(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ પર એઆઇ ચેટિંગે તહેલકો મચાવ્યો છે, એવી ધમાલ વિન્ડોઝ પીસીમાં પણ થશે?

કો પાઇલટ! માઇક્રોસોફ્ટ કંપની તેની વિવિધ સર્વિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઉમેરી રહી છે અને તેને તેણે આવું સ્માર્ટ નામ આપ્યું છે. આમ તો ટેક કંપનીઓ એઆઇને ‘ઓટોપાઇલટ’ બનાવવાની ઉતાવળમાં છે, પણ અત્યારે માઇક્રોસોફ્ટે સમજીવિચારીને ‘કોપાઇલટ’ નામ પસંદ કર્યું છે. પ્લેનને ઓટોપાઇલટ પર મૂકીને મૂળ પાઇલટ સેન્ડવિચ કે ઝોકું પણ ખાઈ શકે, પણ કોપાઇલટ એટલે એવો સાથીદાર જે આપણી સૂચનાનું પાલન કરે ને આપણું કામ સહેલું બનાવે.

અગાઉ એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન વગેરે  બધી કંપનીમાં  વધુ ને વધુ સ્માર્ટ ‘વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ (વીએ)’ બનાવવાની રેસ ચાલી હતી. હવે તેને એઆઇનો સાથ મળ્યો છે. અગાઉના વીએ અને હાલના એઆઇ ચેટબોટ્સમાં બહુ મોટો તફાવત નથી.

વીએ, તેની સીમિત જાણકારી મુજબ આપણો પડ્યો બોલ ઝીલવાનો પ્રયાસ કરતા કે કરે છે અને એઆઇ ચેટબોટ તેનાથી એક ડગલું આગળ વધી, લગભગ અપાર ડેટાની મદદ લે છે, જાતે જ તેમાંથી નિષ્કર્ષ તારવે છે અને આપણી મદદ કરવાનો પ્રયાસ કરે છે.

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ પીસી કે લેપટોપમાં એઆઇ આધારિત કોપાઇલટ લોન્ચ કરતાં ઘણી આશા જાગી હતી, પણ હાલમાં આ માત્ર માર્કેટિંગ ગિમિક હોય તેવું લાગે છે. જે સર્ચ એન્જિનમાં છે એ જ હવે વિન્ડોઝમાં પણ છે. આ કોપાઇલટ અત્યારે વિન્ડોઝ સંબંધિત કામકાજ કરવામાં આપણી ખાસ ઝાઝી મદદ કરી શકતો નથી.

માઇક્રોસોફ્ટ કંપનીએ તેના સર્ચ એન્જિનમાં એઆઇ ચેટિંગ ઉમેર્યા પછી હવે વિવિધ ઓફિસ પ્રોગ્રામ્સ અને વિન્ડોઝમાં પણ એઆઇ આધારિત ‘કોપાઇલટ’નો ઉમેરો કર્યો છે. અલબત્ત, અત્યારે આ કોપાઇલટ સર્ચમાંના એઆઇ ચેટિંગનો જ બીજો અવતાર છે, વિન્ડોઝમાં આપણું કામ સહેલું બનાવવામાં અત્યારે એ નબળો પુરવાર થાય છે. અલબત્ત સત્ય નડેલા ‘કોપાઇલટ’ને જ વિન્ડોઝનું સ્ટાર્ટ બટન બનાવવા ધારે છે. જોઈએ શું થાય છે?!

વિન્ડોઝ ૧૧માં કોપાઇલટ મુખ્યત્વે બે કામ કરે છેઃ એક, આપણા કમ્પ્યૂટર/લેપટોપ સંબંધિત કમાન્ડ પર એકશન લેવાં, અને બે, એઆઇ ચેટિંગ  એટલે કે આપણે જે કંઈ પ્રોમ્પ્ટ આપીએ એટલે કે જે કંઈ પૂછીએ તેનો પોતાના ડેટાબેઝ તથા ઇન્ટરનેટ પરથી જવાબ શોધી આપવો.

આપણે આ બંને બાબતે તેનું પર્ફોર્મન્સ કેવું છે તેની વાત કરીએ અને પછી, જો તમારી પાસે વિન્ડોઝ ૧૧ પીસી/લેપટોપ હોય તો તેમાં કોપાઇલટ એક્ટિવેટ કેવી રીતે કરી શકાય તેની વાત કરીએ.

એ ખાસ ધ્યાન આપવા જેવું છે કે આ બંને કામકાજ માટે યૂઝર ઇન્ટરફેસ એક જ છે – સર્ચ એન્જિન બિંગમાં જેમ એઆઇ ચેટિંગ કરી શકાય છે છે એ જ રીતે, સર્ચ એન્જિમાં ગયા વિના સીધું પીસી/લેપટોપમાં એક ક્લિકમાં કોપાઇલટ એક્ટિવેટ કરી શકાય અને પછી, વિન્ડોઝ સંબંધિત કામ લઈ શકાય અથવા સર્ચ એન્જિનની જેમ ચેટિંગ કરી શકાય.

વિન્ડોઝ સંબંધિત કામકાજ

આમ તો અત્યારે વિન્ડોઝમાં સૌથી નીચેના ટાસ્કબારમાં સર્ચ બોક્સમાં કંઈ પણ ટાઇપ કરીએ અથવા વિન્ડોઝ બટન પર ક્લિક કર્યા પછી જે વિન્ડો ખૂલે તેમાં સર્ચ બોક્સમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો વિન્ડોઝ સિસ્ટમ આપણા કમાન્ડ મુજબ એકશન લઈ આપે છે. જેમ કે ‘સેટિંગ્સ’ ટાઇપ કરીએ તો એ વિન્ડોઝનાં સેટિંગ ઓપન કરી આપે. કોઈ એપનું નામ લખીએ તો એ એપ ઓપન કરી આપે.

હાલમાં એઆઇ આધારિત કોપાઇલટ પાસેથી આટલી અપેક્ષા રાખવી પણ મુશ્કેલ છે!

અગાઉ વિન્ડોઝમાં ‘કોર્ટના’ સર્વિસથી આવાં બધાં એકશન લઈ શકાતાં હતાં. તેમાં વોઇસ કમાન્ડથી પણ કામ લઈ શકાતું હતું. પછી કોર્ટનાને વિદાય આપવામાં આવી અને ટાસ્કબારમાં વિન્ડોઝ બટન કે સર્ચ બોક્સમાં આ સુવિધા સમાવી લેવામાં આવી. હવે એ જ બધી સગવડ ‘કોપાઇલટ’ના રૂપાળા નામે ઓફર કરવામાં આવી રહી છે.

તમારા વિન્ડોઝ ૧૧ પીસીમાં કોપાઇલટ એક્ટિવેટ કર્યા પછી ‘ટર્ન ઓન ટાસ્ક મોડ’ કે ‘લોન્ચ ફાઇલ એક્સપ્લોરર’ કે ‘ઓપન વિન્ડોઝ સેટિંગ્સ’ જેવા કમાન્ડ ટાઇપ કરતાં કોપાઇલટ આપણી સૂચનાનું પાલન કરે છે – અથવા કહો કે એવો પ્રયાસ કરે છે!

મજા એ કે હાલના સર્ચ બોક્સમાં આ કમાન્ડ ટાઇપ કરતાં તેનો તાબડતોબ અમલ થાય છે. જ્યારે કોપાઇલટ આપણી સૂચના મળતાં પહેલાં આપણી સાથે વાતચીત શરૂ કરે છે! કમાન્ડ મળતાં એ તરત કહે છે કે સ્યોર! અને પછી આપણે આપેલ સૂચના પોતાને બરાબર સમજાઈ છે કે નહીં તેની આપણી પાસે ખાતરી કરે છે અને પછી એકશન લેવા માટે આગળ વધે છે!

હા, સ્ક્રીનશોટ લેવાનો કમાન્ડ એ ફટાફટ અમલમાં મૂકે છે – કોઈ વાતચીતની લપમાં પડ્યા વિના (એ કામ આમ પણ આપણે પ્રિન્ટ સ્ક્રીન કી દબાવીને એક ક્લિકમાં કરી શકીએ છીએ).

માઇક્રોસોફ્ટ કહે છે કે ભવિષ્યમાં વિન્ડોઝ કોપાઇલટમાં નવી સુવિધાઓ ઉમેરાશે. જેમ કે પાવરપોઇન્ટ પ્રોગ્રામમાં નવી સ્લાઇડ સંબંધિત કોઈ એકશન લેવાં હોય તો એ કોપાઇલટથી વધુ સરળ બનશે. પરંતુ હાલમાં તો પાવરપોઇન્ટ સંબંધિત એકશન લેવાનું આપણે કોઈ સૂચન કરીએ તો કોપાઇલટ તેના ડેટાબેઝ અને ઇન્ટરનેટ પરથી એ એકશન કેમ લેવું તેની સૂચના શોધી આપે છે, પરંતુ પોતે કોઈ એકશન લઈ આપતું નથી.

મતલબ કે વિન્ડોઝના ઉપયોગ બાબતે હાલમાં તેમાં ખાસ કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે સ્માર્ટનેસ હોય તેવું લાગતું નથી – ખરા અર્થમાં એ કોપાઇલટ પણ નથી.

એઆઇ ચેટિંગ

ચોક્કસપણે, આ કામ કોપાઇલટ બરાબર અને સરસ રીતે કરી શકે છે. તમે બિંગ સર્ચ એન્જિનમાં કે ચેટજીપીટીની સાઇટ પર જઈને કે તેની એપમાં એઆઇ ચેટિંગ કરતા હો તો બરાબર એ જ અનુભવ હવે સીધો ડેસ્કટોપ/લેપટોપના સ્ક્રીન પર મળી શકે છે (કેમ કે આખરે બધું એક જ છે!).

એટલું ચોક્કસ કે આગળ જતાં, જ્યારે આ સર્વિસ વિન્ડોઝ પર ખરેખર ‘કોપાઇલટ’ જેવી બનશે ત્યારે એ આપણા કામની ફાઇલ્સમાંથી કંઈક તારવી આપવું, મેઇલ્સમાંથી મહત્ત્વની વાત શોધી આપવી, એક્સેલમાં ડેટા એનાલિસિસ કરી આપવો વગેરે ખરા અર્થમાં સ્માર્ટ કામ, સ્માર્ટ રીતે કરી આપશે (તેની શરૂઆત થઈ જ ગઈ છે).

કોપાઇલટ એક્ટિવેટ કેવી રીતે કરશો?

હવે મૂળ વાત કરીએ! તમારા વિન્ડોઝ૧૧ લેપટોપ કે ડેસ્કટોપમાં કોપાઇલટનો લાભ લેવા માટે નીચે મુજબનાં પગલાં લેવાં જોઇશે.

  • સૌથી પહેલાં તો તમારે વિન્ડોઝ૧૧ને લેટેસ્ટ વર્ઝનથી અપડેટ કરવું જોઇશે.
  • માઇક્રોસોફ્ટ કંપનીએ વર્ષ ૨૦૨૩માં વર્ઝન ૨૩૮૨ સાથે વિન્ડોઝમાં કોપાઇલટનું ફીચર ઉમેર્યું છે. મતલબ કે તમારું વિન્ડોઝ કમ સે કમ આ વર્ઝન સુધી અપડેટેડ હોવું જોઇએ.
  • માઇક્રોસોફ્ટ કંપની પેઇન્ટ અને અન્ય વિન્ડોઝ પ્રોગ્રામમાં સંખ્યાબંધ એઆઇ આધારિત કોપાઇલટ ફીચર આપી રહી છે. તેનો લાભ લેવા માટે પણ આપણે આ ફીચર ઓન કરવું પડશે.
  •  એ માટે કમ્પ્યૂટરના સેટિંગ્સમાં પર્સનલાઇઝેશન અને તેમાં ટાસ્કબારમાં જાઓ.
  • અહીંથી કોપાઇલટ ફીચર ઓન કરી શકાશે.
  • અત્યારે આ ફીચર પ્રિવ્યૂ મોડમાં છે અને તેમાં આગળ જતાં વધુ ફીચર્સ ઉમેરાવાની શક્યતા છે.

એક વાર આપણે વિન્ડોઝમાં કોપાઇલટ ફીચર ઓન કરી દઇએ, એ પછી જ્યારે પણ તેનો ઉપયોગ કરવો હોય ત્યારે ટાસ્કબારમાં કોપાઇલટ બટન ક્લિક કરવાનું રહેશે.  એ સાથે સ્ક્રીન પર જમણી તરફ કોપાઇલટની પેનલ ઓપન થશે.

અહીંથી સર્ચમાંના એઆઇ ચેટિંગની જેમ કેટલી ચોકસાઈ સાથેનાં રિઝલ્ટ જોઇએ છે તે નક્કી કરી શકીશું. આ પછી આપણે જે રીતે બિંગ બ્રાઉઝર ઓપન કરીને તેમાં એઆઇ ચેટબોટનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર એ જ રીતે ડાઇરેક્ટ ડેસ્કટોપ પરથી તેનો ઉપયોગ કરી શકીશું.

માઇક્રોસોફ્ટ કંપનીએ થોડો સમય રાહ જોવડાવ્યા પછી વર્ડ, એક્સેલ તથા આઉટલુક જેવા પ્રોગ્રામ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત કોપાઇલટની પ્રો સર્વિસ લોન્ચ કરી છે. મતલબ કે તેનો લાભ લેવા માટે આપણે રૂપિયા ચૂકવવા પડશે. આ સર્વિસ ભારતના યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ છે. આપણે માઇક્રોસોફ્ટના વિવિધ પ્રોગ્રામ્સમાં કોપાઇલટ પ્રોનો ઉપયોગ કરવા માટે દર મહિને રૂ. ૨૦૦૦ જેટલી ફી ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

માઈક્રોસોફ્ટ કંપનીએ તેના ઓફિસ પ્રોગ્રામ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કોપાઇલટ ફીચર ઉમેરવાની આ વર્ષે માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી. એ પછી તાજેતરમાં કંપનીએ આ ફીચર અમુક નિશ્ચિત પ્રકારના માઇક્રોસોફ્ટ ૩૬૫ સર્વિસના સબસ્ક્રાઇબર માટે લાઇવ કરી દીધું છે. અત્યારે માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સના સરેરાશ યૂઝર્સને આ ફીચરનો લાભ મળશે નહીં પરંતુ આપણે સૌ માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલૂક જેવા પ્રોગ્રામનો ખાસ્સો ઉપયોગ કરતા હોવાથી તેમાં એઆઇ કોપાઇલટથી ‘ચમત્કાર’ સર્જાશે એ જાણવા જેવું છે.

વર્ડઃ

કોપાઇલટ ટૂલની મદદથી માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે કેટલાક હળવા ઇશારે નવા ડોક્યુમેન્ટ્સના ડ્રાફ્ટ્સ તૈયાર કરી શકીશું. પહેલેથી તૈયાર ડોક્યુમેન્ટમાં ખાસ્સી ઝડપથી ફેરફાર કરી શકીશું તેમ જ લાંબા ડોક્યુમેન્ટની સમરી તૈયાર કરી શકાશે. અન્ય એઆઇ ટૂલ્સની જેમ માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે કોપાઇલટને કોઈ પણ વિષય માટે નવું લખાણ તૈયાર કરવા સૂચનો માગી શકશું તેમજ આપણાં મનમાં જે વિચારો ચાલતા હોય તેની કોપાઇલટ સાથે ચર્ચા કરી શકીશું. કોપાઇલટ એક સમજદાર અને અનુભવી કલીગની જેમ આપણી સાથે ચર્ચા કરશે.

એક્સેલઃ

એક્સેલમાં પણ કોપાઇલટ ઘણી બધી રીતે આપણને મદદરૂપ થશે. એક્સેલમાં આપણે જે ડેટા ટેબલ્સ તૈયાર કર્યા હોય તેનું અત્યારે આપણે જાતે ફિલ્ટર, પિવોટ ટેબલ તથા અન્ય જુદી જુદી રીતે એનાલિસિસ કરી શકીએ છીએ. પરંતુ એ માટે આપણને એ બધાં ટૂલ વાપરતાં આવડવું જોઇએ. એક્સેલમાં કોપાઇલટની સુવિધાથી એ કામ લગભગ આપોઆપ કરી શકાશે. કોપાઇલટ આપણા ડેટાનું એનાલિસિસ કરીને તેમાંથી ઇન્સાઇટ્સ તારવી આપશે. ડેટામાંથી ચોક્કસ પેટર્ન પણ શોધી આપશે. તેમ જ ઝડપથી ડેટાનાં વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરી આપશે.

પાવરપોઇન્ટઃ

વર્ડ અને એક્સેલની જેમ પાવરપોઇન્ટમાં પણ કોપાઇલટની ભૂમિકા બહુ પાવરફુલ રહેશે. આપણે ફક્ત આઇડિયા આપીએ, એ પણ આપણી રોજિંદી નેચરલ લેંગ્વેજમાં, તો એના પરથી કોપાઇલટ આખેઆખું પ્રેઝન્ટેશન તૈયાર કરી આપશે. આપણે ઇચ્છીએ તો તેને અન્ય ડોક્યુમેન્ટમાંથી ચોક્કસ વિષયના સંદર્ભ આપી શકીએ છીએ અને તેના આધારે નવું પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું સૂચન આપી શકીએ છીએ. અહીં પણ કોપાઇલટ લાંબા પ્રેઝન્ટેશનની સમરી તૈયાર કરી આપશે.

આઉટલૂકઃ

આઉટલૂક પ્રોગ્રામમાં અન્ય લોકો સાથે ઇમેઇલથી થતી આપણી વાતચીતમાં  પણ કોપાઇલટ આપણા સ્માર્ટ આસિસ્ટન્ટની ભૂમિકા ભજવશે. આપણા આઉટલૂકમાં પાર વગરના ઇનકમિંગ ઇમેલ્સનો ભરાવો થતો હોય તો કોપાઇલટ પલકવારમાં તેને વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ કરી આપશે તથા ઇનબોક્સમાંના બિનજરૂરી મેઇલ્સ દૂર પણ કરી દેશે. ચોક્કસ વ્યક્તિઓ સાથે આપણે સંખ્યાબંધ ઇમેઇલ્સની આપ-લે કરી હોય તો કોપાઇલટ એ તમામ કન્વર્સેશનની સમરી તૈયાર કરી આપશે અને તેના આધારે આપણે નવાં ક્યાં એકશન લેવાનાં છે તેનું સૂચન પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!