આપણા દેશમાં ભાડુઆત મકાન પચાવી પાડે તેવી પૂરી શક્યતા, પરંતુ અમેરિકામાં એક મકાનમાલિક મહિલા, નવી ટેક્નોલોજીની મદદથી ઘર ભાડે આપવા જતાં જુદી મુશ્કેલીમાં મુકાયાં.
જેવી રીતે ટેક્સી, રિક્ષા કે બાઇક ભાડે મેળવવાનું કામ સહેલું કરી આપતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિકસ્યાં છે, એ જ રીતે સમગ્ર વિશ્વમાં હોમ સ્ટે એટલે કે પ્રવાસીઓને થોડા સમય માટે પોતાનું ઘર ભાડે આપવા માટેનાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિકસ્યાં છે. મકાનમાલિકો પોતાનાં ઘરની વિગતો આવાં ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકી શકે અને પ્રવાસીઓ પ્લેટફોર્મ પર તેમને જોઇતું ઘર શોધીને તે ભાડે લઈ શકે. વિશ્વમાં આવા પ્લેટફોર્મ તરીકે એરબીએનબી સર્વિસ ખાસ્સી પોપ્યુલર છે.

અમેરિકાની પેલી મકાનમાલિક મહિલાએ પોતાનું ઘર લાંબા ટૂંકા સમય માટે ભાડે આપવા માટે એરબીએનબી પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. થોડા સમય પહેલાં, એરબીએનબીને પ્રતાપે તેમને ઘરના મહેમાન-ભાડૂઆતો મળી ગયા. એ મહેમાનો બધી રીતે યોગ્ય જણાતાં પેલી મહિલાએ પોતાનું ઘર ભાડે આપ્યું.
મહેમાનો ત્રણેક અઠવાડિયા માટે રોકાયા અને પછી ઘર ખાલી કરીને ચાલ્યા ગયા. ત્યાં સુધી પેલી મકાનમાલિકને પોતાના ઘરમાં કંઈ ગરબડ ચાલી રહી હોવાની ગંધ સુદ્ધાં ન આવી. પરંતુ થોડા દિવસ પછી તેને ઘરનું ઇલેક્ટ્રિસિટી બિલ મળ્યું ત્યારે તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ. બિલ લગભગ ૧૫૦૦ ડોલર એટલે કે અંદાજે સવા લાખ રૂપિયાનું હતું!
એ પછી મકાનમાલિક મહિલાએ ઘરના આઉટડોર કેમેરાનું ફૂટેજ તપાસ્યું ત્યારે ખબર પડી કે પેલા મહેમાનો તેમના ઘરમાં દસેક જેટલાં કમ્પ્યૂટર લાવ્યા હતા અને ત્રણ અઠવાડિયાના રોકાણ દરમિયાન તેમણે રાત દિવસ ‘ક્રિપ્ટોકરન્સી માઇનિંગ’નું કામ કર્યું હતું!
તમે કદાચ જાણતા હશો કે ક્રિપ્ટોકરન્સી આપણે બે રીતે મેળવી શકીએ. એક, રૂપિયા કે ડોલર જેવી વાસ્તવિક કરન્સી ચૂકવીને તેના બદલામાં ક્રિપ્ટોકરન્સી મેળવીએ. બીજો રસ્તો ક્રિપ્ટોકરન્સી ‘માઇન’ કરવાનો છે. આ પ્રક્રિયામાં કમ્પ્યૂટર્સ પર અત્યંત જટિલ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાના હોય છે. ક્રિપ્ટોકરન્સી માઇન કરવા માટે કમ્પ્યૂટર ખાસ્સાં પાવરફુલ જોઇએ અને એ કારણે ઇલેક્ટ્રિસિટીનો પણ ભારે ઉપયોગ થાય. પર્યાવરણ અને આર્થિક બંને બાબતે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ ભારે પડતું હોવાને કારણે વિશ્વના અમુક ભાગોમાં તેના પર પ્રતિબંધ પણ છે.
પેલી મકાનમાલિક મહિલાએ મહેમાનોનો સંપર્ક કરીને આકરા વીજબિલ બાબતે ફરિયાદ કરી તો શરૂઆતમાં તેમણે કોઈ મચક ન આપી. છેવટે મહિલાએ એરબીએનબીનો સંપર્ક કર્યો અને ક્રિપ્ટોકરન્સી માઇનિંગ માટે ઘરનો ઉપયોગ થયો હોવાના પુરાવા આપ્યા એ પછી મહેમાનો વીજબિલ ચૂકવવા તૈયાર થયા.
જોકે એ પછી પણ મહેમાનો ભારે ફાયદામાં રહ્યા. પેલી મહિલાએ આખો અનુભવ ટિકટોક પર શેર કર્યા પછી ક્રિપ્ટોકરન્સીના જાણકારોએ અંદાજ બાંધ્યો કે ત્રણેક અઠવાડિયામાં ક્રિપ્ટો માઇનિંગ દરમિયાન પેલા મહેમાનોએ ઓછામાં ઓછા એક લાખ ડોલર (અંદાજે ૮૪ લાખ રૂપિયા) કમાઈ લીધા હશે!

