(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • હવે વિકિપીડિયા ભારત સરકારની નજરમાં
  • માઇક્રોસોફ્ટ ટીમ્સમાં લાઇવ ટ્રાન્સલેશન
  • જેટ પ્લેન ટ્રેક કરતાં એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરાયાં
  • એઆઇને નવા લેવલે લઈ જવાનો પ્રયાસ

સામાન્ય રીતે ભારત સરકારને જુદી જુદી વાતે સોશિયલ મીડિયા સાઇટ્સ સામે વાંધો પડતો હોય છે. પરંતુ હમણાં વિકિપીડિયાની વેબસાઇટ પણ ભારત સરકારની અડફેટે આવી ગઈ છે. ભારત સરકારે વિકિપીડિયાની સંચાલક કંપનીને એક નોટિસ પાઠવીને તેના ‘ઇન્ટરમીડિયરી સ્ટેટસ’ સામે સવાલ ઉઠાવ્યો છે.

ભારતમાં ટેક પ્લેટફોર્મને ઇન્ટરમીડિયરી એટલે કે મધ્યસ્થી ગણવામાં આવે છે. આવી સાઇટ્સ પર યૂઝર્સ વાંધાજનક કન્ટેન્ટ મૂકે ત્યારે,  મોટા ભાગે આવું સ્ટેટસ મેળવનાર સાઇટ્સ ‘પોતે વિવિધ યૂઝરને તેમના અભિપ્રાયો વ્યક્ત કરવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, એ અભિપ્રાયો માટે કંપની પોતે જવાબદાર નથી’ એવું કહીને છટકી જતી હોય છે. પરંતુ હવે ભારત સરકારે વિકિપીડિયાને આવા સ્ટેટસ સામે સવાલ ઉઠાવ્યો છે.

હજી થોડા સમય પહેલાં સપ્ટેમ્બર મહિનામાં દિલ્હી હાઇકોર્ટે વિકિપીડિયાની ટીકા કરીને તેના પર પ્રતિબંધ મૂકવાની ટીમકી આપી હતી. હવે ભારત સરકારે કહ્યું છે કે વિકિપીડિયાને મધ્યસ્થી ગણવાને બદલે પબ્લિશર તરીકે તેના પર મુકાતા કન્ટેન્ટ માટે જવાબદાર ગણવી જોઇએ.

કારણ એ છે કે વિકિપીડિયા પર મુકાતા વિવિધ કન્ટેન્ટમાં ભારત સામેના પૂર્વગ્રહ ભર્યું લખાણ પ્રકાશિત થતું હોવા વિશે વારંવાર ફરિયાદો ઊઠી છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી સ્માર્ટફોનમાં રિઅલ ટાઇમ ટ્રાન્સલેશન હવે શક્ય બની ગયું છે. આ કારણે ફોન પર વાતચીત કરતી બે વ્યક્તિ જુદી જુદી ભાષામાં વાત કરે તો પણ ત્યારે ને ત્યારે તેને પોતાની ભાષામાં વાંચી-સાંભળી શકે છે.

આવી જ સુવિધા હવે માઇક્રોસોફ્ટ ટીમ્સ એપમાં પણ આવી ગઈ છે. આ કારણે હવે ઓફિસ મીટિંગ દરમિયાન મીટિંગમાં ભાગ લેનારા લોકો તેમની પસંદગીની કોઈ પણ ભાષામાં બોલી શકશે અને ટીમ્સમાંનું ઇન્ટરપ્રીટર ફીચર બોલાતા શબ્દોનું તરત ને તરત જુદી જુદી ભાષામાં ટ્રાન્સલેશન કરી દેશે!

આ કારણે મીટિંગમાં કોઈ વ્યક્તિ ફ્રેન્ચ ભાષામાં બોલી રહી  હોય તો એમની વાત મીટિંગમાં સામેલ અન્ય કોઈ વ્યક્તિ હિંદી ભાષામાં સાંભળી શકશે.

મજાની વાત એ છે કે એક ભાષામાં બોલાતા શબ્દોનું જ્યારે બીજી ભાષામાં ટ્રાન્સલેશન થાય ત્યારે મૂળ વ્યક્તિ જે રીતે બોલી રહી હોય બરાબર એ જ રીતે, તેમનો જ અવાજ લાગે એ રીતે બીજી ભાષામાં તેનું લાઇવ ટ્રાન્સલેશન થશે!

આ ફીચરનો પ્રીવ્યૂ આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે. શરૂઆતમાં આ ફીચરમાં નવ ભાષાઓનો ઉપયોગ શક્ય બનશે અને પછી નવી ભાષાઓ ઉમેરાશે. માઇક્રોસોફ્ટ ટીમ્સમાં આ સિવાય પણ બીજા, એઆઇ આધારિત સંખ્યાબંધ ફેરફારો આવી રહ્યા છે.

તમને યાદ હોય તો થોડા સમય પહેલાં એક ટીનેજરે ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ જેવી કંપનીઓના સર્વેસર્વા ઇલોન મસ્કનું જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું. તેણે ટ્વીટર પર એક એકાઉન્ટ ખોલાવ્યું હતું જેના પર તે ઇલોન મસ્કના પ્રાઇવેટ જેટ પ્લેનની તમામ મૂવમેન્ટ ટ્રેક કરીને તેના અપડેટ શેર કરતો હતો. એ કારણે ઇલોન મસ્ક દુનિયામાં ક્યાંય પણ જાય તે દુનિયાથી છૂપું રહેતું નહોતું.

એ ટીનેજરનું એકાઉન્ટ જબરું પોપ્યુલર બન્યા પછી અન્ય સેલિબ્રિટીના પ્રાઇવેટ જેટને ટ્રેક કરીને તેને સોશિયલ મીડિયા પર શેર કરતા એકાઉન્ટ ટપોટપ ખૂલવા લાગ્યાં. ઇલોન મસ્ક ઉપરાંત મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ, અમેરિકાના ભૂતપૂર્વ અને આગામી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વગેરેનાં પ્લેન પણ ટ્રેક થવા લાગ્યાં.

આ ટ્રેન્ડ આગળ વધ્યો અને આવાં એકાઉન્ટ એક્સ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ પર પણ પોપ્યુલર થવા લાગ્યાં. જોકે આખરે એક્સ કંપનીએ આ પ્રકારના એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવાનું શરૂ કર્યું.

હવે મેટા કંપની પણ એ દિશામાં આગળ વધી રહી છે અને ઇન્સ્ટાગ્રામ તથા થ્રેડ પર આવાં એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે. આ ટ્રેન્ડની શરૂઆત કરનાર જેક સ્વિનીએ એક બે નહીં પરંતુ પૂરાં ૩૮ એકાઉન્ટ ઓપન કર્યાં હતાં. જે બધા પર હવે પડદો પડી ગયો છે. દેખીતી રીતે મેટાએ કારણ આપતાં કહ્યું છે કે આ પ્રકારના એકાઉન્ટથી સેલિબ્રિટી સામે વ્યક્તિગત રીતે જોખમ ઊભાં થાય છે.

બે વર્ષ પહેલાં ઓપનએઆઇ કંપનીએ તેનો ચેટબોટ ચેટ જીપીટી પબ્લિક રીવ્યૂ માટે લોન્ચ કર્યો ત્યારથી આખા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની જબરજસ્ત લહેર ઊભી થઈ છે. 

એ જ કંપનીએ હમણાં ‘સ્વાર્મ’ નામે એક નવું ‘ફ્રેમવર્ક’ લોન્ચ કર્યું છે અને તેણે પણ લગભગ અગાઉ જેટલી જ ચર્ચા જગાવી છે.

હાલના એઆઇ ચેટિંગમાં આપણે એટલે કે જીવતાજાગતા માણસ એઆઇ ચેટબોટ સાથે ચેટિંગ કરી શકીએ છીએ. જ્યારે સ્વાર્મમાં એકથી વધુ એઆઇ એજન્ટ એકમેક સાથે વાતચીત કરી શકે છે અને એકમેકને તાલમેલમાં કામ કરી શકે છે!આ ફ્રેમવર્કને આધારે ભવિષ્યમાં ડેવલપર્સ સંખ્યાબંધ એઆઇ એજન્ટ્સના સંખ્યાબંધ નેટવર્ક ઊભા કરી શકશે.

એ ખાસ નોંધવા જેવું છે કે અત્યારે આ નેટવર્ક ફક્ત એક પ્રયોગ છે. તે ઓપન એઆઇની ઓફિશિયલ પ્રોડક્ટ નથી. કંપનીએ તેનો કોડ સૌ કોઈ ઉપયોગ કરી શકે તે રીતે ગિટહબ પર ખુલ્લો મૂકી દીધો છે.

જનરેટિવ એઆઇનો યુગ શરૂ થયો ત્યારથી તેનો બે પ્રકારે ઉપયોગ વિસ્તરી રહ્યો છે. એક છે વ્યક્તિગત ઉપયોગ અને બીજો છે વ્યાપક સ્તરનો ઉપયોગ જે મોટાં કોર્પોરેશન્સ તેમની પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લઈ શકે.

એઆઇ કંપનીઓને આ પ્રકારના એન્ટરપ્રાઇઝ યૂઝમાં વધુ રસ છે કેમ કે કમાણી તેમાં જ છે. સ્વાર્મ ફ્રેમવર્કને કારણે મોટી કંપનીઓને માનવ મદદ વિના ડેટાનું એનાલિસીસ કરીને નિર્ણયો લેવામાં મોટી મદદ મળશે. એ કારણે લોકોની નોકરી જવાનું જોખમ હજી વધશે. તેની સાથોસાથ ખોટા નિર્ણયોની સંભાવના કે સિક્યોરિટી સંબંધિત જોખમો વધવાની શક્યતા પણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!