
આપણે ઘણી વાર વાંચીએ-સાંભળીએ છીએ કે ધીરુભાઈ અંબાણી ચોરવાડથી ખિસ્સામાં માંડ ૧૦૦ રૂપિયા લઇને મુંબઈ આવ્યા હતા. કુટુંબના સભ્યો કે ઓળખીતા-પાળખીતા લોકો પાસેથી મેળવેલા આ સો રૂપિયાના બીજમાંથી તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામનું વિશાળ વટવૃક્ષ ઊભું કર્યું, જેને આજે મુકેશ અંબાણી અને તેમનાં સંતાનો હજી વધુ વિસ્તારી રહ્યા છે.
મુંબઈ પહોંચેલા ધીરુભાઈના ખિસ્સામાંના ૧૦૦ રૂપિયા આજના સ્ટાર્ટઅપના જમાનામાં ‘સીડ ફંડિંગ’ તરીકે ઓળખાય છે!
સ્ટાર્ટઅપ શબ્દ મોટા ભાગે વિશાળ પ્રમાણમાં લોકોના અમુક ચોક્કસ પ્રશ્નોનો ટેકનોલોજીથી ઉપાય આપતા ઉદ્યમ માટે વાપરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં કોઈ પણ પ્રકારના બિઝનેસની નાના પાયે થતી શરૂઆતને સ્ટાર્ટઅપ કહી શકાય. બિઝનેસ શરૂ કરવાનો કોઈ વ્યક્તિને વિચાર આવે ત્યારે તેને અમલમાં મુકવા માટે તથા બિઝનેસમાંથી કમાણી શરૂ થાય ત્યાં સુધી તેને ચાલતો રાખવા માટે નાણાં જોઇએ.
ઘણા ખરા સ્ટાર્ટઅપમાં લોકો પોતાની પાસેની બચત કે મિત્રો, સ્વજનો કે બેન્ક પાસેથી મેળવેલી લોન સ્વરૂપે એકઠી કરેલી રકમથી પોતાના બિઝનેસના આઇડિયાને સાકાર કરવાની કોશિશ કરતા હોય છે.
આ પ્રકારે બિઝનેસ માટે શરૂઆતમાં નાણાની ગોઠવણ કરવામાં આવે તેને પણ ‘સીડ ફંડિંગ’ કહી શકાય. પરંતુ આ રીતે એકઠાં કરેલાં નાણાં મોટા ભાગે ‘મદદ’ કહી શકાય.

જ્યારે વાસ્તવિક જગતમાં ‘સીડ ફંડિંગ’ એ વધુ ફોર્મલ સ્વરૂપે મેળવવામાં આવતાં નાણાં માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જ્યારે કોઈ બિઝનેસ આઇડિયાને સાકાર કરવા માટે કંપનીનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે પરિવારના સભ્યો, મિત્રો, અન્ય લોકો તથા એન્જલ ઇન્વેસ્ટર્સ તરફથી રૂપિયા મેળવવામાં આવે છે અને બદલામાં તેમને કંપનીની ચોક્કસ ભાગની માલિકી (ઇક્વિટી) ઓફર કરવામાં આવે છે. આપણે ત્યાં ‘શાર્ક ટેન્ક’ શોથી આ બધી વાતો વધુ પ્રચલિત થઈ છે.
મોટા ભાગે બિઝનેસનો આઇડિયા કેટલો જબરજસ્ત છે, તેમાં સંભવિત રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ (આરઓઆઇ) એટલે કે રોકાણ સામે કેટલા પ્રમાણમાં અને કેટલી ઝડપથી વળતર મળવાની સંભાવના છે એ બધું ધ્યાનમાં રાખીને સીડ ફંડિંગ આપવામાં આવે છે.
સીડ ફંડિંગ ક્યાંથી મેળવી શકાય?
વર્તમાન સમયમાં જો તમારા મનમાં કોઈ મોટા બિઝનેસનો આઇડિયા રમતો હોય તો તેના માટે તમે નીચેની જુદી જુદી રીતથી સીડ ફંડિંગ મેળવી શકો છો.
- ક્રાઉડફંડર્સઃ ઇન્ટરનેટ પર એવાં ઢગલાબંધ પ્લેટફોર્મ્સ છે જેના પર લોકો પોતાના આઇડિયા રજૂ કરી શકે છે, પ્રોડક્ટ હોય તો તેના પર પ્રોટોટાઇપ્સ બતાવી શકે છે અને એ પ્રોડક્ટનું વાસ્તવિક પ્રોડકશન શરૂ થાય એ પહેલાં ભારે ડિસ્કાઉન્ટ સાથે પ્રી-ઓર્ડર કરવાની સગવડ મળે છે. લોકોને જે તે પ્રોડક્ટમાં દમ દેખાય તો તેઓ તેને માટે પ્રી-બુકિંગ કરે છે અને પેલા સ્ટાર્ટઅપને એ રીતે જોઈતા નાણાં મળે છે.
- કોર્પોરેટ સીડ ફંડર્સઃ ટેકનોલોજી જગતમાં એવી અસંખ્ય મોટી કંપનીઓ છે, જે ઇનોવેશન્સને પ્રોત્સાહન આપવા માટે સીડ ફંડિંગ આપે છે. આવી કંપનીઓને જે પ્રોડક્ટ કે સર્વિસમાં લાંબા ગાળે મોટો પ્રોફિટ દેખાય તેમાં તેઓ સીડ ફંડિંગ સ્વરૂપે રોકાણ કરે છે.
- એન્જલ ઇન્વેસ્ટર્સઃ નામ મુજબ એન્જલ ઇન્વેસ્ટર સ્ટાર્ટઅપ માટે દેવદૂત બની શકે છે. વ્યક્તિગત રીતે પોતાની એક કંપની કે કંપનીઓમાંથી જબરજસ્ત કમાણી કરી ચૂકેલા લોકો અન્ય સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તેમને સીડ ફંડિંગ આપે છે. જોકે તેઓ અમથા જ રૂપિયા આપી દેતા નથી. સ્ટાર્ટઅપની પ્રોડક્ટ કે સર્વિસમાં લાંબા ગાળે કેટલા વિસ્તાર અને નફાની શક્યતા છે તે બારીક રીતે તપાસીને કંપનીમાં ઇક્વિટી સાથે તેઓ સીડ ફંડિંગ આપે છે.
- વેન્ચર કેપિટલિસ્ટઃ વ્યક્તિગત ઇન્વેસ્ટર્સ ઉપરાંત તેમનાં ગ્રૂપ્સ ઘણી બાબતો તપાસ્યા પછી સ્ટાર્ટઅપ માટે ફંડિંગ આપે છે. સામાન્ય રીતે તેઓ એન્જલ ઇન્વેસ્ટર્સ કરતાં ઘણા વધુ પ્રમાણમાં ફંડિંગ આપે છે પણ એ માટે તેઓનો રિસર્ચ અને શરતો પણ વધુ વ્યાપક હોય છે. ઘણા કિસ્સામાં વેન્ચર કેપિટલિસ્ટને કોઈ સ્ટાર્ટઅપમાં દમ દેખાતો હોય પરંતુ એ આઇડિયા આપનાર વ્યક્તિ પોતે યોગ્ય રીતે સંચાલન અને મેનેજમેન્ટ કરી શકતી ન હોય ત્યારે વેન્ચર કેપિટલિસ્ટ પોતે કંપનીના રનિંગ અને કંટ્રોલિંગમાં મોટો ભાગ ભજવે અથવા મૂળ આઇડિયા આપનાર વ્યક્તિને યોગ્ય વળતર સાથે બાજુમાં રાખીને આખો બિઝનેસ પોતે સંભાળી લે એવું પણ બની શકે.
એટલું યાદ રાખશો કે અહીં જે વાત કરી એ બધી એક પાયાની, પ્રાથમિક વાતો છે. કોઈ પણ બિઝનેસ માટે મોટા પ્રમાણમાં સીડ ફંડિંગ મેળવવું અને સમયાંતરે વધુ ફંડિંગ મેળવવું એક લાંબી પ્રક્રિયા છે. સીડ ફંડિંગ મેળવવા માટે સ્ટાર્ટઅપના જોરદાર આઇડિયા ઉપરાંત તેનાં વિવિધ પાસાંની સ્પષ્ટતા સાથેનો લાંબા ગાળાનો બિઝનેસ પ્લાન હોવો જોઈએ તથા ફંડિંગ આપતા અલગ અલગ પ્રકારના લોકોના ગળે એ આઇડિયા ઉતારવો જરૂરી છે!
