(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સારી કરિયર ડેવલપ કરવા માટે નેટવર્કિંગ શરૂ કરો લિંક્ડઇન પર

નવા સમયમાં કરિયરની તકો નવી રીતે વિસ્તારવી પડશે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામના યૂઝર્સની સરખામણીમાં લિંક્ડઇન પર એક્ટિવ પ્રોફેશનલ્સની સંખ્યામાં આભ-જમીનનો ફેર હશે, પણ ‘યૂઝર્સ’ અને ‘પ્રોફેશનલ્સ’ શબ્દોનો તફાવત પણ ધ્યાનમાં લેવા જેવો છે.

તમે પોતે કે તમારા પરિવારમાં કોઈ યુવાન કોલેજ પાર કરીને કારકિર્દી ઘડવા તરફ આગળ વધી રહ્યો હોય તો એફબી-ઇન્સ્ટા ઉપરાંત લિંક્ડઇન તરફ પણ આગળ વધવું અનિવાર્ય છે. આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે નોકરીની તકો ઘટવાનો ડર છે ત્યારે તો ખાસ.

લાંબા સમયથી, એમ્પ્લોયર્સ તેમના પોસિબલ કોન્ડિડેટ્સ સોશિયલ મીડિયા પર કેવા એક્ટિવ છે તે તપાસવા લાગ્યા છે. એ ખાસ સમજવા જેવું છે કે તેઓ એફબી-ઇન્સ્ટા પરની એક્ટિવિટી અલગ રીતે જુએ છે અને લિંક્ડઇન પરની એક્ટિવિટી અલગ રીતે.

સ્કૂલ-કોલેજ સુધી ભલે એફબી-ઇન્સ્ટા, યુટ્યૂબ વગેરેની મજા લેવામાં આવે, કોલેજ પૂરી થયા પછી ફોક્સ બદલવું જરૂરી છે. એઆઇને કારણે નોકરીની તકો ઘટવાનો ડર છે ત્યારે તમારા ફીલ્ડમાંના અન્ય પ્રોફેશનલ્સ સાથેનું બોન્ડિંગ વરદાન બની શકે. લિંક્ડઇન આવી તક આપે છે. ફક્ત, તેમાં પ્રોફાઇલ લખવાની બારીક બાબતોની સમજ પણ તમને અન્યથી આગળ રાખી શકે છે.

બારમું ધોરણ પાર કરીને તમે કોલેજમાં આગળ વધો ત્યારથી લિંક્ડઇન પર તમારે એક્ટિવ થવું જોઈએ. આ તબક્કે, તમારી કરિયર કઈ લાઇનમાં ડેવલપ થવાની છે એ નક્કી થઈ ગયું હોય. એથી એ સ્ટ્રીમ, એ ઇન્ડસ્ટ્રીમાં આગળ પડતા લોકોના લિંક્ડઇન પ્રોફાઇલ અને પોસ્ટ્સ પર સતત નજર રાખતા રહો. એમાંથી પણ ઘણું શીખવા મળશે.

શરૂઆતમાં, તમે પોતે લિંક્ડઇન પર ખાસ કશું પોસ્ટ ન કરો તો ચાલશે (એફબી કે ઇન્સ્ટા પર જે પોસ્ટ કરતા હો એ તો અહીં બિલકુલ મૂકશો નહીં!), આગળ જતાં શું પોસ્ટ કરવું જોઈએ એની સમજ કેળવાતી જશે.

તમે કોઈ સારી કંપનીમાં જોબ માટે એપ્લાય કરો તો એ કંપની તમારો લિંક્ડઇન પ્રોફાઇલ તપાસીને તમને ચકાસી શકે છે.

તમારે તેમાં પોતાની અલગ છાપ ઊભી કરવી હોય તો લિંક્ડઇન પરની પોસ્ટ્સ ઉપરાંત પોતાના પ્રોફાઇલ તરફ પણ પૂરતું ધ્યાન આપવું રહ્યું.

લોકો લિંક્ડઇન પર પોતાનો સારો પ્રોફાઇલ બીજા પ્રોફેશનલ્સ પાસે લખાવવા રૂપિયા ખર્ચવા પણ તૈયાર હોય છે એ યાદ રાખજો!

યંગ જનરેશનને આ કહેવાની જરૂર નહીં પરંતુ ક્યારેક સમજદારને પણ ઇશારો જરૂરી હોય છે. તમે અત્યાર સુધી એફબી-ઇન્સ્ટા જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભરપૂર એક્ટિવ હશો,  પરંતુ તેનો હેતુ મોજમસ્તી અને ટાઇમપાસ હશે.

લિંક્ડઇન પર આખી વાત બદલાઈ જાય છે. અન્ય સોશિયલ મીડિયા પર આપણે ફ્રેન્ડ સાથે સંપર્કમાં રહીએ. જ્યારે લિંક્ડઇન પર ‘કનેકશન્સ’ શબ્દનો ઉપયોગ થાય છે.

‘ફ્રેન્ડ’ અને ‘કનેકશન’ એ માત્ર શબ્દનો તફાવત નથી. લિંક્ડઇન પરનો આપણો પ્રોફાઇલ અને એક્ટિવિટી બંને બાબતે આ તફાવત ધ્યાનમાં રાખવો બહુ જરૂરી છે. લિંક્ડઇન તમારી કરિયર પર બહુ મોટી અસર કરી શકે છે.

આપણે કોઈ જોબ માટે એપ્લાય કરવા માટે પોતાનો સીવી તૈયાર કરીએ અને લિંક્ડઇન પરના પ્રોફાઇલમાં વિગતો આપીએ એ બંને બાબત નજીકની હોવા છતાં બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. સીવી સામાન્ય રીતે તમારી અત્યાર સુધીની એજ્યુકેશનલ જર્નીની ઔપચારિક વિગતો આપે, જ્યારે લિંક્ડઇનનો પ્રોફાઇલ વધુ જનરલ અને વધુ પર્સનલ હોઈ શકે.

સીવીમાં આપણા વિચારો કે દૃષ્ટિકોણ લખવાના ન હોય, લિંક્ડઇન પર એ પણ લખી શકાય, અલબત્ત સંતુલિત રીતે. લિંક્ડઇન પરનો પ્રોફાઇલ વાંચીને  સામેની વ્યક્તિને તમારા – ખાસ કરીને પ્રોફેશનલ – વ્યક્તિત્વનો પરિચય મળવો જોઇએ. જો પ્રોફાઇલ સારી રીતે લખાયો હોય તો તેની મદદથી તમને સારી ઇન્ટર્નશીપ કે જોબ મળી શકે છે.

લિંક્ડઇન પર આપણે પોતાની પ્રોફેશનલ લાઇફનો એક ઓવરવ્યૂ આપી શકીએ છીએ. તેને ‘અબાઉટ’ સેકશન પણ કહી શકાય. અહીં નિશ્ચિત કેરેકટર્સની મર્યાદામાં આપણે પોતાની સ્કિલ્સ, કરિયર ઓબ્જેક્ટિવ વગેરેની સમરી આપી શકીએ છીએ. નવા સમયના રીક્રૂટર્સ કેન્ડિડેટ્સને ઇન્ટરવ્યૂ માટે બોલાવતાં પહેલાં તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ તપાસતા હોય છે. તેઓ તમારી લિંક્ડઇન સમરી તરફ ખાસ ધ્યાન આપી શકે છે.

જો તમે હજી નવા નવા કોલેજમાંથી પાસ આઉટ થયા હો તો એક્સપિરિયન્સની રીતે કદાચ બહુ લખવા જેવું કંઈ ન હોય, તેમ છતાં તમે પોતાની જે કંઈ આવડત કે અચિવમેન્ટ હોય તેને કઈ રીતે રજૂ કરો છો એ બહુ મહત્ત્વનું સાબિત થઈ શકે છે.

અહીં ગ્રામર અને સ્પેલિંગ પર ખાસ ધ્યાન આપજો.

દેખીતું છે કે તમે કોલેજ હજી હમણાં પૂરી કરી હોય તો કોઈ ફોર્મલ વર્ક એક્સપિરિયન્સ હોય નહીં, પરંતુ કોલેજનાં બધાં વર્ષ દરમિયાન તમે જુદી જુદી કલબમાં એક્ટિવ હશો, અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કર્યું હશે, અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હશે. કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હોય તો તેને માટેના ફંડ રેઇઝિંગ કે મેનેજમેન્ટમાં તમારો એક્ટિવ રોલ હોઈ શકે. આઇટી સ્ટુડન્ટ હો તો એસાઇન્મેન્ટના ભાગ રૂપે તમે નાની મોટી કોઈ એપ કે વેબસાઇટ બનાવી હોઈ શકે… 

આ બધી વિગતો તમારા લિંક્ડઇન પરના પ્રોફાઇલમાં કાળજીપૂર્વક લખો. નવાં કનેકશન્સ બનાવવામાં અને રીક્રૂટરના ધ્યાનમાં આવવા માટે આ બધું જ કામ લાગશે.

એફબી-ઇન્સ્ટા અને લિંક્ડઇન વચ્ચેનો તફાવત સતત ધ્યાનમાં રાખવાની શરૂઆતમાં જે વાત કરી છે તેની શરૂઆત અહીંથી થાય છે.

એફબી-ઇન્સ્ટા પર તમે બીચ પરનો કે પાર્ટી એન્જોય કરતા હો એ સમયનો પોતાનો  ફોટાગ્રાફ પ્રોફાઇલ ઇમેજ તરીકે સેટ કરી શકો અને તેને અઢળક લાઇક્સ પણ મળી શકે,

પરંતુ લિંક્ડઇન પર તમે એક્ચ્યુઅલ જોબ ઇન્ટરવ્યૂ માટે જતા હો તેવા ફોર્મલ ડ્રેસમાં પ્રોફાઇલ પિકચર મૂકવું ઠીક રહેશે. સિમ્પલ, પણ પ્રોફેશનલ ડ્રેસિંગ અને મજાનું સ્માઇલ – આટલું પૂરતું છે.

લિંક્ડઇનના પોતાના રિસર્ચ કહે છે કે પ્રોફેશનલ ગેટઅપમાં મૂકાયેલા પ્રોફાઇલ પિકચર્સવાળા પ્રોફાઇલ તરફ એમ્પ્લોયર્સનું ધ્યાન લગભગ ૧૪ ગણું વધુ ખેંચાય છે. 

લિંક્ડઇનના પ્રોફાઇલમાં જેમ તમારા દરેક પ્રકારના એક્સપિરિયન્સની વિગતો આપવી જરૂરી છે, એ જ રીતે તમારી દરેક પ્રકારની સ્કિલ્સ જણાવવી પણ જરૂરી છે. શરત માત્ર એટલી કે એ તમારી પ્રોફેશનલ્સ કરિયરને સંબંધિત હોવી જોઇએ.

અહીં એક ટવીસ્ટ છે – તમે કોલેજની ક્રિકેટ ટીમમાં એક્ટિવ હો તો તમારી બેટિંગ-બોલિંગ કે કેપ્ટન્સીની સ્કિલને લિંક્ડઇન પર દર્શાવી શકો અને એ વાત તમને ટીમવર્ક કે રેપો બિલ્ડિંગમાં કેવી રીતે મદદરૂપ થાય છે એ લખી શકાય.

તમારા પ્રોફેશનલ એજ્યુકેશન અનુસાર અન્ય લોકો પોતાના પ્રોફાઇલમાં કઈ સ્કિલ્સને વધુ મહત્ત્વ આપે છે એ પણ તપાસી શકાય. બીજા શબ્દોમાં, સ્કિલ્સ તમારા પ્રોફાઇલ માટે મહત્ત્વના કીવર્ડની ગરજ સારે છે. તેના તરફ ખાસ ધ્યાન આપજો.

તમે ઇન્ટરનેટ પર કોઈ એક પેજ પર કેટલોક સમય આપો છો? ગેમિંગ એપ કે વીડિયોની વાત નથી! તેના પરથી, લિંક્ડઇન પર તમારો પ્રોફાઇલ જોનાર વ્યક્તિ તમને કેટલોક સમય આપશે તેનો આછોપાતળો અંદાજ આવશે. તમારા પ્રોફાઇલમાં તમારા નામ નીચે, ફક્ત ૨૨૦ કેરેક્ટરમાં તમારો એવો પરિચય આપવાનો પ્રયાસ કરો, જેથી પ્રોફાઇલ જોનાર આગળ વાંચવા પ્રેરાય.

આપણા રોજિંદા બાયોડેટામાં સામાન્ય રીતે હેડલાઇન મૂકવાનો ધારો નથી, પરંતુ લિંક્ડઇન પ્રોફાઇલમાં ગયા પછી, તમારા ફોટોગ્રાફની જમણી તરફ એડિટ બટન ક્લિક કરી, તેમાં સૌનું ધ્યાન ખેંચે તેવી હેડલાઇન મૂકી શકાય છે. આ હેડલાઇન માટે કાળજીપૂર્વક શબ્દો પસંદ કરજો! તેમાં તમારું ફીલ્ડ, આવડત, અનુભવ વગેરે વણાઈ જવાં જોઈએ.

જે રીતે સામાન્ય પ્રોફાઇલમાં આપણને ઓળખતી હોય અને આપણા વિશે સારો અભિપ્રાય આપી શકતી હોય તેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓના રેફરન્સ અને તેમની કોન્ટેક્ટ ડિટેઇલ આપણે આપતા હોઇએ છીએ, એ જ રીતે આપણો લિંક્ડઇન પ્રોફાઇલ આવા રેફરન્સથી વધુ સમૃદ્ધ બને છે.

કોલેજ દરમિયાન તમે  જે લોકો માટે કોઈ પણ રીતે કામ કર્યું હોય તેમને પોતાના નેટવર્કમાં ઉમેરીને તેમના તરફથી રેકમેન્ડેશન કે એન્ડોર્સમેન્ટ મેળવી શકીએ છીએ.

પોતાના નેટવર્કમાંના અન્ય લોકો વિશે આપણે સારા અભિપ્રાય આપીશું તો એ લોકો વળતો પ્રતિસાદ આપશે. લિંક્ડઇન એક ટ્રાન્સપરન્ટ મીડિયમ હોવાથી અહીં ‘ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી’ એ ખાસ યાદ રાખવા જેવું છે. કોઈ પણ બાબતમાં અધકચરા અભિપ્રાય કે લખાણ મૂકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!