ક્રિકેટમાં મેચ જીતવા માટે ટીમવર્ક બહુ જરૂરી છે. ટીમના દરેક ખેલાડીની ખાસ આવડતનું સંતુલન પણ જરૂરી છે. કોઈ ખેલાડી બેટિંગમાં જોરદાર હોય તો કોઈ સ્પીન કે ફાસ્ટ બોલિંગમાં માસ્ટર હોય. કેટલાક ખેલાડી એવા હોય જેની વિકેટકીપિંગમાં માસ્ટરી હોય. પરંતુ અમુક પ્લેયર ઓલરાઉન્ડર હોય. આવા પ્લેયરને ટીમમાં સ્થાન મળવું પણ સહેલું અને ટીમમાં એમનું મહત્ત્વ પણ વધુ.

જેમ ક્રિકેટમાં ઓલરાઉન્ડર એમ આઇટી ફિલ્ડમાં ફુલ-સ્ટેક ડેવલપર.
વેબસાઇટ, એપ્લિકેશન કે અન્ય કોઈ પણ પ્રકારના સોફ્ટવેરના ડેવલપમેન્ટમાં બે બાબત સૌથી વધુ મહત્ત્વની છે.
- ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ
- બેક એન્ડ ડેવલપમેન્ટ
ફન્ટ એન્ડ એટલે સ્ક્રીન પર આપણને જે કંઈ દેખાય એ બધું જ. જેમાં ડિઝાઇન, ફોન્ટની સાઇઝ, સ્ટાઇલ વગેરે ઉપરાંત જુદા જુદા એલિમેન્ટનું યોગ્ય પ્લેસમેન્ટ, ઇઝી નેવિગેશન વગેરે બાબતોનો સમાવેશ થાય. ટેકનોલોજીની ભાષામાં આ બધી બાબતોને યૂઝર ઇન્ટરફેસ (યુઆઈ) અને યૂઝર એક્સપિરિયન્સ (યુએક્સ) કહેવાય છે (આ બંને બાબતો બહુ નજીકની લાગે. પરંતુ તેમાં મહત્ત્વના તફાવતો છે).
જ્યારે બેક એન્ડ એટલે સ્ક્રીન પર જે કંઈ દેખાતું હોય એ બધું શક્ય બનાવતી બાબતો. તેમાં ડેટાબેઝ સાથેનું ઇન્ટિગ્રેશન, કોડિંગ, પ્રોગ્રામિંગ તથા અન્ય કેટલાય પ્રકારની ટેકનિકલ પ્રોસેસનો સમાવેશ થાય.

ક્રિકેટની જેમ આ વાતને કાર સાથે સરખાવીએ તો કારનો દેખાવ, એરોડાયનેમિક્સ, ઇન્ટીરિયર્સ વગેરે ડિઝાઇન કરવાં એ એક વાત થઈ અને બોનેટની નીચે, કાર ચલાવતું એન્જિન ડિઝાઇન કરવું એ બીજી વાત થઈ. સામાન્ય રીતે લોકો કોઈ ચોક્કસ ફિલ્ડમાં માસ્ટરી ધરાવતા હોય, જ્યારે કેટલાક ઓલરાઉન્ડર હોય. એમને બધું જ આવડે! આઇટી ફિલ્ડમાં આવા જુદા જુદા સ્ટેક (બાબતો)માં માસ્ટરી ધરાવતા લોકોને ફુલ-સ્ટેક ડેવલપર કહેવામાં આવે છે. દેખીતું છે કે આઇટી ફિલ્ડમાં આવા ઓલરાઉન્ડર વધુ ડિમાન્ડમાં રહે છે.
ફુલ-સ્ટેક ડેવલપર બનવા માટે જરૂરી બાબતો
બેક-એન્ડ સ્કિલ્સ
- કમ્પ્યૂટર સાયન્સ કે કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ કે કમ્પ્યૂટર એન્જિનીયરિંગ જેવા ફીલ્ડમાં બેચલર્સ ડિગ્રી
- જાણીતા નેશનલ કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સના કોર્સિસનાં સર્ટિફિકેશન
- હાઇપર ટેકસ્ટ માર્કઅપ લેંગ્વેજ (એચટીએમએલ) અને કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ (સીએસએસ)માં માસ્ટરી
- જેક્વેરી, જાવા સ્ક્રીપ્ટ, એંગ્યુલર વગેરે જેવી બ્રાઉઝર સંબંધિત ટેકનોલોજીની ઊંડી સમજ.
- પીએચપી, પાયથન, એએસપી, નોડ વગેરે જેવી સર્વર સંબંધિત પ્રોગ્રામિંગ ટેકનોલોજીની જાણકારી.
- સ્ટ્રકચર્ડ ક્વેરી લેંગ્વેજ (એસક્યુએલ), માય એસક્યુએલ, મોંગોડીબી વગેરે જેવા ડેટાબેઝની જાણકારી.
ફ્રન્ટ-એન્ડ સ્કિલ્સ
- ફિગ્મા, એડોબ એક્સડી, ફોટોશોપ વગેરે જેવા ડિઝાઇનિંગ સોફ્ટવેરના ઉપયોગની જાણકારી
- વર્ડપ્રેસ, જુમલા, દ્રુપલ વગેરે જેવી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તથા અન્ય પ્રકારની વેબ ડેવલપમેન્ટ ટેકનોલોજીસની સમજ.
સોફ્ટ સ્કિલ્સ
- ફુલ-સ્ટેક ડેવલપર ટીમલીડર તરીકે કામ કરે છે, તેનામાં કમ્યુનિકેશન તથા ઓર્ગેનાઇઝેશનલ અને એનાલિટિકલ સ્કિલ્સ હોવી બહુ મહત્ત્વની છે.
- ફુલ-સ્ટેક ડેવલપરમાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ હોવી પણ જરૂરી છે. કેમ કે તેમણે પોતાની સમગ્ર ડેવલપમેન્ટ ટીમ ઉપરાંત ક્લાયન્ટ્સ તથા એન્ડ યૂઝર્સ સાથે પણ સંકલન કરવાનું હોય છે.

