આગળ શું વાંચશો?
- ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઉમેરાય છે કમેન્ટ્સ – પ્રાઇવસી સાથે
- અજાણ્યા નંબર્સના વોટ્સએપ મેસેજ પણ બ્લોક કરી શકાશે

ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. જો તમે રોજેરોજ ઇન્સ્ટાગ્રામ પર જતા હશો તો જાણતા હશો કે તેમાં ઉપરના ભાગે આપણે જેમને ફોલો કરતા હોઇએ એ એકાઉન્ટ્સ તરફથી શેર કરવામાં આવતી સ્ટોરીઝ જોઈ શકાય છે. આ સ્ટોરીમાં લોકો ફોટો, વીડિયો કે અન્ય પોસ્ટ શેર કરી શકે છે. એ તેમના એકાઉન્ટના તમામ ફોલોઅર્સ અથવા ક્લોઝ ફ્રેન્ડ્ઝના લિસ્ટમાંના લોકો જોઈ શકે છે. સ્ટોરીઝમાં શેર થયેલી બાબતો ૨૪ કલાક પછી ગાયબ થતી હોય છે.

વોટ્સએપની જેમ અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીઝ માત્ર જોઈ શકાતી હતી કે ઇમોજી સ્વરૂપે તેના પર રીએકશન આપી શકાતું હતું. અથવા આપણા ફોલોઅર ઇચ્છે તો જે તે સ્ટોરી વિશે આપણને ડાયરેક્ટ મેસેજ મોકલી શકે છે.
પરંતુ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝની વધતી પોપ્યુલારિટી જોઈને કંપનીએ આ ફીચરને હજુ વધુ ઇન્ટરએક્ટિવ બનાવવાનું નક્કી કર્યું છે. તે મુજબ સ્ટોરીઝમાં હવે રીએકશન કે ડાયરેક્ટ મેસેજ ઉપરાંત અન્ય લોકો કમેન્ટ્સ પણ લખી શકશે, તે સ્ટોરી જોનારા બીજા લોકો પણ જોઈ શકશે.
આ ફીચર મજાનું છે પરંતુ દરેક સોશિયલ મીડિયાની જેમ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર થતા કન્ટેન્ટ વિશે નેગેટિવ કમેન્ટ્સની ભરમાર થતી હોય છે. એ ધ્યાનમાં રાખીને આ નવા ફીચરમાં કમેન્ટ્સ સંબંધિત કેટલાંક લિમિટેશન્સ રાખવામાં આવ્યાં છે.
એ મુજબ સ્ટોરી પોસ્ટ કરનાર વ્યક્તિને ફોલો કરતા લોકો તથા સ્ટોરી પોસ્ટ કરનાર વ્યક્તિ જેને ફોલો કરતી હોય માત્ર એવા ‘મ્ચ્યુઅલ’ લોકો જ સ્ટોરી પોસ્ટ પર કમેન્ટ્સ આપી શકશે. સ્ટોરીની જેમ કમેન્ટ પણ ૨૪ કલાક પછી ગાયબ થશે.
તમે તમારી સ્ટોરીઝ પર કમેન્ટ્સ આવે તેવું ઇચ્છતા ન હો તો એક-એક સ્ટોરી માટે કમેન્ટ ઇનેબલ કે ડિસેબલ કરી શકો છો. એ રીતે જોઇએ તો ઇન્સ્ટાગ્રામમાં પ્રાયવસીની કાળજી સાથે ઉમેરાયેલું ફીચર ઘણા લોકોને ઉપયોગી થઈ શકશે.
‘સાયબરસફર’માં થોડા સમય પહેલાં આપણે વાત કરી હતી કે વોટ્સએપમાં હેકર્સ કે ઠગ ટોળકીઓ તરફથી આવતા વીડિયો કોલથી સરેરાશ યૂઝર્સને બચાવવા માટે કંપનીએ એક મોટી સગવડ આપી છે, જેનો લાભ સૌએ અચૂક લેવા જેવો છે. આ લાભ લઈને આપણે અજાણ્યા નંબર્સ પરથી આવતા વીડિયો કોલ માટે રિંગ વાગે જ નહીં તેવું સેટિંગ કરી શકીએ (સેટિંગ્સમાં પ્રાઇવસી અને તેમાં કોલ્સ તપાસો). રિંગ વાગે જ નહીં, તો આપણે તેનો જવાબ આપીએ નહીં અને હેકરની વાતોમાં ફસાઈએ નહીં!

પરંતુ વોટ્સએપમાં વીડિયો કોલ્સ ઉપરાંત સામાન્ય મેસેજમાં પણ લોકોને ફસાવવાના હેતુથી મોકલાતા મેસેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ કારણે હવે કંપની અજાણ્યા નંબર પરથી આવતા સાદા મેસેજ પણ અટકાવવાની સગવડ આપવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં વોટ્સએપમાં આ નવું ફીચર આવી જશે. તેની મદદથી અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ આપણે ઓટોમેટિકલી બ્લોક કરી શકીશું.
ખાસ કરીને પરિવારના વડીલોના વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ બ્લોક કરવાની સુવિધા – જ્યારે મળે ત્યારે – અપનાવી લેવા જેવી છે.
અલબત્ત આજના સમયમાં બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપ એક બહુ મહત્ત્વનું સાધન બન્યું છે. ઘણા બિઝનેસ પોતાના કસ્ટમરને સપોર્ટ આપવા ઉપરાંત બિઝનેસ પ્રમોશન માટે પણ વોટ્સએપનો ઉપયોગ કરે છે.
આવા મેસેજ આપણે માટે ઉપયોગી પણ હોઈ શકે છે, તેમ આપણે જેમનો નંબર સેવ કર્યો ન હોય એવા લોકો આપણા બિઝનેસના સંભવિત કસ્ટમર પણ હોઈ શકે છે. એ જોતાં અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ સદંતર બંધ કરી દેવાને બદલે આપણે મેસેજ આવવા દઇએ, પરંતુ કોઈ પણ મેસેજ પર આગળનાં એકશન લેવામાં સાવધ રહીએ તે વધુ હિતાવહ છે.
