તમે વોટ્સએપ પર કોઈ સ્વજન કે મિત્ર સાથે વાત કરતા હો એટલી જ સહજતાથી હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ચેટબોટ સાથે વાત કરી શકો છો! એ માટે ચેટજીપીટી કે ગૂગલ જેમિનીની વેબસાઇટ પર જવાની જરૂર નથી, સીધા વોટ્સએપમાં જ એઆઇ ચેટબોટ સાથે ગામગપાટા કરી શકાય છે!

અત્યારે તો એવું લાગે છે કે લોકોને મેટા કંપનીની મુખ્ય ત્રણ સર્વિસ – ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ – માં આ રીતે સીધેસીધા એઆઇ ચેટિંગની સગવડ મળી હોવા છતાં, તેનો ઉપયોગ કરવામાં ખાસ રસ પડ્યો નથી. પરંતુ આગળ જતાં આ સ્થિતિ બદલાઈ શકે છે.
મેટાની મુખ્ય સર્વિસિસમાં એઆઇનો ઉપયોગ – આ વાત આપણે માટે કેમ મહત્ત્વની છે તે સમજવા જેવું છે. આ અંકના અન્ય લેખમાં ‘બટરફ્લાઇસ’ નામે એક નવા પ્રકારની સોશિયલ મીડિયા એપની વાત કરી છે. આ એપમાં આપણા ‘ફ્રેન્ડ’ સાથે વાત કરતા હોઇએ ત્યારે એ ખરેખર માણસ છે કે પછી એઆઇ આધારિત ચેટબોટ છે તેની ખબર પડે તેવું નથી. કેમ? કેમ કે એ એપમાં કોઈ પણ યૂઝર પોતાને મન ફાવે તેટલાં એઆઇ કેરેકટર ડેવલપ કરીને એ સર્વિસમાં છૂટા મૂકી શકે છે! આમ સોશિયલ મીડિયામાં માણસ અને મશીન એકમેકની બિલકુલ નજીક આવી ગયાં છે.
ઇન્ટરનેટ પર એઆઇનો વ્યાપ ઓછો હોય તેમ, હવે મેટા કંપનીની મુખ્ય એપ્સમાં પણ એઆઇ ચેટિંગ ઉમેરાઈ ગયું છે. આ એપ્સમાં હવે આપણા કાયમી, જીવતા-જાગતા મિત્રો-સ્વજનો ઉપરાંત એઆઇ ચેટબોટ સાથે ગપસપ થઈ શકે છે. જોકે યૂઝર્સ તરફથી આ નવી ‘સગવડ’ને ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે – તેમને એઆઇનો ઓવરડોઝ થઈ રહ્યો હોય એવું લાગે છે.
એ એપ લોન્ચ થઈ એ પછી તરત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેન્જર વગેરે સર્વિસિસની પેરેન્ટ કંપની મેટાએ જાહેર કર્યું કે તેની ‘મેટા એઆઇ સર્વિસ’ તેનાં આ બધાં પ્લેટફોર્મ પર ભારતના યૂઝર્સને પણ ઉપલબ્ધ થશે.
એક કંપની તરીકે મેટા એઆઇ છેક ડિસેમ્બર ૨૦૧૫માં લોન્ચ થઈ હતી. કંપનીએ તેની ‘એઆઇ આસિસ્ટમન્ટ’ આવી રહી હોવાની ગયા વર્ષે જાહેરાત કરી હતી, એ પછી વિશ્વના જુદા જુદા ભાગમાં તે લોન્ચ ગઈ. ભારતમાં પણ ઘણા યૂઝરને, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં મેટા એઆઇની બ્લૂ રિંગ સાથે ‘આસ્ક મી એનિથિંગ’ લખેલું જોવા મળવા લાગ્યું હતું. કુતૂહલવશ તમે તેના પર ક્લિક કર્યું હશે તો જોયું હશે કે મેટાની વિવિધ સોશિયલ સર્વિસમાં હવે આપણે એઆઇ ચેટબોટને પણ ફ્રેન્ડ સમજીને તેની સાથે ગપસપ કરી શકીએ છીએ.
બટરફ્લાઇસ એપ અને મેટા કંપનીના વિવિધ પ્લેટફોર્મ પર મેટા એઆઇ ચેટિંગમાં એક પાયાનો તફાવત છે. બટરફ્લાઇસમાં સીધાસાદા યૂઝર અને એઆઇ કેરેકટર વચ્ચે લગભગ કોઈ ભેદરેખા નથી. જ્યારે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં આપણા અન્ય લોકો સાથેના ચેટિંગથી મેટા એઆઇ સાથેનું ચેટિંગ બિલકુલ અલગ પડે છે. થોડું વધુ જાણીએ.
ભારતમાં મેટા એપ્સમાં AIનું આગમન
નવેમ્બર ૨૦૨૨થી ઓપન એઆઇ કંપનીએ તેની ચેટજીપીટી સર્વિસ સૌ લોકો માટે ખુલ્લી મૂકી ત્યારથી ટેકનોલોજીના જગત અને સામાન્ય જગતમાં એઆઇ ચેટિંગ ગજબનો ચર્ચાતો વિષય બની ગયો છે. આપણે રોજબરોજ જેનો ઉપયોગ કરીએ છીએ એવી વિવિધ ઇન્ટરનેટ સર્વિસિસમાં એઆઇનો ઉપયોગ એક દાયકા કરતાં પણ વધુ જૂનો છે. પરંતુ આપણી સ્પષ્ટ નજરમાં તે હવે આવ્યો. આમ છતાં આપણાંમાંના ઘણા લોકો એવા હશે જેણે ચેટજીપીટી, માઇક્રોસોફ્ટ બિંગમાં કોપાઇલટ કે ગૂગલ જેમિની જેવી સર્વિસ વિશે સાંભળ્યું તો હશે પરંતુ તેની સાથે ખરેખર વાતચીત કરી હશે નહીં.
મેટાની એપ્સ આપણા અસલી મિત્રો કે બ્રાન્ડ્સના સંપર્કમાં રહેવા માટે મજાની છે, એમાં એઆઇનો પગપેસારો ઘણાને ખાસ ગમ્યો નથી.
હવે આ સ્થિતિ એકદમ બદલાઈ જશે. દાદા-દાદી, નાના-નાની સહિત સૌ કોઈ જેનાથી એકદમ પરિચિત છે એવી વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર વગેરે સર્વિસમાં એઆઇ ચેટિંગ આવી ગયું છે.
આ બધી સર્વિસમાં એઆઇ બહુ સહજ રીતે વણી લેવામાં આવી છે. એટલે મોટા ભાગે આપણે સર્ચબોક્સમાં બ્લૂ રિંગ દેખાય અને જિજ્ઞાસા ખાતર તેના પર ક્લિક કરીએ તો પણ વાતવાતમાં એઆઇ ચેટિંગનો અનુભવ કરવા લાગીએ!

આમ જુઓ તો મેટાની વિવિધ સર્વિસમાં ઉમેરાયેલું તથા તેની વેબસાઇટ (https://www.meta.ai/) પરનું એઆઇ ચેટિંગ અત્યારે બહુ ગાજી રહેલી અન્ય એઆઇ સર્વિસિસ કરતાં લગભગ કોઈ રીતે અલગ નથી. જે બધું અન્ય સર્વિસ કે ટૂલ્સમાં શક્ય છે તે જ બધું મેટા એઆઇમાં શક્ય છે. નવી વાત એ છે કે મેટાનાં વિવિધ પ્લેટફોર્મ પર એઆઇનો ઉપયોગ સૌ કોઈ બહુ સહેલાઈથી કરી શકશે.
હાલ કંપનીએ એનાં પ્લેટફોર્મ્સ પર હ્યુમન ચેટિંગ અને એઆઇ ચેટિંગ વચ્ચે ભેદરેખા રાખી છે. પરંતુ થોડા સમયમાં આ બધું એકમેકની નજીક આવે તો નવાઈ નહીં. અત્યાર સુધી આપણી ફેવરિટ સોશિયલ સાઇટ પર આપણે દિલ ખોલીને મિત્રો સાથે વાતચીત કરી શકતા હતા અને સામે તેવો જ પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા રાખી શકતા હતા. હવે એવું બનશે કે કોઈ પણ વ્યક્તિ તેના દિલની વાત કરવાને બદલે એઆઇ પાસે એ કસરત કરાવીને શેરિંગ કરી શકશે.
વાસ્તવિક જગતની મિત્રતા અને ઇન્ટરનેટ પરની ફ્રેન્ડશિપ વચ્ચેનો તફાવત હવે વધુ ઘેરો બનશે એ નક્કી છે.
મેટાની વિવિધ એપમાં તમારા એકાઉન્ટમાં મેટા એઆઇ પહોંચી ગઈ હશે તો તેની બ્લૂ રિંગ દેખાવા લાગી હશે. બાકી એપ અપડેટ કરવાથી કે થોડી રાહ જોવાથી આ સર્વિસ તમને પણ મળવા લાગશે. મેટા આઇ આપણા સુધી પહોંચાડવાની કંપનીને વધુ ઉતાવળ હશે!
વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર વગેરેમાં મેટા એઆઇ કેવી રીતે વણી લેવાઈ છે?
આપણામાંથી ઘણા લોકો એવા હશે, જેમણે એઆઇ ચેટિંગનો હજી જાતઅનુભવ કર્યો નહીં હોય.
મેટા પર આ કામ એમના માટે બહુ સહેલું બની ગયું છે.

હોમ સ્ક્રીનમાં તમને નવી ચેટના પ્લસ આઇકનની ઉપર મેટા એઆઇની બ્લૂ રિંગ દેખાવા લાગી હશે. તેને ક્લિક કરો, અથવા કોઈ પણ ચેટમાં કે ગ્રૂપમાં ટેક્સ્ટ બોક્સમાં @metaai લખીને તેને કંઈ પણ પૂછી શકાશે.
તેને જે પૂછશો ને જે જવાબ મળશે તે સામેની વ્યક્તિ કે ગ્રૂપમાંના બધા લોકો પણ જોઈ શકશે. મેટા એઆઇ સાથેની વાતચીત સિવાય, બધું ખાનગી રહી શકશે. તમે ઇચ્છો તો @metaai સાથે પણ વાતચીત કરી શકો છો. એ વાતચીત માત્ર તમારા બે પૂરતી રહેશે.

ફેસબુકમાં તમે પોતાની ફીડ સ્ક્રોલ કરી ફ્રેન્ડ્સની પોસ્ટ્સ જોતા હશો ત્યારે વચ્ચે વચ્ચે બ્લૂ રિંગ સાથે ‘આસ્ક મેટા એઆઇ’નું સૂચન જોવા મળશે.
તે સાથે, જે તે પોસ્ટને સંબંધિત સવાલો દર્શાવતાં બટન પણ જોવા મળશે. તેને ક્લિક કરી આગળ વધી શકાય.
એ સિવાય ફેસબુક મોબાઇલ એપમાં મેસેજના આઇકન પર ક્લિક કરી, બ્લૂ રિંગ સુધી પહોંચી શકાશે. એ રીતે આપણે મેસેન્જરમાં ડાયરેક્ટ મેસેજ તરીકે એઆઇ સાથે ચેટિંગ કરી શકીશું.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં સર્ચ બોક્સમાં જ એઆઇ ઉમેરી દેવામાં આવી છે. આથી સર્ચ બોક્સ, જૂની રીતે કંઈ પણ લખીને સર્ચ પણ થઈ શકે અને ચાહો તો એઆઇ સાથે ચેટિંગ શરૂ કરી શકો છો.
શરૂઆતમાં, આ સર્વિસ પોતે આપણને વિવિધ મુદ્દા સૂચવે છે. મતલબ કે અગાઉ આપણા મનમાં કોઈ નવી વાત રમતી હોય તો એના વિશે વધુ જાણવા ગૂગલ સર્ચમાં જવું પડતું, હવે એ કામ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેની બહાર નીકળ્યા વિના જ થઈ શકે છે!

અન્ય કંપનીઓની એઆઇ સર્વિસની જેમ મેટા આઇમાં પણ ઇમેજ ક્રિએશન પર ખાસ ભાર છે. તમે તમારી કોઈ પણ કલ્પના મેટા એઆઇને કહી શકો અને એ, કલ્પનાને મજાના રંગો આપીને સાકાર કરી દેશે.
તમે ઇચ્છો તો તેને એનિમેટ પણ કરી શકો – જાતે નહીં, એ કામ પણ એઆઇ જ કરી આપશે. એઆઇમાં ઇમેજ ક્રિએશન પર નિયંત્રણો છે, પણ તેમાં છટકબારીઓ પણ છે. એ કારણે સોશિયલ મીડિયા પર તદ્દન ફેક બાબતોની ફેંકમફેંક વધશે એ નક્કી છે!
ઇન્ટરનેટ પર કોઈ પણ નવી વાત તહેલકો મચાવે ત્યારે મેટા કંપની તેમાં ઝૂકાવી દેવા માટે તત્પર હોય છે. ડ્રોન, સેટેલાઇટથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ક્રિપ્ટોકરન્સી, ઓગમેન્ટેડ રિયાલિટી વગેરે મુદ્દા ગાજે એ સાથે મેટા તેમાં એન્ટ્રી કરી દે. મેટાવર્સ જેવા કન્સેપ્ટ તો કંપનીએ પોતે જ ગજબના ચગાવ્યા.

એ જ રીતે હવે દુનિયા મેટાવર્સ ભૂલીને એઆઇ તરફ આગળ વધી ગઈ તો મેટાએ એમાં પણ ઝંપલાવ્યું. કંપનીએ ‘મેટા એઆઇ’ નામે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવી છે અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેમાં તે આપણા સુધી પહોંચવા લાગી છે. કંપની આપણી જ પોસ્ટ, ફોટો વગેરે કન્ટેન્ટનો ઉપયોગ કરીને પોતાની એઆઇ વધુ ધારદાર બનાવવા માગે છે.
મેટા કંપની ‘એઆઇ સ્ટુડિયો’ નામનો એક નવો કન્સેપ્ટ પણ વિકસાવી રહી છે, જેની મદદથી મેટાના યૂઝર્સ પોતાની એઆઇ વિકસાવી શકશે અને આંખના પલકારામાં જાતભાતનું કન્ટેન્ટ ક્રિએટ કરી શકશે. મેટાનો પ્લાન આપણા જેવા લોકો અને વિવિધ કંપનીને પોતાની એઆઇ રેપ્લિકા (પ્રતિકૃતિ) તૈયાર કરવાની સવલત આપવાનો છે. તે પછી આપણા વતી આપણે ક્રિએટ કરેલ એઆઇ ચેટબોટ અન્ય લોકો સાથે શેરિંગ અને ચેટિંગ કરી શકશે.
ટિકટોક કંપનીએ પણ તેના પ્લેટફોર્મ પર એડવર્ટાઇઝર્સને એઆઇ કેરેકટર્સ ક્રિએટ કરીને તે પોતાની પ્રોડક્ટ વેચી શકે એવી વ્યવસ્થા વિકસાવી છે. પરંતુ એઆઇનો આ ઓવરડોઝ સૌને પસંદ નથી.
મેટા એઆઇ કેવી રીતે બંધ કરી શકાય?
અત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર એ ચારેય પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રમાણમાં મેટા એઆઇ ટૂલની હાજરી વર્તાવા લાગી છે. અમુકમાં તેનો ઉપયોગ ફક્ત સર્ચ બોક્સ પૂરતો સીમિત છે, તો અમુકમાં ફીડ, ચેટ જેવા અન્ય કોમ્પોનન્ટમાં પણ મેટા એઆઇનો ઉપયોગ થઈ શકે છે. મેટા કંપની આ ટૂલને ‘આપણે નવું શીખી શકીએ, નવું ક્રિએટ કરી શકીએ કે જોઇતાં કામ કરી શકીએ એવા સાથીદાર’ તરીકે પ્રમોટ કરે છે પરંતુ ઘણા લોકો તેનાથી અકળાવા લાગ્યા છે. મુશ્કેલી એ છે કે તમે ધારો તો પણ જે તે પ્લેટફોર્મ પર મેટા એઆઇથી સહેલાઈથી પીછો છોડાવી શકતા નથી. એ માટે અલગ અલગ પ્લેટફોર્મમાં તમે નીચેેના રસ્તા અપનાવી શકો.
ફેસબુક ઓપન કરો અને તેમાં સર્ચ બારમાં જાઓ. અગાઉ અહીં મેગ્નિફાઇંગ ગ્લાસ જોવા મળતો, હવે બ્લૂ કલરની ઝાંયવાળું સર્કલ જોવા મળે છે (ન દેખાય તો થોડી રાહ જુઓ, તમને પણ એઆઇનો વહેલામોડો લાભ મળશે!). તમે સર્ચ બારમાં હો ત્યારે તેની જમણી તરફ દેખાતા બ્લૂ એરો પર ક્લિક કરો. આથી મેટા એઆઇ ટૂલ ઓપન થશે. તેમાં જમણી તરફ દેખાતા ‘આઇ’ આઇકન પર ક્લિક કરો. જે નવું પેજ ખૂલે તેમાં, તમે ઇચ્છો તેટલા સમય માટે મેટા આઇને મ્યૂટ કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામમાં પણ લગભગ આ જ રીતે એઆઇને મ્યૂટ કરી શકાય છે.
વોટ્સએપ અને મેસેન્જરમાં અત્યારે મેટા એઆઇ ‘ચેટ થ્રેડ’ તરીકે આપણી સાથે વાતચીત કરે છે. તમે ઇચ્છો તો એ થ્રેડને ડિલીટ કરીને તેનાથી પીછો છોડાવી શકો.

