છેવટે આપણે એટલે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનના યૂઝર્સ માટે ભારતનો પોતાનો એપસ્ટોર આવી ગયો છે. ફોનપે કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ડેવલપર્સ માટે ‘ઇન્ડસ એપસ્ટોર’ લોન્ચ કર્યો હતો અને હવે આ વર્ષે ફેબ્રુઆરીના અંત ભાગમાંં સૌ યૂઝર્સ માટે પણ આ એપસ્ટોર લોન્ચ કરી દીધો છે.

અત્યાર સુધી એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ કંપનીની મોનોપોલી જેવી સ્થિતિ હતી. સ્માર્ટફોન મેન્યુફેકચર કરતી કંપની પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લેસ્ટોર એપ પહેલેથી સામેલ કરતી આવી છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણમાં ઘણી ઓપન હોવાથી આપણે ગૂગલના પ્લેસ્ટોર સિવાયના સોર્સ જેમ કે એપ ડેવલપરની પોતાની વેબસાઇટ પરથી એપ ડાઉનલોડ કરી શકીએ છીએ.
પરંતુ એપમાંથી ખરીદી કરવાની વાત આવે ત્યારે એપ ડેવલપરે ગૂગલની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત છે. ફિઝિકલ ચીજવસ્તુઓની ખરીદી માટે પેમેન્ટના અન્ય રસ્તા ખરા પરંતુ ડિજિટલ પ્રોડક્ટ્સ માટે ગૂગલની સિસ્ટમનો ઉપયોગ ફરજિયાત અને તેમાં ગૂગલનું ૧૫ થી ૩૦ ટકા જેટલું ઊંચું કમિશન ચઢે. આ કારણે એપ ડેવલપર્સ ધારે તો પણ પોતાની ડિજિટલ પ્રોડક્ટ્સ યૂઝર્સને સસ્તા ભાવે વેચી શકતા નથી. આ મામલે ભારત સરકારે ગૂગલને આકરા દંડ પણ કર્યા છે. હવે ગૂગલે તેના નિયમો થોડા હળવા બનાવવા પડ્યા છે.

ફોનપેના ઇન્ડસ એપસ્ટોરથી આખી વાત ઘણી બદલાશે કેમ કે તેના પર એપ ડેવલપર્સ શરૂઆતમાં કોઈ ચાર્જ વિના પોતાની એપ લોન્ચ કરી શકશે તેમ જ યૂઝર તરીકે આપણે ઇન્ડસ એપસ્ટોરમાંથી કોઈ એપ ડાઉનલોડ કરીએ તો તેમાંથી ખરીદી પર એપસ્ટોરનું કોઈ કમિશન લાગશે નહીં. એપ ડેવલપર પોતાની એપમાં કોઈ પણ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી શકશે (તેનો યૂઝર માટે ચાર્જ માંડ ૨ થી ૩ ટકા હોય છે).
ગૂગલના પ્લેસ્ટોરની સરખામણીમાં ઇન્ડસ એપસ્ટોર બીજી એક વાતે પણ અલગ છે.
તેના પર યૂઝર તરીકે આપણે ફક્ત મોબાઇલ નંબરથી લોગઇન કરી શકીશું (ગૂગલના પ્લેસ્ટોરમાં ગૂગલ ઇમેઇલ એડ્રેસ હોવું ફરજિયાત છે). ફોનપેનો એપસ્ટોર ઇંગ્લિશ ઉપરાંત ગુજરાતી સહિત ૧૨ ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરે છે.
ગૂગલ સામે ભારતનો પોતાનો એપસ્ટોર હોવો જોઇએ એવી વાતો ઘણા સમયથી ચાલતી રહી છે. હવે આ વાતે નક્કર સ્વરૂપ લઈ લીધું છે!
ફોનમાં આ એપસ્ટોર ઇન્સ્ટોલ કરવાનાં પગલાં
દેખીતું છે કે ગૂગલ પ્લે સ્ટોરમાં આ એપ જોવા મળશે નહીં. આપણે સ્માર્ટફોનના બ્રાઉઝરમાં https://www.indusappstore.com/ વેબસાઇટ પર જઇને તેમાંથી આ એપ ડાઉનલોડ કરવાની રહેશે. એ માટે આપણે આ સાથેના સ્ક્રીનશોટ્સમાં બતાવ્યા મુજબ પરમિશન્સ આપવી પડશે.
એન્ડ્રોઇડ ૮ કે ત્યાર પછીનું વર્ઝન ધરાવતા કોઈ પણ એન્ડ્રોઇડ ફોનમાં આ એપ સ્ટોર ઇન્સ્ટોલ કરી શકાય છે. મોબાઇલમાં એપ સ્ટોર ઇન્સ્ટોલ કર્યા પછી તેને ઓપન કરીએ ત્યારે આપણો મોબાઇલ નંબર આપ્યા પછી ફોનમાં આવેલા ઓટીપીની મદદથી મોબાઇલ નંબર વેરિફાય કરવાનો રહેશે. ગૂગલ પ્લે સ્ટોરની જેમ અહીં ગૂગલ કે અન્ય કોઈ સર્વિસનું એકાઉન્ટ હોવું જરૂરી નથી.
હવે આપણે આ એપસ્ટોરને એપ્સ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપવી જોઇશે અને પછી એપસ્ટોરમાં જોવા મળતી વિવિધ એપ્સમાંથી કોઈ પણ પસંદ કરીને તેને ઇન્સ્ટોલ કરી શકાશે.
કંપની કહે છે કે ઇન્ડસ એપસ્ટોરમાં ઉપલબ્ધ બધી એપ્સ સાત સ્ટેપ્સના સિક્યોરિટી ચેકમાંથી પસાર થાય છે આથી તેમાં વાઇરસ કે માલવેર ન હોવાનો ભરોસો રાખી શકાય.






