(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં આપણી હિસ્ટ્રી તપાસવાની સુવિધા

બધી ટેક કંપનીની જેમ, ફેબસુકે આપણને નવી સગવડ આપવાને નામે યૂઝરના ટ્રેકિંગનો નવો રસ્તો શોધ્યો.

માની લો કે તમને કોઈ પિત્ઝા ચેઇનના પિત્ઝા બહુ ભાવે છે. તમે તેના ફેસબુક પેજને લાઇક કર્યું. તમે શાકાહારી છો, તમે પેલી ચેઇનના વેજ પિત્ઝા જ ખાઓ છો, પણ ચેઇનમાં તો નોન-વેજ પિત્ઝા પણ મળે છે. ફેસબુક પર એ પિત્ઝા ચેઇનના પેજ પર તેના કોઇ નોન-વેજ પિત્ઝા વિશે પોસ્ટ મૂકાઈ અને કંપનીએ એ પોસ્ટનું પેઇડ પ્રમોશન કર્યું. બની શકે કે તમારા ફેસબુક ફ્રેન્ડ્સને એ નોન-વેજ પિત્ઝાની એડ જોવા મળે અને તેને તમે લાઇક કરી છે એવું પણ જોવા મળે!

ફેસબુક એપ પર આપણે જે કોઈ લિંક પર ક્લિક કરીને તેની વિઝિટ કરીએ તેની આખી હિસ્ટ્રી હવે જોઈ શકાય છે. આપણે ફેસબુકમાંથી જેની વિઝિટ કરી હોય તે પેજ પર ફરી પહોંચવા માટે આ સુવિધા ચોક્કસ ઉપયોગી થાય તેવી છે. તકલીફ એ છે કે લિંક હિસ્ટ્રી એલાઉ કરતાં, ફેસબુકને આપણું ટ્રેકિંગ કરવાનો વધુ એક રસ્તો મળી જાય છે.

આંચકો લાગ્યો? તમે એ ચેઇનના પેજને લાઇક કર્યું હતું, પણ પેલી ચોક્કસ એડને પણ તમે લાઇક કર્યું છે એવો મતલબ તેમાંથી નીકળી શકે. મોટા ભાગે આપણે ફેસબુક કે આખા ઇન્ટરનેટ પર પોતાની એક્ટિવિટીની પ્રાઇવસીને બહુ ગંભીરતાથી લેતા નથી. તકલીફ એ પણ છે કે માત્ર ફેસબુક નહીં, બધી જ ઇન્ટરનેટ સર્વિસ આપણને ઘણું બધું મફત આપે છે ને તેની સામે આપણે વિશે ઘણું બધું જાણીને તેનો પોતાની રીતે ઉપયોગ પણ કરે છે. આપણને પેલું મફત જોઈતું હોય એટલે આવું ચલાવી લેવું પડે છે!

આવું કરવું કે ન કરવું એની દ્વિધા વધે એવી એક સુવિધા થોડા સમય પહેલાં ફેસબુકે આપી છે. તેના પરની આપણી, ખાસ કરીને ફેસબુકમાંની લિંક્સની મદદથી વેબપેજિસ જોવાની હિસ્ટ્રી તપાસવાની આ સગવડ વિશે વિગતવાર જાણી લઈએ.

પાછલા કેટલાક દિવસોથી મોબાઇલમાં ફેસબુક એપનો ઉપયોગ કરતી વખતે તમને કંપની તરફથી એક નવો મેસેજ જોવા મળતો હશે, જેમાં કંપની ઉત્સાહપૂર્વક આપણને જણાવે છે કે હવે આપણે ક્યારેય ફેસબુકમાં કોઈ લિંક ગુમાવીશું નહીં! એ સાથે આ સુવિધા માટે મંજૂરી આપવા માટેનું એક બટન પણ જોવા મળ્યું હશે. તમે આ નોટિસ એક્ઝેટ્લી શું છે અને તેને મંજૂરી આપવી કે નહીં તેની દ્વિધા અનુભવતા હો તો અહીં ફેસબુકની આ નવી સુવિધાનાં જમા-ઉધાર પાસાં જાણી લઇએ.

એવું પણ બને કે તમે એ મેસેજ જોયો તો હોય પરંતુ તેને અવગણીને આગળ વધી ગયા હો. એ પછી, એ મેસેજ શું હતો અને તેનો લાભ લેવો જેવો હતો કે નહીં તે વિશે હવે તમને ચટપટી થતી હોય! એ સંજોગમાં હવે એ સુવિધાને મંજૂરી કેવી રીતે આપી શકાય એની પણ વાત કરીએ.

ફેસબુકની આ નવી સગવડ આપણને ચોક્કસ ઉપયોગી થાય તેવી છે, પરંતુ મુશ્કેલી છે કે કંપની પણ તેનો લાભ લઈ શકે છે.

બેઝિકલી, ફેસબુક (અને બીજી બધી જ ટેક કંપની) હંમેશાં ‘એક હાથ લે ઔર એક હાથ દે’ એવી નીતિમાં માને છે (ક્યારેક આ કંપનીઓ આપણને કશુંય આપ્યા વિના ચાર હાથથી માત્ર લઇ લેવાની નીતિ અપનાવે છે એ અલગ વાત છે)!  ફેસબુકે આપેલી આ નવી સુવિધામાં પણ, આપણે માટે લાભ અને ગેરલાભ બંને છે.

પહેલાં તો આ સુવિધા શું છે એ સમજીએ.

આ સુવિધા આપણી ફેસબુક એક્ટિવિટીની હિસ્ટ્રી સંબંધિત છે. જેમ કોઈ પણ  બ્રાઉઝરમાં આપણે નજીકના ભૂતકાળમાં જે કોઈ વેબસાઇટ્સની વિઝિટ્સ કરી હોય, તેની હિસ્ટ્રી તપાસી શકીએ અને ફરી એમાંની કોઈ વેબસાઇટ પર સહેલાઈથી પહોંચી શકીએ, એના જેવી જ સુવિધા, ફેસબુકમાં મળવા વિશેની આ વાત છે.

ફેસબુક પરની આપણી એક્ટિવિટી મુખ્યત્વે બે પ્રકારની હોય છે. ફેસબુક પર આપણે જુદા જુદા ફ્રેન્ડઝની પોસ્ટ કે અન્ય કન્ટેન્ટ જોઇએ, તેના પર લાઇક-કમેન્ટ વગેરે રિસ્પોન્સ આપીએ… એ એક એક્ટિવિટી થઈ, જે ફેસબુક પ્લેટફોર્મ પરની જ એક્ટિવિટી છે.

એ ઉપરાંત આપણે ફેસબુકમાં કોઈ પણ પોસ્ટ કે અન્ય જગ્યાએ જોવા મળેલી લિંક પર ક્લિક કરીએ અને એ પેજ બ્રાઉઝરમાં ઓપન થાય તો એ ફેસબુક પ્લેટફોર્મ બહારની એક્ટિવિટી થઈ. હવે ફેસબુકમાં જ ‘ઇન-એપ બ્રાઉઝર’ની સુવિધા છે. આથી સ્માર્ટફોનમાં આપણે ફેસબુક પર કોઈ લિંક પર ક્લિક કરીએ તો એ વેબપેજ ફોનમાંની અન્ય બ્રાઉઝર એપમાં ઓપન થવાને બદલે ફેસબુકમાં જ ઓપન થાય છે.

અત્યાર સુધી ફેસબુકમાં આપણે કોઈ લિંક પર ક્લિક કરીએ અને એ વેબપેજ ઓપન કરીએ તેનો બધો હિસાબ-કિતાબ ફેસબુકના ચોપડે તો ચઢતો જ હતો, હવે ફેસબુક આપણને પણ પોતાની આ એક્ટિવિટીની હિસ્ટ્રી તપાસવાની તક આપે છે. આ નવી સુવિધા એ માટેની જ છે.

આ નવી સુવિધા આપણે ઓન કરીએ તો પાછલા ૩૦ દિવસમાં આપણે ફેસબુકમાં જે કોઈ લિંક પર ક્લિક કરી હોય તેની હિસ્ટ્રી એક જ જગ્યાએ એક સાથે જોઈ શકીએ છીએ.

આ સગવડ આપવાની સાથોસાથ ફેસબુક આપણને કહે છે કે જો આપણે લિંક હિસ્ટ્રી સાચવવાની મંજૂરી આપીએ તો ફેસબુકની મૂળ મેટા કંપનીનાં બધાં પ્લેટફોર્મ પર આપણને જોવા મળતી જાહેરાતો ‘ઇમ્પ્રૂવ કરવા માટે’ આપણી હિસ્ટ્રીનો ઉપયોગ કરી શકે છે!

ફેસબુક એપના સેટિંગ્સ મેનૂમાં જાઓ. અહીં ‘લિંક હિસ્ટ્રી’નો વિકલ્પ મળે, તેને ક્લિક કરો.

લિંક હિસ્ટ્રી શું છે અને તેનો કેવો ઉપયોગ થશે તેની સમજ સાથે ‘એલાઉ’ બટન જોવા મળશે.

લિંક હિસ્ટ્રીના વિકલ્પો જોવા માટે સેટિંગ્સમાં બ્રાઉઝરનાં સેટિંગ્સમાં જવાનું રહેશે.

ઇન્સ્ટાગ્રામમાં પણ બરાબર આવું જ ફીચર છે. એ પણ લાંબા સમયથી. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે જે કોઈ લિંક પર ક્લિક કરીને એપના બ્રાઉઝરમાં એ વેબપેજ જોઇએ તેની નોંધ રાખવામાં આવે છે.

ફેસબુકમાં આ ફીચર લોન્ચ થયું ત્યારે શરૂઆતમાં અમુક યૂઝરે નોંધ્યું હતું કે તે બાયડિફોલ્ટ ઓન હતું અને કંપની માત્ર યૂઝરને તેની જાણ કરતી હતી. અલબત્ત અત્યારે ફેસબુક આપણને આવી સગવડ મળી રહી હોવાનું જણાવે છે અને પછી આપણે ઇચ્છીએ તો તેને માટે મંજૂરી આપી શકીએ છીએ. તમે આવી મંજૂરી આપી હોય અને હવે એ મંજૂરી પાછી ખેંચી લેવા માગતા હો તો એ પણ શક્ય છે.

 એ માટે ફેસબુક એપમાં કોઈ પણ લિંક પર ક્લિક કરો અને પછી ઇન એપ બ્રાઉઝરના સેટિંગ્સમાં જવા માટે ત્રણ ડોટ પર ક્લિક કરો. બ્રાઉઝર સેટિંગના પેજ પર એલાઉ લિંક હિસ્ટ્રીનું ટોગલ એટલે કે બટન ઓન કે ઓફ કરી શકાશે.

ઇન્સ્ટાગ્રામમાં પણ આ જ રીતે ઇન-એપ બ્રાઉઝરના સેટિંગ્સમાં જઇને લિંક હિસ્ટ્રી ઓન કે ઓફ રાખવી તે નક્કી કરી શકાય છે.

એ પણ યાદ રાખવા જેવું છે કે આપણે મંજૂરી પાછી ખેંચીએ તો જે તે એપમાં આપણી લિંક હિસ્ટ્રી ડીલિટ થાય છે પરંતુ મેટા કંપની પોતે કહે છે કે બધી માહિતી ડીલિટ કરવાની પ્રોસેસમાં ૯૦ દિવસ જેટલો સમય લાગી શકે છે. મતલબ કે આપણે લિંક ટ્રેકિંગ બંધ કરીએ તે પછી પણ ફેસબુક એ માહિતીનો ઉપયોગ કરી શકે છે.

આમ તો ફેસબુક બીજી ઘણી બધી રીતે આપણી એક્ટિવિટી ટ્રેક કરે છે. આ ફક્ત વધુ એક રસ્તો છે. જે એક રીતે આપણને ઉપયોગી પણ છે. કેમ કે ફેસબુક પર આપણને કોઈ લિંક બહુ ઉપયોગી લાગી હોય પરંતુ એ ફરી શોધવી મુશ્કેલ બનતી હોય તો ત્યારે આ ફીચર એકદમ હાથવગો ઉપાય સાબિત થઈ શકે છે.

ફેસબુકને આવી સુવિધા આપવાનું કેમ સૂઝ્યું? તેનાં બે કારણ છે.

પહેલું કારણ, ફેસબુક આપણે માટે આપણી પોતાની એક્ટિવિટીની વિગતો સુધી ફરી પહોંચવાનું આપણે માટે સરળ બનાવવા માગે છે.

બીજું કારણ એ છે કે ખાસ કરીને એપલ કંપનીએ વિવિધ એપ પર યૂઝરનું ટ્રેકિંગ મુશ્કેલ બનાવી દીધું છે. એ કારણે ફેસબુકના ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગના બિઝનેસને ખાસ્સો ધક્કો પહોંચ્યો છે. યુરોપિયન યુનિયનના કાયદા અનુસાર ફેસબુક ત્યાંના યૂઝર્સને ટ્રેક કરી શકતી નથી. આથી ફેસબુકે ખાસ યુરોપના યૂઝરને ફેસબુકનો એડ-ફ્રી ઉપયોગ કરવો હોય તો નિશ્ચિત વાર્ષિક ફી ચુકવવી પડે એવો રસ્તો કાઢ્યો છે. પરંતુ આ બધામાં ફેસબુકને નુક્સાન થઈ રહ્યું છે. એ સરભર કરવા  અને પ્રાઇવસી માટે વધુ ને વધુ કાયદાઓમાંથી છટકબારી શોધવા માટે મેટા કંપનીએ યૂઝર એટલે કે આપણી પોતાની અલગ રીતે મંજૂરી માગીને આપણું ટ્રેકિંગ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

આને જાસૂસીની નવી ગણવી કે પછી આપણને મળતી એક નવી સુવિધા એ આપણે નક્કી કરવાનું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!