(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • વોટ્સએપમાં ગ્રૂપ સંબંધિત એક મહત્ત્વની સુવિધા ઉમેરાઇ
  • વોટ્સએપમાં વેરિફિકેશન માર્કનો કલર બદલાઈ ગયો!
  • ઇન્સ્ટાગ્રામમાં ‘કેરુસેલ’ પોસ્ટમાં મીડિયા કન્ટેન્ટની સંખ્યા બમણી થઈ

વોટ્સએપમાં ગ્રૂપ્સ એક ઉપયોગી સુવિધા છે. આપણે આખા ફેમિલીના તમામ સભ્યો સાથે સંપર્કમાં રહેવા માટે કાયમી ગ્રૂપ બનાવી શકીએ અને ફેમિલી ગેટ-ટુગેધર કે કોઈ ફેમિલી ટુર કે સરપ્રાઇઝ પાર્ટી જેવી ઇવેન્ટ માટે થોડા સમય માટે કામચલાઉ ગ્રૂપ પણ બનાવી શકીએ. 

આ બધા સિવાય પણ જુદા જુદા ઘણા હેતુઓ માટે વોટ્સએપમાં ગ્રૂપ બનાવવામાં આવતાં હોય છે અને તેમાં અન્ય લોકોને ઉમેરવામાં આવતા હોય છે. તકલીફ એ છે કે આ બધાં ગ્રૂપનો ઈરાદો સારો જ હોય એવું જરૂરી નથી. વાત ફક્ત બિઝનેસ પ્રમોશન માટે ઊભા કરાતા ગ્રૂપની નથી. ક્યારેક અન્ય લોકોને ભેરવી દેવાના ઇરાદાથી પણ ગ્રૂપ બનાવવામાં આવતાં હોય છે!

સારી વાત એ છે કે વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે, જેને કારણે આપણને કોઈ નવા ગ્રૂપમાં ઉમેરવામાં આવે અને એ ગ્રૂપ આપણે માટે અજાણી વ્યક્તિએ બનાવ્યું હોય ત્યારે વોટ્સએપની સિસ્ટમ આપણને એક કોન્ટેસ્ક્ટ કાર્ડ બતાવશે. જેમાં એ ગ્રૂપ કોણે ક્રિએટ કર્યું છે, ક્યારે ક્રિએટ કરવામાં આવ્યું તેની વિગતો સાથે ગ્રૂપનું ડિસ્ક્રિપ્શન પણ બતાવવામાં આવશે.

મતલબ કે આપણને જેમાં જોડવામાં આવ્યા હોય એ ગ્રૂપ સંંબંધિત, જાણવી જરૂરી બધી માહિતી એક સાથે પહેલેથી જ મળી જશે.

આ માહિતીને આધારે આપણે સહેલાઈથી નક્કી કરી શકીશું કે એ ગ્રૂપમાં જોડાયેલા રહેવું કે પછી તેમાંથી તાબડતોબ બહાર નીકળી જવું. આ કાર્ડમાં જ ગ્રૂપમાંથી એક્ઝિટ થવાનું બટન પણ સામેલ રહેશે. એટલે આપણા નિર્ણયનો અમલ સહેલો બનશે.

તમે એ પણ જાણતા જ હશો કે વોટ્સએપમાં પ્રાઇવસીમાં  એવું પણ સેટિંગ છે, જેને ઓન કરીએ તો અન્ય વ્યક્તિઓ આપણી સંમતિ વિના કોઈ ગ્રૂપમાં આપણને ઉમેરી શકતી નથી. પહેલાં આપણને ઇન્વાઇટ મળે અને પછી જ આપણે ગ્રૂપમાં જોડાઈએ એવું સેટિંગ કરી શકાય છે.

હજી હમણાં સુધી આપણને વોટ્સએપમાં ઘણા એકાઉન્ટના નામની બાજુમાં તે વેરિફાઇડ એકાઉન્ટ હોવાનું દર્શાવતું ગ્રીન ટિક જોવા મળતુ ંહતું. ખાસ કરીને હવે ભારતની વિવિધ કંપની તથા સેલિબ્રિટી પોતાના એકાઉન્ટ માટે આવું ગ્રીન ટિક મેળવી શકે છે.

એ ઉપરાંત બેન્ક અને અન્ય બિઝનેસ પણ ગ્રીન ટિક મેળવી શકે છે. ટૂંક સમયમાં અન્ય લોકો પણ સબસ્ક્રિપ્શન ભરીને આવો વેરિફિકેશન માર્ક મેળવી શકશે. જો તમે વોટ્સએપમાં વિવિધ બેન્ક કે વીમા કંપનીની સર્વિસનો લાભ લેતા હો તો તેમનાં નામની બાજુમાં આવું ગ્રીન ટિક જોતા હશો. 

કંપનીએ હવે  આ વેરિફિકેશન માર્કનો કલર બદલીને બ્લૂ કરી નાખ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા મેટા કંપનીના અન્ય પ્લેટફોર્મ પર વેરિફિકેશન માર્કનો કલર બ્લૂ છે, આથી વોટ્સએપમાં પણ તેનો કલર બ્લૂ કરવામાં આવ્યો છે. તમને પણ હવે બ્લૂ ટિક જોવા મળતું હશે.

આપણે કોઈ પણ પ્રકારના બિઝનેસ સાથે વોટ્સએપ પર મેસેજિસની આપલે કરીએ, ખાસ કરીને જેમાં આર્થિક બાબતો સંકળાયેલી હોય તો આવું ગ્રીન કે બ્લૂ વેરિફિકેશન માર્ક જોયા પછી જ મેસેજિંગમાં આગળ વધવું હિતાવહ છે.

એ પણ ધ્યાન આપશો કે આ વેરિફિકેશન માર્ક જે તે કંપનીના એકાઉન્ટના નામ પછી જ હોવું જોઇએ, બીજે ક્યાંય નહીં.

કોઈ કંપની કે વ્યક્તિના પ્રોફાઇલ પિકચરમાં ગ્રીન કે બ્લૂ વેરિફિકેશન માર્ક હોય તો તેનાથી એ વેરિફાઇડ હોવાની ખાતરી થતી નથી. પ્રોફાઇલ પિકચરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફેરફાર કરી શકે છે.

જ્યારે નામ પછી જોવા મળતો વેરિફિકેશન માર્ક ફક્ત વોટ્સએપ કંપનીએ પોતે, એકાઉન્ટ યોગ્ય હોવાની ખાતરી કર્યા પછી ઉમેરેલો હોય છે!

ઇન્સ્ટાગ્રામમાં તમે ‘કેરુસેલ’થી પરિચિત હશો જ – આ શબ્દ કદાચ જાણતા નહીં હો, પણ એને વારંવાર જોતા તો હશો જ. ઇન્સ્ટાગ્રામમાં કે અન્ય વેબસાઇટ્સમાં એકથી વધુ ઇમેજ કે વીડિયોને ડાબે-જમણે સ્ક્રોલ કરી શકાય તેવી આલબમ જેવી ગોઠવણ કેરુસેલ કહેવાય છે.

આ ફીચરને કારણે ઇન્સ્ટાગ્રામ પર એક જ પોસ્ટમાં આપણે એકથી વધુ ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકીએ છીએ. આ ફીચર ખાસ કરીને રેસિપી સંબંધિત વીડિયો પોસ્ટ કરતા ક્રિએટર્સમાં પોપ્યુલર છે. કોઈ ચોક્કસ વાનગી બનાવવાની વિધિ લાંબી હોય ત્યારે તેને એકથી વધુ નાના નાના વીડિયોમાં વહેંચી નાંખીને એક જ પોસ્ટમાં શેર કરી શકાય છે.

૨૦૧૭માં પહેલી વાર લોન્ચ થયેલું આ ફીચર ‘ફોટો ડમ્પ’ તરીકે પણ ઓળખાય છે. હજી હમણાં સુધી આ ફીચરની મદદથી એક પોસ્ટમાં વધુમાં વધુ ૧૦ ફોટો કે વીડિયો ઉમેરી શકાતા હતા. હવે ઇન્સ્ટાગ્રામે આ સંખ્યા વધારીને ૨૦ ફોટો કે વીડિયોની કરી દીધી છે.

આમ પણ ઇન્સ્ટાગ્રામ પર કેરુસેલની પોપ્યુલારિટી સતત વધી રહી છે. એ કારણે કંપની તેમાં નવાં નવાં ફીચર પણ ઉમેરી રહી છે. પહેલાં કંપનીએ ક્રિએટર્સને તેમની આવી સ્લાઇડ્સમાં પણ ગીતો ઉમેરવાની સગવડ આપી. એ પછી એકથી વધુ યૂઝર સાથે મળીને આવું કેરુસેલ બનાવી શકે તેવી સગવડ પણ મળી. હવે કેરુસેલમાં ઉમેરી શકાતા કન્ટેન્ટની સંખ્યા ૨૦ સુધી પહોંચવાને કારણે તેનું કોલાબોરેટિવ ક્રિએશન વધુ સગવડભર્યું બનશે.

ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટમાં વધુમાં વધુ ૨૦ કન્ટેન્ટ ઉમેરવાની સગવડ સમગ્ર વિશ્વના યૂઝર્સ સુધી પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે. 

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે વિશ્વસ્તરે ઇન્સ્ટાગ્રામની મજબૂત હરીફ ટિકટોકમાં અત્યારે આ રીતે એક પોસ્ટમાં ૩૫ ફોટો ઉમેરી શકાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!