(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હમણાં જેની બહુ ચર્ચા ચાલે છે તે ‘બ્લૂસ્કાય’ શું છે?

ટૂંકો જવાબ એ, કે ‘બ્લૂસ્કાય’ જૂના ટ્વીટર અને હાલના ‘એક્સ’ને એકદમ મળતું આવતું સોશિયલ પ્લેટફોર્મ છે ને આજકાલ લોકો મોટી સંખ્યામાં એક્સ પરથી આ બ્લૂસ્કાય તરફ વળી રહ્યા છે.

હવે થોડા ઊંડાણમાં જઈએ. વિધિની વક્રતા જુઓ. વર્ષ ૨૦૧૬માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારે તેમની જીતમાં ફેસબુકનો સિંહફાળો હોવાનું બહાર આવ્યું હતું. હવે આ વર્ષે, ઇતિહાસનું પુનરાવર્તન થયું, ટ્રમ્પે બીજી ઐતિહાસિક જીત મેળવી અને આ વખતે તેમની જીતમાં અગાઉના ટ્વીટર અને હાલના એક્સનો મોટો ફાળો હતો!

વર્ષ ૨૦૧૬માં ફેસબુકે તેના અમેરિકન યૂઝર્સનો ચૂંટણીમાં કોની તરફ ઝોક છે એ સ્પષ્ટ કરતો પાર વગરનો ડેટા લીક થવા દીધો હતો. ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ નામની એક કંપનીએ તેનો ફાયદો ઉઠાવ્યો. રશિયાએ આ ડેટાના આધારે ડોનાલ્ડ ટ્રમ્પ કે હિલેરી ક્લિન્ટનમાંથી કોને મત આપવો એ હજી નક્કી ન કરી શકતા મતદારોને ઓળખીને તેમને ટ્રમ્પની તરફેણમાં લાવવા માટે ફેક ન્યૂઝ સહિત જબરજસ્ત મોટા પાયે ફેસબુક પર પ્રચાર મારો કર્યો હતો.

જોવાની વાત એ કે રશિયાએ ફેસબુકની સર્વિસ કોઈ રીતે હેક કરી નહોતી. તેણે ફક્ત ફેસબુક પેઇડ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન ચલાવવાની જે સગવડ આપે છે તેનો લાભ લીધો હતો. આમ ફેસબુક પરના રશિયાના હેવી કેમ્પેઇનને કારણે અમેરિકન મતદારોનો ટ્રમ્પ તરફી ઝુકાવ વધ્યો અને મજબૂત મનાતાં હિલેરી ક્લિન્ટન હારી ગયાં.

આ વર્ષની ચૂંટણીમાં રશિયાએ એવું કશું કરવાની જરૂર નહોતી. એક્સ પ્લેટફોર્મના સર્વેસર્વા ઇલોન મસ્કે બધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપ્યો. એક્સ પ્લેટફોર્મ ટ્રમ્પના ઇલેકશન કેમ્પેઇનનું જાણે કેન્દ્ર બન્યું. અમેરિકા તો ઠીક વિશ્વભરના એક્સના યૂઝર્સ પર ટ્રમ્પ તરફી ટ્વીટસનો મારો ચાલ્યો. ટ્રમ્પના વિજયમાં બીજાં પણ કારણો હતાં, પરંતુ એક્સનું ટ્રમ્પ તરફી વલણ લોકોની એકદમ નજરમાં આવ્યું.

ચૂંટણીના આ બધા આટાપાટા ‘બ્લૂસ્કાય’ નામના એક નવા સોશિયલ પ્લેટફોર્મને ગજબનો ફાયદો કરાવી ગયા.

ચૂંટણી સમયે એક્સનું વલણ જોઇને તેના યૂઝર્સને લાગ્યું કે આ પ્લેટફોર્મ હવે સ્વતંત્ર કે નિષ્પક્ષ રહે તેવી આશા રાખવી નકામી છે. આથી લોકો તેનો વિકલ્પ શોધવા લાગ્યા. આમ જુઓ તો ફેસબુકની મૂળ કંપની મેટાએ લોન્ચ કરેલું ‘થ્રેડ્સ’ પ્લેટફોર્મ ટ્વીટર કે એક્સની લગભગ કોપી હોવાથી એ તેનો વિકલ્પ બને તેમ હતું. પરંતુ કદાચ ફેસબુકના અગાઉના અનુભવથી કંટાળેલા લોકોએ તેના તરફ નજર ન નાખી.

તેમને બ્લૂસ્કાય પર ભરોસો બેઠો.

પરિણામે એક્સના યૂઝર્સ બ્લૂસ્કાય તરફ વળવા લાગ્યા. અત્યારે એવી સ્થિતિ છે કે યૂઝર્સની સંખ્યાની દૃષ્ટિએ બ્લૂસ્કાય બે કરોડના આંકને ઓળંગી ગઈ છે (ફેસબુકની સરખામણીમાં તો એ ટીપું પણ નથી, એક્સના યૂઝર્સ પણ ૫૦-૬૦ કરોડ છે). પરંતુ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પછી બ્લૂસ્કાયનો ટ્રાફિક ૫૦૦ ટકા વધી ગયો છે અને ચારે તરફ તેની ચર્ચા શરૂ થઈ છે.

આટલી પૂર્વ ભૂમિકા પછી તમે સમજી જ ગયા હશો કે બ્લૂસ્કાય એક્સ કે થ્રેડ્સની હરોળમાં આવે એ પ્રકારનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. પરંતુ કામકાજની રીતે એ કંઈક અલગ છે.


સોશિયલ મીડિયા સ્પેસમાં પાછલાં બે-ચાર વર્ષથી મોટી ઉથલપાથલ  ચાલી રહી છે. પહેલાં ટ્વીટરમાંથી પ્લેટફોર્મનું નામ બદલાઇને એક્સ થયું. એ બાબતે અને એક્સના સંચાલન વિશે તેના નવા સર્વેસર્વા ઇલોન મસ્કના નિર્ણયોથી ટ્વીટરના યૂઝર્સમાં ભારે કચવાટ હતો.

તેનો લાભ લઇને મેટા કંપનીએ લગભગ ટ્વીટર જેવું જ ‘થ્રેડ્સ’ નામે નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું. શરૂઆતમાં તેના ઉપયોગ માટે યૂઝર્સે જબરો ઉત્સાહ બતાવ્યો. મેટાએ માસ્ટરસ્ટ્રોક રૂપે ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સને કનેક્ટેડ રાખ્યાં હતાં. આથી શરૂઆતમાં થ્રેડ્સના યૂઝર્સની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો. પછી એ ઉભરો ઓસરવા લાગ્યો. પરંતુ હવે થ્રેડ્સ પર એક્ટિવ યૂઝર્સની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ ફરી વધી રહી છે.

આ દરમિયાન ઘણા લોકોને એક્સ કે થ્રેડ્સ બંનેથી સંતોષ નહોતો. હવે ત્રીજો નવો વિકલ્પ પણ ખૂલી ગયો – ખરા અર્થમાં.

મજા એ છે કે આ ‘બ્લૂસ્કાય’નો નવો વિકલ્પ ટ્વીટરના સહસ્થાપક જેક ડોરસીએ પોતે આપ્યો છે. જેક ડોરસી હજી ટ્વીટરના સીઇઓ હતા એ સમય દરમિયાન તેમણે ટ્વીટરને સમાંતર ‘બ્લૂસ્કાય’ નામે એક નવું સોશિયલ નેટવર્ક ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે છેક ૨૦૧૯માં બ્લૂસ્કાય પ્લેટફોર્મ આવી રહ્યું હોવાની જાહેરાત કરી હતી. પરંતુ ટ્વીટરમાંથી જેક ડોરસીની વિદાય બાદ બ્લૂસ્કાયનું ડેવલપમેન્ટ ખોરંભે ચડી ગયું. પછી ૨૦૨૧માં જેક ડોરસીએ એક સ્વતંત્ર કંપની તરીકે બ્લૂસ્કાયનું કામ આગળ ધપાવ્યું. હવે જોકે મે ૨૦૨૪માં તેમણે બ્લૂસ્કાય કંપની છોડી દીધી.

શરૂઆતમાં બ્લૂસ્કાય પ્લેટફોર્મ પર માત્ર ઇન્વિટેશનની મદદથી એકાઉન્ટ ખોલાવી શકાતું હતું. આવું ઇન્વિટેશન મેળવનાર વ્યક્તિ પોતાના પરિચિતને ઇન્વિટેશન મોકલી શકતી હતી. પરંતુ એ પછી આવી ઇન્વિટેશન પદ્ધતિ બંધ કરીને બ્લૂસ્કાય પ્લેટફોર્મને સૌ માટે ઓપન કરી દેવામાં આવ્યું.

યૂઝર ઇન્ટરફેસની રીતે જોઇએ તો જૂના ટ્વીટર કે એક્સ અને બ્લૂસ્કાયમાં લગભગ કોઈ ફેર નથી. કારણ એ પણ છે કે બ્લૂસ્કાયનું ડેવલપમેન્ટ ટ્વીટરની ટીમે જ કર્યું છે.

ઉપયોગની રીતે બ્લૂસ્કાય ટ્વીટર કે એક્સ જેવું હોવા છતાં તેની કાર્યપદ્ધતિમાં એક બહુ મોટો તફાવત છે.

ટ્વીટર એક સેન્ટ્રલાઇઝ્ડ અને ક્લોઝ્ડ પ્લેટફોર્મ છે એટલે કે એક્સ પરના યૂઝર્સ માત્ર એક્સ પરના અન્ય યૂઝર સાથે ઇન્ટરએકશન કરી શકે છે. જ્યારે બ્લૂસ્કાયને એક ડીસેન્ટ્રલાઇઝડ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

એક્સ પ્લેટફોર્મ હવે તટસ્થ રહ્યું નથી, જ્યારે બ્લૂસ્કાય સંપૂર્ણ નિષ્પક્ષ રહે અને આપણા જ કંટ્રોલમાં રહે એવી શક્યતા છે.

તેનો અર્થ એ આ એપ કંપનીના પોતાના પ્રાઇવેટ સર્વર પર રહેવાને બદલે જુદાં જુદાં સર્વર્સ પર રહી શકે છે. ડેવલપર્સ આ પ્લેટફોર્મની મદદથી પોતપોતાની સોશિયલ એપ પણ ડેવલપ કરી શકે અને એ બધી એપ્સના યૂઝર એકબીજા સાથે ઇન્ટરએકશન કરી શકે એવો કંઈક વિચાર છે.

બ્લૂસ્કાય હવે છેક સૌ માટે ઓપન થયું છે. આથી યૂઝર્સની સંખ્યાની રીતે તે એક્સ કે થ્રેડ્સ કરતાં ક્યાંય પાછળ હોય તે સમજી શકાય તેવું છે. પરંતુ તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના પર કોઈ એક કંપની કે વ્યક્તિની મરજી ચાલે એવું નથી. જેમ એક્સમાં ઇલોન મસ્કે પોતાની મરજી ચલાવી અને આખા પ્લેટફોર્મને ટ્રમ્પના કેમ્પેઇન ટૂલમાં ફેરવી નાખ્યું તેવું બ્લૂસ્કાયમાં થઈ શકે તેમ નથી. ઉપરાંત તેમાં આપણે અલ્ગોરિધમની કોઈ ભૂમિકા વિના, આપણે પોતે જે પ્રકારની પોસ્ટ્સ જોવા માગતા હોઈએ એ જ જોવા મળે એવી પણ વ્યવસ્થા છે.

ટૂંકમાં, બ્લૂસ્કાય અલગ છે અને નિષ્પક્ષ રહે એવી આશા છે. આવું અનોખું ડીસેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ સરેરાશ યૂઝર્સને પણ ગમવા લાગ્યું છે, પરંતુ સોશિયલ મીડિયામાં લોકોની જ્યાં પહેલેથી ભીડ હોય એ પ્લેટફોર્મ જ વધુ ચાલે છે. એ જોતાં બ્લૂસ્કાય ટૂંક સમયનો ઊભરો બનશે કે એક્સનું સ્થાન લેશે એ જોવાનું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!