
ભારતના અનેક પરિવારોમાં જે સ્થિતિ હોય છે તે કદાચ તમારા પરિવારમાં પણ હશે.
દીકરો કે દીકરી આઠમા-દસમા ધોરણમાં આવી ગયાં હોય, તેમને સ્કૂલ ઉપરાંત, ટ્યૂશન કે અન્ય જુદા જુદા ક્લાસિસની દોડધામ વધી ગઈ હોય. ઉંમરનું ઓછી હોય એટલે આપણે હજી તેમને પોતાનું વાહન અપાવી શક્યા ન હોઈએ. રોજ તેમણે બસ કે રીક્ષામાં આવનજાવન કરવાની હોય. એક્ટિવા કે સ્કૂટી હોય તો પણ રોજિંદા નાના મોટા ખર્ચ માટે તેમણે ખિસ્સામાં રોકડ રૂપિયા રાખવા પડે.
બીજી તરફ, આપણે પોતે પોતાના સ્માર્ટફોનમાં યુપીઆઇ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) એપની મદદથી ફટાફટ પેમેન્ટ કરતા હોઇએ.

આપણે સમજતા હોઇએ કે દીકરા કે દીકરીને તે બહુ ઉપયોગી થશે. ઘરની બહાર જતી વખતે રોકડ રૂપિયા કે પર્સ લેવાનું ભૂલાઈ જાય પરંતુ મોબાઇલ સાથે રાખવાનું કોઈને ભૂલાય નહીં. તકલીફ એ કે દીકરા કે દીકરી હજી યુપીઆઇનો ઉપયોગ કરી શકતાં ન હોય કેમ કે બેન્ક ખાતું જ ન હોય. યુપીઆઇ એપનો ઉપયોગ કરવા માટે વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જરૂરી છે (અમુક કિસ્સામાં ૧૫ થી ૧૮ વર્ષની સગીર વ્યક્તિ યુપીઆઇનો ઉપયોગ કરી શકે છે).
હવે બીજી સ્થિતિ વિચારો. આપણા પરિવારમાં એવા વડીલો હોય જેમનું બેન્ક એકાઉન્ટ હોય પરંતુ ફ્રોડના ડરે તેઓ યુપીઆઇનો ઉપયોગ કરતાં ખચકાતા હોય. આપણે પોતે તેમના મોબાઇલમાં યુપીઆઇ સેટઅપ કરી આપતાં ખચકાતા હોઇએ.
સંતાનો જોબ માટે દૂર રહેતાં હોય એવી સ્થિતિમાં વૃદ્ધ મા-બાપ માટે વાત વધુ મુશ્કેલ બને. રોજબરોજના દૂધ-કરિયાણા-શાકભાજી વગેરેની ખરીદી તથા વિવિધ પ્રકારના બિલ ભરવામાં યુપીઆઇ તેમને બહુ ઉપયોગી થઈ શકે. પરંતુ ફ્રોડનો ડર તેમને અને આપણને સતાવે.
ભારતમાં યુપીઆઇનો ઉપયોગ જબરો વધ્યો છે, પરંતુ હજી પણ ઘણા લોકો કોઈ ને કોઈ કારણે તેના લાભથી વંચિત છે. પરિવારનાં સગીર બાળકો બેન્ક ખાતું ન હોવાને કારણે, તો વડીલો ફ્રોડના ડરથી યુપીઆઇના ઉપયોગથી દૂર રહે છે. હવે એ સૌ યુપીઆઇનો લાભ લઈ શકશે – પરિવારની કોઈ એક જ વ્યક્તિના યુપીઆઇ એકાઉન્ટમાં જોડાઈને.
તે જ રીતે પ્રમાણમાં નાના બિઝનેસના માલિકે બિઝનેસના ઉપયોગ માટે રૂપિયાની લેવડદેવડ જાતે જ કરવી પડે. કેમ કે બિઝનેસમાં યુપીઆઇના ઉપયોગ માટે તેઓ સ્ટાફના મોબાઇલમાં યુપીઆઇ એક્ટિવેટ કરીને આખું ખાતું તેમને સોંપી શકે નહીં.
આ બધી મુશ્કેલીઓનો હવે ઉપાય આવી રહ્યો છે – યુપીઆઇ ડેલિગેટેડ પેમેન્ટ્સ સ્વરૂપે. યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ આ નવા ફીચરને ‘યુપીઆઇ સર્કલ’ નામ આપ્યું છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) એ હમણાં ઓગસ્ટ મહિનામાં ‘યુપીઆઇ સર્કલ’ નામે યુપીઆઇમાં ડેલિગેટેડ પેમેન્ટ વ્યવસ્થાની જાહેરાત કરી છે. એનપીસીઆઇ તરફથી યુપીઆઇ વ્યવસ્થામાં સામેલ વિવિધ સહયોગીઓને આ માટેનો સર્ક્યુલર મોકલી દેવામાં આવ્યો છે, પરંતુ એ માટેની વિગતવાર ગાઇડલાઇન્સ હવે જાહેર કરવામાં આવશે. મતલબ કે આપણે માટે જાણીતી યુપીઆઇ એપ્સમાં આ ફીચર ઉમેરાતાં હજી થોડી વાર લાગશે.
અત્યારની યુપીઆઇ વ્યવસ્થાને આપણે કંઈક અંશે વોટ્સએપ સાથે સરખાવી શકીએ. વોટ્સએપ એપમાં થોડા સમય પહેલાં સુધી એવી સ્થિતિ હતી કે વોટ્સએપનો આપણે ફક્ત એક જ મોબાઇલ ડિવાઇસમાં ઉપયોગ કરી શકીએ. વોટ્સએપ એકાઉન્ટ આપણા મોબાઇલ નંબર આધારિત છે. આથી એ નંબર ધરાવતું સિમકાર્ડ જે મોબાઇલમાં હોય તેમાં જ વોટ્સએપનો ઉપયોગ થઈ શકતો. એ પછી જુદાં જુદાં ડિવાઇસમાં એક જ મોબાઇલ નંબરથી વોટ્સએપનો ઉપયોગ કરવાની સગવડ મળી.

એ જ રીતે, યુપીઆઇ વ્યવસ્થા બેન્કમાં રજિસ્ટર્ડ આપણા મોબાઇલ નંબર અને તેને કારણે જે તે ડિવાઇસ પૂરતી રીસ્ટ્રિક્ટેડ હોય છે. એક જ યુપીઆઇ એકાઉન્ટનો એકથી વધુ મોબાઇલ ફોનમાં ઉપયોગ થઈ શકે નહીં.
હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. યુપીઆઇ સર્કલ ફીચરને કારણે કોઈ એક વ્યક્તિ પોતાના બેન્ક એકાઉન્ટ સાથે યુપીઆઇ એપ કનેક્ટ કરીને પોતે યુપીઆઇના પ્રાઇમરી યૂઝર બની શકશે અને પછી પરિવારની કે ઓફિસની ભરોસાપાત્ર વ્યક્તિઓને એ જ યુપીઆઇ એકાઉન્ટના સેકન્ડરી યૂઝર બનાવી શકશે.
સેકન્ડરી યૂઝર્સે પોતાના ફોનમાં તેમની મરજીની કોઈ પણ યુપીઆઇ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ પછી પ્રાઇમરી યૂઝર એક ક્યૂઆર કોડ સ્કેન કરીને સેકન્ડરી યૂઝરની યુપીઆઇ એપને પોતાના એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકશે. પ્રાઇમરી યૂઝર ઇચ્છે તો પોતાના ફોનની એડ્રેસબુકમાંથી કોઈ કોન્ટેક્ટને સેકન્ડરી યૂઝર તરીકે સિલેક્ટ કરી શકશે. પરંતુ તેઓ નવેસરથી મોબાઇલ નંબર આપીને સેકન્ડરી યૂઝર પસંદ કરી શકશે નહીં.
આ પછી પ્રાઇમરી યૂઝર, પોતાના સેકન્ડરી યૂઝરને બે પ્રકારે પોતાના યુપીઆઇ એકાઉન્ટનો ઉપયોગ કરવાની છૂટ આપી શકશે ઃ
ફુલ ડેલિગેશન
આ પ્રકારની વ્યવસ્થામાં પ્રાઇમરી યૂઝર, પોતાના સેકન્ડરી યૂઝરને, તેમની મંજૂરી વિના, નિશ્ચિત મર્યાદામાં યુપીઆઇ લેવડદેવડ કરવાની છૂટ આપી શકશે. આ કિસ્સામાં સેકન્ડરી યૂઝર પોતાની યુપીઆઇ એપમાંથી પ્રાઇમરી યૂઝરના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂા. ૫૦૦૦ સુધીની એક વારની લિમિટમાં અને મહિને કુલ રૂા. ૧૫૦૦૦ સુધીની લિમિટમાં પેમેન્ટ કરી શકશે.
પાર્શિયલ ડેલિગેશન
આ પ્રકારની વ્યવસ્થામાં સેકન્ડરી યૂઝર, પ્રાઇમરી યૂઝરની મંજૂરી પછી જ પોતાની યુપીઆઇ એપમાંથી ટ્રાન્ઝેકશન કરી શકશે. એ પોતાની એપમાંથી ટ્રાન્ઝેક્શન શરૂ કરશે પરંતુ પેમેન્ટ ઓથોરાઇઝ કરવા માટે પ્રાઇમરી યૂઝરે પોતાની યુપીઆઇ એપમાંથી પોતે સિલેક્ટ કરેલો પિન આપવો પડશે. આ પ્રકારની વ્યવસ્થામાં પણ યુપીઆઇ પેમેન્ટની મર્યાદાઓ લાગુ રહેશે.

મુખ્ય વ્યક્તિ બીજી પાંચ વ્યક્તિને સેકન્ડરી યૂઝર બનાવી શકશે. આવી વ્યક્તિ માત્ર એક જ પ્રાઇમરી યૂઝર માટે સેકન્ડરી યૂઝર બની શકશે.
આ આપણા બેન્ક એકાઉન્ટની અન્ય વ્યક્તિને એક્સેસ આપવાની વાત છે, એટલે માત્ર પરિચિત, વિશ્વાસપાત્ર વ્યક્તિને જ એવી મંજૂરી આપવી જરૂરી છે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ એક જ છે – વધુ ને વધુ લોકો યુપીઆઇની મદદથી ડિજિટલ પેમેન્ટ કરતા થાય. આ જ હેતુથી યુપીઆઇ સર્કલની નવી સુવિધા આપવામાં આવી છે, જેથી કોઈ પણ કારણસર પોતાનું બેન્ક એકાઉન્ટ ન ધરાવતા કે એકાઉન્ટ હોય તો પણ યુપીઆઇનો ઉપયોગ ન કરી શકતા લોકોને આ વ્યવસ્થામાં આવરી લઈ શકાય.
જીવનસાથી અને સગીર સંતાનો

આપણે અગાઉ વાત કરી તેમ પરિવારમાં ફક્ત કોઈ એક વ્યક્તિ પોતાના બેન્ક એકાઉન્ટને કોઈ પણ યુપીઆઇ એપ સાથે કનેક્ટ કરી શકે અને પછી પોતાનાં બાળકો કે જીવનસાથીને તેની એક્સેસ આપી શકે. આ રીતે પરિવારના દરેક સભ્યના બેન્ક એકાઉન્ટને યુપીઆઇ સાથે કનેક્ટ કર્યા વિના તથા સૌના બેન્ક એકાઉન્ટમાંની રકમ જોખમાઈ જશે એવો ડર રાખ્યા વિના પરિવારના સૌ સભ્યો યુપીઆઇ વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે.
પરિવારના વડીલો
એક જ પરિવારમાં રહેતા કે સંતાનોથી દૂર રહેતા વડીલો માટે યુપીઆઇ વ્યવસ્થા વરદાનરૂપ છે, પરંતુ મોટા ભાગે ફ્રોડ થવાની બીકે તેઓ પોતાના બેન્ક એકાઉન્ટને યુપીઆઇ વ્યવસ્થા સાથે કનેક્ટ કરતાં ડરતા હોય છે.
આવી પરિસ્થિતિમાં યુપીઆઇ સર્કલ ફીચર તેમને ઉપયોગી થઈ શકે છે. અહીં વિશ્વાસ તો છે, પરંતુ ફ્રોડનો ડર છે એ કારણસર પ્રાઇમરી યૂઝર જ્યારે વડીલોને સેકન્ડરી યૂઝર બનાવે ત્યારે તેમને પાર્શિયલ ડેલિગેશનની છૂટ આપે તો દરેક ટ્રાન્ઝેકશન વખતે પ્રાઇમરી યૂઝરની મંજૂરી જરૂરી હોવાથી યોગ્ય પેમેન્ટ થઈ રહ્યું છે કે નહીં તે તેઓ તપાસી શકે અને સામે વડીલોની સુવિધા પણ સચવાઈ જાય.
ઓફિસમાં સપોર્ટ સ્ટાફ
પ્રમાણમાં નાના લગભગ બધા બિઝનેસમાં એકાઉન્ટ સંભાળવા માટે આખો અલગ વિભાગ ન હોય. સ્ટાફમાંની જ કોઈ વ્યક્તિને તેની જવાબદારી સોંપવામાં આવી હોય. પરંતુ ઓફિસના મોબાઇલમાં યુપીઆઇ એકાઉન્ટ કનેક્ટ કરવા જતાં એકાઉન્ટ સંબંધિત બધી છૂટ એ વ્યક્તિને આપવી પડે. સ્ટાફની વ્યક્તિ પર એટલો ભરોસો મૂકવો બધા બિઝનેસ માલિકોને યોગ્ય ન પણ લાગે.
આ સ્થિતિમાં નવા યુપીઆઇ સર્કલ ફીચરનો લાભ લઇને બિઝનેસ માલિક પોતે પ્રાઇમરી યૂઝર બને અને સ્ટાફના જે તે સભ્યને સેકન્ડરી યૂઝર બનાવીને તેમને પાર્શિયલ ડેલિગેશન સાથે ટ્રાન્ઝેકશનની મર્યાદિત છૂટ આપી શકે. આ રીતે બિઝનેસ એકાઉન્ટમાંથી થતાં બધાં ટ્રાન્ઝેકશન પર તેમનો કંટ્રોલ અને નજર પણ રહી શકે. છતાં નાની મોટી રકમનાં બધાં ટ્રાન્ઝેકશન જાતે કરવાની ઝંઝટમાંથી તેઓ ઉગરી શકે.
યુપીઆઇ વ્યવસ્થામાં યુપીઆઇ સર્કલ ફીચરના આગમન સાથે પોતાનું બેન્ક એકાઉન્ટ ન ધરાવતા કે એકાઉન્ટને યુપીઆઇ સાથે કનેક્ટ ન કરવા માગતા લોકો પણ હવે યુપીઆઇનો ઉપયોગ કરી શકશે.
બીજી તરફ એ પણ વાસ્તવિકતા છે કે યુપીઆઇના ઉપયોગ સંબંધિત બધી બાબતો વિશે લોકોમાં પૂરતી જાગૃતિ કે સજાગતા નથી.
આ સંજોગમાં દેશમાં યુપીઆઇ સંબંધિત ફ્રોડનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લોકો ઠગ ટોળકીની વિવિધ પ્રકારની ટ્રિક્સમાં ફસાઇને રૂપિયા ગુમાવી બેસે છે.
પરંતુ ઘણી વાર રૂપિયાની લેવડદેવડ કરવાની ઉતાવળમાં લોકો ખોટા યુપીઆઇ એડ્રેસ પર રૂપિયા મોકલી દેતા હોય છે. જો આપણે ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરતા હોઇએ તો આપણા રૂપિયા ખોટા યુપીઆઇ એકાઉન્ટમાં જવાની કોઈ સંભાવના રહેતી નથી. પરંતુ જ્યારે યુપીઆઇ એડ્રેસ જાતે ટાઇપ કરીને કે મોબાઇલ નંબર ટાઇપ કરીને યુપીઆઇ પેમેન્ટ કરવામાં આવે ત્યારે ભૂલ થવાની સંભાવના રહેતી હોય છે.
આમ તો આવી સ્થિતિમાં પણ દરેક યુપીઆઇ એપ આપણે ટાઇપ કરેલી વિગતોની ખરાઈ કરીને તેને સંબંધિત યુપીઆઇ એકાઉન્ટનું વેરિફિકેશન કરે છે અને એ યુપીઆઇ એકાઉન્ટ કઈ વ્યક્તિ કે બિઝનેસના નામે છે તે પણ દર્શાવવામાં આવે છે. આમ છતાં લોકો ભૂલ કરી બેસતા હોય છે.
આ બધું ધ્યાનમાં રાખીને યુપીઆઇ વ્યવસ્થામાં ભૂલથી ટ્રાન્સફર થયેલી રકમ પરત મેળવવા બાબતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવી ગાઇડલાઇન્સ ગયા મહિને જારી કરી છે. એ મુજબ, આપણે ફરિયાદ કર્યાના ૨૪થી ૪૮ કલાકમાં રકમ પરત મળવાની આશા રાખી શકીએ. જો આપણે પોતાની બેન્કમાં ખાતું ધરાવતી અન્ય કોઈ વ્યક્તિને ભૂલથી રકમ ટ્રાન્સફર કરી હોય તો રકમ વધુ ઝડપથી પરત મેળવી શકે છે. જુદી જુદી બેન્કની વાત હોય તો વિલંબ થઈ શકે છે.
જો આપણે ખોટા યુપીઆઇ એડ્રેસ પર રકમ મોકલી બેસીએ તો તે પરત મેળવવા નીચેનાં પગલાં લઈ શકાય ઃ
રકમ મેળવનારી વ્યક્તિનો સંપર્ક કરવોઃ
આપણે ભૂલથી જેમને રકમ મોકલી હોય તેમનો સંપર્ક કરી તેમને જરૂરી વિગતો આપીને રકમ પરત મેળવવાનો પ્રયાસ કરવો (જોકે આ રીતે ઠગ ટોળકીઓ લોકોને સાણસામાં લેતી હોવાથી સામેની વ્યક્તિ આપણા પર વિશ્વાસ ન મૂકે તેવું બની શકે).
યુપીઆઇ એપના કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરવોઃ
આપણે ભૂલથી જે ટ્રાન્ઝેકશન કર્યું હોય તેની બધી વિગતો સાથે જે તે એપમાંથી જ તેની કસ્ટમર સપોર્ટ સર્વિસનો સંપર્ક કરવો. ટ્રાન્ઝેકશનની બધી વિગતો પૂરી પાડવી અને રકમ પરત મેળવવાનો પ્રયાસ કરવો.
એનપીસીઆઇમાં ફરિયાદ કરવીઃ
જો આપણી યુપીઆઇ એપનો કસ્ટમર સપોર્ટનો સંપર્ક કર્યા પછી તેનો કોઈ સંતોષજનક ઉકેલ ન આવે તો આપણે એનપીસીઆઇના પોર્ટલમાં (https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism) ફરિયાદ નોંધાવી શકીએ છીએ. ફરીથી ટ્રાન્ઝેકશનની બધી વિગતો આપવી પડશે.
પોતાની બેન્કનો સંપર્ક કરવોઃ
આપણે પોતાની બેન્કનો સંપર્ક કરીને તેને લેખિતમાં બધી માહિતી પૂરી પાડી ભૂલથી ટ્રાન્સફર થયેલી રકમ પરત મેળવવાનો પ્રયાસ કરી શકીએ છીએ.
એટલું ખાસ યાદ રાખવું કે યુપીઆઇની મદદથી આપણે ખોટું ટ્રાન્સઝેકશન કરી બેસીએ ત્યારે માત્ર અધિકૃત ચેનલ્સ જેમ કે આપણી પોતાની યુપીઆઇ એપ કે બેન્કના અધિકૃત કસ્ટમર સપોર્ટનો જ સંપર્ક કરીને મદદ મેળવવાનો પ્રયાસ કરવો. ગૂગલ પર કોઈ પણ નંબર મેળવીને તેનો સંપર્ક કરવા જતાં કે સોશિયલ મીડિયા પરના વિવિધ એકાઉન્ટનો સંપર્ક કરીને તેને બધી વિગતો આપીને રકમ પરત મેળવવાનો પ્રયાસ કરવામાં ભારોભાર જોખમ છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાછલા કેટલાક સમયથી યુપીઆઇ વ્યવસ્થામાં હાલના ડિજિટ આધારિત પિન કે પાસકોડને બદલે ફિંગર પ્રિન્ટ અથવા ફેસ આઇડી આધારિત બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશનનો ઉપયોગ શરૂ કરવાની શક્યતા તપાસે છે.
હાલની પિન અને પાસકોડ આધારિત વ્યવસ્થા અસરકારક અને સહેલી તો છે પરંતુ સલામતીની દૃષ્ટિએ તે સચોટ નથી. આપણું પિન કે પાસકોડ અન્ય વ્યક્તિ જાણી જાય તો તે આપણા વતી યુપીઆઇ ટ્રાન્ઝેકશન કરી શકે છે. તેની સરખામણીમાં બાયોમેટ્રિક્સ આધારિત ઓથેન્ટિકેશન વધુ સલામત વ્યવસ્થા છે કેમ કે આપણી ફિંગર પ્રિન્ટ કે ફેસ આઇડી અન્ય કોઈ વ્યક્તિ ચોરી શકતી નથી.

આ નવી વ્યવસ્થા હજી અમલમાં આવી નથી પરંતુ અમલમાં આવી જાય તે પછી જો આપણે પોતાના બેન્ક એકાઉન્ટ અને આધાર નંબરને એકમેક સાથે લિંક કર્યા હશે તો કોઈ પણ યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કર્યા પછી ટ્રાન્ઝેકશન મંજૂર કરવા માટે યુપીઆઇ પિન આપવાને બદલે ફિંગર પ્રિન્ટ કે ફેસિયલ રેકગનેશન પદ્ધતિનો ઉપયોગ કરી શકીશું. આપણે પિન યાદ રાખવાની જરૂર રહેશે નહીં. અલબત્ત આ નવી વ્યવસ્થામાં પણ આપણી પ્રાઇવસી અને ડેટાની સિક્યોરિટી બહુ મોટો સવાલ રહેશે કેમ કે જો આપણો પિન લીક કે ચોરાયો હોવાની શંકા જાગે તો આપણે તેને બદલી શકીએ છીએ, પરંતુ બાયોમેટ્રિક ડેટા ચોરાઈ જાય કે લીક થાય તો તેને બદલી શકાતો નથી!
યુપીઆઇ વ્યવસ્થામાં યુપીઆઇ એપનો ઉપયોગ કરીને તેમાં નિશ્ચિત રકમ મોકલવાની વિનંતી કરતો ક્યૂઆર કોડ જનરેટ કરી શકાય છે. આવા પેમેન્ટ રિકવેસ્ટ માટેના ક્યૂઆર કોડ કેવી રીતે કામ કરે છે અને તેની મદદથી કેવી રીતે ફ્રોડ કરવામાં આવે છે તે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ.
પરંતુ પાછલા થોડા સમયથી આ પ્રકારે ફ્રોડ કરવાની તરકીબ થોડી બદલાઈ છે. અગાઉ આપણે પોતાની જૂની ચીજવસ્તુ ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચવાનો પ્રયાસ કરતા હોઇએ ત્યારે આવા પ્લેટફોર્મ પર નજર ટાંપીને બેઠેલી ઠગ ટોળકીઓ એ વસ્તુ ખરીદવામાં રસ બતાવે અને પોતે પેમેન્ટ કરવાનું હોય તેમ છતાં આપણને પેમેન્ટ રિકવેસ્ટનો ક્યૂઆર કોડ મોકલીને છેતરપિંડી કરતા હતા.
હવે ક્યૂઆર કોડ મોકલવાને બદલે જાણીતી કંપનીઓને નામે પેમેન્ટ રિકવેસ્ટ જનરેટ કરીને તેની લિંક સાથેના મેસેજ બહુ વ્યાપક પ્રમાણમાં લોકોને મોકલવામાં આવે છે.
મોબાઇલ બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ, ગેસ બિલ કે પછી જાણીતી ઓટીટી સર્વિસના સબસ્ક્રિપ્શન રીન્યૂ કરવાના નામે આવી પેમેન્ટ લિંક જનરેટ કરીને લોકોને મોકલવામાં આવે છે. જો આપણે બેધ્યાન હોઇએ અને આવા મેસેજમાંની વિગતોની ખરાઈ ન કરીએ ને પેમેન્ટ લિંક પર ક્લિક કરી તેને એપ્રૂવ કરી બેસીએ એવું બની શકે.
તમને આ રીતે કોઈ પણ કંપનીને નામે પેમેન્ટ રિકવેસ્ટ મળે તો જે તે કંપનીની એપમાં પોતાના એકાઉન્ટથી લોગઇન થયા પછી કોઈ પેમેન્ટ બાકી છે કે નહીં તે જાતે તપાસી લેવું અને પછી ઓફિશિયલ ચેનલમાંથી પેમેન્ટ માટે આગળ વધવું હિતાવહ છે.
