તમે ક્યારેક ને ક્યારે આવો અનુભવ કર્યો હશે – વોટ્સએપમાં કોઈ મેસેજ મહત્ત્વનો આપણે શોધવા બેસવું પડે! જેમ કે કોઈ રિસેપ્શનના આમંત્રણ સાથે તેના લોકેશનનો મેસેજ તમને વોટ્સએપમાં આવ્યો હોય પરંતુ ખરેખર જ્યારે ત્યાં જવા માટે આપણે કારમાં બેસીએ ત્યારે પેલો મેસેજ શોધવાની ઝંઝટ કરવી પડે. વોટ્સએપે હવે આ કામ સહેલું બનાવ્યું છે. તેમાં મહત્ત્વના મેસેજને સ્ટાર કરવાની સુવિધા હતી, હવે વધુ એક સગવડ મળી છે.

હવે આપણે કોઈ પણ વ્યક્તિ તરફથી કે ગ્રૂપમાં આવેલા મેસેજને ‘પિન’ કરી શકીશું. આથી એ મેસેજ એ ચેટમાં મથાળે ચોંટી જશે! સાથોસાથ વોટ્સએપના હોમ સ્ક્રીન પર, જે વ્યક્તિ કે ગ્રૂપમાંની ચેટમાં તમે કોઈ મેસેજ પિન કર્યો હોય તેમાં ‘યુ પિન્ડ એ મેસેજ’ એવી નોંધ પણ જોવા મળશે.

અલબત્ત અત્યારે વોટ્સએપમાં એક સમયે એક વ્યક્તિ કે ગ્રૂપમાં ફક્ત એક મેસેજને પિન કરી શકાશે. આપણે કોઈ પણ પ્રકારના મેસેજને પિન કરી શકીશું.
તમને ખ્યાલ હશે જ કે ટેલિગ્રામ અને આઇમેસેજ સર્વિસમાં મેસેજ પિન કરવાની આવી સગવડ છે.

એન્ડ્રોઇડમાં મેસેજને પિન કરવા માટે એ મેસેજને જરા લાંબો સમય પ્રેસ કરો અને સ્ક્રીન પર જમણા ખૂણે જોવા મળતા ત્રણ ડોટના મેનૂ પર ક્લિક કરો. હવે ‘પિન’ પર ક્લિક કરો. આથી મેસેજ એ વ્યક્તિ કે ગ્રૂપના નામ નીચે, પણ ચેટની યાદીમાં સૌથી ઉપર પહોંચી જશે. એપલ ડિવાઇસમાં મેસેજને જમણી તરફ સ્વાઇપ કરીને પિન કરી શકાશે.
વોટ્સએપમાં આપણે કોઈ મેસેજને કેટલા સમય માટે પિન કરી રાખવો છે તે પણ નક્કી કરી શકાશે. એ માટે આપણને ૨૪ કલાક, ૭ કલાક કે ૩૦ દિવસના વિકલ્પ મળશે. બાયડિફોલ્ટ સાત દિવસનો વિકલ્પ પસંદ થયેલો રહેશે.
