તમે ઇન્ટરનેટનો રાતદિવસ ઉપયોગ કરતા હો તો એ વિચાર તો ચોક્કસ આવે કે કરોડો વેબસાઇટ્સને અલગ અલગ એડ્રેસ કેવી રીતે મળતાં હશે? આ આખી વ્યવસ્થાના સંચાલનમાં ગૂગલની કોઈ ભૂમિકા હશે ખરી?

જવાબ એ છે કે ઇન્ટરનેટ પર પૂરેપૂરી લોકશાહી છે અને ગૂગલ આખરે તો એક પ્રાઇવેટ કંપની જ છે. એટલે વેબસાઇટ્સનાં ડોમેન એટલે કે એડ્રેસ નક્કી કરવામાં તેની આગવી કોઈ ભૂમિકા નથી. હા, જુદી જુદી ઘણી કંપની ડોમેન રજિસ્ટ્રેશનનું કામ કરતી હોય છે અને ગૂગલ પણ તેમાંની એક હતી.
પરંતુ ગૂગલ તેની વિવિધ સર્વિસ શરૂ કર્યા પછી સંકેલી લેવા માટે પણ જાણીતી છે. ગૂગલે બંધ કરી દીધેલી સર્વિસના લાંબા લિસ્ટમાં હજી એકનો ઉમેરો થયો છે – ગૂગલ ડોમેન્સ! વિવિધ વેબસાઇટનાં ડોમેન રજિસ્ટર કરવા માટે ગૂગલની આ સર્વિસ ખાસ્સી પોપ્યુલર સર્વિસ રહી હતી, પરંતુ હવે તે સમેટાઇ ગઈ છે. તમારી પોતાની કે તમે જે કંપનીમાં કામ કરી રહ્યા હો તેની વેબસાઇટનું ડોમેન ગૂગલની આ સર્વિસ પર ખરીદવામાં આવ્યું હોય પણ તમને તેની જાણ ન હોય તેવું બની શકે છે. ગૂગલે છેક ૨૦૦૫થી ડોમેન નેમ રજિસ્ટ્રાર તરીકેનું કામકાજ શરૂ કર્યું હતું. ૨૦૧૫થી તેનું પબ્લિક માટે બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું. આપણે https://domains.google/ પર જઇને ૩૦૦થી વધુ પ્રકારના ટોપ લેવલ ડોમેન (જેમ કે .com, .org, વગેરે) રજિસ્ટર કરી શકતા હતા.
ગયા વર્ષે સપ્ટેમ્બરથી ગૂગલે તેની આ સર્વિસ બંધ કરી દીધી છે. તેનો બધો જ બિઝનેસ અને તેની મદદથી નોંધાયેલાં એકાદ કરોડ જેટલાં ડોમેનનો ડેટા ‘સ્કવેરસ્પેસ’ (www.squarespace.com) નામની બીજી એક કંપનીને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. આ કંપની પણ ડોમેન રજિસ્ટ્રેશન તથા હોસ્ટિંગની સવલત પૂરી પાડે છે. એ ઉપરાંત તેની મદદથી આપણે વેબસાઇટ પણ તૈયાર કરી શકીએ છીએ.
બિઝનેસનું ડોમેન રજિસ્ટર કરતી વખતે એ યાદ રાખવું કે તે યાદ રાખવામાં સહેલું અને બિઝનેસની સમજ આપે તેવું હોવું જોઈએ.
જો તમારી કે તમારી કંપનીની વેબસાઇટનું ડોમેન ગૂગલ ડોમેન્સ સર્વિસની મદદથી રજિસ્ટર કરવામાં આવ્યું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર આપણા ડોમેન એકાઉન્ટની વિગત ગૂગલ ડોમેન્સમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર થશે અને આપણી વેબસાઇટ યથાવત ચાલતી રહેશે.
આટલે સુધી વાંચીને તમને દુનિયાભરની વેબસાઇટ્સનું રજિસ્ટ્રેશન કેવી રીતે થાય છે એમાં રસ પડ્યો? આપણે ડોમેન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં થોડા ઊંડા ઊતરીએ કેમ કે આખા ઇન્ટરનેટનાં મૂળ એમાં જ છે!
ઇન્ટરનેટ પરની વેબસાઇટ્સના ડોમેન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
ઇન્ટરનેટ પર દરેક વેબસાઇટને તેનું આગવું એડ્રેસ મળે છે – આવું કેવી રીતે શક્ય બને છે તે આગળમાં દર્શાવ્યું છે.
સાવ સાદા શબ્દોમાં, આપણી વેબસાઇટને આપણે પોતાના ઘર સાથે સરખાવીએ તો ડોમેન એ ઘરની નેમપ્લેટ છે અને હોસ્ટિંગ આખેઆખા ઘરની સ્પેસ છે, જેમાં આપણે જાતભાતની વસ્તુઓ ગોઠવી શકીએ.
આજના સમયમાં દરેક બિઝનેસ માટે પોતાની વેબસાઇટ હોવી અત્યંત જરૂરી છે. આપણે વેબસાઇટ તૈયાર કરવાનું કે કરાવવાનું વિચારીએ ત્યારે સૌથી પહેલી બે બાબતો જરૂરી બને. વેબસાઇટનું ડોમેન અને વેબસાઇટનું હોસ્ટિંગ.

આ બંને બાબત આપણે જુદી જુદી કંપની પાસે રજિસ્ટર કરાવી શકીએ. બંને એક જ કંપની પાસે હોવાં જરૂરી નથી. આપણે ઇચ્છીએ તો પહેલાં ફક્ત ડોમેન રજિસ્ટર્ડ કરી લઇએ અને પછી જ્યારે અનુકૂળતા થાય ત્યારે તેને માટે હોસ્ટિંગ ખરીદીને તેના પર વેબસાઇટ ડેવલપ કરી શકાય.
ડોમેનથી આપણી વેબસાઇટને ઇન્ટરનેટ પર એક ચોક્કસ એડ્રેસ મળે છે. આ એડ્રેસ પર પહોંચવાથી લોકોને આપણી વેબસાઇટની જુદી જુદી ફાઇલ એટલે કે જુદા જુદા વેબપેજ દેખાવાં જોઇએ. આ ફાઇલ્સ મૂકવાનું સરનામું એટલે હોસ્ટિંગ. ડોમેન અને હોસ્ટિંગ બને બાબત વાર્ષિક ધોરણે રિન્યુ કરાવવાં પડે છે.
ડોમેન રજિસ્ટ્રેશન વિશે થોડું વધુ જાણીએ
ડોમેનમાં મુખ્ય મુદ્દો ‘ટીએલડી’ શું છે?
વર્ષો સુધી આપણે એમ જ માનતા વેબસાઇટના એડ્રેસમાં છેલ્લે .કોમ જ હોય, પણ હવે તમે જાણતા જ હશો કે એવું નથી! કોઈ પણ વેબસાઇટના એડ્રેસમાં સૌથી છેલ્લા ડોટ પછી લખેલા શબ્દો ટોપ લેવલ ડોમેન (ટીએલડી) કહેવાય છે.

બીજી વાત, આખા ઇન્ટરનેટની ફોન ડિરેક્ટરી જેવું કામ ડોમેન નેમ સિસ્ટમ (ડીએનએસ)ની મદદથી થાય છે. આપણે કોઈ વેબસાઇટ પર જવું હોય ત્યારે તેનું ડોમેન નેમ (જેમ કે google.com) લખીએ છીએ, પરંતુ વેબ બ્રાઉઝર વેબસાઇટ્સને આઇપી એડ્રેસથી ઓળખે છે.
ડીએનએસ, ડોમેન નેમને આઇપી એડ્રેસમાં ફેરવી નાખે છે. .કોમ ઉપરાંત સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, સરકારી સંસ્થા વિવિધ દેશની સંસ્થા વગેરેની વેબસાઇટ દર્શાવવા અનેક પ્રકારનાં ડીએલડી ઉપયોગમાં લેવાય છે.
નવું ડોમેન પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
આપણી વેબસાઇટનું એડ્રેસ એવું હોવું જોઇએ કે લોકોને સહેલાઈથી યાદ રહે. હવે મુશ્કેલી એ છે કે ઇન્ટરનેટ પર વેબસાઇટ્સ પ્રચલિત થયાને વર્ષો વીતી ગયાં હોવાથી આપણને જોઇતું વેબએડ્રેસ મળવું ધીમે ધીમે મુશ્કેલ બનતું જાય છે. આપણા બિઝનેસનું નામ અને તેના છેડે .કોમ હોય તેવું એડ્રેસ સૌથી સારું ગણાય. કારણ કે વેબએડ્રેસ લખતી વખતે લોકો આંખ મીંચીને છેડે .કોમ લખી દે છે.

પરંતુ નવા સમયમાં આપણા બિઝનેસનું નામ અને તેને છેડ .કોમ હોય તેવું એડ્રેસ મળવું બહુ મુશ્કેલ થતું જાય છે. એવું ડોમેન ન મળે તો આપણે બીજાં અનેક ટીએલડીમાંથી કોઈની પસંદગી કરી શકીએ છીએ. સારું ડોમેન એ ગણાય જે લોકોને સહેલાઈથી યાદ રહે અને તે વાંચવાથી તેમને આપણો બિઝનેસ-કામકાજ યાદ પણ આવે.
આપણને જોઈતું ડોમેન કોઈ બીજાને લઈ લીધું હોય તો?
આપણને જોઇતું ડોમેન આપણી પહેલાં બીજા કોઈએ નોંધાવી દીધું હોય તો ડોમેન રજિસ્ટર કરતી કંપની પોતે આપણને જુદા જુદા વિકલ્પો સૂચવે છે.
આ વિકલ્પો બે પ્રકારના હોઈ શકે. એક, બિઝનેસના નામમાં નજીવો ફેરફાર કે ઉમેરો અને બે, .કોમને બદલે બીજું કંઈ (બીજું ટીએલડી).

પહેલા ઉપાયમાં આપણા બિઝનેસનું જ ડોમેન કોઇએ રજિસ્ટર કરી હોય તો બિઝનેસના નામના છેડે ઇન્ફો, ઇન્ડિયા, ઓનલાઇન વગેરે જેવા શબ્દો ઉમેરતાં .કોમ સાથે એ નામ ઉપલબ્ધ હોય તેવું બની શકે.
બીજા ઉપાયમાં .કોમને બદલે .ઇન, .કો.ઇન, .બિઝ વગેરે પ્રકારના ટોપ લેવલ ડોમેન પસંદ કરી શકાય. હવે આ પ્રકારના અનેક નવા ટોપ લેવલ ડોમેન ઉપલબ્ધ છે, ફક્ત બધા બહુ પ્રચલિત નથી.
એક સાઇટ માટે એકથી વધુ ડોમેન રજિસ્ટર કરાવી શકાય?
હા, ઘણા લોકો પોતાની કંપની માટે નવું ડોમેન રજિસ્ટર કરતી વખતે .કોમ, .ઓર્ગ, .ઇન વગેરે બીજાં સંખ્યાબંધ ટીએલડી સાથેનાં ડોમેન નોંધાવી લેતા હોય છે, જેથી બીજું કોઈ તેમના જેવું જ ડોમેન મેળવે નહીં.

ખાસ ધ્યાન એ આપવા જેવું છે કે .કોમ સૌથી વધુ પ્રચલિત ટોપ લેવલ ડોમેન છે. આથી આપણા જ નામનો બીજો કોઈ બિઝનેસ હોય, તેને .કોમ સાથેનું ડોમેન મળી ગયું હોય અને તેની વેબસાઇટ પણ હોય તો આપણે બીજું કોઈ ટીએલડી લેવાને બદલે બિઝનેસના નામમાં નજીવો ફેરફાર કરીને .કોમ સાથેનું ડોમેન મેળવવાનો પ્રયાસ કરીએ એ વધુ સારું રહેશે.
આપણા બિઝનેસનું કાયદાકીય રીતે રજિસ્ટર્ડ નામ અને બિઝનેસનું ડોમેન થોડાં અલગ હોઈ શકે છે. જરૂરી એ છે કે આપણા વિઝિટર્સ સહેલામાં સહેલી રીતે આપણી વેબસાઇટ સુધી પહોંચી શકે.

