રોજબરોજ આપણે ભલે ફટાફટ કમ્યુનિકેશન માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ, બિઝનેસ કે અન્ય કોઈ હેતુ માટેના મહત્ત્વના કમ્યુનિકેશન માટે હજી ઇમેઇલનો દબદબો છે.
જો તમારે કોઇને બહુ મહત્ત્વની માહિતી ઇમેઇલ દ્વારા મોકલવાની થતી હોય તો એ માહિતી બીજી કોઈ વ્યક્તિના હાથમાં ન પહોંચે એ માટે જીમેઇલમાં કોન્ફિડેન્શિયલ ઇમેઇલની પણ સગવડ છે. તેનો લાભ લઈને આપણે ઇમેઇલ મોકલીએ ત્યારે સામેની વ્યક્તિ તેને ફોરવર્ડ, કોપી કે ડાઉનલોડ કરી શકશે નહીં. એ ઉપરાંત આપણે ઇમેઇલ માટે એક્સપાયરી ડેટ નક્કી કરી શકીશું તેમ જ તેને પાસવર્ડનું તાળું પણ મારી શકીશું.
આ પ્રકારનો ઇમેઇલ મોકલવાની વિધિ સરળ છે. બાજુમાં એપમાં તેનાં સ્ટેપ્સ આપ્યાં છે. જોકે યાદ રાખશો કે ઇન્ટરનેટ પર લગભગ કશું જ જડબેસલાક સિક્યોર હોતું નથી, સામેની વ્યક્તિ આપણા ઈમેઇલનો સ્ક્રીનશોટ લઈ શકે છે. જોકે તેમાં એટેચમેન્ટ સામેલ હોય તો તે ઓપન થશે, પણ ડાઉનલોડ કે ફોરવર્ડ થશે નહીં.
(૧) કોન્ફિડેન્શિયલ મોડ ઓન કરોઃ

એપમાં ઇમેઇલનું કમ્પોઝ બોક્સ ઓપન કરી, ઉપર જમણા ખૂણે ત્રણ ડોટ પર ક્લિક કરો અને તેમાં ‘કોન્ફિડેશન્યલ મોડ’ પર ક્લિક કરી, તેને ઓન કરો.
(૨) એક્સ્પાયરી, પાસકોડ નક્કી કરોઃ

ઇમેઇલ ક્યારે ડિલીટ થાય તે નક્કી કરો અને પાસકોડની પદ્ધતિ નક્કી કરો, સામે જીમેઇલ નહીં હોય તો તેના નંબર પર પાસકોડનો મેસેજ મળશે.
(૩) ઇમેઇલ મોકલી આપોઃ

એ પહેલાં, આપણો મેઇલ ક્યારે ડિલીટ થશે તે જોવા મળશે. એસએમએસનો વિકલ્પ પસંદ કર્યો હોય, પણ સામેની વ્યક્તિનો નંબર ન આપ્યો, તો તે આપવો પડશે.

