(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આંગળીના ઇશારે ટેક્સી બોલાવવી સહેલી છે, છતાં જોખમી પણ છે, આવતા વેકેશનમાં અજાણ્યા શહેરમાં એપ-કેબ બોલાવો ત્યારે…

પોતાના શહેરમાં પણ, પોતાને માટે કે સંતાનો માટે એપ-કેબનો ઉપયોગ કરવાનો થતો હોય તો તેનાં સેફ્ટી ફીચર્સ સમજવાં જરૂરી છે.

ગામડાંમાં થોડી શાંતિ ખરી, પણ શહેરોમાં જીવન એકદમ દોડધામભર્યું હોય છે. સવારના પહોરમાં સ્કૂલ-કોલેજ કે ઓફિસ-ફેક્ટરીએ જવા માટે સૌની દોડધામની શરૂઆત થાય એ મોડી સાંજે ઘરે પરત ફરતી વખતે માંડ પૂરી થાય છે. આ દરમિયાન દરેક વખતે સ્કૂલ-કોલેજ, કંપનીની બસ કે પોતાના વાહનની સગવડ મળતી નથી. ઘણી વખત આપણે પોતાના માટે કે સંતાનોની આવનજાવન માટે પણ એપ-કેબનો આશરો લેવો પડે છે.

આ તો પોતાના, જાણીતા શહેરમાં આવનજાવનની વાત થઈ. વેકેશન નજીક હોવાથી આવતા એક-બે  મહિનાથી આપણા સૌના ચોતરફ પ્રવાસ પણ શરૂ થશે.

બીજી તરફ, આઇટી કે અન્ય ઇન્ડસ્ટ્રીમાં વર્ક-ફ્રોમ-હોમની લક્ઝરી હવે લગભગ પૂરી થવા લાગી હોવાથી, આપણાં સંતાનો ફરી બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, પૂણે વગેરે શહેરો તરફ ઊડવા લાગ્યાં છે.

આ બધી દોડધામ દરમિયાન આપણે વારંવાર સ્માર્ટફોનમાં કેબ માટે ઉબર કે ઓલા જેવી કંપનીની એપ ઓપન કરી, આંગળીના ઇશારે કેબ  કે રીક્ષા બોલાવી લઈએ છીએ – સલામતીનો ખાસ વિચાર કર્યા વિના.

પોતે એપ-કેબમાં મુસાફરી કરી રહ્યા હોઈએ તો તો ઠીક છે, પણ દૂરના અજાણ્યા શહેરમાં એરપોર્ટ-રેલવે સ્ટેશનેથી અડધી રાત્રે કે કંપનીમાંથી મોડી છૂટ્યા પછી દીકરી એકલી કેબમાં પીજી તરફ જઈ રહી હોય ત્યારે એનાં મા-બાપને જે ચિંતા સતાવતી હોય એનો બીજાને અંદાજ પણ ન આવે.

ઘણાં શહેરોમાં, ત્યાંના જાણકાર લોકોના મતે, અમુક સમયે પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ કરતાં પણ એપ-કેબમાં સફર વધુ સલામત હોય છે એટલે ના છૂટકે પણ એવી કેબમાં જવું પડે, જેમાં પોતે અને તદ્દન અજાણ્યો ડ્રાઇવર – બે જ વ્યક્તિ હોય!

ભારતનાં વિવિધ શહેરોમાં આંગળીના ઇશારે આપણી પાસે ટેક્સી પહોંચાડી આપતી સર્વિસ સતત વિસ્તરી રહી છે. ટ્યૂશન જતાં બાળકોએ એપ-કેબ કરવી પડે, તેમ મોડી રાત્રે એકલી યુવતીએ પણ એપ-કેબ બોલાવવી પડે છે. સદનસીબે, એપ-કેબમાં સેફ્ટીનાં નવાં નવાં ફીચર્સ સતત ઉમેરાય છે, તેમને  સમજવાની જવાબદારી આપણા શિરે છે.

નવી જનરેશન બહુ સ્માર્ટ છે એ વાત સાચી, છતાં અવારનવાર થતાં સર્વેક્ષણો બતાવે છે કે એપ-કેબ્સનો ઉપયોગ જેટલો વધ્યો છે એટલી તેમાંનાં સેફ્ટી ફીચર્સ વિશેની જાણકારી વધી નથી.

આપણે ગૂગલ મેપ્સમાં પરિવારની નજીકની વ્યક્તિ સાથે આપણું લોકેશન કાયમ માટે શેર્ડ રાખી શકીએ છીએ. એ સેફ્ટીનું પહેલું પગલું થયું. વિવિધ શહેરોની પોલીસ મુસાફરો – ખાસ કરીને મહિલાઓની સલામતી માટે વિવિધ પગલાં લે છે અને ખાસ એપ્સ પણ લોન્ચ કરે છે.

લોકેશન કાયમ માટે શેર ન કરવું હોય કે ફોનમાં વધારાની એપ્સ ઇન્સ્ટોલ ન કરવી હોય તો એપ-કેબ્સનાં સેફ્ટી ફીચર્સ વિશે પ્રાથમિક જાણકારી મેળવી રાખી હોય અને મુસાફરી વખતે તેનો લાભ લઈએ તો પણ હૈયે ઘણી ધરપત રહી શકે છે.

ભારતમાં એપ આધારિત ટેક્સી બુકિંગ સર્વિસ આપતી કંપનીઓ વધી રહી છે ત્યારે આવી કેટલીક ટોચની કંપનીની એપમાં જોવા મળતાં વિવિધ સેફ્ટી ફીચર્સની વાત કરીએ (ધ્યાન આપશો કે બધામાં એ ન પણ મળે).


એપ-કેબ સર્વિસમાં સલામતીનું આ એક મહત્ત્વનું પાસું છે. તેમાં આપણે ટેક્સી બુક કરીએ એ પછી ટેક્સી અને ડ્રાઇવરને સંબંધિત મહત્ત્વની માહિતી આપણને એપમાં મળે છે. જે કાર આવી રહી હોય તેની મેક (કંપની) અને મોડેલ, તેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર, ડ્રાઇવરનું નામ અને તેનો ફોટો વગેરે વિગતો આપણી સાથે શેર થાય છે.

જે વિગતો આપણી સાથે શેર થાય એ સ્વાભાવિક રીતે કંપની પાસે પણ રહે. ફક્ત ટેક્સીમાં બેસતી વખતે આપણે આ બધી બાબતો તપાસીને, આપણે સાચી જ, પોતે બુક કરેલી ટેક્સીમાં જ બેસી રહ્યા છીએ એની ખાતરી કરવી જરૂરી છે.

બેંગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી ઓલા કેબ્સ કંપની લાંબા સમયથી પિન વેરિફિકેશનની સગવડ આપતી હતી. બુક થયેલી દરેક ટ્રિપ માટે, બુક કરનારના ફોનમાં એક પિન આવે, જે કારના ડ્રાઇવર સાથે મેચ કરવાનો રહે છે. આ રીતે આપણને ખાતરી રહે છે કે આપણે સાચી કારમાં જ બેસી રહ્યા છીએ.

ઓલાની હરીફ અને અનેક દેશોમાં કાર્યરત ઉબરમાં લાંબા સમય સુધી આ સગવડ નહોતી. હવે તેમાં પણ પિન વેરિફિકેશન ઉમેરાયું છે અને મુસાફર ઇચ્છે તો તેને ઇનેબલ કરી શકે છે તેમ જ ડ્રાઇવર તદ્દન નજીક હોય ત્યારે ઓટોમેટિક, વાયરલેસ પદ્ધતિથી વેરિફિકેશન થાય તેવી સુવિધા પણ ઉમેરાઈ છે.

દરેક સારી એપ-કેબ સર્વિસ આ સગવડ આપે છે પરંતુ આપણે તેનો પૂરતો લાભ લેતા નથી. આવી એપમાં ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સની સગવડ હોય છે, જેની મદદથી આપણે કારમાં બેસીએ એ સાથે ટ્રિપની વિગતો એ પાંચ જેટલા કોન્ટેક્ટને શેર કરી શકીએ છીએ. એ પછી એ લોકો પોતાના ફોનમાં આપણું કરન્ટ લોકેશન જોઈ શકે છે અને આપણે નિર્ધારિત સ્થાને લગભગ કેટલા સમયમાં પહોંચીશું એ પણ જોઈ શકે છે.

અણધાર્યા સંજોગમાં એ લોકોનો ઝડપથી સંપર્ક કરવા માટે પણ આ સુવિધા કામની છે. એપના સેટિંગ્સમાં ‘મેનેજ યોર કોન્ટેક્ટ્સ’માં આ વિગતો ઉમેરી શકાશે.

એપ-કેબ સર્વિસનો આખો બિઝનેસ જીપીએસ લોકેશન ટ્રેકિંગના આધારે ચાલે છે. હવે એ જ ટેક્નોલોજીને સેફ્ટી માટે પણ કામે લગાડવામાં આવી છે.

ઉબરમાં ‘રાઇડચેક’ નામે એક ફીચર ઉમેરાયું છે. તેની મદદથી કંપની દરેક ટ્રિપ ચેક કરતી રહે છે અને જો કોઈ કાર નિર્ધારિત માર્ગ કરતાં જુદો વળાંક લે કે કોઈ જગ્યાએ સામાન્ય કરતાં વધુ સમય રોકાઈ રહે તો કંપની તરફથી મુસાફરને નોટિફિકેશન મોકલી પૂછવામાં આવે છે કે બધું બરાબર છેને?

જો મુસાફરને અસલામતી જેવું લાગે તો તેને એપમાંના સેફ્ટી ટૂલ્સ સૂચવીને ઇમરજન્સી હેલ્પલાઇન કે અન્ય કોન્ટેક્ટ્સનો તરત સંપર્ક કરવા જેવાં પગલાં સૂચવવામાં આવે છે.

આ પણ ઉબર દ્વારા કંપની ઉમેરવામાં આવેલું ફીચર છે. આ ફીચરની મદદથી, પેસેન્જર અને ડ્રાઇવર, બંને જ્યારે ઇચ્છે ત્યારે એપમાં એક ક્લિકથી તેમની વચ્ચેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ શરૂ કરી શકે છે!  આ ફીચર ઓપ્શનલ છે, પરંતુ પેસેન્જર કેબ બુક કરે ત્યારે તેને જાણ કરવામાં આવશે કે તેમની કારના ડ્રાઇવરે આ ફીચર ઇનેબલ કર્યું છે કે નહીં.

મજા એ છે કે આ રેકોર્ડિંગ એન્ક્રિપ્ટેડ રહેશે અને પેસેન્જર/ડ્રાઇવરના ડિવાઇસમાં જ સેવ થશે, પરંતુ બંને તેને સાંભળી શકશે નહીં! કોઈ વિવાદની સ્થિતિમાં, આ રેકોર્ડિંગ કંપનીને સબમિટ કરી શકાય જેથી તે આગળનાં પગલાં લઈ શકે!

દરેક સારી એપ-કેબ સર્વિસ કટોકટીના સંજોગમાં મદદ મેળવવા માટે ‘એસઓએસ’ કે ઇમરજન્સી બટનની સગવડ આપે છે.

આપણી ટ્રિપ શરૂ થાય એ સાથે એપના સ્ક્રીન પર એક લાલ બટન જોવા મળે છે. તેને ટેપ કરતાં, જે તે કંપનીની ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમનો તત્ક્ષણ સંપર્ક કરી શકાય છે. એ બટન પ્રેસ કર્યા પછી આપણે પોતાના ઇમર્જન્સી કોન્ટેક્ટ્સને એલર્ટ મોકલી શકીએ છીએ કે સૌથી નજીકના પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકીએ છીએ.

ટ્રિપ શરૂ કરતી વખતે આ બટનની મદદથી, તમારા સ્વજનને એલર્ટ મોકલીને તેની અજમાયશ કરી શકાય, અલબત્ત ‘સબ સલામત’ હોવાની તેમને પહેલેથી જાણ કરીને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!