(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ વેકેશનમાં બાળકો સાથે ખરી ધીંગામસ્તી કરી જુઓ!

ઉનાળાના આ વેકેશનમાં, ફક્ત શરૂઆત પૂરતું મોબાઇલને સાધન બનાવી બાળકો સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાના રસ્તા શોધી જુઓ.

આજના સમયમાં આપણી સાથોસાથ કે આપણે જ કારણે બાળકો પણ સ્માર્ટફોનનાં અઠંગ આદતી બની રહ્યાં છે. કાચી ઉંમરે એ મોબાઇલ લઈને બેઠાં રહે એને બદલે ભાગદોડ ને ધીંગામસ્તી કરીને થાકે એવું ન થવું જોઈએ? એ માટે આપણે પોતે બાળક સાથે બાળક બનવું પડશે – આ વેકેશનમાં એવું પરિવર્તન લાવી જુઓ – મજા પડશે!

સાયબરસફર માત્ર ટેક્નોલોજીની વાતો કરતું મેગેઝિન નથી, ટેકનોલોજીની જીવન પર અસર વિશેનું મેગેઝિન પણ છે! એટલે, તમારા પરિવારમાં નાનાં બાળકો હોય – તમે મમ્મી-પપ્પા, દાદા-દાદી હો તો અહીં આપેલી વાતો જરા વધુ ધ્યાનથી વાંચવા વિનંતી.

સ્માર્ટફોન અત્યારના સમય જેટલા પ્રચલિત નહોતા થયા ત્યારે પરિવારના વડીલોને સતત એક વાતની ફરિયાદ રહેતી હતી – નવી પેઢી આખો દિવસ મોબાઇલમાં જ ઘૂસેલી રહે છે, એમના તરફ બિલકુલ ધ્યાન આપતી નથી. હવે સમય બદલાઈ ગયો છે. હવે તો દાદા-દાદી પોતે વોટ્સએપ અને યુટ્યૂબમાં પરોવાયેલાં રહે છે.

બીજી તરફ નાનાં બાળકો પણ સતત મોબાઇલમાં રચ્યાંપચ્યાં રહે છે, જેની ટેવ આપણે જ પાડીએ છીએ.

બાળકોના સ્વસ્થ વિકાસ માટે એમને પરિવારમાંના સૌની હૂંફ મળે, કોઈ એમને પૂરતો સમય આપે, વાતચીત કરે, એમની જિજ્ઞાસા સંતોષે ને વધુ જગાવે, એમની સાથે ધીંગામસ્તી કરે… એ બધું બહુ જરૂરી હોય છે, પણ આ બધું હવે – ઘરના આંગણામાં રમાતી  રમતોની જેમ – ભુલાવા લાગ્યું છે.

આ સ્થિતિ તમને પણ ખૂંચતી હોય, તો બાળકોના હાથમાંથી સ્માર્ટફોન ખૂંચવી લઈએ એ તો ઉતાવળિયું પગલું થયું. વેકેશનના આ દિવસોમાં શરૂઆતમાં મોબાઇલની જ મદદ લઈને બાળકોને વાસ્તવિક મજા આપતી બાબતો તરફ વાળી જુઓ – તમને ને એમને, બંનેને મજા આવશે!

બાળક સાવ નાનું હોય ત્યારે મમ્મી કે પપ્પા તેને બાજુમાં બેસાડી, પોતે હાથમાં કોઈ પણ સ્ટોરીબુક લઈને વાંચે એ બહુ જરૂરી હોય છે – ભલે બાળકને કશું ન સમજાય! આજના સમય પ્રમાણે બુકને બદલે ભલે મોબાઇલમાં વીડિયો જુઓ કે ગેમ્સ રમો, નો પ્રોબ્લેમ, પણ કીવર્ડ છે ‘બાળક સાથે’. એને મોબાઇલ પકડાવીને પોતે ઇન્સ્ટામાં ખૂંપેલા રહીએ એ ન ચાલે.

funbrain.com સાઇટ પર કેજીથી આઠમા ધોરણનાં બાળકો માટે યોગ્ય ગેમ્સ, વીડિયો અને બુક્સનો ખજાનો છે. ફોકસ પૂરેપૂરું ‘એજ અપ્રોપ્રિએટ એજ્યુકેશન’ પર છે, પણ મસ્તી સાથે! એકડો-બગડો શીખવાથી લઈને હ્યુમન બોડી કે પૃથ્વીનાં રહસ્યો છતાં કરતી ગેમ્સ પણ અહીં મળશે અને ‘ડાયરી ઓફ અ વિમ્પી કિડ’ જેવી બુક્સનાં ચેપ્ટર્સ પણ વાંચવા મળશે. પણ યાદ રહે, શરૂઆતમાં બધું જ બાળકોની સાથે રહીને કરવું જોઈશે. બધું ઇંગ્લિશમાં છે, પણ મસ્તીની કોઈ ભાષા હોય?

ફનબ્રેઇન જેવી સાઇટ્સથી શરૂઆત કરી, હળવેકથી બાળકોને મોબાઇલથી થોડાં દૂર લઈ જઈ શકાય! એ માટે તમારે મોબાઇલમાં ‘Crafts for kids’ જેવું કંઈક સર્ચ કરવાનું છે. ઢગલાબંધ સાઇટ્સ, એપ્સ, વીડિયો વગેરે મળશે.

એ પછી બજારમાંથી રંગબેરંગી કાગળ, ક્લે, કલર્સ,કેન્ડી સ્ટીક્સ વગેરે લઈ આવો અને શુરુ હો જાઓ! ગ્રીટિંગ કાર્ડ્સ, બટરફ્લાય, પેન સ્ટેન્ડ, બુકમાર્ક્સ વગેરે કંઈકેટલુંય બનાવવાની ટિપ્સ મળશે.

મોટાં બાળકો હોય તો જાતે બનાવી ને રમી શકાય એવી બોર્ડ ગેમ્સ બનાવવાની મેથડ્સ આપતી સાઇટ્સ પણ શોધી જુઓ (ગેમ ખરી, પણ રેડી-ટુ-પ્લે નહીં, જાતે બનાવવાની – ‘સાયબરસફર’ અગાઉ આવી ગેમ્સની વાત કરી છે). આ બધા માટે મોબાઇલ કે પીસીનો ઉપયોગ માત્ર ખપ પૂરતો, ટિપ્સ મેળવવા પૂરતો, એ પછી તો મોબાઇલ ધીમેકથી બાજુએ સરકાવીને બાળક સાથે પલાંઠી વાળીને નીચે બેસી જવાનું છે. આમાં પરીક્ષા તમારી છે, બાળકની નહીં!

બાળકને પેપર ક્રાફ્ટમાં મજા પડી? તો એ દિશામાં હજી આગળ વધી શકાય અને તેને મોબાઇલથી વધુ દૂર લઈ જઈ શકાય. એ માટે બસ થોડી જ વાર માટે મોબાઇલ હાથમાં લો ને papertoys.com નામની એક મજાની  સાઇટ પર પહોંચી જાવ (એક દાદાએ બનાવેલી સાઇટ છે!).

અત્યારે બાળકનું એટેન્શન મેળવવાની બાબતે મોબાઇલ અને આપણી વચ્ચે સ્પર્ધા છે. તમે મોબાઇલને જીતવા દેશો, તો તમારી સાથે બાળક પણ હારશે.

બે-ત્રણ વેકેશન ઓછાં પડે એટલો ખજાનો મળશે. સાઇટ પર અનેક પેપરટોય્ઝ કે મોડેલ બનાવવાની સરળ રીત આપી છે. દરેક માટે એ-૪ સાઇઝના પેપર પર મોડેલના કટઆઉટ આપવામાં આવ્યા છે. તમે એ પેજ પર પહોંચીને આખા પેજની ઇમેજ, ઘરમાં પ્રિન્ટર હોય તો સીધી પ્રિન્ટ કરી લો કે કોઈ શોપમાંથી પ્રિન્ટ મેળવી લો. અહીં તમે થોડી એન્લાર્જ કરેલી પ્રિન્ટ પણ લઈ શકશો.

દરેક મોડેલ માટે સરળ ફોલ્ડ, નંબર સાથે સમજાવેલા છે. પછી કાતર-ગુંદર લઈ મચી પડો. દાદા-દાદી અને નાનાં ટાબરિયાં વચ્ચે બોન્ડિંગ વધારવાનો આ પણ એક ‘સ્માર્ટ’ રસ્તો છે!

(સાઇટના સર્જક સાથેની વાતચીત સહિત, આ સાઇટ વિશે વધુ જાણો એપ્રિલ ૨૦૧૨ના અંકમાં)

મોબાઇલ ગેમ્સની જેમ, ઉપલાં ત્રણ લેવલ તમે સક્સેસફુલ્લી પાર કરી ગયા? તો હવે આગળ વધો અલ્ટિમેટ લેવલ તરફ!

તમને પોતાને અને બાળકોને મોબાઇલની જબરી લત લાગી હશે, તો આ લેવલ પર પહોંચવું થોડું મુશ્કેલ બનશે, પણ એક વાર ત્યાં પહોંચશો, તો પછી એટલી મજા પડશે કે મોબાઈલ સાવ બાજુએ રહી જશે એ પ્રોમિસ!

ફક્ત આટલું કરો – ઘરમાં ખૂણેખાંચરે ફરી વળો અને જૂના દડા, જમ્પિંગ બોલ્સ, સ્માઇલી બોલ્સ, રિંગ્સ વગેરે ધૂળ ખાતાં પડ્યાં હોય તો એ શોધી કાઢો. જૂનાં ખોખાં પણ ચાલે. સાથે નાની મોટી કોલ્ડડ્રિંક્સની બોટલ પણ શોધી લાવો. પેન્સિલના ટુકડા, ડસ્ટબિન, પ્લાસ્ટિકના કપ વગેરે કંઈ પણ દોડશે.

હવે ચેલેન્જ એ કે જે સાધનો મળ્યાં હોય તેમાંથી કોઈ ગેમ વિચારી કાઢવાની! જેમ કે બોટલ્સ, પ્લાસ્ટિક કપ્સ વગેરેનાં ટાર્ગેટ બનાવીને તેને સ્માઇલી બોલથી આંટી દેવાનાં! તમારે ક્રિએટિવ થઈને, બાળક કંટાળે નહીં એવી ગેમ વિચારી લેવાની અને એને વધુ ને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવતા જવાનું.

રમવામાં કામ લાગે એવી કોઈ ચીજવસ્તુ ન મળે તો પણ ચાલે, કોઈ સાધન વિના પણ બાળક સાથે એક્ટિવ રહી શકાય. ફિઝિકલ એક્ટિવિટી અને ફન – આ બે જ બાબત ધ્યાનમાં રાખવાની છે.

કોઈ સાધન વિના પણ બાળક સાથે એક્ટિવ રહી શકાય. ફિઝિકલ એક્ટિવિટી અને ફન – આ બે જ બાબત ધ્યાનમાં રાખવાની છે.

શરૂઆતમાં તમારું દિમાગ દોડતું ન હોય તો પિન્ટરેસ્ટ કે યુટ્યૂબની મદદ લઈ શકાય. ખાસ કરીને પિન્ટરેસ્ટમાં toddler activities જેવું કંઈક સર્ચ કરી જુઓ. કોઈ પણ સાધન વિના કે બોલ, ફુગ્ગા, ઓશિકાં વગેરેથી રમી શકાય એવી રમતોની ક્લિપ્સ જોવા મળશે. થોડું શોધવુંય પડશે, પણ એ રીતે બાળકને ફિઝિકલી એક્ટિવ અને એનર્જેટિક રાખી શકાય એવા પાર વગરના આઇડિયા મળશે.

આવી ગેમ્સ રમીને જ્યારે તમારું બાળક ખુશીથી લોટપોટ થાય ને થાકીને કહે કે ‘‘હવે બસ!’’ ત્યારે સમજજો કે તમે આ અલ્ટિમેટ લેવલ પાર કરી ગયા. અત્યારે બાળકનું એટેન્શન મેળવવાની બાબતે મોબાઇલ અને આપણી વચ્ચે સ્પર્ધા છે. તમે મોબાઇલને જીતવા દેશો, તો તમારી સાથે બાળક પણ હારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!