
‘‘મૈં ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ બોલ રહા હૂં’’
‘‘આપકે પાર્સલ મેં ડ્રગ્સ મિલે હૈં’’
‘‘વીડિયો કોલ પર પૂછપાછ કરની હોગી’’
‘‘એફઆઇઆર ઔર વોરંટ ભેજ રહા હૂં’’
‘‘બેન્ક સે હવાલા લેનદેન ભી હુઈ હૈ’’
‘‘વેરિફિકેશન કે લિએ રૂપયે ટ્રાન્સફર કર!’’
તમે ઓફિસના કોઈ કામમાં પરોવાયેલા હો, ત્યાં તમારા વોટ્સએપમાં વોઇસ કોલ આવે. અજાણ્યો નંબર જોઈને તમે ખચકાવ, પણ પછી કોલ રીસિવ કરો. સામે છેડેથી અવાજ આવે, ‘‘ક્રાઇમ બ્રાન્ચ સે બોલ રહા હૂં, આપકે પાર્સલ મેં સે ડ્રગ્સ મિલે હૈં…’’ બનવાજોગ તમે કદાચ બે-ચાર દિવસ પહેલાં, કોઈ પાર્સલ ક્યાંક કુરિયર કર્યું પણ હોય. ભયથી તમારાં રૂવાડાં ઊભાં થઈ જાય કે નહીં?

તમે થોડા પણ જાગૃત હો, તો આવા કોલને તમે તરત કટ કરો, પણ પાછલા થોડા સમયના અખબારી અહેવાલો બતાવે છે કે ઘણા લોકો આવા કોલ કટ કરી શકતા નથી. પછી શરૂ થાય ‘ડિજિટલ અરેસ્ટ’ તરીકે ઓળખાતી એક લાંબી, ત્રાસદાયી પ્રક્રિયા. છેવટે કોલ પર જ, એ વ્યક્તિને એટલી ડરાવવા-ધમકાવવામાં આવે કે એ તેને જેમ કહેવામાં આવે એમ કરી બેસે.
તમે અખબારોમાં કે વેબસાઇટ્સ પર આવા ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ અવારનવાર વાંચતા હશો. કાં તો તમે ફક્ત લેખનું શીર્ષક વાંચીને બીજા સમાચાર તરફ આગળ વધી જતા હશો અથવા સમાચાર વાંચીને પણ ‘ડિજિટલ અરેસ્ટ’ એક્ઝેક્ટલી શું હોય છે એ કદાચ બરાબર સમજાયું નહીં હોય. નીચેના બે કિસ્સા અને બાકીનું લખાણ વાંચીને તમને બધું સ્પષ્ટ થઈ જશે.
બેંગ્લુરની 26 વર્ષની એક સોફ્ટવેર એન્જિનીયર…
બેંગ્લુરુમાં રહેતી ૨૬ વર્ષની એક સોફ્ટવેર એન્જિનીયર સાંજના ૫.૩૦ વાગ્યાની આસપાસ પોતાની ઓફિસમાં હતી. એ સમયે તેના પર એક ફોન આવ્યો. ફોન કરનારે પોતે કુરિયર કંપનીમાંથી બોલી રહ્યો છે એમ કહ્યું. તેણે પેલી એન્જિનીયરને કહ્યું કે તેના નામે બુક થયેલું એક પાર્સલ – જે તાઇવાન પહોંચાડવાનું હતું – તેમાંથી ડ્રગ્સ, પાસપોર્ટ્સ અને લેપટોપ્સ મળ્યાં છે. એ કારણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફોન કરનારે પેલી એન્જિનીયરનો આધાર નંબર, નામ અને ફોન નંબર પણ કહ્યાં જેથી તેને ખાતરી થાય કે આખી વાત બનાવટી નથી.
ડરેલી એન્જિનીયર ઘરે પહોંચી, ત્યાં તેના પર માઇક્રોસોફ્ટની સ્કાઇપ સર્વિસ પર વીડિયો કોલ આવ્યો. આ વખતે ફોન કરનારે પોતાની ઓળખ સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે આપી અને કહ્યું કે તેની સામે કેસ નોંધાયો છે અને તેની પૂછપરછ કરવાની છે. ‘ડીસીપી’એ કડક શબ્દોમાં કહ્યું કે પૂછપરછ પૂરી ન થાય ત્યાં સુધી કોલ કટ ન કરવો અને અન્ય કોઈને તે વિશે કોઈ જાણ પણ ન કરવી.
ગભરાયેલી સોફ્ટવેર એન્જિનીયરે બહુ લાંબો સમય ચાલેલી એ ‘પૂછપરછ’માં જે કંઈ પૂછવામાં આવ્યું તેના જવાબો આપ્યા. તમે સમજી જ ગયા હશો કે પૂછપરછના ભાગરૂપે તેની બેન્કની તમામ વિગતો માગવામાં આવી. એ પછી ‘બેન્ક એકાઉન્ટમાંથી ખોટી રીતે રૂપિયાની ટ્રાન્સફર થઈ છે કે નહીં’ તે તપાસવા માટે એકાઉન્ટમાંથી અમુક રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. ‘ડીસીપી’એ ખાતરી આપી કે વેરિફિકેશન પૂરું થયા પછી પચાસ મિનિટમાં ટ્રાન્સફર કરેલા રૂપિયા પરત મોકલી આપવામાં આવશે.
સ્કાઇપ પર ચાલેલી આખી પૂછપરછ અને રૂપિયા ટ્રાન્સફર કરવાની વિધિ દરમિયાન સોફ્ટવેર એન્જિનીયરનો પતિ પણ ઘરમાં જ હતો (જે પોતે પણ સોફ્ટવેર એન્જિનીયર છે). પણ તેને આખી વાતથી ધરાર દૂર રાખવામાં આવ્યો.
પૂછપરછ પૂરી થયા પછી લાંબો સમય વીત્યા પછી પણ ટ્રાન્સફર થયેલા રૂપિયા પરત આવ્યા નહીં એટલે બંનેને કંઈક ગરબડ હોવાનું લાગ્યું. તેમણે ૧૯૩૦ નંબર પર કોલ કરીને ફ્રોડનો કેસ નોંધવાની કોશિશ કરી. એ ન થઈ શક્યું એટલે https://cybercrime.gov.in/ પોર્ટલ પર જઇને ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી. તે પણ ન થયું એટલે બંને બેન્કમાં દોડ્યાં. બેન્ક ઓફિસર્સે ‘ટેકનિકલ કારણસર’ પેમેન્ટ અટકાવવાનો ઇન્કાર કરી દીધો.
છેવટે બંને નજીકના પોલીસ સ્ટેશને દોડ્યાં. પોલીસ તરફથી સારો સહયોગ મળ્યો. નવાઈજનક રીતે બેન્ક ઓફિસર્સે પોલીસના કોલ્સનો પણ જવાબ ન આપ્યો. છતાં પોલીસ ટ્રાન્સફર થયેલી કુલ રકમમાંથી દસેક ટકા જેટલી રકમ ફ્રીઝ કરી શકી. પોલીસે પેલા કપલને સલાહ આપી કે એ કોર્ટમાં જાય અને બેન્કને પૂરી રકમ પરત કરવાનું કહેતો ઓર્ડર મેળવે.
દિલ્હીમાં રહેતાં 72 વર્ષનાં એક વૃદ્ધ…
સાઉથ દિલ્હીમાં રહેતાં ૭૨ વર્ષનાં એક વૃદ્ધા પર સવારના ૯.૩૦ વાગ્યાની આસપાસ ‘ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના નોટિફિકેશન યૂનિટ’માંથી એક કોલ આવ્યો.
તેમને કહેવામાં આવ્યું કે તેમનો મોબાઇલ નંબર પોર્નોગ્રાફિક કન્ટેન્ટના સરક્યુલેશનમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. પરિણામે તેમનો નંબર બ્લોક થઈ જશે. આટલી વાત પછી ફોન કટ થઈ ગયો.
મુંઝાયેલાં પેલાં વૃદ્ધાએ હકીકત શું છે એ જાણવા એ જ નંબર પર સામો કોલ કર્યો. આ વખતે સામેથી ‘મુંબઈ પોલીસના કોઈ ઓફિસર’ વાત કરતા હતા. તેમણે મુંબઈ સીબીઆઇએ મુંબઈ કોર્ટની મદદથી જારી કરેલા વોરંટની વાત કરી અને એફઆઇઆર નંબર પણ આપ્યો. એ ઓફિસરે કહ્યું કે તેમણે બે કલાકમાં કોર્ટમાં હાજર થવાનું છે. વૃદ્ધાના વોટ્સએપ નંબર પર એક અરેસ્ટ ઓર્ડર પણ મોકલી આપવામાં આવ્યો જેના પર સહી સિક્કા પણ હતા.

દિલ્હીમાં રહેતાં વૃદ્ધા બે કલાકમાં મુંબઈની કોર્ટમાં ક્યાંથી હાજર થાય? જવાબ તૈયાર હતો – તમારે વીડિયો કોલ પર હાજરી આપવાની છે. મંુબઈ ધક્કો ખાવાની કોઈ જરૂર નથી.
એ પછી વૃદ્ધા પર વોટ્સએપમાં એક વીડિયો કોલ આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે એ પોતાનો કેમેરા ઓન કરે, રૂમમાં જ રહે અને પોતાના પરિવાર કે પડોશીઓ સાથે સંપર્કનો કોઈ પ્રયાસ ન કરે, નહીંતર ‘કાયદાકીય તકલીફો’ ઊભી થશે.
એ પછી લગભગ આખા દિવસ દરમિયાન વૃદ્ધા સાથે પેલા ‘પોલીસ ઓફિસરે’ વાતચીત કરી.
‘તમે તો અમારાં મા સમાન છો. અમને ખબર છે કે તમે કંઈ ખોટું કર્યું નથી, હું સીબીઆઇમાં મારા સિનિયરને વાત કરીશ. કંઈક રસ્તો નીકળી આવશે…’ એવી બધી વાતો પણ ચાલી. એ દરમિયાન વૃદ્ધાએ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું પણ કહેવામાં આવ્યું. આ વીડિયો ‘પૂછપરછ’ દરમિયાન અન્ય કેસોમાં તેમની સંડોવણીની તપાસ માટે વૃદ્ધાનો આધારકાર્ડ નંબર માગવામાં આવ્યો.
એ પછી ‘પૂરાવા’ રૂપે વૃદ્ધાના વોટસએપ પર સંખ્યાબંધ નોટિસનો મારો કરવામાં આવ્યો. આ બધાના અંતે પેલા ‘પોલીસ ઓફિસર’ વૃદ્ધાના ખાતામાંથી ‘મુંબઈ પોલીસ’ અને ‘સીબીઆઇ’ના ખાતામાં રૂ. ૮૩ લાખ જેટલી માતબર રકમ ‘વધુ તપાસ માટે’ ટ્રાન્સફર કરાવવામાં સફળ રહ્યા.
એ વૃદ્ધા કહે છે કે સવારના નવથી રાતના સાડા દસ સુધી એમણે વોટ્સએપ વીડિયો કોલનો ભયજનક સામનો કરવો પડ્યો અને રૂપિયા ટ્રાન્સફર ન કર્યા ત્યાં સુધી એ પોતાની જગ્યાએથી હલી પણ શક્યાં નહીં.
સામાન્ય સંજોગમાં કોઈ વ્યક્તિ ગુનાખોરીમાં સંડોવાયેલી હોવાનું પોલીસને જણાય તો પોલીસ તેને ઘરે પહોંચી શકે અને પૂછપરછ માટે પોતાની સાથે પોલીસ સ્ટેશને લઈ જઈ શકે. એ વ્યક્તિ સામે મજબૂત પુરાવા હોય તો તેની ધરપકડ પણ કરી શકે.
‘ડિજિટલ અરેસ્ટ’માં લગભગ એવું જ બધું કરવાનું નાટક કરવામાં આવે છે, ફેર ફક્ત એટલો કે આ બધું રૂબરૂ થવાને બદલે પૂરેપરું ડિજિટલી-ઓનલાઇન થાય છે અને તેમાં તમામેતમામ વાતો બનાવટી હોય છે!
ભારતના કાયદાઓમાં કોઈ વ્યક્તિને ‘ડિજિટલી અરેસ્ટ’ કરવા જેવી કોઈ જોગવાઈ જ નથી. છતાં ભારતમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને તેમને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે અને લોકો એ વાત માની લે છે!

ઉપરના બંને કિસ્સામાં આપણે જોયું તેમ, આવા કિસ્સાઓમાં ગેંગસ્ટર પોતાના શિકારને અથવા તેના નજીકના સગા સંબંધીને મોટા ભાગે પહેલાં વોટ્સએપ પર વોઇસ કોલ કરે છે. વોઇસ કોલમાં સંપર્ક થાય એટલે પોલીસ, સીબીઆઇ, કસ્ટમ્સ, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) વગેરેના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપે છે.
મોટા ભાગે આવા કોલમાં જે તે વ્યક્તિ અથવા સગાસંબંધીના નામે ડ્રગ્સ, બનાવટી પાસપોર્ટ, બનાવટી સિમ કાર્ડ કે અન્ય ચીજવસ્તુઓ સાથેનું પાર્સલ પકડાયું હોવાનું કહેવામાં આવે છે. જો શિકારના સગાસંબંધીને ફોન ગયો હોય તો તેમને કહેવામાં આવે છે કે તેમના સ્વજનની ધરપકડ કરી લેવામાં આવી છે અને તે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે.
એક વાર વોટ્સએપ પર આ રીતે પોતાના શિકાર કે તેના સંબંધી સાથે સંપર્ક થાય અને સામેની વ્યક્તિ ડરી ગઈ હોવાનું સ્પષ્ટ થઈ જાય એ પછી તેમને વોટ્સએપ અથવા સ્કાઇપ પર વીડિયો કોલ કરવામાં આવે છે.
આવે સમયે ફોન કરનાર વ્યક્તિ, ભારતની પોલીસ કે અન્ય અન્ય તપાસ સંસ્થાના ઉચ્ચ અધિકારીના રોલમાં અને એમના જેવા યુનિફોર્મમાં જોવા મળે છે.
આ પ્રકારે ફ્રોડ કરનારી ગેંગ્સની તૈયારી જુઓ – અમુક કિસ્સામાં વીડિયો કોલ સમયે પોલીસ સ્ટેશન જેવો જ સેટઅપ ઊભો કરાયો હોવાનું પણ નોંધાયું છે (જે કદાચ ફક્ત બેકગ્રાઉન્ડ ઇમેજ પણ હોય. વીડિયો કોલિંગમાં એ સામાન્ય છે)!
એ પછી બહુ લાંબા સમય સુધી વીડિયો કોલ પર ‘પૂછપરછ’ ચાલે છે. ‘પોલીસ અધિકારી’ સામ, દામ, દંડ, ભેદ… બધા જ પ્રકારની રીતરસમ અજમાવીને ડરાવે, ધમકાવે છે. સૌથી પહેલાં કોઈ એક બનાવટની કેસની વાતથી શરૂઆત થાય છે, એ પછી અન્ય પ્રકારના ગુનાઓની પણ વાત કહેવામાં આવે. બેન્ક ખાતાંઓમાંથી ગેરકાયદે રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું કહેવામાં આવે.
આ બધી વાતના પુરાવા તરીકે શિકારના આધાર નંબર, પાન નંબર, ફોન નંબર, એડ્રેસ વગેરે કહેવામાં આવે (જે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ બહુ સહેલાઈથી મેળવી શકે છે). સાથોસાથ તદ્દન નકલી એફઆઇઆર, વોરંટ, કોર્ટ ઓર્ડર વગેરેની ઇમેજ પણ શેર કરવામાં આવે (વોટ્સએપમાં આવતી બધી ઇમેજ સાચી હોવાનું માની લેતા વડીલોએ ખાસ સમજવા જેવું છે – કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રકારની બનાવટી ઇમેજ બહુ સહેલાઈથી તૈયાર કરી શકે છે).
આ બધાનું અંતિમ લક્ષ્ય એક જ હોય – શિકારને ડરાવી, ધમકાવીને તેના બેન્ક ખાતામાંથી શક્ય તેટલી વધુ રકમ ટ્રાન્સફર કરાવી લેવી. એ માટે ‘તોડ’ કે ‘માંડવાળ’ કરવા કે કેસ સમેટી લેવાના નામે અથવા ‘વધુ તપાસ’ અને ‘વેરિફિકેશન’ માટે રકમ માગવામાં આવે.
શિકાર બનેલી વ્યક્તિ તેની પહોંચ મુજબ ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી આપે એ સાથે ‘પૂછપરછ’ અને ‘ડિજિટલ અરેસ્ટ’ની બધી માયાજાળ સંકેલાઈ જાય.
વીડિયો કોલ પૂરો થાય. ભોગ બનેલી વ્યક્તિ છૂટકારાની લાગણી સાથે રાહતનો શ્વાસ લે. એ પછી લાંબા ગાળે તેને સમજાય કે તે ડિજિટલ અરેસ્ટ ફ્રોડનો ભોગ બન્યા છે!
લોકો, પોતે કંઈ ખોટું કર્યું ન હોય છતાં, આવા પહેલી નજરે પરખાઈ આવે એવા ફ્રોડમાં કેમ ફસાય છે એ સમજવું મુશ્કેલ છે, પણ વધતા કેસો બતાવે છે કે લોકો સહેલાઈથી ફસાય છે!
ફ્રડથી બચવા આપણે શું ધ્યાન રાખવું?આપણે કંઈ ખોટું કર્યું જ ન હોય – કોઈને ડ્રગ કે બનાવટી પાસપોર્ટ પાર્સલ ન કર્યા હોય, તો એવો દાવો કરતા કોલથી શા માટે ગભરાવું? સામેની વ્યક્તિ પોતે પોલીસ ઓફિસર હોવાનું કહે કે ફોન પર પોતાનું આઇ-કાર્ડ બતાવે, એટલા માત્રથી એ સાચું જ કહે છે એવું શા માટે માની લેવું? જો તમે આટલું કરી ન શકતા હો તો ‘ડિજિટલ અરેસ્ટ ફ્રોડ’થી બચવાનો એક જ રસ્તો છે – તમારા ફોનમાં તમે સેવ કરેલ ન હોય તેવા કોઈ નંબર પરથી વોટ્સએપ વોઇસ કોલ કે વીડિયો કોલ આવે તો તેનો જવાબ આપવાનું ટાળવું. તમે ભૂલથી કોલ રિસિવ ન કરી લો એ માટે વોટ્સએપ કંપનીએ એક સહેલી સુવિધા આપી છે.
વોટ્સએપના સેટિંગ્સમાં ‘પ્રાઇવસી’માં જાઓ અને તેમાં ‘કોલ’ સેકશનમાં અજાણ્યા નંબર પરથી આવતા કોલ સાયલન્ટ કરવાનો ઓપ્શન ઓન કરી દો. આ પછી કોઈ અજાણી વ્યક્તિ તમને વોટ્સએપ પર કોલ કરશે તો રિંગ વાગશે જ નહીં. આથી તમે ભૂલથી પણ તેને રીસિવ કરશો નહીં. ‘એ બધી કડાકૂટ આપણને ન ફાવે’ એવું તો બિલકુલ કહેશો નહીં! વોટ્સએપમાં ગમે તે મેસેજની આમતેમ ફેંકાફેંક કરતાં બરાબર ફાવે અને તમને મોટી મુશ્કેલીમાંથી બચાવે એવાં સેટિંગ કરતાં ન ફાવે? ના ચાલે! અચ્છા, જો ભૂલથી તમે આવા કોઈ કોલ રીસિવ કરી લો અને કોઈ બનાવટી કેસમાં તમે કે તમારા સ્વજનની સંડોવણી હોવાનું કહેવામાં આવે તો કોઈ વાત સાચી માનશો નહીં. એ પછી ચક્ષુ પોર્ટલ (https://sancharsaathi.gov.in/sfc/)પર એ ફોન સંબંધિત વિગતો રિપોર્ટ કરી શકો છો, જે અન્ય લોકોને આવા ફ્રોડમાં ફસાતાં બચાવશે. દેશભરમાં વિવિધ પોલીસ સંસ્થાઓ તરફથી આ ડિજિટલ અરેસ્ટ તથા અન્ય પ્રકારના ઓનલાઇન ફ્રોડ વિશે એડવાઇઝરી જારી કરવામાં આવે છે, તેમ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતો વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર બીજું બધું જોવાની સાથોસાથ આવી પોસ્ટ તરફ પણ ધ્યાન આપવું એ આપણી જવાબદારી છે. |
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇફોરસી) નામે એક ઓથોરિટી ઊભી કરવામાં આવી છે, જે દેશભરમાં નોંધાતા સાયબર ક્રાઇમના કેસો અને તેની તપાસનું કો-ઓર્ડિનેશન કરે છે. અહેવાલો મુજબ અત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (ફોન નંબર ૧૯૩૦ અને પોર્ટલ https://cybercrime.gov.in/) પર આવા કિસ્સાઓની ફરિયાદો સતત વધી રહી છે, જેના પર આ ઓથોરિટી આગળ પગલાં લે છે.

તપાસ સંસ્થાઓનું માનવું છે કે આ પ્રકારના કિસ્સાઓ મોટા ભાગે અન્ય દેશોમાંથી કાર્યરત ક્રાઇમ સિન્ડિકેટ્સ અને તેમના દ્વારા ચલાવવામાં આવતાં ઓનલાઇન મની ક્રાઇમ રેકેટ્સના ભાગરૂપે થાય છે. જોકે દેશનાં અમુક રાજ્યોમાંથી પણ આવી પ્રવૃત્તિ બહુ ફુલીફાલી છે.
આ બધું બહુ ઓર્ગેનાઇઝ્ડ રીતે થાય છે અને કોઈ પણ વ્યક્તિને શિકાર બનાવતા પહેલાં તેને વિશે ખાસ્સી માહિતી મેળવવામાં આવે છે.
આવા કિસ્સામાં મોટા ભાગે સ્કાઇપ પર કોલ થતા હોવાથી, આઇફોરસી ઓથોરિટીએ માઇક્રોસોફ્ટ કંપનીની મદદ મેળવીને પાછલા થોડા સમયમાં એક હજારથી વધુ સ્કાઇપ આઇડી બ્લોક કર્યાં છે. તેની સાથોસાથ ડિજિટલ અરેસ્ટ ફ્રોડને સંબંધિત સિમકાર્ડ, મોબાઇલ ડિવાઇસ તથા ‘મ્યૂલ’ એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવે છે.
આ ‘મ્યૂલ એકાઉન્ટ’ શું છે એ પણ જાણવા જેવું છે.
નિર્દોષ વ્યક્તિઓને ‘ડિજિટલી અરેસ્ટ’ કરતા પોલીસ ઓફિસર્સ તેમની પાસેથી રકમ ટ્રાન્સફર કરવામાં સફળ થાય ત્યારે દેખીતું છે કે આ રકમ તેઓ તેમની ઓળખ સાબિત કરે તેવા બેન્ક એકાઉન્ટમાં મેળવતા નથી. એ માટે અન્ય નિર્દોષ વ્યક્તિઓને ભોગ બનાવવામાં આવે છે.
સ્કેમસ્ટર્સ અન્ય વ્યક્તિઓને નિશાન બનાવીને કોઈને કોઈ રીતે તેમના બેન્ક એકાઉન્ટનો કંટ્રોલ મેળવે છે અને ડિજિટલ અરેસ્ટ કરેલી વ્યક્તિના ખાતામાંથી પેલા અન્ય વ્યક્તિના ખાતામાં રીસિવ કરે છે અને ત્યાંથી તેને સગેવગે કરવામાં આવે છે. આવા, મની ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાતા એકાઉન્ટને ‘મ્યૂલ એકાઉન્ટ’ કહે છે.
હોમ ડિપાર્ટમેન્ટ અને તપાસ સંસ્થાઓએ આ પ્રકારના ગુનાઓમાં ગુનો કરનારી વ્યક્તિઓ તથા તેઓ જે ઓનલાઇન સર્વિસ કે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરે છે તેને ટ્રેક કરવા વિવિધ રીતે ઝુંબેશ હાથ ધરી છે.
આપણે અગાઉ વાત કરી છે તેમ આવા ફ્રોડ કોલ્સનું નિશાન બનતા લોકો પોતે સહેલાઈથી ફરિયાદ નોંધાવી શકે તથા તેમના પર જે નંબર પરથી બનાવટી કોલ આવ્યા હોય તેની વિગતો રિપોર્ટ કરી શકે એવી વ્યવસ્થા ‘ચક્ષુ’ પોર્ટલ’ નામે વિકસાવવામાં આવી છે (https://sancharsaathi.gov.in/sfc/).
સરકારની આ બધી પહેલો ખરેખર આવકારદાયક છે, પરંતુ એનો અમલ ઉત્સાહજનક રીતે થતો નથી. જેમ કે ચક્ષુ પોર્ટલની સહેલી એક્સેસ માટે શરૂઆતમાં http://chakshuportal.in/ નામે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ તે કમ સે કમ આ લખાય છે ત્યારે તો તે બંધ છે. આપણે https://sancharsaathi.gov.in/sfc/ પર જવું પડે અને આ સંચારસાથીની મૂળ વેબસાઇટ કોઈ રીતે યૂઝર-ફ્રેન્ડલી નથી!



