એન્ડ્રોઇડ માટેના ક્રોમ બ્રાઉઝરમાં એક નાની પણ ઉપયોગી સુવિધા ઉમેરાઈ છે – એ છે ફ્લોટિંગ પિકચર-ઇન-પિકચરની સુવિધા. સ્માર્ટફોનમાં આ સુવિધા આપણે વીડિયો માટે તો ઘણી એપમાં જોઈ છે, પરંતુ હવે બધા પ્રકારના કન્ટેન્ટ માટે તેનો લાભ બ્રાઉઝરમાં લઈ શકાશે. આપણી તેને સાદી રીતે સમજીએ.
માની લો કે તમારા પર જીમેઇલમાં કોઈ મેઇલ આવ્યો, જેમાં કોઈ વેબપેજની લિંક છે. આપણે એ મેઇલ ઓપન કરીને લિંક પર ક્લિક કરીએ એટલે એન્ડ્રોઇડમાં વેબપેજિસ ઓપન કરવા માટે જે બ્રાઉઝરને ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કર્યું હોય તેમાં નવી ટેબ તરીકે એ વેબપેજ ઓપન થાય.
હવે જે નવી સુવિધા ઉમેરાઈ છે તેની મજા જુઓ.

આપણે પેલા મેઇલમાં આવેલી લિંક ઓપન કરીએ ત્યારે એ વેબપેજમાંની વિગતો અને મેઇલમાંની વિગતો બંને લગભગ સાથોસાથ જોવી જરૂરી હોય. પરંતુ થાય એવું કે મેઇલ જીમેઇલ એપમાં ઓપન થયો અને પેલું વેબપેજ ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થયું હોય એટલે બંને વચ્ચે સીધું કોઈ કનેકશન રહ્યું ન હોય. આપણે વેબપેજ ઓપન થયા પછી ફરી મેઇલ વાંચવા માટે જીમેઇલ એપમાં જવું પડે.
હવે ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરાયેલા ‘ફ્લોટિંગ પિકચર-ઇન-પિકચર’ ફીચરથી આખી વાત સહેલી બનશે.
હવે જ્યારે આપણે મેઇલમાંની લિંક પર ક્લિક કરીશું ત્યારે એ વેબપેજ પહેલાંની જેમ ક્રોમ બ્રાઉઝરમાં નવા વેબપેજ તરીકે ઓપન થશે, પરંતુ એડ્રેસ બારમાં ડાબી તરફ એક ડ્રોપ ડાઉન એરો જોવા મળશે (જ્યારે આપણે બ્રાઉઝરમાં સીધેસીધું કોઈ વેબપેજ ઓપન કરીએ ત્યારે આવો એરો જોવા મળશે નહીં. ફક્ત જીમેઇલ જેવી અન્ય કોઈ એપમાંની લિંક પર ક્લિક કરીને વેબપેજ ઓપન કર્યું હશે ત્યારે આ એરો જોવા મળશે).
આપણે એ ડ્રોપ ડાઉન એરોને ક્લિક કરીશું તો ક્રોમ બ્રાઉઝરમાંની એ વેબપેજ સાથેની ટેબ ક્રોમથી અલગ થશે અને સ્માર્ટફોનના સ્ક્રીન પર ફ્લોટિંગ પિકચર-ઇન-પિકચર વિન્ડો તરીકે જોવા મળશે. આપણે પોતાની ઇચ્છા મુજબ એ વિન્ડોને સ્ક્રીન પર ગમે ત્યાં ફેરવીને ગોઠવી શકીશું.
આથી થશે એવું કે આપણે જીમેઇલમાં પેલા મેઇલમાં જશું અને મેઇલમાંની વિગતો વાંચતા હોઇશું ત્યારે એમાં આપેલું વેબપેજ એ જ સ્ક્રીન પર આપણી નજર સમક્ષ રહેશે. આપણે ઇચ્છીએ ત્યારે તેને એન્લાર્જ કરીને તેમાંની વિગતો તપાસી શકીશું. શરૂઆતમાં કહ્યું તેમ આ સગવડ નાની છે પરંતુ ઉપયોગી છે.

