(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કૉલ ફોરવર્ડ કરવાની એક જૂની પદ્ધતિ પર પ્રતિબંધ કેમ મૂકાયો?

ગયા મહિનાથી યુએસએસડી આધારિત કોલ ફરવર્ડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો - એનાં વિવિધ પાસાં સમજીએ.

કોલ ફોરવર્ડિંગ આપણા રોજિંદા જીવનમાં એક ઉપયોગી સુવિધા છે, પણ છેતરપિંડી કરતા લોકો તેનો ગેરલાભ લે છે. કોઈ ને કોઈ બહાને તેઓ પોતાના શિકારના ફોન પર આવતા કોલ્સ પોતાના નંબર પર ફોરવર્ડ કરાવી લે છે. હવે તેમના માટે આ કામ બહુ સહેલું નહીં રહે કેમ કે લોકોની ગફલતથી પણ આ રીતે કોલ ફોરવર્ડિંગ શરૂ કરી શકાશે નહીં.

ઠગ લોકો આપણા વોટ્સએપ એકાઉન્ટ પર કેવી રીતે કંટ્રોલ મેળવે છે એ વિશે આગલો લેખ વાંચ્યા પછી તમે આ લેખ વાંચશો તો આ આખી વાતનું મહત્ત્વ તમને એકદમ સ્પષ્ટ થઈ જશે. ગયા મહિને, એપ્રિલ ૧૫, ૨૦૨૪થી ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ ભારતમાં ‘અનસ્ટ્રકચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા (યુએસએસડી)’ તરીકે જાણીતી પદ્ધતિથી કૉલ ફોરવર્ડિંગની સુવિધા પર પ્રતિબંધ મૂક્યો. આ અંગે એરટેલ, રિલાયન્સ જિઓ, વોડાફોન-આઇડિયા વગેરે જાણીતી ટેલિફોન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને જાણ કરીને કૉલ ફોરવર્ડિંગ માટે નવી પદ્ધતિ અપનાવી લેવા જણાવાયું છે.

ઓનલાઇન ફ્રોડ સતત વધતા જાય છે, પણ એટલું સારું છે કે સરકાર મક્કમ ગતિએ  આ દૂષણને અંકુશમાં લેવા માટે એક પછી એક પગલાં લઈ રહી છે.

આ પહેલાં, આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ડીઓટી તરફથી યુએસએસડી આધારિત કૉલ ફોરવર્ડિંગ સુવિધામાં રહેલાં જોખમો વિશે લોકોને ચેતવવામાં આવ્યા હતા. પરંતુ એ પછી કદાચ ડિપાર્ટમેન્ટને લાગ્યું કે સલાહસૂચનથી સમસ્યા ઉકલાશે નહીં. આથી આ પદ્ધતિ પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આટલું જાણીને તમને બે-ત્રણ સવાલો થઈ શકે.

જેમ કે, આ યુએસએસડી શું છે? કૉલ ફોરવર્ડિંગ શું છે? એ બંને ભેગા થવાથી કેવાં જોખમ ઊભાં થઈ શકે છે? છેતરપિંડી કરનારા લોકો આ સારી સુવિધાનો કેવી રીતે ગેરલાભ લે છે? વગેરે.

હવે તો આ પદ્ધતિ પર પ્રતિબંધ મુકાઈ ગયો છે એટલે આપણે આ પદ્ધતિથી છેતરપિંડી કરનારા લોકોના સાણસામાં સપડાઈએ એવી શક્યતા નથી. પરંતુ આ એક પદ્ધતિ વિશે બરાબર જાણીશું તો ઓનલાઇન છેતરપિંડીની વિવિધ પદ્ધતિઓમાં રહેલી કોમન મોડ્સ ઓપરેન્ડી વિશે પણ જાણી શકીશું.

વિગતોમાં થોડા ઊંડા ઊતરીએ.

નવા સમયમાં આપણે સૌ ગમે ત્યારે ગમે ત્યાંથી કામ કરી શકીએ છીએ. બસ હાથમાં સ્માર્ટફોન જોઈએ અને વધુ કામ કરવાનું હોય તો લેપટોપ જોઈએ.

એ રીતે જોઈએ તો ઘણા લોકોને ઓફિસની કોઈ જરૂર જ રહી નથી. પરંતુ અમુક સમયે ઓફિસની જંજાળથી દૂર રહેવું પણ જરૂરી હોય.

ઉદાહરણ તરીકે આપણો કોઈ નાનો મોટો બિઝનેસ હોય અને આપણે ફેમિલી ટૂર પર જઇએ ત્યારે સ્વાભાવિક રીતે એવું ઇચ્છીએ કે કોઈ આપણને બિઝનેસ સંબંધિત ફોન કરીને ડિસ્ટર્બ ન કરે. પરંતુ આપણા સૌના હાથમાં મોબાઇલ આવ્યા ત્યારથી સૌ કોઈ ગમે ત્યારે ગમે ત્યાંથી એકબીજાના સંપર્ક કરી શકે છે. ક્યારેક એવું બને કે કોઈ આપણને ફોન કૉલ કરી રહ્યું હોય, એ કૉલનો જવાબ આપવો મહત્ત્વનો હોય, પરંતુ આપણે પોતે કૉલ રીસિવ કરી શકીએ તેમ ન હોઈએ.

ક્યારેક એવું બને કે આપણે ક્લાયન્ટના કૉલ રીસિવ કરી શકીએ તેમ ન હોઈએ, પણ જવાબ આપવો જરૂરી હોય. ત્યારે એ કૉલ આપણી ટીમને ફોરવર્ડ કરી શકાય.

સામી બાજુ ફોન કરતા ક્લાયન્ટને યોગ્ય જવાબ મળવો પણ જરૂરી હોય. આથી આપણે પોતાના ફોનમાં કૉલ ફોરવર્ડિંગની સુવિધા સેટ કરી શકીએ.

એ રીતે આપણા પર આવેલો કૉલ આપણા બિઝનેસ પાર્ટનર કે અન્ય ટીમ મેમ્બરના ફોન પર ડાઇવર્ટ થઈ જાય અને તે ક્લાયન્ટનો કૉલ રીસિવ કરીને તેને જવાબ આપી દે. આ પ્રકારનું કૉલ ફોરવર્ડિંગ જુદી જુદી રીતે થઈ શકે, જેમ કે…

  • આપણા પર આવતા તમામ ફોન કૉલ ફોરવર્ડ થઈ જાય,
  • આપણો ફોન નંબર બિઝી આવે ત્યારે,
  • આપણે કૉલનો જવાબ ન આપીએ ત્યારે,
  • કોઈ કારણસર આપણો ફોન નંબર અનરીચેબલ હોય ત્યારે.

કૉલ ફોરવર્ડિંગની સુવિધાથી છેતરપિંડી કરવાની રીતે જોઇએ તો આમાંથી સૌથી પહેલો મુદ્દો સૌથી જોખમી છે. જોકે તેમાં આપણા પર આવતા બધા ફોન કૉલ બંધ થઈ જવાથી કંઈક ગરબડ હોવાની આપણને તરત શંકા જાગવી જોઈએ. એ સિવાય, ફોનમાં કૉલ ફોરવર્ડિંગ ચાલુ હોય ત્યારે એ તરફ ધ્યાન દોરતી સૂચના પણ સ્ક્રીન પર દેખાતી હોય છે. તેને ક્યારેય અવગણવી જોઈએ નહીં.

આપણે લેખની શરૂઆતમાં જાણ્યું તેમ યુએસએસડીનું ફુલ ફોર્મ  ‘અનસ્ટ્રકચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા’ છે. 

આપણે માટે આ શબ્દો અજાણ્યા હોઇ શકે, પરંતુ તમે પણ તેનો ઉપયોગ ઘણી વાર કર્યો હશે.

આખી દુનિયાના લગભગ તમામ મોબાઇલ ફોન્સ જેના પર ચાલે છે તે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કમ્યુનિકેશન (જીએસએમ) માટેનો આ એક પ્રોટોકોલ છે. શોર્ટ મેસેજ સર્વિસ (એસએમએસ)ની જેમ ફોનમાંથી યુએસએસડીની મદદથી ટેકસ્ટ મેસેજિસ મોકલી શકાય છે.

સામાન્ય રીતે, જ્યારે એક છેડે મોબાઇલ ફોન અને બીજા છેડે નેટવર્ક કે સર્વર વચ્ચે રિઅલ ટાઇમ કમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે યુએસએસડી કોડનો ઉપયોગ થાય. આવા કોડ ૧૮૨ કેરેકટર સુધીના લાંબા હોઈ શકે છે. જોકે મોટા ભાગે પાંચ-છ કેરેકટરના જ કોડથી જુદાં જુદાં કામ કરી શકાય છે.

આપણી ફોન કંપનીને નિશ્ચિત સ્થિતિમાં, આપણા પર આવતા કૉલ ચોક્કસ નંબર પર ફોરવર્ડ કરવાની સૂચના આપી શકાય છે – યુએસએસડી કોડ ડાયલ કરીને.

આપણી પાસે સાદો ફોન હતો અને મોબાઇલ કંપનીની એપ જેવી સુવિધા ઉપલબ્ધ નહોતી ત્યારે ટૂંકા યુએસએસડી કોડ ડાયલ કરીને પ્રી-પેઇડ મોબાઇલનું બેલેન્સ જાણવું કે કોઈ સર્વિસ એક્ટિવેટ કે ડીએક્ટિવેટ કરવા જેવાં પગલાં લઈ શકતાં હતાં.

એ પદ્ધતિ હજી પણ ચાલુ રહી છે.  આપણી મોબાઇલ કંપનીને આપણા ફોન નંબર પર કૉલ ફોરવર્ડિંગની સુવિધા ચાલુ કે બંધ કરવાની સૂચના આપવા માટે પણ યુએસએસડી કોડનો ઉપયોગ થઈ શકે છે.

તકલીફ એ છે કે આ સારી સુવિધાનો ઠગ ટોળકીઓ ગેરલાભ લે છે. તેઓ કોઈને કોઈ રીતે પોતાના શિકારને જાળમાં ફસાવી, તેના ફોન પર આવતા કૉલ પોતાના નંબર પર ફોરવર્ડ થાય એવું સેટિંગ તેઓ કરાવી લે છે. એ પછી નાણાં સેરવવાનું કામ તેમને માટે સહેલું બને છે.

આપણે ઘણી વાર અખબારોમાં વાંચતા હોઇએ છીએ કે કોઈ સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ અને ઓટીપી આપ્યા વિના તેમનું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ ગયું! એ જ રીતે વોટ્સએપ પર કંપનીના બોસ કે નજીકના સંબંધીના વોટ્સએપ નંબર પરથી રકમ ટ્રાન્સફર કરવાની સૂચના કે વિનંતી આવી અને તેનું પાલન કર્યા પછી ખબર પડી કે કંપનીના બોસ કે સંબંધીએ પોતે ખરેખર એવો કોઈ મેસેજ મોકલ્યો જ નહોતો!

આ બંને પ્રકારના કિસ્સામાં ઓટીપીની આપલે થઈ જ હોય છે. ફક્ત સાચી વ્યક્તિને બદલે એ ઓટીપી છેતરપિંડી કરનાર વ્યક્તિના હાથમાં પહોંચી ગયો હોય છે અને સાચી વ્યક્તિને તેની જાણ પણ હોતી નથી.

નવા સમયમાં ઓનલાઇન એકાઉન્ટને સલામત રાખવા માટે ટુ-ફેકટર ઓથેન્ટિકેશનની પદ્ધતિ વિકસી છે. તેમાં આપણે કોઈ જગ્યાએ લોગઇન થવાનો પ્રયાસ કરીએ ત્યારે સાચી વ્યક્તિ લોગઇન થઈ રહી છે તેની ખાતરી કરવા માટે જે તે સિસ્ટમ તરફથી તેમાં રજિસ્ટર્ડ આપણા મોબાઇલ નંબર પર ઓટીપી મોકલવામાં આવે છે. એ જ રીતે આપણે પોતાનું વોટ્સએપ એકાઉન્ટ એક ફોનમાં બંધ કરીને બીજા ફોનમાં એક્ટિવેટ કરવું હોય ત્યારે પણ વોટ્સએપ તરફથી આ રીતે ઓટીપી મોકલવામાં આવે છે.

હવે બરાબર ધ્યાન આપજો. ઓટીપી મોકલવાની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે છે. શરૂઆતમાં સિસ્ટમ તરફથી એસએમએસ દ્વારા ઓટીપી દ્વારા મોકલવામાં આવે છે. જ્યારે ત્રણેક વાર આ રીતે ઓટીપી મોકલ્યા પછી એ ઓટીપી લોગઇન થવા માટે આપવામાં ન આવે ત્યારે સિસ્ટમ તરફથી વોઇસ કૉલ દ્વારા ઓટીપી જણાવવામાં આવે છે. છેતરપિંડી કરનારા લોકો આ સુવિધાનો ગેરલાભ લે છે.

વાત આ તબક્કે પહોંચે ત્યારે તેનો લાભ લઈ શકાય એ માટે તેમણે પહેલેથી તૈયારી કરી હોય છે. શિકાર નક્કી કર્યા પછી તેઓ સૌથી પહેલાં તેને ફોન કૉલ કરે છે.

પોતે ટેલિકોમ કંપનીના કર્મચારી હોવાનું જણાવીને કહે છે કે ‘‘તમારા ફોન નંબરના કનેકશનમાં કંઈક ગરબડ ઊભી થઈ છે. ચિંતા કરવાની જરૂર નથી. ફોનમાંથી જ એક નાનું એકશન લઇને સમસ્યા ઉકેલી શકીશું.’’ એ પછી તેઓ મોટા ભાગે ‘*401#’ અને ત્યાર પછી ઠગનો પોતાનો મોબાઇલ નંબર ડાયલ કરવા કહે છે.

બધા લોકો આ સાણસામાં સપડાય નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ ગફલત કરી બેસે તો તે, આ યુએસએસડી કોડ ડાયલ કરીને તેના પર આવતા બધા કૉલ ઠગના મોબાઇલ નંબર પર ફોરવર્ડ કરવાની સૂચના પોતાની મોબાઇલ કંપનીને આપી બેસે છે, કેમ કે આ યુએસએસડી કોડ અનકન્ડિશનલ કૉલ ફોરવર્ડિંગની સૂચનાનો છે. મોબાઇલ કંપની તરફથી કૉલ ફોરવર્ડિંગ એક્ટિવેટ થયું હોવાનો મેસેજ પણ આવે છે. પરંતુ મોટા ભાગના લોકો આવા મેસેજ તરફ ધ્યાન આપતા નથી.

પછી તરત ઠગ ટોળકી પ્લાનનો બીજો તબક્કો અમલમાં મૂકે છે. તેની પાસે શિકારના ક્રેડિટ કાર્ડ કે બેન્ક એકાઉન્ટ કે વોટ્સએપ નંબર (સૌથી સહેલી વાત) વગેરે વિગતો હોય તો તેનાથી તે તેમાં લોગઇન થવાનો કે પોતાના ફોનમાં શિકારનું વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવાનો પ્રયાસ કરે છે. શિકાર પોતે આ આખી વાત પ્રત્યે બેધ્યાન હોય. આથી તેના પર એસએમએસ દ્વારા ઓટીપી આવે તો પણ તેના વિશે તેને જાણ હોય જ નહીં. આથી તે ઓટીપી પ્રોવાઇડ કરે નહીં. આથી સિસ્ટમ વોઇસ કૉલ મારફત ઓટીપી મોકલે. શિકારના ફોન પર આવતો આ વોઇસ કૉલ ઠગના ફોન નંબર પર ફોરવર્ડ થઈ જાય છે અને તે પછી તે ધાર્યાં કામ કરી શકે!

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના જણાવ્યા મુજબ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ કૉલ ફોરવર્ડિંગ માટે યુએસએસડી આધારિત સૂચનાને બદલે અન્ય કોઈ પદ્ધતિ અમલમાં લાવશે. જો તમે પહેલેથી, યુએસસડી કોડથી કૉલ ફોરવર્ડિંગ સેટ કરેલ હશે, તો તે એપ્રિલ ૧૫, ૨૦૨૪થી ડિસેબલ થઈ ગયું હશે. તમારે તેને નવેસરથી, નવી પદ્ધતિથી સેટ કરવું પડશે. આમ જુઓ તો અત્યારે જ આપણા સ્માર્ટફોનમાં ફોનના સેટિંગ્સમાં જ આવી બીજી પદ્ધતિ સામેલ છે.

તમારા ફોન નંબર પર આવતા ફોન કૉલ કોઈ પણ શરત મુજબ અન્ય કોઈ નંબર પર ફોરવર્ડ થઈ રહ્યા છે કે કેમ તે તપાસવા માટે ફોનની સેટિંગ્સ એપ ઓપન કરો. તેમાં Call forwarding સર્ચ કરો. જો ફોનમાં બે સિમ હોય તો બંને માટે આ વિકલ્પો તપાસો. જો તેમાં, સાથે આપેલા સ્ક્રીનશોટ મુજબ કોઈ પણ શરત મુજબ કૉલ ફોરવર્ડ થતો હોવાની સૂચના – તમારી જાણ બહાર – સેટ થયેલી જોવા મળે તો તેમાં તરત જરૂરી ફેરફાર કરી લો (એવું બને કે આપણે અનરીચેબલ હોઈએ ત્યારે કંપનીના પોતાના નંબર પર કૉલ ફોરવર્ડ થતો હોય, જેથી તે મેસેજ મોકલી, કયા કયા નંબર સાથે આપણે વાત થઈ ન શકી તે જણાવી શકે).

આ સિવાય આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કેટલીક સામાન્ય બાબતો તરફ અચૂકપણે ધ્યાન આપવું જોઇએ, જેમ કે…

  • ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિના કહેવાથી પોતાના ફોનમાં કોઈ પણ કોડ ડાયલ કરો નહીં. એ જ રીતે કોડ સાથે કોઈ પણ અજાણ્યો ફોન નંબર ઉમેરો નહીં.
  • ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિના કહેવાથી પોતાના ફોનમાં કોઈ પણ એપ ઉમેરો નહીં.
  • આપણને જેના આવવાની અપેક્ષા ન હોય એવા કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવેલા કૉલના જવાબમાં કોઈ વિગતો આપશો નહીં – સામેની વ્યક્તિ ભલે ગમે તે કહે.
  • કૉલ કરનારી વ્યક્તિ પોતે મોબાઇલ કંપની, બેન્ક, વીમા કંપની વગેરેમાંથી ફોન કરી રહી હોવાનું જણાવે અને પોતાના એમ્પ્લોઇ કોડ વગેરે જેવી વિગતો આપે તો પણ તેનો ભરોસો કરીને તરત ને તરત ફોનમાં કોઈ એકશન લેશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!