(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોઝ એપમાં મનગમતા ફોટો શોધો – એકદમ સહેલાઈથી, એઆઇથી

રોજિંદા જીવનમાં એઆઇનો ઉપયોગ સતત જુદી જુદી રીતે વિસ્તરી રહ્યો છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની ગાજવીજ માંડ એક-બે વર્ષથી શરૂ થઈ છે, બાકી આપણે રોજબરોજ જેનો ઉપયોગ કરીએ છીએ એવી વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ એકાદ દાયકા કરતાંય વધુ જૂનો છે.

જેમ કે ગૂગલે ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ અને મેનેજમેન્ટ માટેની તેની ‘ફોટોઝ’ સર્વિસમાં એઆઇનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે. વર્ષ ૨૦૧૫માં લોન્ચ થયેલી આ સર્વિસમાં આપણે પોતાના ફોટોઝ  અપલોડ કરવાથી વિશેષ કશું કરવાનું જ નહીં, બધું આપોઆપ થાય એ એઆઇનો જ ચમત્કાર છે.

આપણે તેમાં એઆઇનો લાભ લેતા જ હતા, ફક્ત સ્પષ્ટપણે જાણતા નહોતા. ગૂગલે પણ એ વિશે બહુ ફોડ પાડ્યો નહોતો. હવે આ મજાની સર્વિસમાં, આગામી થો઼ડા સમયમાં ‘આસ્ક ફોટોઝ’ નામે એક નવું ફીચર આવી રહ્યું છે. ગૂગલે પોતે કહ્યું છે કે આ ફીચર તેના લેટેસ્ટ એઆઇ મોડેલ જેમિની આધારિત છે.

ગૂગલ ફોટોઝમાં આપણે ધારીએ તે ફોટો-વીડિયો શોધવા અત્યારે જ સહેલા છે. ‘આસ્ક ફોટોઝ’ એ કામ સાવ રમતવાત બનાવી દેશે!

જોઈએ તે ફોટોઝ શોધી શકાશે – વાતવાતમાં પૂછીને

હવે ગૂગલ ફોટોઝ એપ સર્વિસમાં સત્તાવાર રીતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની એન્ટ્રી થઈ રહી છે.  આમાં ‘સત્તાવાર રીતે’ લખવાનું કારણ એ જ કે ગૂગલની આ અફલાતૂન સર્વિસમાં લાંબા સમયથી એઆઇનો ઓલરેડી ઉપયોગ થઈ રહ્યો છે. ફક્ત અત્યાર સુધી લગભગ બધું પડદા પાછળ રહેતું હતું. 

તમે ગૂગલ ફોટોઝ એપનો ભરપૂર ઉપયોગ કરતા હશો તો જાણતા હશો કે આપણે કેમેરાથી ક્લિક કરેલા ફોટોગ્રાફ ગૂગલ ફોટોઝમાં ઉમેરાય કે પછી આપણે પોતે પોતાના પીસી/લેપટોપમાંના ફોટોગ્રાફ આ સર્વિસમાં અપલોડ કરીએ એ પછી ફોટોગ્રાફના મેનેજમેન્ટ માટે આપણે જાતે કશું જ કરવાનું રહેતું નથી.

ગૂગલ ફોટોઝમાંનું સર્ચ ફીચર એટલું બધું પાવરફુલ છે કે તેમાં આપણે પરિવારના કોઈ વ્યક્તિનું નામ અને ગ્રીન, બ્લૂ જેવો કોઈ ચોક્કસ રંગ લખીએ તો એ જ કલરનાં કપડાંમાં એ વ્યક્તિના ફોટોગ્રાફ સિસ્ટમ શોધી આપે છે (અલબત્ત ક્યારેક પરિણામોમાં નાની મોટી ગરબડ થાય છે).

હવે આ આખી વાતમાં ‘આસ્ક ફોટોઝ’ નામે જેમિની એઆઇ મોડેલ આધારિત નવું સર્ચ ફીચર ઉમેરવામાં આવી રહ્યું છે.

એ કારણે આપણે સર્ચને એકદમ જટિલ છતાં ધારદાર બનાવીને ફોટોગ્રાફ અને તેમાંની માહિતી શોધી શકીશું.

જેમ કે ગૂગલ ઉદાહરણ આપે છે કે એપને કહી શકાશે કે ‘શો મી ધ બેસ્ટ ફોટો ફ્રોમ ઇચ નેશનલ પાર્ક, આઇ હેવ વિઝિટેડ’ એટલે કે ‘મેં જે નેશનલ પાર્કની મુલાકાત લીધી હોય, એના ફોટોઝમાંથી સૌથી સારા ફોટો શોધી બતાવ’.


એપને આવો સવાલ પૂછતાં આપણે વિવિધ દેશના જે જે નેશનલ પાર્કની મુલાકાત લીધી હોય તેમાંથી એપને જે બેસ્ટ ફોટા લાગે તે તારવી આપે છે.

અત્યારની સર્ચ વ્યવસ્થા એવી છે કે તેમાં માત્ર ફોટો તારવીને બતાવવામાં આવે. નવી વ્યવસ્થામાં ફોટો ઉપરાંત, એ ફોટોગ્રાફ્સ વિશેની થોડી માહિતી પણ, લખાણ સ્વરૂપે એપ આપણને આપશે. ફોટોઝમાં કોઈ લખાણ હોય તો તેને સંબંધિત સવાલ પૂછીને એ માહિતી પણ તારવી શકાશે.

ગૂગલ કહે છે કે આપણે અન્ય કોઈ વ્યક્તિને પૂછતા હોઇએ તે જ રીતે એપની સિસ્ટમ સાથે વાતચીત સ્વરૂપે તેને સૂચન કરી શકીશું. આપણી ક્વેરીનું જેમિની એઆઇ મોડેલ એનાલિસિસ કરશે. એ પછી  ‘રીટ્રિવલ ઓગમેન્ટેડ જનરેશન (આરએજી)’ તરીકે ઓળખાતા ટૂલની મદદથી એપની સિસ્ટમ આપણે જે ફોટોગ્રાફ જોવા માગતા હોઇએ તે તારવી આપશે.

આપણે ઇચ્છીએ તો પરિવારની કોઈ વ્યક્તિના નામ સાથે ‘‘ટીના સ્માઇલિંગ વ્હાઇલ રાઇડિંગ એ બાઇક’’ એવો પ્રોમ્પ્ટ આપીએ તો એપમાં ટીના નામની વ્યક્તિના સાયકલ પરના જેટલા ફોટોગ્રાફ હોય એ બધા અને  એમાંથી પણ સ્માઇલ સાથેના ફોટોગ્રાફ શોધીને સિસ્ટમ આપણને બતાવશે!

લગભગ આ જ પ્રકારની સર્ચ સુવિધા અત્યારે પણ ફોટોઝ એપમાં છે, પરંતુ એ માટે આપણે એપની સિસ્ટમને શું સમજાશે એ ધ્યાનમાં રાખીને આપણી ક્વેરી લખવી પડે છે.

નવી વ્યવસ્થામાં એવી ચિંતા રાખવાની જરૂર રહેશે નહીં. આપણે મનમાં જે આવે તે પૂછી શકીશું.

પાછલા એકાદ દાયકાથી ઇન્ટરનેટની વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ સતત વધી રહ્યો છે – આપણને તેનો ખ્યાલ નહોતો. ગૂગલની ફોટોઝ સર્વિસમાં ફોટોગ્રાફ્સના મેનેજમેન્ટ અને સર્ચમાં એઆઇનો જબરજસ્ત ઉપયોગ થતો આવ્યો છે. હવે તેમાં સત્તાવાર રીતે એઆઇની મદદથી સર્ચને પાવરફુલ બનાવાઈ છે, જેથી વાતચીત કરતા હોઈએ એ રીતે ફોટોઝ શોધી શકાય.

આપણી એપમાં ‘આસ્ક ફોટોઝ’ ફીચર ઉમેરાય તે પછી, ફોનમાં એપ ઓપન કરતાં છેક નીચેના બારમાં સર્ચ આઇકન સાથે ‘આસ્ક’ બટન ઉમેરાશે. તેને ક્લિક કરતાં આપણે એપની સિસ્ટમ સાથે વાતચીત કરીને,  આપણા ફોટો-વીડિયો કલેક્શનના સંદર્ભમાં કંઈ પણ પૂછી શકીશું.

અત્યારે પણ તમે ગૂગલ ફોટોઝમાં ખાસ્સી સંખ્યામાં ફોટોગ્રાફ અપલોડ કર્યા હોય તો તેમાં સર્ચ બોક્સમાં જાત ભાતની ક્વેરી લખીને તેમાંથી મનગમતા ફોટો શોધી શકો છે. આગામી મહિનાઓમાં ‘આસ્ક ફોટોઝ’ ફીચર તમામ યૂઝર્સને ઉપલબ્ધ થવા લાગશે એ પછી તેમાં ફોટોઝ સર્ચ કરવાનું કામ વધુ આનંદભર્યું બનશે.

ગૂગલ કહે છે કે આ બધું કરતી વખતે યૂઝર તરીકે આપણી પ્રાઇવસીનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને આપણી એપ સાથેની વાતચીત કે ફોટોઝનો કોઈ રીતે બીજો ઉપયોગ થશે નહીં.

અત્યારે જ ફોટોઝ એપમાં એઆઇનો ભરપૂર ઉપયોગ છે

ગૂગલે ૨૦૧૫માં ફોટોઝ એપની ભેટ આપી એ પહેલાં આપણા ડિજિટલ ફોટો અને વીડિયોને સ્ટોર કરવા, મેનેજ કરવા અને શેર કરવા એ ખાસ્સું મુશ્કેલ કામ હતું. કેમ કે તેમાં લગભગ બધું કામ મેન્યુઅલી કરવું પડતું હતું.

એ જૂની પદ્ધતિઓની સરખામણીમાં ગૂગલ ફોટોઝમાં પહોંચેલા આપણા બધા ફોટોગ્રાફ્સ કે વીડિયો આપોઆપ તારીખ, મહિના અને વર્ષ મુજબ ગોઠવાય છે,

આ સર્વિસમાં આપણે નિશ્ચિત સેટિંગ કર્યાં હોય તો વ્યક્તિઓના ચહેરા ઓળખીને આ સર્વિસ તેમનાં આલ્બમ આપોઆપ તૈયાર કરી આપે છે, કોઈ નાની કે મોટી ટૂર પર ગયા હોઇએ તો તેનાં પણ આ સર્વિસ અલગ આલ્બમ તૈયાર કરી આપે, આપોઆપ.

જે તે દિવસના વર્ષો જૂના ફોટોઝ, નાનામાંથી મોટાં થતાં જતાં બાળકના ફોટોગ્રાફ, બે વ્યક્તિના લગભગ સરખા ફોટોઝ… આ બધું પણ ‘મેમરીઝ’ સ્વરૂપે આપણને બતાવવામાં આવે, આપોઆપ.

ગૂગલે કમ્પ્યૂટર વિઝન અને એઆઇ કામે લગાડીને ફોટોઝમાં સર્ચની અત્યંત પાવરફુલ સગવડ ઉમેરી છે. તેમાં આપણે કોઈ પણ ફોટોગ્રાફમાં કોઈ પણ પ્રકારની ઇન્ફર્મેશન જાતે ઉમેરી ન હોય તો પણ સૂર્યાસ્ત, કાર, સાયકલ, બીચ, વેડિંગ, ફૂડ વગેરે કંઈ પણ સર્ચ કરતાં એપ આંખના પલકારામાં એ સર્ચને સંબંધિત ફોટોઝ શોધી આપે છે – આ બધું એઆઇને જ આભારી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!