(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટોલટેક્સ પ્લાઝા પર આપણે ફાસ્ટેગ સ્કેનિંગ માટે રોકાવું નહીં પડે

ભારત સરકારે હાઇવે પર ટોલ કલેક્શનના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે, પરિણામે...

હજુ એકાદ દાયકા પહેલાં આપણે વિવિધ હાઇવેનો ઉપયોગ કરીએ ત્યારે એ માટે ટોલ પ્લાઝા પર ફક્ત રોકડા અથવા બેન્કનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ટોલટેક્સ ચૂકવી શકતા હતા. એ પછી યુપીઆઇથી ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા મળી. વર્ષ ૨૦૧૪માં ફાસ્ટેગ સુવિધા લોન્ચ થતાં ટોલ કલેકશનની આખી પ્રક્રિયા એકદમ સરળ, ઝડપી બની ગઈ.

આપણા ફોર વ્હીલર વાહનના વિન્ડસ્ક્રીન પર લગાવેલ ફાસ્ટેગ ટોલટેક્સ પ્લાઝા પરના કેમેરાથી સ્કેન થાય અને રકમ આપણાં બેન્ક એકાઉન્ટમાંથી આપોઆપ કપાઈ જાય.

આ વ્યવસ્થા પણ આખરે યુપીઆઇ આધારિત છે પરંતુ તેમાં પેમેન્ટ માટે ક્યૂઆર કોડ સ્કેન કરવાની કોઈ મેન્યુઅલ પ્રોસેસ કરવાની થતી નથી. થોડા સમય પહેલાં, આ આખી પ્રોસેસ હજી વધુ ઝડપી બનાવવાની જાહેરાત થઈ.

ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે નેશનલ હાઇવેઝ ફી રૂલ્સ, ૨૦૦૮માં નોંધપાત્ર સુધારા કર્યા. આ સુધારાને કારણે ટોલ કલેકશન માટે ફાસ્ટેગની હાલની વ્યવસ્થાને સ્થાને સેટેલાઇટ આધારિત સિસ્ટમનો અમલ શરૂ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

આખી વાત થોડી વધુ વિગતવાર જાણીએ, કેમ કે આપણે નજીકના સમયમાં આ જ રસ્તે જવાનું છે!

વાહન પર ફાસ્ટેગને કારણે હાઇવેના ટોલ પ્લાઝા પર ચૂકવવાની થતી રકમ આપોઆપ આપણા ખાતામાંથી કપાઈ જાય છે. તેમ છતાં,  ફાસ્ટેગનું સ્કેનિંગ થોડી ઝંઝટવાળી પ્રોસેસ હોવાથી તેમાં ઘણો સમય અને સરવાળે ઇંધણ વેડફાય છે. હવે સેટેલાઇટની મદદથી વાહનનું ટ્રેકિંગ થાય અને કાપેલા અંતર જેટલો જ ટોલ ચૂકવવાનો થાય એવી વ્યવસ્થા આવે છે.

હાલની ફાસ્ટેગ વ્યવસ્થા જૂની મેન્યુઅલ વ્યવસ્થા કરતાં ઘણી અસરકારક સાબિત થઈ છે તેમ છતાં હજુ પણ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ કલેકશન કરવામાં વાહનોની લાઇન લાગે છે. નવી જીપીએસ આધારિત વ્યવસ્થામાં ટોલ બૂથની જરૂરિયાત જ રહેશે નહીં!

અત્યારની વ્યવસ્થા જોઈએ તો, આપણે પોતાની બેન્ક અથવા અન્ય પેમેન્ટ એપમાં પોતાનું ફાસ્ટેગ એકાઉન્ટ ક્રિએટ કરીને ફિઝિકલ ફાસ્ટેગ મેળવવાનું થાય છે. આ ફાસ્ટેગ કારના વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. એ પછી આપણે પોતાના ફાસ્ટેગ એકાઉન્ટમાં બેલેન્સ જાળવવાનું રહે અને ટોલ બૂથ પર ટોલ રકમ આપોઆપ કપાતી જાય.

બરાબર એ રીતે નવી સેટેલાઇટ આધારિત વ્યવસ્થામાં દરેક વાહનમાં ભારતની જીપીએસ જેવી ‘નાવિક’ સિસ્ટમ અને થ્રીજી કનેક્ટિવિટી ધરાવતું એક માઇક્રો કન્ટ્રોલર યુનિટ મેળવીને તેને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. આ ઓન-બોર્ડ યુનિટ વાહન ખરીદી વખતે મળશે અથવા ફાસ્ટેગની જેમ પાછળથી મેળવી શકાશે. આ યુનિટને ટ્રેક કરીને નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) વાહનની મૂવમેન્ટ ચેક કરી શકશે અને તેના રૂટને આધારે તથા વાહન જે ટોલ ગેટ પસાર કરે તેને આધારે વાહને ચૂકવવાનો થતો ટોલ ચાર્જ નક્કી કરી શકશે. નવી વ્યવસ્થામાં વાહને ટોલટેક્સને પાત્ર રસ્તા પર ચોક્કસપણે જેટલું અંતર કાપ્યું હોય એટલા અંતર માટે જ ટોલટેક્સ ચૂકવવાનો થશે.

આ માટે વાહન ટોલ રોડ પર ચઢે અને તેની બહાર નીકળે એ સમયે, એક પ્રકારના વર્ચ્યુઅલ ગેટ જેવી વ્યવસ્થાથી, ઓન-બોર્ડ યુનિટ ટ્રેક થશે.

જર્મનીમાં છેક ૨૦૦૫થી આ પ્રકારની વ્યવસ્થા છે. રશિયા, સ્લોવેકિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક વગેરે દેશોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે. પરંતુ ત્યાં કુલ ૧૦થી ૧૫ હજાર કિલોમીટર જેટલા રસ્તાઓ માટે અને મોટા ભાગે ટ્રક જેવાં ભારે વાહનો માટે જ તેનો ઉપયોગ છે. ભારતમાં હાઇવેઝનું કુલ અંતર ૧.૪ લાખ કિલોમીટર જેટલું છે અને તેમાંથી ૪૫,૦૦૦ કિલોમીટર જેટલા રોડ પર ટોલટેક્સ લાગુ છે!


ભારતમાં શરૂઆતમાં જોખમી માલસામાન લઈ જતા ટ્રેક, ટ્રેલર, કન્ટેઇનર માટે આ વ્યવસ્થા લાગુ થશે. આ વાહનોમાં હાલમાં પણ વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ વાહનો માટે આવતા વર્ષે એપ્રિલ સુધીમાં નવી વ્યવસ્થા લાગુ થશે. એ માટે ભારતના તમામ હાઇવેનું જિઓ-ફેન્સિંગ કરી લેવામાં આવ્યું છે, જેથી વાહન તેમાં દાખલ થાય અને બહાર નીકળે બરાબર ત્યારથી જ તેનું ટ્રેકિંગ થઈ શકે.

શરૂઆતમાં હાલના ટોલ પ્લાઝામાં જ ફાસ્ટેગની જેમ ખાસ પ્રકારની લેન શરૂ કરાશે. લેનમાં કોઈ બૂમ-બેરિયર નહીં હોય અને વાહનો સડસડાટ એમાંથી પસાર થઈ શકશે. આવતા વર્ષ સુધીમાં ૧૦-૧૨ હજાર કિલોમીટર હાઇવે પર અને બે વર્ષમાં લગભગ ૫૦,૦૦૦ કિલોમીટર હાઇવે પર આપણને આ નવી વ્યવસ્થાનો લાભ મળવા લાગશે!

આ નવી વ્યવસ્થામાં કેટલાક દેખીતા ફાયદા છે જેમ કે

  • હાઇવે પર ટોલ પ્લાઝાની જરૂર રહેશે નહીં. આથી આપણી મુસાફરીની શરૂઆતમાં કે અંતે ટોલ પ્લાઝા પર લાગતી લાઇનમાં સમય વેડફાશે નહીં.
  • નવી વ્યવસ્થામાં આપણે કાપેલા ચોક્કસ અંતર મુજબ રકમ ચૂકવવાની થશે.
  • હાઇવે પર નિશ્ચિત અંતર કાપવામાં જુદા જુદા સમયે વાહનોને કેટલો સમય લાગે છે તેનો સ્પષ્ટ ડેટા મળવાને કારણે હાઇવેના મોનિટરિંગ અને મેઇન્ટેનન્સમાં મદદ મળશે.
  • ટોલ પ્લાઝાના ઓપરેશન અને મેઇન્ટેનન્સનો ખર્ચ બચી જશે.
  • ટોપ પ્લાઝાના અવરોધ ન રહેવાને કારણે વાહનોના ઇંધણ ખર્ચમાં પણ બચત થશે.

આ નવી વ્યવસ્થાનો અમલ મોટા અને હેવી ટ્રાફિક ધરાવતા હાઇવે પર ઝડપથી શરૂ થાય તેવી શક્યતા છે. જોકે દેશભરમાં આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં ઘણા પડકારો છે. જેમ કે 

  • નવી સેટેલાઇટ આધારિત વ્યવસ્થા ઊભી કરવામાં શરૂઆતમાં જંગી રોકાણ થશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભારતની ટીસીએસ, ઇન્ફોસિસ તથા એસેન્ચર અને અન્ય કંપનીઓએ આખી સિસ્ટમ તૈયાર કરવામાં રસ બતાવ્યો છે.
  • આખી વ્યવસ્થામાં ટેકનોલોજી પર બહુ મોટો આધાર હોવાને કારણે તે ચોવીસેય કલાક બરાબર કામ આપતી રહે અને કોઈ ટેકનિકલ ખામી સર્જાય નહીં તે સુનિશ્ચિત કરવું પડશે.
  • ટ્રેક ન થતાં વાહનો જીએનએસએસ લેનમાં ઘૂસી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે કેમ કે તેમાં કોઈ બેરિયર નહીં હોય!
  • પોતાના વાહનની મૂવમેન્ટનું સતત ટ્રેકિંગ થાય તેની સામે લોકો વાંધા ઉઠાવશે (જોકે સરકારની સ્પષ્ટતા અનુસાર વાહન હાઇવે પર હોય ત્યારે જ તેનું ટ્રેકિંગ થશે). સ્ટોર થયેલો આ ડેટા હેક થવાની પણ ભીતિ રહે છે.

ભારત સરકારે ટોલ કલેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા ત્યારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ને બદલે ગ્બોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ) શબ્દનો ઉપયોગ કર્યો છે, એ તરફ ધ્યાન આપવા જેવું છે. આમ તો આ બંને એકબીજાને તદ્દન મળતી આવતી વાત છે, પરંતુ જીએનએસએસ એ કોઈ પણ પ્રકારની, સેટેલાઇટની મદદથી વાહનોના નેવિગેશન અને પોઝિશન ટ્રેક કરવાની વ્યવસ્થાનું જેનરિક નામ છે. જ્યારે જીપીએસ એ અમેરિકાએ ડેવલપ કરેલી અને ૧૯૭૩માં લોન્ચ કરેલી વ્યવસ્થા છે.

અમેરિકાની જીપીએસ ઉપરાંત રશિયાની પેરુસ (જે પછી ‘ગ્લોસનાસ’ બની), ચીનની બેઇડુ, જાપાનની ક્યૂઝેડએસએસ, યુરોપિયન યુનિયનની ગેલિલિઓ અને ભારતની ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (નાવિક) પણ લગભગ એક સરખું કામ આપે છે.

ભારત ટોલ કલેક્શન માટેની નવી વ્યવસ્થામાં નાવિકનો ઉપયોગ કરવામાં આવશે.

આપણે ભલે જીએનએસએસને સેટેલાઇટ આધારિત વ્યવસ્થા ગણીએ, પરંતુ તેમાં પૃથ્વી ફરતે ફરતા સેટેલાઇટ્સ ઉપરાંત બીજાં પણ મહત્ત્વનાં પાસાં છે. આ આખી વ્યવસ્થા સ્પેસ, કંટ્રોલ અને યૂઝર એમ ત્રણ પાસાંમાં વહેંચાયેલી છે.

સ્પેસ સેગમેન્ટમાં પૃથ્વીથી ૨૦,૦૦૦થી ૩૭,૦૦૦ કિલોમીટર ઊંચે ફરતા સેટેલાઇટ્સનાં ઝૂમખાં છે, જે પૃથ્વીની સરખામણીએ પોતાનો સમય, ઓર્બિટ અને સ્ટેટસ રીલે કરતા રહે છે.

કંટ્રોલ સેગમેન્ટમાં પૃથ્વી પર જુદાં જુદાં સ્થળોએ માસ્ટર કંટ્રોલ, ડેટા અપલોડિંગ ને મોનિટરિંગનાં સ્થળો હોય છે.

યૂઝર સેગમેન્ટમાં જે તે વાહનો છે, જેમાં સેટેલાઇટનાં સિગ્નલ રીસિવ કરવાની વ્યવસ્થા હોય છે. આ વાહનના રીસિવરને મળતાં કમ સે કમ ચાર સેટેલાઇટનાં સિગ્નલને આધારે પૃથ્વી પર, નક્શા પર એ વાહનનું સ્થાન નિશ્ચિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!