આગળ શું વાંચશો?
- એક્સમાંથી વિદાય લે છે લાઇક્સ
- વોટ્સએપની જેમ મેસેન્જરમાં પણ કમ્યૂનિટિઝ
- વોટ્સએપમાં ઉમેરાય છે ઇન-એપ ડાયલર
અગાઉના ટવીટર અને હવેના એક્સ પ્લેટફોર્મ પર તમે કદાચ એક નવી વાત નોંધી હશે. એક્સ પ્લેટફોર્મ પરથી લાઇક્સ ગાયબ થઈ રહી છે!
આમ તો સોશિયલ મીડિયાનો જીવ લાઇક્સમાં છે. લોકો જેમ કોઈ પોસ્ટને વધુ લાઇક કરે તેમ એ પોસ્ટ વાઇરલ બને અને તેના જ આધારે સોશિયલ મીડિયાનું અર્થતંત્ર ચાલે છે. પરંતુ હમણાં એક્સની એન્જિનીયરિંગ ટીમે જાહેર કર્યું છે કે એક્સમાં આપણી પ્રાઇવસી પ્રોટેક્ટ કરવા માટે લાઇક્સ ફીચરને પ્રાઇવેટ બનાવવામાં આવી રહ્યું છે.

અગાઉ આપણે કોઈ પોસ્ટ પર જઇએ ત્યારે તેને કેટલી લાઇક મળી છે તે જોઈ શકીએ અને પછી તેના પર ક્લિક કરતાં પોસ્ટને કોણે કોણે લાઇક કરી છે તે પણ જોઈ શકતા હતા. હવે ફક્ત એ પોસ્ટના ઓથર પોતે જોઈ શકશે કે પોસ્ટને કોણે લાઇક કરી છે. અલબત્ત હજી પણ લાઇકની સંખ્યા સૌને જોવા મળી રહી છે. અત્યાર સુધી, લાઇક્સ હાઇડ કરવાની સુવિધા માત્ર એક્સના પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સને મળતી હતી.
આ ફેરફાર પછી પણ આપણે એક્સ પરની જુદી જુદી પોસ્ટ લાઇક્સ કરી શકીશું પણ એ પોસ્ટના ઓથર સિવાય અન્ય કોઈ વ્યક્તિ જોઈ શકશે નહીં કે આપણે એ પોસ્ટને લાઇક કરી છે.
તમે ફેસબુકના બહુ જૂના યૂઝર્સ હશો તો તમે જાણતા હશો કે એક સમયે ફેસબુકની મેઇન સર્વિસમાં જ મેસેજિંગનું ફીચર સામેલ હતું. એ પછી એપ્રિલ ૨૦૧૪માં ફેસબુકે મેસેજિસની આપ-લે માટે અલગ મેસેન્જર એપ લોન્ચ કરી. હવે સમાચાર છે કે વોટ્સએપમાંની કમ્યૂનિટિઝની જેમ મેસેન્જરમાં પણ બરાબર એ જ નામે એક નવું ફીચર ઉમેરાયું છે.

આમ તો આ ફીચર વોટ્સએપમાં છેક ૨૦૨૨માં લોન્ચ થઈ ગયું હતું. એ જ રીતે મેસેન્જરમાં પણ ૨૦૨૨માં જ કમ્યૂનિટી ચેટ્સ લોન્ચ થઈ હતી. એ સમયે ફેસબુક ગ્રૂપમાં જોડાયેલા લોકો તેની મદદથી એકબીજા સાથે રિઅલ ટાઇમમાં ચેટિંગ કરી શકતા હતા.
હવે તેનો લાભ મેસેન્જરના સૌ યૂઝર્સને મળવા લાગશે. આપણે મેસેન્જર પર ‘કમ્યુનિટીઝ’ તરીકે ઓળખાતાં ગ્રૂપ બનાવી શકીશું અને તેમાં પૂરા પાંચ હજાર જેટલા લોકોને ઉમેરી શકીશું.
મહત્ત્વની વાત એ છે કે આ તમામ લોકો કોઈ એક જ ફેસબુક ગ્રૂપમાં જોડાયેલા હોવા જરૂરી નથી. અગાઉ એવું જરૂરી હતું. એટલું જ નહીં મેસેન્જર પર કમ્યુનિટી બનાવવા માટે કોઈ ફેસબુક પેજ હોવું પણ જરૂરી નથી. વોટ્સએપની જેમ, આ ફીચર સ્કૂલ કે નાની-મોટી સંસ્થાઓ, કંપની વગેરેને ઉપયોગી થવાની સંભાવના છે. મેટા કંપની કહે છે કે આ સુવિધા ફેસબુક ગ્રૂપ કરતાં અલગ છે અને તેમાં મેસેન્જર પરની કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકશે.
આમ તો, જ્યારથી આપણા ફોન સ્માર્ટ થયા છે ત્યારથી તેનો ઉપયોગ કોલિંગ માટે ઓછો અને અન્ય બાબતો માટે વધુ થવા લાગ્યો છે. છતાં, ફોન છે તો કોલિંગ તો થવાનું. અત્યાર સુધી આપણે સ્માર્ટફોનમાંથી કોઈને કોલ જોડવો હોય ત્યારે ફોનમાંની કોન્ટેક્ટ એપ ઓપન કરીને સામેની વ્યક્તિનો નંબર ડાયલ કરતા આવ્યા છીએ. આપણે ઘર કે ઓફિસમાં હોઇએ અને સારું વાઇ-ફાઇ કનેકશન મળતું હોય તો આપણા ફોનમાં જ વાઇ-ફાઇ કોલિંગની પણ સુવિધા છે. પરંતુ એ માટે આપણે દર વખતે કશું કરવાનું થતું નથી. એક વાર સેટિંગ કરી લઇએ એ પછી ફોનનાં સિગ્નલ નબળાં પડે તો આપોઆપ વાતચીત વાઇ-ફાઇ કોલિંગ પર સ્વિચ થઈ જતી હોય છે.

પરંતુ નવા સમયમાં મોબાઇલ કંપનીનાં સિગ્નલ પર થતા સાદા કોલને બદલે ઘણા લોકો ઇન્ટરનેટ પર થતા વોટ્સએપ કોલ પસંદ કરવા લાગ્યા છે. ખાસ કરીને જો ફોનમાં સારું નેટ કનેકશન મળતું હોય તો હવે ઘણા લોકો સાદા કોલને બદલે વોટ્સએપ કોલ તરફ વળવા લાગ્યા છે.
તેના બે-ત્રણ ફાયદા છે. સાદા કોલની સરખામણીમાં વોટ્સએપ કોલમાં વધુ સારી વોઇસ ક્લેરિટી મળી શકે છે અને ખાસ તો તેમાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન હોવાથી વાતચીત ખાનગી રહી શકે છે તથા વાતચીત રેકોર્ડ પણ કરી શકાતી નથી. લોકોની આ બદલાતી પસંદ પારખીને વોટ્સએપ કંપની વોટ્સએપમાંથી કોલ કરવાનું કામ વધુ સહેલું બનાવી રહી છે.

અત્યારે આપણે વોટ્સએપ કોલ કરવા માટે વોટ્સએપ એપ ઓપન કરી તેમાં જે તે કોન્ટેક્ટના ચેટ પેજ પર જવું પડે અને ત્યાંથી કોલિંગ કરી શકાય છે. ઉપરાંત સૌથી મોટો અવરોધ એ છે કે જો કોઈ વ્યક્તિનો આપણે પહેલી જ વાર વોટ્સએપ પર સંપર્ક કરી રહ્યા હોઇએ તો એ વ્યક્તિનો નંબર આપણે પહેલાં ફોનની એડ્રેસ બુકમાં ઉમેરવો પડે. એ નંબર વોટ્સએપમાં ઉમેરાય ત્યાં સુધી રાહ જોવી પડે અને પછી તેને મેસેજ કે કોલ કરી શકાય.
આ બધી ઝંઝટ ઓછી કરવા માટે કંપની ઇન-એપ ડાયલરનું ફીચર લાવી રહી છે. હવે વોટ્સએપમાંથી કોઈને કોલ કરવો હોય ત્યારે વોટ્સએપમાં ડાયલર એપ ઓપન કરી શકીશું અને તેના પર નંબર ડાયલ કરીને કોઈ વ્યક્તિ સાથે ફટાફટ કોલ કરી શકીશું. મતલબ કે પહેલાં એડ્રેસ બુકમાં આપણે કોઈનો નંબર સેવ કરવાની જરૂર રહેશે નહીં. ડાયલર એપમાં જ કોલ ઉપરાંત મેસેજ મોકલવાનું બટન પણ ઉપલબ્ધ રહેશે.
