(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં સલામતીનું ‘નવું’ પાસું : પાસકી

એન્ડ્રોઇડ ઉપરાંત હવે આઇફોન માટેના વોટ્સએપમાં એકાઉન્ટની સલામતી માટે એક નવી વ્યવસ્થા મળી છે. ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૨૩ અંકમાં આપણે પાસકી વિશે વિગતવાર સમજ મેળવી છે.

શીર્ષકમાં ‘નવું’ શબ્દ ઇન્વર્ટેડ કોમા – અવતરણ ચિહ્નમાં લખવાનાં બે કારણ છે – એક તો, વોટ્સએપમાં સલામતીના આ જે પાસા વિશે આજે વાત કરવી છે, તે ખરેખર નવું નથી અને છતાં છે! એન્ડ્રોઇડ વોટ્સએપમાં આ સગવડ ગયા વર્ષથી આવી ગઈ છે, પણ આઇફોન માટેની વોટ્સએપ એપમાં તે હવે ઉમેરાઈ છે. બીજું કારણ એ કે મૂળ મુદ્દો – પાસકી – હવે જૂનો થયો હોવા છતાં આપણે માટે નવો હોઈ શકે છે.

આ પાસકી ટેક્નોલોજી આપણા સૌ માટે ખરેખર વરદાન બને તેવી છે.

કેમ? કેમ કે તે આપણને જાતભાતનાં એકાઉન્ટ માટે કેટલાય પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો અપાવે છે.

આપણે સૌ પાસવર્ડથી હવે ખાસ્સા કંટાળ્યા છીએ. એક તરફ ઓનલાઇન એકાઉન્ટ્સની સંખ્યા સતત વધતી જાય છે અને બીજી તરફ એ દરેક માટે મજબૂત, કોઈ ધારી ન શકે એવો, છતાં આપણે પોતે ભૂલી ન જઈએ એવી કેટલીય શરતો સાથેનો પાસવર્ડ નક્કી કરવાનું કામ બહુ મુશ્કેલ છે.

એમાં વળી એ ઓનલાઇન એકાઉન્ટને સલામત બનાવવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન જેવી વધારાની ઝંઝટનો સામનો કરવો પડે છે – બધા માટે આ સહેલું નથી.

પાસકી વ્યવસ્થા તેનો સહેલો વિકલ્પ આપે છે.

લાંબા સમયથી આપણે સૌએ દરેક ઓનલાઇન એકાઉન્ટ માટે પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ વેઠી છે.

હવે પાસકી નામની નવી વ્યવસ્થાથી પાસવર્ડ યાદ રાખવાની જફામાંથી છૂટકારો મળવા લાગ્યો છે.

પાસકીની સગવડ એન્ડ્રોઇડ વોટ્સએપમાં ગયા વર્ષથી આવી ગઈ, હવે તે આઇફોનની વોટ્સએપ એપાં પણ ઉમેરાઈ છે.

આપણે પોતાના સ્માર્ટફોન અને લેપટોપને સલામત રાખવા માટે એક પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ કે ફેસઆઇડી જેવી વ્યવસ્થા ગોઠવીએ છીએ. ફક્ત એ યાદ રાખી શકીએ, તો તેની મદદથી અને પાસકીને કારણે, સ્માર્ટફોન અને લેપટોપમાં જુદાં જુદાં કેટલાંય એકાઉન્ટમાં, લોગઇન થઈ શકાય છે, એ માટે જે તે એકાઉન્ટનો અલગ પાસવર્ડ આપવાની કે યાદ રાખવાની જરૂર રહેતી નથી!

આ વ્યવસ્થા આપણા ચિરપરિચિત વોટ્સએપમાં પણ ઉમેરાઈ છે – અલબત્ત, અલગ રીતે.

છેતરપિંડી કરનારા લોકો માટે વોટ્સએપ એક બહુ ફળદ્રુપ મેદાન છે, એટલે તેમાં આપણે પાસકીનો ઉપયોગ કરીએ તો પોતાના એકાઉન્ટને વધુ સલામત બનાવી શકીએ છીએ.

એ વિશે, થોડું વધુ જાણીએ.


‘સાયબરસફર’ના વાચક તરીકે હવે તમે કદાચ પાસકી ટેકનોલોજીથી પરિચિત હશો. સાવ સાદા શબ્દોમાં કહીએ તો પાસકી આપણને પાસવર્ડની ઝંઝટમાંથી છૂટકારો અપાવતી વ્યવસ્થા છે.

સામાન્ય રીતે આપણે કોઈ પણ ડિવાઇસમાં કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટમાં લોગઇન થવું હોય ત્યારે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડ આપવાં પડે. એ એકાઉન્ટમાં આપણે ટુ-ફેકટર ઓથેન્ટિકેશન જેવી વધારાની સલામતી વ્યવસ્થાનો ઉપયોગ કરતા હોઇએ તો યૂઝરનેમ અને પાસવર્ડ આપ્યા પછી જુદી જુદી રીતે મેળવી શકાતો વનટાઇમ પાસવર્ડ (ઓટીપી) પણ આપવો પડે છે.

આ બધું આપણા એકાઉન્ટની સલામતી માટે જરૂરી છે. પરંતુ ઝંઝટભર્યું છે. તેમાં આપણે પોતાનો પાસવર્ડ અન્ય કોઈ વ્યક્તિ ધારી ન શકે છતાં આપણને યાદ રહી શકે તેવો મજબૂત રાખવો પડે. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની વ્યવસ્થા પણ એકાઉન્ટની સલામતી વધારે છે પરંતુ તેમાં કડાકૂટ છે તથા એ વ્યવસ્થા પણ સંપૂર્ણ સલામત નથી. કેમ કે તેમાં ઓટીપી જો એસએમએસથી આવે તો તેને અન્ય કોઈ આંતરી લે એવું જોખમ રહે છે.

પાસકી આ બધી ઝંઝટમાંથી આપણને છૂટકારો અપાવે છે.

આ ટેક્નોલોજી જે તે ડિવાઇસમાં ઉપલબ્ધ પિન, પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ કે ફેસ આઇડી જેવી વ્યવસ્થાનો ઉપયોગ કરે છે.

પાસવર્ડનો સાદો નિયમ એ કે આપણે દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખવા જોઇએ, પરંતુ પાસકી વ્યવસ્થામાં એક વાર સેટ અપ કરીએ તે પછી જુદા જુદા એકાઉન્ટ માટે આપણા ડિવાઇસના જ સેફ્ટી ફીચર્સનો લાભ લઈ શકાય છે. આથી આપણે અલગ અલગ પાસવર્ડ યાદ રાખવા પડતા નથી.

પાસકી વ્યવસ્થા પાસવર્ડના વિકલ્પ જેવી છે અને પહેલા સેટ અપ પછી તેનો ઉપયોગ સરળ અને ઝડપી છે.

જેમ કે આપણે પોતાના ગૂગલ એકાઉન્ટ માટે,  પોતાના લેપટોપમાં પાસકી વ્યવસ્થા સેટ અપ કરી લઇએ એ પછી આખા લેપટોપમાં એન્ટર થવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરતા હોઇએ, જેમ કે ફિંગરપ્રિન્ટ, એ જ પદ્ધતિથી ગૂગલ એકાઉન્ટમાં પણ લોગઇન થઈ શકાય છે.

પાસકી વ્યવસ્થા પાસવર્ડને રિપ્લેસ કરવા માટે જ વિકસાવવામાં આવી છે. આ વ્યવસ્થા ઝડપી છે, સરળ છે અને પાસવર્ડ કરતાં ઘણી વધુ સલામત છે. અલબત્ત જે ઓનલાઇન કંપનીએ પોતાની સર્વિસ માટે પાસકી વ્યવસ્થા અપનાવી લીધી હોય તેમાં જ તેનો ઉપયોગ કરી શકાય છે.

ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ વગેરે કંપની હવે વ્યાપક પ્રમાણમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગી છે.

હવે વોટ્સએપમાં પણ આ વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાય છે. વોટ્સએપની એન્ડ્રોઇડ એપમાં ગયા વર્ષથી પાસકી વ્યવસ્થા આવી ગઈ છે હવે તે આઇફોન માટેની વોટ્સએપ એપમાં પણ ઉમેરાઈ ગઈ છે.

આપણે પાસકી વ્યવસ્થા વિશે તો જાણ્યું અને હવે તે વોટ્સએપમાં પણ ઉપલબ્ધ છે એ પણ જાણ્યું. તમને કદાચ સવાલ એ થયો હશે કે વોટ્સએપમાં તો લોગઇન થવાની જરૂર જ હોતી નથી. પછી તેમાં પાસવર્ડ કે પાસકીની વાત જ ક્યાં આવી?

બિલકુલ સાચું, પરંતુ વોટ્સએપમાં પાસવર્ડ અને પાસકીનો જુદી રીતે ઉપયોગ થાય છે.

ગૂગલ જેવા એકાઉન્ટમાં આપણે પાસકી વ્યવસ્થા સેટ અપ કરી હોય તો તેમાં જ્યારે પણ લોગઇન થવું હોય ત્યારે પાસવર્ડને બદલે પાસકીનો ઉપયોગ કરી શકાય. વોટ્સએપમાં ફક્ત એપમાં આપણા એકાઉન્ટના રજિસ્ટ્રેશન વખતે એકાઉન્ટને સલામત રાખવા માટે પાસવર્ડ કે પાસકીનો ઉપયોગ થાય છે.

તમને જાણતા જ હશો કે આપણે જ્યારે પોતાના જૂના ફોનમાં વોટ્સએપ એપ અનઇન્સ્ટોલ કરીને ફરી ઇન્સ્ટોલ કરીએ કે નવા ફોનમાં જૂના ફોન નંબરથી નવેસરથી વોટ્સએપ એકાઉન્ટ સેટ અપ કરીએ ત્યારે એ ફોન નંબર અને એકાઉન્ટ આપણા હોવાની ખાતરી કરવા માટે વોટ્સએપની સિસ્ટમ આપણા પર એસએમએસ દ્વારા એક પાસકોડ મોકલે છે. આ કારણે અન્ય વ્યક્તિ પોતાના ફોનમાં આપણા ફોન નંબરથી વોટ્સએપ એકાઉન્ટ સેટ અપ કરી શકતી નથી.

પરંતુ હવે વારંવાર બને છે તેમ એસએમએસ દ્વારા આપણા પર આવતા વોટ્સએપના પાસકોડ ‘કોઈક રીતે’ ઠગ ટોળકી મેળવી શકે છે અને પછી આપણા વોટ્સએપ એકાઉન્ટ પર કબજો મેળવીને આપણે નામે અન્ય લોકોને મેસેજ મોકલીને તેમની સાથે તોડ કરી શકે છે (થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં આ રીતે થતી છેતરપિંડી વિશે વિગતવાર વાત કરી હતી).

પોતાના જૂના કે નવા ફોનમાં વોટ્સએપ નવેસરથી ઈન્સ્ટોલ કરતી વખતે, સિસ્ટમ ઓટીપી ઉપરાંત આપણે કોઈ પાસકોડ સેટ કર્યો હોય તો તે પૂછે છે. એ પાસકોડને બદલે હવે પાસકીનો ઉપયોગ કરી શકાય છે.

આ જોખમ ઘટાડવા માટે વોટ્સએપમાં પાસકી વ્યવસ્થા ઉમેરવામાં આવી છે.

યાદ રહે કે જૂની એસએમએસ આધારિત પાસકોડની વ્યવસ્થા હજુ ચાલુ જ છે. આપણે ઇચ્છીએ તો નવી પાસકી વ્યવસ્થાનો ઉપયોગ કરી શકીએ છીએ.

નવી પાસકી વ્યવસ્થા આપણે સેટ અપ કરીએ ત્યારે તે આઇફોનના કિસ્સામાં એપલના પાસકી મેનેજરમાં અને એન્ડ્રોઇડના કિસ્સામાં ગૂગલ પાસવર્ડ મેનેજર કે આપણી પસંદગીના અન્ય પાસવર્ડ મેનેજરમાં સલામત રીતે સ્ટોર થાય છે. આથી જો આપણે પોતે અન્ય કોઈ ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ સેટ અપ કરીએ તો ત્યારે પણ તે કામ લાગે છે.

પરંપરાગત રીતે એસએમએસ આધારિત પાસકોડ વ્યવસ્થાની સરખામણીમાં પાસકી વ્યવસ્થા વધુ સલામત, વધુ ઝડપી અને વધુ સરળ છે. તેમાં ફક્ત એક જ વારના પહેલા સેટ અપની જરૂર હોય છે. આથી ખાસ કરીને સલામતીની દૃષ્ટિએ એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં વોટ્સએપ એપમાં પાસકી વ્યવસ્થાનો ઉપયોગ શરૂ કરવો હિતાવહ છે. નીચે તેનાં બધાં જ સ્ટેપ્સ આપ્યાં છે.

વોટ્સએપ કે અન્ય કોઈ ઓનલાઇન એકાઉન્ટમાં પાસકીનો સેટ અપ કરવો સહેલો છે, પણ અન્ય સર્વિસ કરતાં વોટ્સએપમાં પાસકીનો ઉપયોગ જુદો છે. અહીં દર વખતે એપમાં લોગઇન થવાની જરૂર નથી એટલે એ રીતે પાસકીનો સતત ઉપયોગ કરવાનો રહેતો નથી. નીચેના કેટલાક મુદ્દા પણ ખાસ ધ્યાન લેવા જેવા છે.

  • એન્ડ્રોઇડ અને આઇફોન બંને પ્રકારના ફોન માટે વોટ્સએપમાં પાસકી વ્યવસ્થા ઉમેરરાઈ છે, છતાં, તમને હજી તેનો લાભ ન મળે એવું બની શકે.
  • આ વ્યવસ્થા વૈકલ્પિત છે, એટલે કશું કર્યા વિના, એસએમએસ દ્વારા ઓટીપી મેળવવાની જૂની વ્યવસ્થા ચાલુ રાખી શકો છો.
  • એન્ડ્રોઇડના કિસ્સામાં ફોનમાં એન્ડ્રોઇડ ૯ કે ત્યાર પછીનું વર્ઝન જોઈએ.
  • ફોનમાં આપણે ગૂગલ કે એપલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોવા જોઈએ, કેમ કે આપણી પાસકી તેમાં સેવ થશે.
  • આપણે ગૂગલ, એપલ કે અન્ય કંપનીની પાસવર્ડ મેનેજર સર્વિસનો ઉપયોગ કરતા હોવા જોઈએ (તે સેટિંગ્સમાં, પાસવર્ડ એન્ડ એકાઉન્ટમાં તપાસી શકાશે)
  • આપણે લોક સ્ક્રીન સેટ અપ કરવાની પણ જરૂર પડશે.
  • ફોનમાં પ્લે સ્ટોરનું લેટેસ્ટ વર્ઝન હોવું પણ જરૂરી છે.

(1) વોટ્સએપ ઓપન કરી, તેનાં સેટિંગ્સમાં એકાઉન્ટમાં જાઓ. તેમાં ‘પાસકીઝ’ વિકલ્પ દેખાય તો તેના પર ક્લિક કરો.

(2) આપણને કહેવામાં આવશે કે પાસકી સેટ કર્યા પછી આપણે ફોનના ફિંગરપ્રિન્ટ, ફેસ કે એપ લોકની મદદથી આપણી ઓળખ સાબિત કરી શકીશું.

(3) ‘ક્રિએટ એ પાસકી’ બટન ક્લિક કરતાં, પાસકી શું છે તેની ટૂંકી સમજ અપાશે અને કહેવામાં આવશે કે પાસકી પાસવર્ડ મેનેજર સર્વિસમાં સેવ થશે.

(4) એન્ડ્રોઇડ કે એપલના કિસ્સામાં જે તે કંપનીની પાસવર્ડ મેનેજર સર્વિસમાં આપણી પાસકી સેવ થશે. જેથી આપણે અન્ય ડિવાઇસમાં તેનો ઉપયોગ કરી શકીએ.

(5) પાસવર્ડ મેનેજર સર્વિસનો ઉપયોગ કરતી વખતે, સ્માર્ટફોન પોતે લોકથી સલામત હોય તે જરૂરી છે, આથી તે ન હોય તો સ્ક્રીન લોક સેટ અપ કરવું જોઈશે.

(6) તમે ઇચ્છો ત્યારે પાસકી દૂર કરી શકો છો. એ પછી અગાઉની એસએમએસ પદ્ધતિ જ કામ લાગશે. ઇચ્છો ત્યારે પાસકી ફરી સેટ અપ પણ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!