(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે મ્યુઝિક એપ્સમાં મસ્તી સાથે બચત જરૂરી

લગભગ દરેક મ્યુઝિક એપ આપણને ડેટાની બચત કરાવે તેવા ઓપ્શન્સ આપે છે.

સંગીતના રસિયાઓ માટે સ્માર્ટફોને રીતસર સ્વર્ગના દરવાજા ખોલી આપ્યા છે! સંગીતનાં વિવિધ પાસાં શીખવતી અનેક એપ્સ અને સાઇટ્સ, યુટ્યૂબ પર ટ્યુટોરિયલ્સનો પાર વગરનો ખજાનો, વોકલ કે ઇન્સ્ટ્રુમેન્ટની પ્રેક્ટિસ કરવા માટે પાછી બીજી કેટલીય એપ્સ, ખાસ સંગીતના શોખીનો માટેના સોશિયલ મીડિયા જેવી સાઇટ્સ અને એપ્સ પણ અલગ.

આ બધાની સાથે, તમને માત્ર સંગીત સાંભળવાનો શોખ હોય, જ્યારે તક મળે ત્યારે ઓફિસ કે રસોડામાં કામ કરતાં કરતાં, સ્કૂલ-કોલેજનો અભ્યાસ કરતાં કરતાં, જિમમાં કે ગાર્ડનમાં બ્રિસ્ક વૉક કરતી વખતે… જ્યારે જેવો મ્ૂડ એવું મ્યુઝિક પીરસતી અનેક એપ્સની હવે આપણને ભેટ મળી છે.

પરંતુ આ જ વાતના બીજા એક પાસા તરફ પણ ધ્યાન આપવા જેવું છે. સંગીત અને એનો શોખ પોતે અમૂલ્ય છે, સ્માર્ટફોનમાં એ શોખ પૂરો કરવામાં, સંગીતની મધુર દુનિયામાં ખોવાઈ જવામાં ભલે કોઈ ખર્ચ ન થતો હોવાનું લાગે, પણ કંઈક ખર્ચ થાય છે ખરું – ડેટા! જે ધીમે ધીમે ફરી મોંઘો થતો જાય છે.

આપણી પાસે બિલકુલ અલિમિટેડ ડેટા પ્લાન હોય કે ઘર-ઓફિસમાં વાઇ-ફાઇ હોય તો તો ખાસ ચિંતા નહીં, એમ ન હોય તો મ્યુઝિક એપ્સ આપણા ડેટા પ્લાન પર જબરી ભીંસ લાવી શકે છે. એ જ કારણે સ્ટ્રીમિંગ, ડાઉનલોડિંગ જેવી પાયાની બાબતો ઉપરાંત, જરૂર મુજબ ઓડિયો ક્વોલિટીનાં સેટિંગ્સ પણ સમજવાં જરૂરી છે.

બીજી પણ એક વાત – અત્યાર સુધી આપણને વિવિધ મોબાઇલ કંપની તરફથી કોઈ ને કોઈ મ્યુઝિક એપના પ્રીમિયમ પ્લાન્સનો મફત લાભ મળતો રહ્યો છે, પરંતુ હવે તેમાં બદલાવ આવશે.

જો તમે એરટેલની મોબાઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં અમુક નિશ્ચિત પ્લાનમાં વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સના સબસ્ક્રિપ્શન્સ ઉપરાંત ‘વિંક’ નામની મ્યુઝિક સર્વિસનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.

હવે કંપની આ લાભ સમેટી રહી છે – વાસ્તવમાં કે વિંક સર્વિસ જ બંધ કરી રહી છે. તેના બદલે એપલ મ્યુઝિકના પેઇડ પ્લાન્સ ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરાશે. આ બધું ધ્યાને લેતાં મ્યુઝિક એપ્સમાં બચત તરફ હવે આપણે ધ્યાન આપવું પડશે.

પહેલાં સમજીએ ‘સ્ટ્રીમિંગ’ અને ‘ડાઉનલોડિંગ’નો તફાવત

આજના સમયમાં ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ પર મૂવી જોવાની વાત હોય કે મ્યુઝિક સાંભળવાની વાત હોય – બે શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ –  સ્ટ્રીમિંગ અને ડાઉનલોડિંગ.

આપણા સ્માર્ટફોનમાં સારી સ્પીડનું અને પૂરતા પ્રમાણમાં એટલે કે લગભગ અનલિમિટેડ ડેટા કનેકશન મળતું હોય તો મોટા ભાગે આપણે સ્ટ્રીમિંગ કે ડાઉનલોડિંગમાં શું ફેર એની ઝંઝટમાં પડીએ નહીં અને મૂવી કે મ્યુઝિકની મજા માણતા રહીએ. પરંતુ જો તમારામાં જિજ્ઞાસા હજુ જાગૃત હોય તો આ બંને બાબતોમાં ચોક્કસપણે ફેર શું એ જાણવાની તમને ઇચ્છા થઈ શકે. બંને બાબત વચ્ચેનો તફાવત જાણ્યો હોય તો મૂવી કે મ્યુઝિકની મજા વધે એ પણ નક્કી.

સ્ટ્રીમિંગ

સ્ટ્રીમિંગ એ કોઈ પણ પ્રકારનું ઓનલાઇન કન્ટેન્ટ જોવા કે સાંભળવા માટેનો ઝડપી રસ્તો છે. મૂવી કે મ્યુઝિકના સંદર્ભે વાત કરીએ તો તેમાં આપણે મૂવી કે મ્યુઝિકની ફાઇલ ડાઉનલોડ કરવી પડતી નથી.


જ્યારે આપણા ફોનમાં ડેટા કનેકશન ઓન હોય અને કોઈ પણ એપમાં આપણે મૂવી જોવાનું કે મ્યુઝિક સાંભળવાનું શરૂ કરીએ ત્યારે જે તે ફાઇલ ઝડપથી આપણા ડિવાઇસમાં પહોંચે છે, પરંતુ તે ફોનમાં સ્ટોર થતી નથી. આવી સ્થિતિમાં આપણે જે મૂવી જોઇએ કે મ્યુઝિક સાંભળીએ તેની ફાઇલ જે તે સર્વિસના ક્લાઉડમાં જ રહે છે. આપણે તેને જોવા-સાંભળવાનું પૂરું કરીએ એ પછી આપણા ડિવાઇસમાં તેની કોપી રહેતી નથી.

જ્યારે એક જ ઘરમાં ઘણા બધા લોકો એક જ વાઇ-ફાઇની મદદથી પોતાના ફોન કે અન્ય ડિવાઇસમાં મૂવી કે મ્યુઝિક સ્ટ્રીમ કરે ત્યારે તેના માટે જરૂરી ડેટા બધા વચ્ચે વહેંચાઈ જાય. એ જ કારણે આપણે વીડિયો કે ઓડિયોની ક્વોલિટી પોતાના ડેટા કનેકશનની સ્પીડ કે બેન્ડવિથ મુજબ એડજસ્ટ કરવી પડે.

ડાઉનલોડિંગ

આપણે સૌ આ શબ્દથી પરિચિત છીએ. જ્યારે મોબાઇલમાં ડેટા કનેકશન ઉપલબ્ધ હોય ત્યારે આપણે જે તે સર્વિસમાંથી મૂવી કે મ્યુઝિકની ફાઇલ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી શકીએ અને પછી ઇન્ટરનેટ કનેકશન વિના, ઓફલાઇન પણ તેની મજા માણી શકીએ.  સ્ટ્રીમિંગની સરખામણીમાં ડાઉનલોડિંગ સામાન્ય રીતે વધુ સારું ગણાય. કારણ કે જો આપણે વાઇ-ફાઇ પર ફાઇલ ડાઉનલોડ કરતા હોઇએ તો બેસ્ટ ક્વોલિટીમાં ફાઇલ ડાઉનલોડ કરી શકાય અને પછી ઇન્ટરનેટ કનેકશન વિના તેનો ઉપયોગ કરી શકાય.

ઇન્ટરનેટ કનેકશન નબળું હોય ત્યારે સ્ટ્રીમિંગમાં જે અવરોધ આવે એવો કોઈ અવરોધ ડાઉનલોડ કરેલી ફાઇલ પ્લે કરવામાં આવે નહીં. આ જ કારણે મોટા ભાગની મૂવી કે મ્યુઝિક એપ કન્ટેન્ટ ડાઉનલોડ કરવાની સગવડ માત્ર પેઇડ સબસ્ક્રાઇબરને આપે છે.

આપણે કન્ટેન્ટ કેવી ક્વોલિટીમાં ડાઉનલોડ કરવું તે નક્કી કરી શકીએ તેમ જ મોબાઇલ ડેટા બહુ ખર્ચાઈ ન જાય એ માટે માત્ર વાઇ-ફાઇ કનેકશન મળે ત્યારે જ કન્ટેન્ટ ડાઉનલોડ થાય એવું સેટિંગ પણ કરી શકીએ છીએ.

તમારા એન્ડ્રોઇડ કે આઇફોનમાં સ્પોટીફાય એપ ઓપન કરી તેમાં હોમપેજમાંથી પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો અને સેટિંગ્સ એન્ડ પ્રાઇવસીમાં જાઓ. અહીં નીચેની તરફ સ્ક્રોલ કરી ઓડિયો ક્વોલિટી પર ક્લિક કરો. અહીં તમને વાઇ-ફાઇ પર અને મોબાઇલ ડેટા પર કેવી ક્વોલિટીમાં મ્યુઝિક પ્લે થવું જોઈએ તે નક્કી કરવાના વિકલ્પો મળશે. તમારું એકાઉન્ટ ફ્રી હોય કે પ્રીમિયમ, અહીં તમને મ્યુઝિકની ક્વોલિટીના પાંચ વિકલ્પ જોવા મળી શકે છેઃ  ઓટોમેટિક, લો, મીડિયમ, હાઇ અને વેરી હાઈ. ઓટોમેટિક વિકલ્પ પસંદ કરેલો હોય તો સિસ્ટમ ફોનમાં ઇન્ટરનેટ કનેકશનની સ્પીડ મુજબ આપોઆપ મ્યુઝિકની ક્વોલિટી નક્કી કરશે. તમે વાઇ-ફાઇ અને મોબાઇલ બંને માટે ઓડિયોની ક્વોલિટી માટે અલગ અલગ સેટિંગ કરી શકો છો.

જો તમારું એકાઉન્ટ ફ્રી હશે તો વેરી હાઇ વિકલ્પ પસંદ કરી શકાશે નહીં. આપણે સામાન્ય સંજોગોમાં ઓડિયો ક્વોલિટી માટે હાઇ કે અન્ય વિકલ્પ પસંદ કર્યા હોય તો પણ ફોનમાં મોબાઇલમાં ઇન્ટરનેટ કનેકશનની ક્વોલિટી અનુસાર ઓડિયોની ક્વોલિટી વધ-ઘટ થઈ શકે એવું સેટિંગ કરવા માટે ઓટો-એડજસ્ટ ક્વોલિટીનો વિકલ્પ ઓન રાખી શકાય. પ્રીમિયમ એકાઉન્ટ હોય તો આપણને મ્યુઝિક ડાઉનલોડ કરવાની સગવડ મળે છે અને તેમાં આપણે કેવી ક્વોલિટીમાં ઓડિયો ડાઉનલોડ થાય તે નક્કી કરી શકીએ છીએ. જો તમને નિયમિત રીતે વાઇ-ફાઇ કનેક્ટિવિટી મળતી હોય તો સ્પોટીફાયમાં મ્યુઝિક હંમેશાં વાઇ-ફાઇ પર ડાઉનલોડ થાય, મોબાઇલ ડેટા પર નહીં તેવું સેટિંગ પણ કરી શકાય.

તમે તમારા આઇફોનમાં એપલ મ્યુઝિકની મજા લેતા હો તો તેમાં ઓડિયો ક્વોલિટીના સેટિંગ્સ સુધી પહોંચવા માટે આઇફોનમાં સેટિંગ ઓપન કરી તેમાં મ્યુઝિક અને તેમાં ઓડિયો ક્વોલિટી પસંદ કરો. હવે જે સ્ક્રીન ઓપન થાય તેમાં સૌથી સહેલો ઓપ્શન લોસલેસ ઓડિયોનો મળશે.

આ ઓપ્શન ઓન રાખીએ તો બેસ્ટ ક્વોલિટીમાં ઓરિજિનલ ઓડિયો ક્વોલિટીની મજા લઈ શકાશે. પરંતુ દેખીતું છે કે તેમાં મોબાઇલ ડેટા પણ સૌથી વધુ વપરાશે. લોસલેસ ઓડિયોનો વિકલ્પ ઓન કર્યા પછી મોબાઇલ ડેટા સ્ટ્રીમિંગ, વાઇ-ફાઇ સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ માટે ઓડિયો ક્વોલિટી નક્કી કરવાના વિકલ્પો મળશે.

જેમ કે હાઇ એફિસિયન્સી, હાઇ ક્વોલિટી, લોસલેસ અને હાઇ-રેસ લોસલેસ. એ દરેક ઓપ્શન માટે ફાઇલની સાઇઝ અંદાજે કેટલી રહેશે એ પણ બતાવવામાં આવશે એપલ મ્યુઝિક એપમાં પણ ડાઉનલોડ માત્ર વાઇ-ફાઇ પર થાય એવું સેટિંગ કરી શકાય છે. એપલ મ્યુઝિકની મજા આઇફોન કે આઇપેડમાં જ છે પરંતુ તમે ઇચ્છો તો એન્ડ્રોઇડ ફોનમાં પણ એપ ડાઉનલોડ કરી શકાય છે. તેમાં હોમ સ્ક્રીન પર ત્રણ ડોટ પર ક્લિક કરી સેટિંગ્સ અને તેમાં ઓડિયો ક્વોલિટી સ્ક્રીન પર પહોંચીને આગળ જણાવ્યા મુજબ ઓડિયો ક્વોલિટી સંબંધિત સેટિંગ્સ કરી શકાય છે.

યુટ્યૂબ મ્યુઝિકની વાત આવે ત્યારે વાત થોડી બદલાય છે.

પહેલી વાત એ કે આ એપમાં મ્યુઝિક ક્વોલિટીને સંબંધિત સેટિંગ્સ માત્ર પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સ કરી શકે છે. જોકે અહીં પણ એક અપવાદ છે. યુટ્યૂબ મ્યુઝિકના ફ્રી યૂઝર્સ ગીતો ઓફલાઇન સાંભળવા માટે ડાઉનલોડ કરી શકતા નથી, પરંતુ પોડકાસ્ટના વિવિધ એપિસોડ ડાઉનલોડ કરી શકે છે  તથા ઓફલાઇન સાંભળી શકે છે. સ્પોટીફાય જેવી એપમાં પણ એવું જ છે – ફ્રી એકાઉન્ટમાં પણ પોડકાસ્ટના વિવિધ એપિસોડ્સ ડાઉનલોડ કરી શકાય.

યુટ્યૂબ મ્યુઝિક એપમાં હોમસ્ક્રીનમાં ઉપર જમણી તરફ આપણા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરી સેટિંગ્સમાં જઇએ તો તેમાં ડાઉનલોડ એન્ડ સ્ટોરેજ સેકશનમાં ઓડિયો ક્વોલિટી સેટ કરવાના વિકલ્પો મળે છે તેમજ ડાઉનલોડ માત્ર વાઇ-ફાઇ પર થાય તેવું પણ સેટિંગ કરી શકાય છે.

જો તમે પ્રીમિયમ સબસ્ક્રાઇબર હો તો સેટિંગ્સમાં પ્લેબેક એન્ડ રિસ્ટ્રિક્શન્સ એવો વિકલ્પ જોવા મળશે તેમાં જઇને આપણે એપમાં સ્ટ્રીમ થતા ઓડિયોની ક્વોલિટી સેટ કરી શકીએ છીએ. અહીં પણ પ્રમાણમાં ઓછી ક્વોલિટીમાં ઓડિયો પ્લે કરવાનું સેટિંગ કરી, ડેટા બચાવી શકાય.

યુટ્યૂબ મ્યુઝિકની જેમ એમેઝોન મ્યુઝિકમાં પણ ઓડિયોની ક્વોલિટીમાં કેટલાં સેટિંગ્સનો લાભ મળશે તેનો આધાર આપણે કેવા પ્રકારના યૂઝર છીએ તેના પર છે. જોકે હવે ભારતમાં ઘણી ટેલિકોમ તેના ડેટા પ્લાન સાથે એમેઝોન પ્રાઇમ અને મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન પણ આપે છે એટલે તમને એમેઝોન યૂઝરના લાઇટ પેઇડ સબસ્ક્રિપ્શનનો લાભ મળતો હોય તેવી વધુ શક્યતા છે. એમેઝોન મ્યુઝિકની એન્ડ્રોઇડ અને આઇઓએસ એપમાં પણ મ્યુઝિકના સેટિંગ્સમાં વધતો ઓછો તફાવત છે.

એકંદરે કેવા લાભ મળે છે તે જોઇએ તો એમેઝોન મ્યુઝિક એપ ઓપન કરો અને તેમાં હોમ સ્ક્રીનમાં ઉપર જમણી તરફ આપેલા ગિયર આઇકન પર ક્લિક કરી મ્યુઝિક સેટિંગ્સમાં જાઓ. અહીં પ્લેબેક સેકશનમાં વાઇ-ફાઇ અને મોબાઇલ ડેટા, બંને વિકલ્પોમાં સ્ટ્રીમિંગ ક્વોલિટીનાં વિવિધ સેટિંગ કરી શકાશે. તમે ઇચ્છો તે મુજબ બેસ્ટ ક્વોલિટીથી લઇને ઓછામાં ઓછો ડેટા વપરાય તેવી લિમિટેડ ક્વોલિટીનો ‘ડેટા સેવર’ વિકલ્પ પસંદ કરી શકો છો.

જો તમારું એકાઉન્ટ એમેઝોન મ્યુઝિક અનલિમિટેડ પ્રકારનું હોય તો તેમાં એચડી કે અલ્ટ્રા એચડી ક્વોલિટીમાં મ્યુઝિકની મજા લઈ શકાય છે. જોકે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે બધા મ્યુઝિક કે સોંગ્સ માટે આ વિકલ્પો ઉપલબ્ધ ન પણ હોય.

એમેઝોન મ્યુઝિકની જેમ ભારતમાં જિઓસાવનની પેઇડ સર્વિસનો લાભ તમને તમારા મોબાઇલ પ્લાન સાથે મળી શકે છે. જિઓ સિવાય તમે અન્ય કોઈ મોબાઇલ કંપનીનો પ્લાન ધરાવતા હો તો પણ જિઓ સાવન એપ ડાઉનલોડ કરીને તેનો ફ્રી યૂઝર તરીકે લાભ લઈ શકો છો.

જિઓસાવનમાં પણ અન્ય મ્યુઝિક એપ્સની જેમ વાઇ-ફાઇ અને મોબાઇલ ડેટા બંને પ્રકારે મ્યુઝિકની ક્વોલિટી કેવી રાખવી તે નક્કી કરી શકાય છે. એ માટે હોમ ટેબમાં જમણી તરફ ઉપર ગિયર આઇકન પર ક્લિક કરો. તેમાં મ્યુઝિક એન્ડ પ્લેબેક સેકશનમાં સ્ટ્રીમિંગ ક્વોલિટીના વિકલ્પો મળશે.

અહીં આપણે ફોનમાં ઇન્ટરનેટ કનેકશનની સ્ટ્રેન્થ અનુસાર ઓડિયોની ક્વોલિટી આપોઆપ સિલેક્ટ થાય તેવું ‘ઓટો’ સેટિંગ પસંદ કરી શકીએ છીએ. એ સિવાય લેસ, હાઇ વગેરે વિકલ્પો પસંદ કરી શકાય છે. ‘સુપર ડુપર હાઇ’ ઓડિયો ક્વોલિટીનો લાભ માત્ર પેઇડ પ્રો યૂઝરને મળી શકે છે.

જેમ જિઓના ડેટા પ્લાન સાથે સાથે જિઓસાવન એપનો લાભ મળી શકે, તેમ એરટેલ કંપનીના અમુક ડેટા પ્લાન સાથે વિંક મ્યુઝિક એપનો ફ્રી લાભ મળી શકે છે (જોકે આ લાભ બંધ થશે). જો તમને આવો લાભ મળતો હોય, એટલે કે તમે વિંકના પ્રીમિયમ યૂઝર હો તો તમને અનલિમિટેડ સ્ટ્રીમિંગ, અનલિમિટેડ હેલ્લોટ્યૂન્સ અને અનલિમિટેડ ડાઉનલોડ્સ તથા એડ-ફ્રી મ્યુઝિકનો લાભ મળી શકે છે.

વિંક એપ પણ, અન્ય એપની જેમ આપણને ઓડિયોની સ્ટ્રીમિંગ ક્વોલિટી સેટ કરવાના વિકલ્પો આપે છે. ચાહો તો તેને ઓટો પર સેટ રાખો અથવા લોથી શરૂ કરી, એચડી/ડોલ્બી લેવલ સુધી લઈ જઈ શકો, જોકે તેમાં ડેટા સૌથી વધુ ખર્ચ થાય છે. પ્રીમિયમ એકાઉન્ટ હોય તો તમે મ્યુઝિક ડાઉનલોડ પણ કરી શકો અને તેમાં કેવી ક્વોલિટીમાં ફાઇલ્સ ડાઉનલોડ થાય તે તમે નક્કી કરી શકો છો.

વિંક મ્યુઝિક સર્વિસ હવે સમેટાઈ રહી છે. એરટેલ તેના બદલે એપલ મ્યુઝિકની સર્વિસમાં ડિસ્કાઉન્ટ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!