(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કસ્ટમર કમ્યુનિકેશનઃ જૂની મુશ્કેલીઓ, નવા ઉપાયો

આજના ડિજિટલ યુગમાં પણ કસ્ટમર સપોર્ટ અને પ્રમોશન બંનેનો સરળ, સચોટ અને સસ્તો રસ્તો મળવો મુશ્કેલ છે.

કોઇ પણ નાના-મોટા બિઝનેસ માટે બે પ્રકારના કસ્ટમર્સની સતત નજરમાં રહેવું અનિવાર્ય હોય છે – એક તો, હાલના કસ્ટમર્સ, જેમની પાસેથી નવા ઓર્ડર્સ મળવાની સૌથી વધુ શક્યતા છે, અને બીજા, બિઝનેસની પ્રોડકટ્સ કે સર્વિસમાં જેમને રસ પડી શકે તેમ હોય તેવા સંભવિત કસ્મટર્સ. આ કારણે, હાલના કસ્ટમર્સને સારી સપોર્ટ સર્વિસ આપવી પડે અને સંભવિત કસ્ટમર્સને શોધીને તેમને કંઈક ને કંઈક મેસેજ મોકલવા પડે.  

આ બંને બાબત માટે એક જ વાત મહત્ત્વની છે – સતત કમ્યુનિકેશન. આ તો સૌ કૌઈ જાણે છે, પણ સતત કમ્યુનિકેશન કરવું બહુ મુશ્કેલ છે, આજના ફટાફટ કમ્યુનિકેશનની ટેક્નોલોજીના યુગમાં પણ.

હવે એ કહો કે તમે  તમારા નાના-મોટા બિઝનેસના હાલના અને સંભવિત કસ્ટમર્સ સાથે સંપર્કમાં રહેવા માટે ‘કમ્યુનિકેશન્સ પ્લેટફોર્મ-એઝ-એ-સર્વિસ (CPaaS)’ તરીકે ઓળખાતી ટેક્નોલોજી કે ‘કન્વર્સેશનલ કમ્યુનિકેશન’નો ઉપયોગ કરો છો? તમે કદાચ કહેશો કે એ વળી શું છે?

તો હવે સહેલો સવાલ – તમે કસ્ટમર્સ સાથે વોટ્સએપ પર સંપર્કમાં રહો છો?

તમે કહેશો, હાસ્તો! 

કસ્ટમર સપોર્ટ અને પ્રમોશન બંને અલગ અલગ કરવાના ઘણા રસ્તા છે, પણ બધું સાથે કરવું હોય તો ઘણા અવરોધ છે. આ માટેના ડિજિટલ ઉપાય અનેક છે, પણ દરેકમાં કોઈ ને કોઈ રીતે મોટી મર્યાદાઓ છે, જેથી કામ મુશ્કેલ બને છે. અત્યાર સુધી આ બાબતે વોટ્સએપનો ચઢતો સિતારો રહ્યો છે, પણ ગૂગલ ટૂંક સમયમાં તેને પડકાર આપે એવી શક્યતા છે.

તમે જે જોશથી ‘હાસ્તો’ કહો છો, એ જ કારણે ભારતમાં બિઝનેસ કમ્યુનિકેશનનો ધંધો વર્ષે અઢી-ત્રણ હજાર કરોડે પહોંચી રહ્યો છે! વાસ્તવમાં વોટ્સએપનો બિઝનેસ કમ્યુનિકેશન માટે ઉપયોગ થાય એ પણ ‘કમ્યુનિકેશન્સ પ્લેટફોર્મ-એઝ-એ-સર્વિસ’નો જ એક પ્રકાર છે. મેટા કંપની, મેસેન્જર અને વોટ્સએપ દ્વારા આ દિશામાં ઘણી આગળ વધી ગઈ છે અને હવે ગૂગલ પણ એની બરોબરી કરવાની મથામણમાં છે.

મેટા અને ગૂગલ એ તો જાણીતાં નામ છતાં, પણ બીજી નાની-મોટી અનેક કંપની, બિઝનેસ કમ્યુનિકેશન માટે ટેક્નોલોજીનાં ટૂલ્સ આપવાની હરીફાઈમાં લાગી છે.

જૂના-હાલના-નવા ગ્રાહકો સાથે સીધી વાતચીત એ નવો બિઝનેસ મેળવવાનો સૌથી સારો રસ્તો છે, પણ આવું ‘કન્વર્સેશનલ કમ્યુનિકેશન’ આપણે ધારીએ એટલું સહેલું નથી. એટલે જ એવી સર્વિસ આપતાં, ‘સીપાસ’ તરીકે ઓળખાતાં પ્લેટફોર્મ વિકસી રહ્યાં છે.

આપણે બિઝનેસ કમ્યુનિકેશનના હાલ ઉપલબ્ધ જુદા જુદા રસ્તા અને તેમાં પડતી મુશ્કેલીઓ જાણીએ. એ સાથે, વોટ્સએપ અને ગૂગલ બંને કંપની તેના ઉપાય તરીકે કેવી નવી સર્વિસિસ પર ફોકસ કરી રહી છે એ પણ જાણીએ.

એ બધામાં, વોટ્સએપ અને ગૂગલ વચ્ચે નજીકના સમયમાં મોટી ખેંચતાણ થાય એવી શક્યતા છે. બંનેની સર્વિસ પેઇડ રહેશે, પણ અત્યારે એ બાબતે વોટ્સએપનું લગભગ કોઈ હરીફ નથી. ગૂગલ હરીફ બનશે તો ફાયદા નાના-મોટા બિઝનેસને જ છે.


બિઝનેસ કમ્યુનિકેશન માટેનો લગભગ સૌથી જૂનો રસ્તો. તેમાં મુશ્કેલી એ છે કે સાદી ઇમેઇલ સર્વિસથી બલ્ક ઇમેઇલ્સ મોકલવા જતાં એકાઉન્ટ બ્લોક થઈ શકે.

પેઇડ ઇ-ન્યૂઝલેટર સર્વિસનો ઉપયોગ કરવો હોય તો સાચા ઇમેઇલ એડ્રેસિસનો ડેટાબેઝ એકઠો કરવો એ મોટી ચેલેન્જ અને પછી બલ્ક ઇમેલિંગની મોંઘી સર્વિસ એ બીજી મોટી ચેલેન્જ. ઉપરાંત હાલની સૌથી પોપ્યુલર જીમેઇલ સર્વિસમાં પ્રમોશનલ ઇમેઇલને તારવીને અલગ ટેબમાં મૂકી દેવાય છે, આથી બિઝનેસ મેસેજ કસ્ટમરના ધ્યાનમાં આવવાની શક્યતા જ ઘટે છે.

હજી વધુ તકલીફ એ છે કે જીમેઇલ બલ્ક ઇમેઇલિંગને વધુ ને વધુ મુશ્કેલ બનાવી રહી છે.

કોઈ પણ વ્યક્તિનો ફોન નંબર જાણતા હોઇએ તો તેને એસએમએસ મોકલી શકાય. પછી એ વ્યક્તિ ભલે સ્માર્ટફોનનો પણ ઉપયોગ ન કરતી હોય. આ કારણે એક સમયે બિઝનેસ કમ્યુનિકેશન કે પ્રમોશન માટે એસએમએસ સૌથી પોપ્યુલર હતા. પછી ટેલિકોમ કંપનીઓ તરફથી ‘ડુ નોટ ડિસ્ટર્બ’ ફીચરનો અવરોધ આવ્યો.

મોટા ભાગના લોકો તેનો લાભ લેતા હોવાથી તેમના સુધી બિઝનેસ મેસેજ પહોંચતા નથી. બીજી વધુ મોટી મર્યાદા એ કે સાદા એસએમએસ ટેકસ્ટ આધારિત છે.

તેમાં વેબપેજની લિંક મૂકી શકાય, પરંતુ ઇમેેજ કે વીડિયો શેરિંગ શક્ય નથી. અલબત્ત હવે આરસીએસ મેસેજિંગથી તેનો ઉપાય મળી રહ્યો છે.

આ એક એવી પદ્ધતિ છે જે સૌ કોઈ માટે માથાનો દુઃખાવો બની છે! તેનો શિકાર બનતા લોકો માટે અને તેનો લાભ લેવા માગતા બિઝનેસ માટે પણ (એક સમયે દેશના નાણાપ્રધાને પણ સંસદમાં આ બાબતે ફરિયાદ કરી હતી). અનેક કંપનીઓ જુદા જુદા નંબર પરથી આપણા પર કોલ્ડ કોલિંગનો એટલો બધો મારો ચલાવે છે કે મોટા ભાગના લોકો, વાત શરૂ થયા પહેલાં જ કોલ કાપી નાખતા હોય છે.

બિઝનેસનો નંબર સેવ કર્યો હોય તેવા લોકો સાથે આ પદ્ધતિ ઉપયોગી ખરી, પણ એ માટે ટીમ અને કોલિંગનો ખર્ચ કરવો પડે. બીજી બાજુ નવા કસ્ટમર્સ સુધી પહોંચવા માટે આ પદ્ધતિ દિવસે દિવસે વધુ મુશ્કેલ બની રહી છે.

ભારતમાં વોટ્સએપ એપની જબરજસ્ત લોકપ્રિયતાને કારણે બલ્ક એસએમએસની સગવડ આપતી ઘણી કંપની બલ્ક વોટ્સએપ મેસેજિંગની પણ સર્વિસ આપવા લાગી છે.

તેમાં સૌથી મોટી ચેલેન્જ એ કે આવી સર્વિસ વોટ્સએપની પોલિસી વિરુદ્ધ છે.

તેના ઉપાય તરીકે આવી સર્વિસ આપતી કંપની સોફ્ટવેરની મદદથી જુદા જુદા નંબર પરથી બલ્ક વોટ્સએપ મોકલવાની સગવડ આપે છે.

એસએમએસ કરતાં થોડી મોંઘી, પરંતુ અન્ય રસ્તાઓ કરતાં સસ્તી અને અસરકારક. તકલીફ એટલી કે મેસેજ બિઝનેસના પોતાના નહીં, પરંતુ અજાણ્યા નંબર પરથી ડિલિવર થાય આથી ભરોસો ઘટે અને મેસેજમાં લિંક પણ કામ કરે નહીં.

ભારતમાં વોટ્સએપ મેસેજિંગે એસએમએસનું સ્થાન લઈ લીધું છે. લોકો તેનો બિઝનેસ કમ્યુનિકેશન માટે પણ ઉપયોગ કરવા મથે છે.

વોટ્સએપમાં ગ્રૂપ મેસેજિંગમાં મેમ્બર્સની સંખ્યા વધી રહી છે. પરંતુ બલ્ક મેસેજિંગ માટે એ તદ્દન અપૂરતી છે. બ્રોડકાસ્ટિંગમાં સામેની વ્યક્તિના ફોનમાં આપણા બિઝનેસનો નંબર સેવ્ડ હોવો જરૂરી છે. વોટ્સએપ ચેનલમાં લગભગ અનલિમિટેડ મેેસેજિંગ થઈ શકે પરંતુ તેમાં અનવેરિફાઇડ બિઝનેસને સર્ચ કરી શકાતા નથી.

ટેલિગ્રામમાં એક ચેનલમાં બે લાખ જેટલા મેમ્બર્સ હોઈ શકે, પરંતુ તેમાં ફક્ત પહેલા ૨૦૦ મેમ્બર્સને બિઝનેસ પોતે ઉમેરી શકે બાકીના લોકોને લિંક મોકલવી પડે. તેમના સુધી કેવી રીતે પહોંચવું?

વોટ્સએપ કંપનીએ ખાસ બિઝનેસ કમ્યુનિકેશન માટે અલગ એપની સગવડ આપી. તેમાં બિઝનેસનો નાનો પ્રોફાઇલ બનાવવા ઉપરાંત પ્રોડક્ટનો કેટેલોગ બનાવી શકાય.

કસ્ટમર પાસેથી ડાઇરેક્ટ ઓર્ડર તથા પેમેન્ટની ગેટવેની મદદથી પેમેન્ટ મેળવવાની સગવડ પણ મળી.

પરંતુ અહીં પણ, બલ્ક મેસેજિંગમાં સાદા વોટ્સએપ જેવી જ કડક મર્યાદાઓ છે. જે તે બિઝનેસના સીધા સંપર્કમાં આવતા વર્તમાન કસ્ટમર્સ માટે વોટ્સએપ બિઝનેસ એપ કદાચ પૂરતી થઈ રહે, પરંતુ નવા કસ્ટમર્સ સુધી પહોંચવું હોય અને બલ્ક મેસેજિંગ કરવું હોય તો એ માટે આ એપ અપૂરતી છે.

દુનિયાભરમાં અઢી-ત્રણ અબજ યૂઝર્સ સાથે ફેસબુક બિઝનેસ કમ્યુનિકેશન તથા પ્રમોશન માટે એક બહુ ઉપયોગી પ્લેટફોર્મ છે.

તેના પર્સનલ ઉપયોગ ઉપરાંત બિઝનેસ ઉપયોગ માટે કંપનીએ બિઝનેસ પેજ બનાવવાની સગવડ આપી છે. પરંતુ ઓવરઓલ ફેસબુક તથા અન્ય સોશિયલ મીડિયાની જે મર્યાદાઓ છે તે ફેસબુકના બિઝનેસ પેજને પણ લાગુ પડે.

કોઈ બિઝનેસ પોતાના પેજ પર કોઈ પણ ફ્રી પોસ્ટ મૂકે તો તે એ પેજને ફોલો કરનારા બધા લોકોની નજરમાં અચૂકપણે આવે એવી કોઈ ખાતરી નથી.

જ્યાં સુધી જે તે બિઝનેસ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પેઇડ પ્રમોશન ન કરે ત્યાં સુધી તેનો અસરકારક લાભ મળવાની શક્યતા નથી.

ફેસબુકની જેમ ગૂગલે પણ બિઝનેસ પ્રોફાઇલ તૈયાર કરવાની સગવડ આપી છે. આ ફ્રી સર્વિસનો લાભ લીધા પછી કોઈ પણ બિઝનેસ ગૂગલ સર્ચ તથા ગૂગલ મેપ્સ પર અન્ય લોકોની નજરમાં આવી શકે છે.

આ પ્રોફાઇલમાં ચેટિંગ ઓન કર્યા પછી જે તે બિઝનેસ પોતાના કસ્ટમર્સ તરફથી ડાયરેક્ટ મેસેજ પણ મેળવી શકે છે (હવે એ બંધ થઈ રહ્યું છે). બિઝનેસ પ્રોફાઇલમાં પ્રોડક્ટ કેટેલોગ તૈયાર કરી શકાય તથા નિયમિત રીતે વિવિધ પ્રકારના અપડેટ્સ પોસ્ટ કરી શકાય છે. સગવડ સારી છે, પરંતુ બિઝનેસે સામેથી મોટી સંખ્યામાં નિશ્ચિત કસ્ટમર્સ સુધી પહોંચવું હોય તો આ સગવડ અપૂરતી છે.

ફેસબુક, ગૂગલ જેવા દુનિયાના સૌથી મોટો યૂઝરબેઝ ધરાવતા પ્લેટફોર્મ બિઝનેસ પ્રમોશન માટે ફ્રી સર્વિસ આપે છે, પરંતુ આપણે જોયું તેમ તેનો ઉપયોગ બહુ મર્યાદિત છે.

કોઈ બિઝનેસ ખરેખર હજારો-લાખોની સંખ્યામાં નવા કસ્ટમર્સ સુધી પહોંચવા માગતો હોય તો તેણે આ બંને પ્લેટફોર્મ પર પેઇડ ઓનલાઇન પ્રમોશનનો ઉપયોગ કર્યા વિના છૂટકો નથી. તેમાં ચેલેન્જ એ કે બિઝનેસ લગભગ જાતે આ કામ સંભાળી ન શકે.

અન્ય એજન્સીની સર્વિસ મોંઘી પડે અને એ એજન્સી ખરેખર એક્સપર્ટ ન હોય તો પ્રમોશન માટે ખર્ચેલા રૂપિયા પાણીમાં જવાની પૂરી શક્યતા.

ઉપરાંત, કસ્ટમર સપોર્ટ માટે આ રીત ઉપયોગી નથી.

બિઝનેસ કમ્યુનિકેશનના નવા રસ્તા

અત્યારની સ્થિતિમાં નાના કે મોટા બિઝનેસ માટે પોતાના હાલના કે સંભવિત કસ્ટમર્સ સાથે લાઇવ કોન્ટેક્ટ જાળવવાનો સૌથી સારો રસ્તો વોટ્સએપ બિઝનેસ એપીઆઇનો ઉપયોગ કરવાનો છે.

અત્યારે દેશના લગભગ ૫૦ કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે પરંતુ તેમાંના આપણા હાલના તથા નવા કસ્ટમર્સનો સામેથી સંપર્ક કરવા માટે સાદી વોટ્સએપ કે સાદી વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ નડે છે.

આથી વોટ્સએપ બિઝનેસ એપીઆઇની સર્વિસ ઓફર કરતી વોટ્સએપની પાર્ટનર કંપનીઓની પેઇડ સર્વિસનો લાભ લેવો જરૂરી બને છે. આ માટે કોઈ પણ બિઝનેસ પોતાના સાદા વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકે છે અથવા નવો મોબાઇલ નંબર લઇને તેનો ઉપયોગ કરી શકે છે (પછી એ નંબરનો સાદા વોટ્સએપ માટે ઉપયોગ કરી શકાતો નથી. આ રીતમાં વોટ્સએપને બદલે પાર્ટનર કંપનીએ પ્રોવાઇડ કરેલા ડેશબોર્ડ પરથી મેસેજની આપલે કરવાની થાય છે).

વોટ્સએપ બિઝનેસ એપીઆઇમાં આપણે પોતાના બિઝનેસને વેરિફાય કરાવી શકીએ છીએ. એ પછી આપણો નંબર જેમણે પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કર્યો ન હોય એ લોકોને પણ એકાઉન્ટ સસ્પેન્ડ થવાની કોઈ ચિંતા વિના વોટ્સએપ મેસેજ મોકલી શકીએ છીએ.

સાદી વોટ્સએપ એપ કે વોટ્સએપ બિઝનેસ એપમાં આવા લોકોને વધુ પડતા મેસેજ મોકલવા જતાં આપણું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થઈ જવાની શક્યતા રહે છે, જ્યારે વોટ્સએપ બિઝનેસ એપીઆઇ સર્વિસમાં શરૂઆતથી રોજના એક હજાર મેસેજ મોકલી શકાય છે અને પછી તબક્કાવાર મંજૂરી મળતી જાય તેમ રોજના લાખ-લાખ મેસેજ મોકલી શકાય!

શરત એટલી કે એ માટે આપણે મેસેજદીઠ રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડે (પહેલા પેઇડ મેસેજ પછી ૨૪ કલાક સુધી વાતચીતના દરેક મેસેજનો ચાર્જ નથી).

બિઝનેસ કમ્યુનિકેશન માટે આ પદ્ધતિ હાલની સૌથી અસરકારક પદ્ધતિ હોવાનું મેટા કંપની બરાબર જાણે છે. હાલમાં તેને કોઈ અન્ય કંપની તરફથી મોટી હરીફાઈ પણ નથી. આથી કંપનીએ દરેક મેસેજ મોકલવાનો ચાર્જ હજી હમણાં સુધી પચાસ પૈસા જેટલો હતો, તે વધારીને ૮૦ પૈસા કે અમુક સંજોગમાં સવા રૂપિયો જેટલો કરી નાખ્યો છે.

એટલું જ નહીં, આ નંબર પર સામેથી કોઈ મેસેજ આવે તો તેનો પણ ૩૫ પૈસા જેટલો ચાર્જ ચૂકવવો પડે છે!

આ કારણે બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપ બિઝનેસ એપીઆઇનો ઉપયોગ કરવા લાગેલા નાના મોટા બિઝનેસમાં કચવાટ વધી રહ્યો છે.

વોટ્સએપ આપણા સૌ માટે મફત છે એ વાત સાચી, પણ ઘણી કંપનીઓએ તેના ઉપયોગ માટે રૂપિયા ચૂકવવા પડે છે – ખાસ કરીને આપણા એકાઉન્ટની સલામતી માટે ઓટીપીના મેસેજ મોકલવા માટે.

આપણે ગૂગલ, ફેસબુક, એમેઝોન, માઇક્રોસોફ્ટ કે તેના જેવી અન્ય કોઈ ગ્લોબલ કંપનીના એકાઉન્ટ્સમાં લોગ ઇન થવાનો પ્રયાસ કરીએ અને ત્યારે તેમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન સિસ્ટમ ઓન રાખી હોય તો આવી કંપનીના એકાઉન્ટ પેજ પર આપણું યૂઝરનેમ અને પાસવર્ડ લખતાં આપણાં મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો એસએમએસ આવતો હોય છે. આપણે ફટાફટ મેસેજિંગ એપ ઓપન કરીએ, તેમાંથી પેલો ઓટીપી કોપી કરીએ અથવા ફોનની સિસ્ટમ આપોઆપ મેસેજમાંનો ઓટીપી રીડ કરી લે અને આપણે જે તે એકાઉન્ટમાં લોગ ઇન કરી શકીએ.

અહીં સુધી તો બધું બરાબર. આપણો આ રોજબરોજનો અનુભવ છે. પરંતુ મેસેજમાં આવતા ઓટીપીનો ઉપયોગ કરતી વખતે આપણને એ અંદાજ આવતો નથી કે આવા ઓટીપી મેસેજ પાછળ ટેક કંપનીઓ વચ્ચે કેવી બથંબથી ચાલે છે.

ભારતની વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ ભારતની જ અન્ય કંપનીઓ (જેમ કે બેંક્સ કે દેશનાં ઓટીટી પ્લેટફોર્મ્સ) જ્યારે આ રીતે એસએમએસ દ્વારા ઓટીપી મોકલે ત્યારે એ ટેલિકોમ કંપની સ્વદેશી કંપની પાસેથી મેસેજ દીઠ રૂ. ૦.૧૨નો ચાર્જ વસૂલ કરતી હોય છે. બીજી તરફ જો ગૂગલ, એમેઝોન કે નેટફ્લિક્સ જેવી વિદેશની કંપની મેસેજ દ્વારા ઓટીપી મોકલે ત્યારે ટેલિકોમ કંપની તેની પાસેથી મેસેજ દીઠ ૦.૦૫ ડોલર એટલે કે રૂ. ૪.૧૩ જેવો ચાર્જ વસૂલ કરે છે.

આ વાતમાં વોટ્સએપની માલિક કંપની મેટાને મોટો બિઝનેસ દેખાયો!

આમ પણ ભારતમાં અને અન્ય દેશોમાં વોટ્સએપના મેસેજ પરંપરાગત એસએમએસ સાથે સીધી હરીફાઈ કરવા લાગ્યા છે. સંખ્યાબંધ બિઝનેસ તેના કસ્ટમર સાથેના કમ્યૂનિકેશન માટે એસએમએસને બદલે વોટ્સએપનો ઉપયોગ કરવા લાગ્યા છે. આથી ઓટીપી મેસેજ માટે પણ વોટ્સએપનો ઉપયોગ શરૂ થયો. શરૂઆતમાં વોટ્સએપ કંપની દેશી કે વિદેશી બધી કંપનીઓ પાસેથી દરેક ઓટીપીના મેસેજ દીઠ રૂ. ૦.૧૧નો ચાર્જ લેતી હતી.

ભારતની કંપનીઓ માટે એસએમએસના રૂ. ૦.૧૨  અને વોટ્સએપ મેસેજના રૂ. ૦.૧૧ એમ ખર્ચમાં લગભગ કોઈ ફેર પડતો નહોતો. પરંતુ પરદેશની કંપનીઓ માટે એસએમએસના રૂ. ૪.૧૩ સામે વોટ્સએપના રૂ. ૦.૧૧ નો ચાર્જ એકદમ સસ્તો પડે. આથી વિદેશની કંપનીઓ વોટ્સએપ દ્વારા ઓટીપી મેસેજ મોકલવા તરફ વળવા લાગી.

પરંતુ હવે મેટા કંપનીને સમજાયું છે કે તે વિદેશની કંપનીઓને વધુ પડતા સસ્તા દરે ઓટીપી મેસેજ મોકલવાની સગવડ આપે છે. આથી માર્ચ ૨૦૨૪ના અંત ભાગમાં કંપનીએ ભારતમાં પરદેશની કંપનીઓ માટે ઓટીપી મેસેજ મોકલવાના ચાર્જમાં સીધો ૨૦ ગણો વધારો કરવાની જાહેરાત કરી!

જૂન ૧,૨૦૨૪થી વોટ્સએપ ભારત (અને ઇન્ડોનેશિયા)માં વિદેશી કંપનીઓ પાસેથી એક ઓટીપી મેસેજ માટે રૂ. ૨.૩નો ચાર્જ લેવાનું નક્કી કર્યું. આ ચાર્જ હજી પણ એસએમએસ દીઠ રૂ. ૦.૧૨ કરતાં ઘણો ઓછો છે. આથી વિદેશની કંપનીઓ ભારતના યૂઝર્સને ઓટીપી મોકલવા માટે વોટ્સએપ પર આધાર રાખે તેવી શક્યતા છે.

સરેરાશ યૂઝર તરીકે આ બધી વાતોથી આપણને સીધો કોઈ ફેર પડતો નથી, પરંતુ આપણા રોજિંદા જીવનની વિવિધ બાબતોમાં વોટ્સએપનો ઉપયોગ હજી વધશે તેનો આ સ્પષ્ટ સંકેત છે.

બિઝનેસ કમ્યુનિકેશન માટે ભારતમાં અત્યારે વોટ્સએપ બિઝનેસ એપીઆઇ સૌથી અસરકારક રસ્તો છે, કંપની તેનો લાભ ઉઠાવીને ચાર્જિસ વધારી રહી છે (જુઓ આગળનો લેખ) અને એ સામે નાના-મોટા બિઝનેસિસને વાંધો છે – આ બધું ગૂગલ જાણે છે.

એટલે જ તકનો લાભ લઇને ગૂગલ ભારતમાં ટૂંક સમયમાં ‘બિઝનેસ મેસેજિંગ સર્વિસ’ ફરી લોન્ચ કરે તેવી શક્યતા છે. મેટા અને ગૂગલ જેવી કંપનીને આ ફીલ્ડમાં રસ પડે તેનું સૌથી મોટું કારણ એ છે કે આ ફીલ્ડમાં વર્ષે અઢીથી ત્રણ હજાર કરોડનો તગડો બિઝનેસ મળવાની શક્યતા છે.

તમે કદાચ જોયું જ હશે કે અત્યારે ગૂગલ મેપ્સ એપમાં બિઝનેસ પ્રોફાઇલ પર જઇને એ બિઝનેસના કસ્ટમર્સ બિઝનેસ સાથે ચેટ કરી શકે છે. બીજી તરફ જો તમે પોતાના સ્માર્ટફોનમાં એસએમએસ એપ તરીકે ગૂગલ મેસેજિસ એપ ડાઉનલોડ કરી હશે તો તમે જાણતા હશો કે તેમાં રિચ કમ્યુનિકેશન સર્વિસ (આરસીએસ)નો લાભ લઈ શકાય છે. આ આરસીએસને કારણે વર્ષો જૂની સાવ સાદી, ટેકસ્ટ આધારિત એસએમએસ સર્વિસમાં લગભગ વોટ્સએપ જેવાં જ ફીચરનો લાભ લઈ શકાય છે.

ગૂગલ આવી સર્વિસ એરટેલ, જિઓ, વીઆઇ જેવી ટેલિકોમના સાથમાં આપે છે. અત્યારે બધી ટેલિકોમનો એસએમએસનો બિઝનેસ વોટ્સએપ જેવી ઇન્ટરનેટ આધારિત સર્વિસથી લૂંટાઈ રહ્યો છે. એટલે એ પણ વોટ્સએપનો સામનો કરવાના રસ્તા શોધી રહી છે.

અત્યારે ગૂગલ આરસીએસ મેસેજિંગની જે સર્વિસ આપે છે તે એક પ્રકારે સાદા વોટ્સએપ જેવી છે. આ સર્વિસ પણ ફ્રી છે. પરંતુ વોટ્સએપ બિઝનેસ એપીઆઇની જેમ ગૂગલ આરસીએસ આધારિત બિઝનેસ મેસેજિંગ માટે પેઇડ સર્વિસ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

અહીં લખેલી વાતોથી સરેરાશ યૂઝરને કોઈ ફેર પડતો નથી, પણ તમારો નાનો-મોટો બિઝનેસ હોય તો આ બાબતો જાણવાથી બહુ લાભમાં રહેશો.

ત્રણેક વર્ષ અગાઉ ગૂગલે ઓલરેડી આવી સર્વિસ લોન્ચ કરી હતી. પરંતુ ત્યારે વિવિધ બેંક જેવા પેઇડ કસ્ટમર્સે પણ આ સર્વિસનો ગેરલાભ લઇને પોતાના કસ્ટમર્સ પર જાહેરાતોનો મારો ચલાવ્યો હતો.

ગૂગલ આખી દુનિયામાં પેઇડ મેસેજિંગની સર્વિસ આપે છે, પરંતુ ભારતમાં સ્પામિંગ માટે તેનો જેટલો દુરુપયોગ થયો એટલો અન્ય કોઈ દેશમાં થયો નહોતો! ગૂગલે તાબડતોબ ભારતમાં આ સર્વિસ અટકાવી દીધી. હવે સ્પામનો સામનો કરતાં નિયંત્રણો સાથે ગૂગલ આ સર્વિસ ફરી લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેમાંથી કસ્ટમર તરીકે નાના મોટા બિઝનેસ તરફથી ગૂગલને જે રકમ મળશે તેમાંથી લગભગ ૭૦ ટકા રકમ તે પાર્ટનર ટેલિકોમને આપશે.

અચ્છા, બિઝનેસ તરીકે આપણે એક આરસીએસ મેસેજ માટે કેટલા ચૂકવવા પડશે? વોટ્સએપના મેસેજદીઠ ૮૦ પૈસાની સામે લગભગ ૨૦-૨૫ પૈસા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!