારા થતું હોય તો પણ  જે તે સિક્યોરિટી ડિપોઝિટરી કે આરટીએ હેઠળના આપણા તમામ રોકાણનું એક સહિયારું સ્ટેટમેન્ટ મળે છે.

સ્ટોક માર્કેટ / શેરબજાર

શેરબજાર એટલે એવી વ્યવસ્થા, જેમાં એક કંપનીમાં અનેક લોકો ભાગીદાર બની શકે. વિવિધ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ થાય એ પછી આપણે પોતાની પસંદગીની કંપનીના શેરમાં સીધું રોકાણ કરી શકીએ અને ઇચ્છીએ ત્યારે તેને લે-વેચ કરી શકીએ. આ કામ બ્રોકરને ફોન કરીને અથવા જાતે જ, પોતાના ફોનમાંની એપની મદદથી કરી શકાય. બસ ડીમેટ એકાઉન્ટ અને એપ હોવાં જોઈએ.

મ્યુચ્યુઅલ ફંડ

શેરબજારની ઊંચ-નીચ, તેજી-મંદીની સચોટ આગાહી શક્ય નથી. માત્ર જે તે કંપનીના ડેટાના ઊંડા એનાલિસિસ પછી તેના ભાવમાં વધઘટ વિશે અનુમાન કરી શકાય. આ કામ માત્ર નિષ્ણાતો કરી શકે. આથી મ્યુચ્યુઅલ ફંડની વ્યવસ્થા વિકસી, જેમાં આપણા વતી ફંડ મેનેજર નિશ્ચિત એનાલિસિસ પછી વિવિધ શેરમાં સામુહિક રોકાણ કરે છે. આ રીતે આપણે વિવિધ કંપનીમાં સાથે રોકાણ કરી શકીએ.

આઇપીઓ

કોઈ નાનો આઇડિયા કે સ્ટાર્ટઅપ શરૂઆતમાં વ્યક્તિગત રોકાણ, લોન, વેન્ચર કેપિટલિસ્ટની મદદ વગેરેથી આગળ વધે. આગળ જતાં તેને વિરાટ સ્વરૂપ આપવા માટે ‘ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ’થી શેરબજારમાં લિસ્ટ કરવામાં આવે, જેથી એ કંપનીનું સારું ભાવિ જોનારા લોકો તેમાં રોકાણ કરી, કંપનીના ભાગીદાર બને.

એનએફઓ

શેરબજારમાં જેમ આઇપીઓ તેમ મ્યુચ્યુઅલ ફંડમાં ન્યુ ફંડ ઓફર. કોઈ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ચોક્કસ પ્રકારના લક્ષ્ય સાથે નવું મ્યુચ્યુઅલ ફંડ વિક્સાવે ત્યારે તેને એનએફઓ તરીકે લોન્ચ કરે છે. આપણે એ સમયે તેમાં રોકાણ કરી શકીએ. એ સિવાય, કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં આપણે ગમે ત્યારે રોકાણ કરી શકીએ છીએ.

ડીમેટ એકાઉન્ટ

આપણે શેરમાં સીધું રોકાણ કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં, આપણી બધી લેવડદેવડ ડીમેટ એકાઉન્ટમાં નોંધાય છે. વિવિધ બ્રોકરેજ કંપની, બેન્ક તથા ઓનલાઇન પ્લેટફોર્મ્સ આપણને તેનામાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરી, તેમાં ટ્રેડિંગ કરવાની સગવડ આપે છે. જેમ બેન્ક ખાતામાં રૂપિયા એમ ડીમેટ ખાતામાં શેર/મ્યુ. ફંડ એવું કહી શકાય. વિવિધ એપ્સ હવે ફ્રી ડીમેટ એકાઉન્ટની સગવડ આપે છે.

ડિપોઝિટરી અને ડીપી

ભારતમાં શેરબજાર સંબંધિત રોકાણની બધી લેવડદેવડ એનએસડીએલ અને સીએસડીએલ એમ બે ડિપોઝિટરી સંસ્થામાં નોંધાય છે. તેની સાથે વિવિધ બેન્ક, બ્રોકર હાઉસ, ઓનલાઇન પ્લેટફોર્મ વગેરે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) તરીકે જોડાય છે. આવા ડીપી પ્લેટફોર્મ રોકાણકાર અને ડિપોઝિટરી વચ્ચે કડીનું કામ કરે છે. આખી વ્યવસ્થાનું નિયમન સેબી કરે છે.

એએસબીએ-અસ્બા

આઇપીઓ કે એનએફઓમાં રોકાણ કરવાની સહેલી વ્યવસ્થા તરીકે ‘અસ્બા’ પદ્ધતિ વિક્સી છે. તેમાં આપણે પોતાના બેન્ક ખાતામાંથી (યુપીઆઇ દ્વારા પણ) રોકાણ જેટલી રકમ બ્લોક કરી શકીએ છીએ. જો આપણને શેર ફાળવવામાં આવે, તો એટલી રકમ ખાતામાં જાય, બાકી રકમ ફરી અનબ્લોક થાય.

એસઆઇપી

શેરબજારમાં રોકાણ કે મ્યુ. ફંડ મારફત રોકાણ કરવામાં સમય બહુ મોટો ભાગ ભજવે છે. આપણે મોટી રકમ એક સાથે રોકીએ, બરાબર એ જ સમયે બજાર બહુ ઊંચું હોય અને પછી ગગડે તો આપણે ખોટમાં જઇએ. એવું થતું ટાળવા ‘સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન’ હેઠળ નાની નાની રકમનું નિયમિત સમયાંતરે રોકાણ કરી શકાય છે.

સ્ટાર્ટઅપનો મિજાજ, ટેક્નોલોજીનો સ્માર્ટ ઉપયોગ, હેવી ડિસ્કાઉન્ટ્સ અને યંગ, નવા યૂઝર્સ પર ફોકસ – આ બધાં કારણે નીચેની એપ્સ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે – તમે પણ તેમાં ઝંપલાવી શકો.

આ બધી એપ્સ ભારતના શેરબજારમાં તાજગીનો એક નવો પવન લઈને આવી છે. તેના પ્રમોટર્સ પોતે મોટા ભાગે યંગસ્ટર્સ હોવાથી એ નવી જનરેશનની પસંદ-નાપસંદ બહુ સારી રીતે સમજે છે.

groww.in

જબરી પોપ્યુલર સર્વિસ. તેમાં લગભગ તમામ ઇન્વેસ્ટમેન્ટ/ટ્રેડિંગનો લાભ મળશે. સાથોસાથ બિલ પેમેન્ટ તથા યુપીઆઇની સુવિધા પણ મળશે. આ એપમાં અગ્રેસિવ, ડિસ્કાઉન્ટેડ ચાર્જિસનો લાભ પણ છે. યંગસ્ટર્સમાં આ એપ જબરી પોપ્યુલર છે.

upstox.com

આ સર્વિસ પણ યંગસ્ટર્સમાં ખાસ્સી પોપ્યુલર. નવા ઇન્વેસ્ટર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેની વેબસાઇટ પર સ્ટોક માર્કેટની સરળ સમજ આપતા વેબિનાર, કોર્સ, ક્વિક વીડિયો મૂકાય છે, જેનો ખાસ લાભ લેવા જેવો છે.

zerodha.com

પરંપરાગત બ્રોકર્સ કરતાં અડધા નહીં, સાવ નહિંવત ચાર્જ લઈને આ એપે ‘ડિસ્કાઉન્ટ બ્રોકિંગ’ આપ્યું અને એ રીતે યંગસ્ટર્સ અને નવા ઇન્વેસ્ટર્સને આકર્ષવાની પહેલ કરી. ઇઝી ઇન્ટરફેસ અને સપોર્ટ પોર્ટલ  વિશેષ ઉપયોગી છે.

5paisa.com

આ સર્વિસ પાંચ મિનિટમાં ફ્રી ડીમેટ ખોલી આપે છે! એ પણ અન્યની જેમ ખાસ્સા ડિસ્કાઉન્ટેડ ચાર્જિસ પર આગળ વધી રહી છે. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ ત્યારે તેમાં કમિશન ચૂકવવું પડે, પણ આ સર્વિસમાં ઝીરો કમિશન છે!

paytmmoney.com

પેટીએમ ગ્રૂપની ખાસ ઇન્વેસ્ટમેન્ટ/ટ્રેડિંગ માટેની સર્વિસ. ફોકસ એ જ – લગભગ બધી વાતે નહિંવત ચાર્જ લઈને યૂઝર્સ વધારવા. જો તમે યુપીઆઇ કે અન્ય ઉપયોગ માટે પેટીએમનો ઉપયોગ કરતા હો તો વાત સહેલી બનશે.


અહીં આપેલા સ્ક્રીનશોટ્સ જોઈને જ તમે સમજી જશો કે નવી જનરેશન કે નવા ઇન્વેસ્ટર્સમાં આ એપ્સ કેમ પોપ્યુલર છે. એકદમ સિમ્પલ ડિઝાઇન, એકદમ નહિંવત ચાર્જ, વિવિધ ભાષામાં સારો સપોર્ટ વગેરે આ એપ્સનાં પ્લસ પોઇન્ટ્સ છે.

તમે હજી ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું ન હોય તો અન્ય લોકોના અભિપ્રાયથી દોરવાઈ જવાને બદલે, આ બધી સર્વિસની વેબસાઇટ્સ કે એપ્સ તપાસી જુઓ. તેના ચાર્જ અને નોલેજબેઝ કે ટ્યુટોરિયલ્સ ખાસ તપાસી જુઓ, એ પછી આપોઆપ તમારી પસંદગી સહેલી બની જશે.

નીચે આપેલી બધી એપ્સ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓ દ્વારા લોન્ચ થયેલી એપ્સ છે. ખાસ કરીને નવા સમયની ફીલનો અભાવ જેવાં કારણે આમાંની અમુક એપ્સ ખાસ વેગ પકડી શકી નથી.

તમારું ફોકસ ફક્ત મ્યુચ્યુઅલ ફંડનું હોય તો તમે અહીં આપેલી એપ્સ તપાસી શકો.

એ ખાસ યાદ રાખવા જેવું છે કે એપ નવા સ્ટાર્ટઅપની હોય કે જૂની સંસ્થાઓની, તે ફક્ત આપણને રોકાણ-ટ્રેડિંગની સવલત આપે છે. આપણું રોકાણ બધામાં સલામત રહે છે.

માયકેમ્સ એમએફ

મ્યુ. ફંડ ઇન્સ્ટ્રીની અગ્રણી  સંસ્થા કેમ્સ દ્વારા રજૂ કરાયેલ એપ. ૫૦ લાખ યૂઝર્સ સુધી પહોંચેલી એપમાં ફંડ સ્કીમ્સમાંનું રોકાણ મેનેજ કરી શકાય છે.

કેફિનકાર્ટ

આ ઇન્ડસ્ટ્રીની વધુ એક અગ્રણી સંસ્થાની એપ. આ એપ દસેક લાખ યૂઝર્સ સુધી પહોંચી છે. અહીં પણ રોકાણનો સિંગલ વ્યૂ અને સરળ ટ્રાન્ઝેક્શનનું ફોકસ છે.

એફએફસેન્ટ્રલ

કેમ્સ, કેફિનટેકની પહેલ. એમએફમાં રોકાણ-રીડમ્પ્શન સહેલું બનાવે છે. નવી રજૂ થઈ છે, પણ ઝડપથી ડાઉનલોડ્સ વધી રહ્યા છે.

ગોએમએફ એપ

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી દ્વારા એમએફમાં ટ્રાન્ઝેક્શન સહેલું બનાવવા માટે કરવામાં આવેલી પહેલ. તેનું ફોકસ પણ ટોટલ સોલ્યુશન છે.

બીએસઇ સ્ટાર એમએફ

બોમ્બે સ્ટોક એક્સચેન્જે પોતે લોન્ચ કરેલું પ્લેટફોર્મ. અલબત્ત, આ એપની પહોંચ બહુ મર્યાદિત રહી છે.


આગલાં બે પેજ પર નવા સમયની એપ્સના સ્ક્રીનશોટ્સ છે, તેને આ બંને પેજ પરના સ્ક્રીનશોટ્સ સાથે સરખાવો – તમને તરત સમજાશે કે આ એપ્સ કેમ ખાસ ચાલતી નથી. આ બધી એપ્સ ફક્ત મ્યુચ્યુઅલ ફંડ પર ફોકસ્ડ છે અને ખાસ તો બહુ જૂના સમયની ડિઝાઇનનો ઉપયોગ કરે છે.

અલબત્ત, ડિઝાઇનને ધ્યાન પર ન લઈએ તો આ એપ્સના ફંક્શનમાં કોઈ તકલીફ નથી. ખાસ કરીને એફએફસેન્ટ્રલ જેવી એપ, તમારા તમામ મ્યુચ્યુઅલ ફંડના રોકાણને એક એપમાં મેનેજ કરવાનું સરળ બનાવે તેવી છે, તેમાં અલગ અલગ એમએફ પોર્ટફોલિયોને વિવિધ રીતે અપડેટ પણ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!