
આપણે પોતાના ફોનને પેટર્ન, પિન, પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ કે ફેસ આઇડી જેવી કોઈ પણ રીતે અચૂકપણે લોક્ડ રાખવો જોઇએ તે તો આપણે જાણીએ છીએ. તમે કદાચ એ ન જાણતા હો કે ફોનનો ઉપયોગ બંધ કર્યા પછી તે આપોઆપ કેટલા સમયમાં લોક્ડ થાય તે સમયમર્યાદા આપણે નક્કી કરી શકીએ છીએ.

ખરેખર તો આપણે ફોનનો ઉપયોગ બંધ કરીને તેને બાજુએ મૂકીએ એ સાથે ફોન લોક્ડ થઈ જવો જોઇએ. પરંતુ મોટા ભાગે તમારો ફોન ઘરમાં જ રહેતો હોય અને તેને વારંવાર અનલોક કરવામાં તમને કંટાળો આવતો હોય તો આ સમય મર્યાદા વધારી શકાય.
એ માટે ફોનનાં સેટિંગ્સમાં જાઓ. તેમાં ડિસ્પ્લેમાં જાઓ. અહીં સ્ક્રીન ટાઇમ આઉટનો વિકલ્પ શોધી લો. તમે ફોનનો ઉપયોગ બંધ કર્યા પછી ૧૫ સેકન્ડથી લઇને લગભગ ૩૦ મિનિટ પછી લોક થાય એવું સેટિંગ કરી શકો છો.
એક બીજી મજાની વાત પણ જાણી લો. આપણે ફોનમાં કંઈક વાંચતા કે જોતા હોઇએ અને તેમાં વારંવાર કંઈક એક્શન લેતા ન હોઈએ તો ટેકનિકલી ફોનનો ઉપયોગ બંધ થઈ ગયો ગણાય.
આવી સ્થિતિમાં આપણે સેટ કરેલી સમય મર્યાદા પછી ફોન લોક ન થઈ જાય એવું સેટિંગ પણ કરી શકાય છે!
એ સેટિંગ ઓન રાખીએ તો ફોનના ફ્રન્ટ કેમેરાની મદદથી આપણો ચહેરો જોઇને ફોનની સિસ્ટમ જાણી લે છે કે આપણે હજી ફોનનો ઉપયોગ કરી રહ્યા છીએ, મતલબ કે ફોન લોક કરવાનો નથી!
