આજના સમયમાં આપણે ‘ફિનટેક’ શબ્દ વારંવાર સાંભળીએ છીએ અને તેનો રોજેરોજ ઉપયોગ કરીએ છીએ પરંતુ આ શબ્દ વિશે પૂરી સ્પષ્ટતા ન હોય તેવું બની શકે.

સાવ સાદી રીતે કહીએ તો ફાયનાન્સિયલ ટેકનોલોજી એટલે ફિનટેક (Fintech). કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધતો જાય છે. જૂના જમાનામાં લખાતા બેંક ચેક ધીમે ધીમે ભૂલાઈ રહ્યા છે. તેને સ્થાને હવે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) અને ડિજિટલ રૂપી જેવી નવી ટેકનોલોજી આવી ગઈ છે.
અગાઉ કાગળ પરના શેર સર્ટિફિકેટને સ્થાને હવે શેર્સને ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરતાં ડિમેટ એકાઉન્ટ આવી ગયાં છે. નજીકના સમયમાં વીમા પોલિસીઓનું પણ ડીમટિરિઅલાઇઝેશન થવામાં છે. શેરબજારમાં રોકાણ સહેલું બનાવવા માટે તો હવે જુદાં જુદાં કેટલાંય ડિજિટલ પ્લેટફોર્મ્સ વિકસ્યાં છે.
કંપનીઓના એકાઉન્ટિંગ અને બુકકીપિંગ માટે ઓનલાઇન, ક્લાઉડ આધારિત સર્વિસિસ વિકસી છે. સામાન્ય, પરંપરાગત ચલણ ઉપરાંત ક્રિપ્ટોકરન્સીનો વ્યાપ પણ જબરજસ્ત વધ્યો છે. આ બધી જ બાબતો ફિનટેકનો ભાગ ગણાય છે.

