(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝ-એન્ડ્રોઇડને નજીક લાવે છેઃ ક્વિક શેર

વિવિધ ડિવાઇસમાં ફાઇલ કે અન્ય કન્ટેન્ટ શેરિંગના ઘણા બધા રસ્તા છે, તેમાં એકનો ઉમેરો થયો છે.

તમે બિઝી એક્ઝિક્યુટિવ હો, એક્ટિવ સ્ટુડન્ટ હો કે ઇન્ટરનેટનો ભરપૂર વ્યક્તિ કરતી કોઈ પણ વ્યક્તિ હો, તમારું બધું જ કામકાજ સ્માર્ટફોન અને લેપટોપ/પીસીમાં વહેંચાયેલું હશે. જેવો સમય અને જેવી જરૂરિયાત, એ મુજબ તમે આ બંને સાધનોનો કસ કાઢતા હશો.

આ બંને સાધનમાંથી, તમે ગમે ત્યારે, ગમે તેમાં સ્વિચ થાઓ છતાં તમારું કામ સીમલેસ અને સ્મૂધ રીતે ચાલતું રહે એ કામ કરવાની સ્માર્ટ રીત થઈ.

તમે તમારા પોતાના કામકાજની ફાઇલ્સ, તમારાં જ જુદાં જુદાં ડિવાઇસમાં એક્સેસ કરવા માગો છે? એ માટે ક્લાઉડ સ્ટોરેજ સૌથી સહેલો રસ્તો છે. તેમાંથી અન્ય લોકો સાથે પણ કન્ટેન્ટ સહેલાઇથી શેર કરી શકાય. એ સિવાય, માત્ર જરૂર પડે ત્યારે જ બે ડિવાઇસમાં કન્ટેન્ટ શેર કરવાના પણ જુદા જુદા ઘણા રસ્તા છે.

આમ તો આ રીતે કામ કરવાનો સૌથી સહેલો રસ્તો ક્લાઉડ કમ્પ્યૂટિંગ અપનાવી લેવાનો છે. એ રીતે, આપણી બધી જ ફાઇલ્સ ક્લાઉડમાં રહે અને ત્યાંથી આપણાં જુદાં જુદાં સાધનોમાં એક્સેસિબલ રહે. ત્યાં આપણી ફાઇલ્સ અન્યો સાથે સહેલાઈથી શેર પણ કરી શકાય. ‘સાયબરસફર’માં આપણે આ વિશે અવારનવાર વિગતવાર વાત કરી છે. પરંતુ કોઈ કારણસર તમને એ બધું ફાવતું ન હોય અને તમારે પોતાની ફાઇલ્સ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં સહેલાઈથી લઈ જવી હોય તો?

આમાં ‘સહેલાઇથી’ શબ્દ કીવર્ડ છે!

એપલ અને માઇક્રોસોફ્ટ પછી, ગૂગલે હમણાં છેક આવો એક રસ્તો આપ્યો છે, રસ્તો થોડો જૂનો છે, પણ હવે તેમાં એન્ડ્રોઇડ સાધનો ઉપરાંત વિન્ડોઝ પીસી/લેપટોપને પણ આવરી લેવાયાં છે. થોડા ઊંડા ઊતરીએ.

આમ તો આપણે કામની ફાઇલ્સ આપણા પોતાનાં વિવિધ ડિવાઇસમાં તથા અન્ય લોકો સાથે શેર કરવાના ઘણા બધા રસ્તા નવા સમયમાં ઉપલબ્ધ છે.

આપણે આવી ફાઇલ્સ પોતાને જ ઇમેઇલ કે વોટ્સએપ કરી શકીએ. સિમ્પલ બ્લુટૂથની મદદથી કે ‘શેરઇટ’ કે ‘ઝેન્ડર’ (ભારતમાં હવે પ્રતિબંધિત) જેવી થર્ડ પાર્ટી એપ્સથી પણ આપણે ફાઇલ્સ કે અન્ય કન્ટેન્ટની આપલે કરી શકીએ, પરંતુ એ માટે આવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો પડે.

આપણા કામ માટે એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ વગેરેના એકાઉન્ટનો ભરપૂર ઉપયોગ થતો હોય તો, થર્ડ પાર્ટી એપ્સને બદલે, આ કંપનીઓનાં સોલ્યુશન્સનો ઉપયોગ વધુ હિતાવહ રહે.

એપલ અને માઇક્રોસોફ્ટ બંને કંપનીએ આ માટેનાં સ્માર્ટ સોલ્યુશન્સ આપ્યાં છે, પરંતુ એ મોટા ભાગે એમની પોતપોતાની આગવી દુનિયા પૂરતાં સીમિત છે.

ગૂગલે વર્ષ ૨૦૨૦થી એન્ડ્રોઇડ ડિવાઇસમાં ‘નીયરબાય શેર’ નામે એક સગવડ આપી છે. તમે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી, કોઈ પણ એપમાંથી કંઈ પણ બીજી કોઈ એપમાં કે બીજા લોકોને શેર કરતા હશો ત્યારે આ ‘નીયરબાય શેર’ તમે જોતા હશો, પણ તેનો ઉપયોગ કરવા જેટલા ઊંડા ઊતર્યા હશો નહીં!

હવે ગૂગલે સેમસંગના સાથમાં આ સર્વિસને ‘ક્વિક શેર’ નામે રિલોન્ચ કરી છે. આ ફીચર અત્યાર સુધી એન્ડ્રોઇડથી એન્ડ્રોઇડમાં ફાઇલ્સની આપલે પૂરતું સીમિત હતું. હવે તેને વિન્ડોઝ પીસી સુધી વિસ્તારવામાં આવ્યું છે.

ગયા વર્ષે માર્ચના અંતમાં ગૂગલે આ માટે ‘નીયરબાર શેર બીટા ફ્રોમ ગૂગલ’ નામે એક નવા ટૂલની જાહેરાત કરી, જેના ઉપયોગથી આપણે પોતાના કે અન્ય લોકોના કોઈ પણ એન્ડ્રોઇડ ડિવાઇસ અને વિન્ડોઝ પીસી વચ્ચે ફાઇલ્સ અને ફોલ્ડર્સની સહેલાઈથી આપલે કરી શકીએ છીએ.

આ સગવડ કોઈ પણ વ્યક્તિના એન્ડ્રોઇડ ડિવાઇસ અને વિન્ડોઝ પીસી/લેપટોપ વચ્ચે ફાઇલ્સની ટ્રાન્સફર સહેલી અને ઝડપી બનાવવા માટે ડિઝાઇન થયેલી છે, પરંતુ આપણાં પોતાના સાધનો વચ્ચે ટ્રાન્સર માટે વધુ કામ લાગશે.

ફરી ધ્યાન દોરવાનું કે આજના સમયમાં, જ્યારે આપણે પોતાના વિવિધ  ફોન, ટેબલેટ, પીસી/લેપટોપ વગેરેમાં કામ કરવાનું થતું હોય ત્યારે આઇક્લાઉડ, ગૂગલ ડ્રાઇવ, માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ, ડ્રોપબોક્સ વગેરેનો ઉપયોગ કરવો એ વધુ સ્માર્ટ રસ્તો છે, છતાં અહીં બતાવેલી રીત પણ સમજવા જેવી છે. ફક્ત નીચેની કેટલીક બાબતો ધ્યાને લેશો તો તમારું કામકાજ વધુ સહેલું બની જશે.

  • આ સગવડનો લાભ લેવા માટે આપણે એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે ટેબલેટમાં કશું નવું ડાઉનલોડ કરવાની જરૂર નથી. આ ફીચર તેમાં છે જ.
  • વિન્ડોઝ પીસી/લેપટોપમાં આ માટે એક એપ ઇન્સ્ટોલ કરવાની થશે (આગળ વિગતો છે).
  • આ રીતે ફાઇલ ટ્રાન્સફરમાં પહેલાં બ્લુટૂથથી બંને સાધન એકમેક સાથે જોડાય છે અને પછી ઝડપ માટે વાઇ-ફાઇથી ફાઇલ ટ્રાન્સફર કરે છે. બંને સાધનમાં બ્લુટૂથ અને વાઇ-ફાઇ ઓન જોઈશે.
  • સ્માર્ટફોન, લેપટોપમાં તો આ વાતની ચિંતા નથી, પણ તમારા પીસીમાં બ્લુટૂથની સુવિધા કદાચ ન હોય (અલગ ડોંગલ ખરીદી શકાય).
  • લેપટોપમાં સ્માર્ટફોનના હોટસ્પોટથી નેટ કનેક્શન મેળવતી વખતે  આ સુવિધાનો લાભ મળશે નહીં.
  • ટ્રાન્સફર એન્ક્રિપ્ટેડ એટલે કે સલામત છે.

તમારા પોતાના વિવિધ ડિવાઇસમાં તમારું કામ વહેંચાયેલું હોય તો નીયરબાય શેરને બદલે, કામની બધી ફાઇલ્સ ક્લાઉડમાં સેવ કરવી એ વધુ સારો રસ્તો છે.

(૧) એન્ડ્રોઇડ ડિવાઇસમાં લેવાનાં પગલાં

આપણા એન્ડ્રોઇડ ફોન/ટેબલેટમાં કોઈ નવી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. અત્યારે આશરે ૩ અબજ એન્ડ્રોઇડ ડિવાઇસ પર આ ફીચર એક્ટિવ છે જ.

તમારા સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં ‘નીયરબાય શેર’ સર્ચ કરશો તો તે મળી આવશે. એ ઉપરાંત, ફોનના ક્વિક સેટિંગ્સમાં પણ, ઉપર બતાવ્યા મુજબનો આઇકન મળી આવશે. ગૂગલ ઉપરાંત સેમસંગ અને અન્ય કંપની જુદા જુદા જુદા નામે આવી જ સગવડ આપે છે, એટલે થોડું કન્ફ્યૂઝન થશે, પણ ‘નીયરબાય શેર’ નામ અને સૌથી ઉપર આપેલા લોગોની મદદથી આ સર્વિસ ઓળખી શકાશે. ફોનમાંથી શેરિંગ અન્ય એપ્સમાંથી થતા શેરિંગની જેમ જ કરવાનું છે.

(૨) વિન્ડોઝ પીસીમાં લેવાનાં પગલાં

એન્ડ્રોઇડ ડિવાઇસ અને વિન્ડોઝ પીસી વચ્ચે ફાઇલ્સ/ફોલ્ડરની સહેલી આપલે માટે આપણે પીસી/લેપટોપમાં ‘નીયરબાય શેર બીટા એપ’ ઇન્સ્ટોલ કરવી પડશે.

એ માટે https://android.com/better-together/nearby-share-app/ પેજ પર જાઓ અને ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરી, આ એપ ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી લો. આપણા પીસી/લેપટોપમાં વિન્ડોઝ ૧૦/૧૧નું ૬૪ -બિટ વર્ઝન તથા તેમાં બ્લુટૂથ અને વાઇફાઇની સુવિધા હોવી જોઈએ. આ પછી પીસી/લેપટોપમાં આ એપ ઓપન કરશો એટલે તેમાં કેટલાંક પ્રાથમિક સેટિંગ કરવાનાં થશે અને તમારા પીસી/લેપટોપનું નામ નક્કી કરવાનું થશે.

(૩) ફોનમાંથી ડિવાઇસ વિઝિબિલિટી નક્કી કરો

હવે આપણે નક્કી કરી શકીએ કે આપણો ફોન બીજી કઈ વ્યક્તિ (ડિવાઇસ)ને જોવા મળી શકે અને તે આપણને  ફાઇલ મોકલી શકે.

એન્ડ્રોઇડ ડિવાઇસમાં આ ફીચર પહેલેથી છે, અગાઉ એ માત્ર એન્ડ્રોઇડ-ટુ-એન્ડ્રોઇડ ફાઇલ ટ્રાન્સફર માટે કામ લાગતું હતું, હવે એન્ડ્રોઇડ-ટુ-પીસી/લેપટોપ માટે પણ કામ લાગે છે.

એન્ડ્રોઇડમાં મોટા ભાગે ક્વિક શેરમાં તમને ‘નીયરબાય શેર’ બટન જોવા મળશે. તેને ક્લિક કરી, તમને કોણ ફાઇલ મોકલી શકે તે નક્કી કરી લો. અહીં કોઈ પણ, માત્ર કોન્ટેક્ટ્સમાંના લોકો કે માત્ર જેમાં આપણે પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન હોઈએ તેવાં ડિવાઇસિસમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકાય છે.

(૪) પીસીમાંથી ડિવાઇસ વિઝિબિલિટી નક્કી કરો

ફોનની જેમ, વિન્ડોઝ પીસીમાં પણ આપણે નક્કી કરી શકીએ કે બીજી કઈ વ્યક્તિ (ડિવાઇસ) આપણા પીસી/લેપટોપમાં ફાઇલ મોકલી શકે.

એ માટે, પીસી/લેપટોપમાં ઇન્સ્ટોલ કરેલી ‘નીયરબાય શેર બીટા ફ્રોમ ગૂગલ’ એપ ઓપન કરો. ડાબી તરફના ડ્રોપડાઉન એરો પર ક્લિક કરી, ફોનની જેમ ‘એવરીવન’, ‘કોન્ટેક્ટ્સ’, ‘યોર ડિવાઇસિસ’ અથવા ‘હીડન’ પસંદ કરો.

‘યોર ડિવાઇસિસ’ પસંદ કરવું હોય તો તમારે ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થવું જોઈશે. એ રીતે, તમારા ફોન/લેપટોપમાં ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન હો ત્યારે ફાઇલની આપલે ઝડપી બનશે.

(૫) એન્ડ્રોઇડમાંથી ફાઇલ મોકલવા માટે

એન્ડ્રોઇડ ફોન/ટેબલેટમાંથી આપણે કોઈ પણ ફાઇલ પોતાના કે અન્ય વ્યક્તિના પીસી/લેપટોપમાં મોકલવી હોય ત્યારે રોજિંદી રીતે ‘શેર’ બટન ક્લિક કરવાનું છે.

જેમ કે વોટ્સએપમાં આવેલી કોઈ ફાઇલ પીસી/લેપટોપમાં મોકલવી છે?

તો વોટ્સએપમાં એ ફાઇલ સિલેક્ટ કરી મથાળાના વિકલ્પોમાં ‘શેર’ ક્લિક કરતાં એ ફાઇલ જે જે અન્ય એપ્સમાં ખોલી શકાય તેમ હોય તેના વિકલ્પો મળશે (વોટ્સએપમાં જ શેર કરવા કરતાં આ જુદી વાત છે).

આ મેનૂમાં સૌથી ઉપર ‘નીયરબાય શેર’નું બટન જોવા મળે, તેને ક્લિક કરો (વોટ્સએપની જેમ કોઈ પણ એપમાંથી શેરિંગ માટે આવું જ મેનૂ જોવા મળશે).

આથી એ ફાઇલ જે અન્ય ડિવાઇસમાં મોકલી શકાય તેમ હશે તેનું નામ જોવા મળશે, તેને ક્લિક કરતાં, એ ફાઇલ એ ડિવાઇસમાં ટ્રાન્સફર થશે. વિન્ડોઝમાં તે ડાઉનલોડ્સના ફોલ્ડરમાં સેવ કરી થશે (તેને બદલી પણ શકાય).

(૬) પીસી/લેપટોપમાંથી ફાઇલ મોકલવા માટે

પીસીમાંથી ફાઇલ મોકલવાનું કામ પણ સહેલું છે. એ માટે માટે આપણે ફક્ત પીસીમાં ‘નીયરબાય શેર બીટા બાય ગૂગલ’ એપ ઓપન કરવાની છે. તેમાં ‘ડ્રોપ ફાઇલ્સ ઓર ફોલ્ડર્સ ટુ સેન્ડ’નું બોક્સ જોવા મળશે.

જે ફાઇલ કે ફોલ્ડર ટ્રાન્સફર કરવાનું હોય તેને  વિન્ડોઝ એક્સ્પ્લોરરમાંથી અહીં ડ્રેગ અને ડ્રોપ કરી દો. અથવા ‘સિલેક્ટ ફાઇલ્સ’ કે ‘સિલેક્ટ ફોલ્ડર્સ’ પર ક્લિક કરી, જોઈતી ફાઇલ્સ કે ફોલ્ડર્સ સિલેક્ટ કરી લો.

ફરી, નજીકના જે ડિવાઇસમાં ફાઇલ ટ્રાન્સફર થઈ શકે તેમ હશે તેનું નામ જોવા મળશે, તેને ક્લિક કરતાં ફાઇલ /ફોલ્ડર ટ્રાન્સફર થશે!

જો આપણે પોતાના ડિવાઇસને બદલે અન્યના ડિવાઇસમાં ફાઇલ/ફોલ્ડર મોકલી રહ્યા હોઈશું તો તેમને ડિવાઇસમાં એ માટેનું નોટિફિકેશન મળશે, પછી એ નક્કી કરી શકશે કે ફાઇલ રીસિવ કરવી છે કે નહીં.

ફાઇલ ફોનના ડાઉનલોડ્સ ફોલ્ડરમાં જશે. આ રીતે ફાઇલ સેન્ડ-રીસિવ કરવા માટે બંને ડિવાઇસ પાસે પાસે હોવાં જરૂરી છે.

ગૂગલની જેમ એપલ, માઇક્રોસોફ્ટ તથા અન્ય કેટલીક ફોન કંપની અને થર્ડ પાર્ટી એપ્સની મદદથી આપણે ફોન-કમ્પ્યૂટરમાં ફાઇલ્સની આપલે કરી શકીએ છીએ. આવી વિવિધ સર્વિસ લગભગ એક સરખી રીતે કામ કરે છે, આપણે તેમના પર એક ઊડતી નજર ફેરવીએ.

આઇફોનમાં એરડ્રોપ

જો તમારી પાસે એપલનો આઇફોન, આઇપેડ, મેકબુક વગેરે બધાં એપલનાં જ ડિવાઇસ હોય તો ‘એરડ્રોપ’ ફીચરથી બધાં ડિવાઇસ વચ્ચે ફાઇલ્સ/ફોલ્ડર્સની બહુ સહેલાઈથી આપલે થઈ શકે. અહીં પણ પાસે પાસે રહેલાં બંને ડિવાઇસમાં બ્લુટૂથ અને વાઇ-ફાઇ ઓન હોવાં જરૂરી છે.

સેમસંગ ક્વિક શેર

એપલની જેમ,  સેમસંગ કંપની તેના સ્માર્ટફોનમાં ‘ક્વિક શેર’ નામે આ જ પ્રકારની, એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ફાઇલ, ફોટો, ડોક્યુમેન્ટ વગેરેના શેરિંગની સગવડ આપે છે. જોકે તેનો ઉપયોગ માત્ર સેમસંગ ડિવાઇસિસમાં કરી શકાય છે.

વિન્ડોઝમાં નીયરબાર શેરિંગ

ગૂગલની જેમ જ, માઇક્રોસોફ્ટમાં પણ ‘નીયરબાય શેરિંગ’ નામનું ફીચર છે. તે સૌથી પહેલાં વિન્ડોઝ ૧૦માં આવ્યું અને પછી વિન્ડોઝ ૧૧માં તેને વિસ્તારવામાં આવ્યું. એ માટેના વિકલ્પો તમને પીસી/લેપટોપના સેટિંગ્સમાં મળશે.

એરડ્રોઇડ સર્વિસ

એરડ્રોઇડ (https://web.airdroid.com/)એક એવી સર્વિસ છે, જેની મદદથી આપણે પોતાના ફોન અને પીસી/લેપટોપને એકમેક સાથે કનેક્ટ કરી શકીએ છીએ અને પછી ફાઇલ શેરિંગ ઉપરાંત, જુદા જુદા ઘણા પ્રકારનાં કામ કરી શકીએ છીએ.

માઇક્રોસોફ્ટ ફોન લિંક

આ બધી સર્વિસમાં માઇક્રોસોફ્ટની ‘ફોન લિંક’ સર્વિસ થોડી જુદી પડે છે. તેની મદદથી આપણે એન્ડ્રોઇડ ફોન અને વિન્ડોઝ પીસીને એકમેક સાથે કનેક્ટ કરી શકીએ છીએ. ખાસ તો, એ પછી ફોનને બદલે પીસીમાંથી કોલ કરી શકીએ તથા ફોનમાંના મેસેજ પીસીના સ્ક્રીન પર વાંચી શકીએ છીએ. અહીંથી ફોનમાંના ફોટો, સ્ક્રીનશોટ્સ વગેરે પીસીમાં ટ્રાન્સફર કરી શકાય છે, જોકે અન્ય ડોક્યુમેન્ટ્સનું શેરિંગ આ સર્વિસની મદદથી થઈ શકતું નથી.

એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ વગેરે પોતપોતાની સર્વિસમાં નીયરબાય શેરિંગની સગવડ આપે છે, તેમ હવે વોટ્સએપમાં પણ વાયરલેસ ફાઇલ શેરિંગની સગવડ આવી રહી છે. આગળ વાત કરી તેમ, હમણાં ગૂગલે સેમસંગના સાથમાં આ પ્રકારની ફાઇલ શેરિંગ સગવડમાં થોડા ફેરફાર કર્યા અને પોતાની ‘નીયરબાય શેર’ સર્વિસને ‘ક્વિક શેર’ નામે રિલોન્ચ કરી છે.

વોટ્સએપની એન્ડ્રોઇડ એપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેની મદદથી બ્લુટૂથનો ઉપયોગ કરીને એક ફોનમાંથી બીજા ફોનમાં બે જીબી સુધીની ફાઇલ ફટાફટ શેર કરી શકાશે. આપણે વોટ્સએપમાં ચેટમાં કે ઇમેઇલ જેવી અન્ય રીતે ફાઇલ શેર કરી જ શકીએ છીએ પરંતુ એ પદ્ધતિમાં મોબાઇલ ડેટા કે વાઇ-ફાઇનો ઉપયોગ થાય છે.

ઉપરાંત ફાઇલ જેમ મોટી તેમ તેને શેર કરવામાં વધુ સમય લાગી શકે છે. સામેની વ્યક્તિને આપણી ફાઇલ પહોંચે પછી તેને ડાઉનલોડ કરવામાં પણ ડેટા અને સમય બંને ખર્ચ થાય છે. જ્યારે બ્લુટૂથના ઉપયોગથી ફાઇલ શેરિંગનું કામ ઝડપી અને સગવડભર્યું બની શકે છે. જોકે આ પદ્ધતિમાં બંને ફોન એકબીજાની નજીક હોવા જરૂરી છે.

એ પણ નોંધવા જેવું છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલની પોતાની ક્વિક શેર સર્વિસ ઉપલબ્ધ છે, પરંતુ ઘણા લોકો તેનાથી અજાણ હોવાથી અથવા તો તેની મદદથી ફાઇલ શેર કરવાની વિધિ સમજાતી ન હોવાથી આ સગવડનો લાભ લેતા નથી.

વોટ્સએપ સૌ માટે રમત વાત બની ગઈ હોવાથી તેમાં બ્લૂટૂથની મદદથી ક્વિક શેરિંગ શક્ય બને તો લોકો વધુ પ્રમાણમાં તેનો ઉપયોગ કરવા લાગશે એ નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!