અત્યારે દેશમાં વંદે ભારત, મેટ્રો કે બુલેટ ટ્રેન જેવી આધુનિક ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણને સહેજે એવો સવાલ થાય કે ભારતીય રેલવે બધી રીતે નવી ટેક્નોલોજી અપનાવી રહી છે, તો ટ્રેનના અકસ્માતો ઘટાડવા માટે ટેક્નોલોજીનો લાભ કેમ લેવામાં આવતો નથી?

જવાબ આશા જગાવે તેવો છે.રેલવે મંત્રાલયે ભારત સરકારના જ રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનના સહયોગમાં ‘ઓટોમેટિક ટ્રેન પ્રોટેકશન’ નામે નવી ટેકનોલોજી આધારિત એક સલામતી વ્યવસ્થા વિકસાવી છે, જેને નામ આપવામાં આવ્યું છે ‘કવચ’.
‘કવચ’ સમગ્ર વિશ્વમાં સૌથી સોંઘી છતાં સૌથી વધુ અસરકારક સલામતી વ્યવસ્થા ગણાય છે. જોકે આ જડબેસલાક સલામતી વ્યવસ્થાને કારણે ભારતમાં રેલવે અકસ્માતો તરત અટકી જશે એવી આશા રાખી શકાય તેમ નથી કારણ કે કવચનો ઉપયોગ તબક્કાવાર વિવિધ રૂટ્સ પર કરવામાં આવી રહ્યો છે.
કવચનાં મુખ્ય પાસાં
રેલવે અકસ્માતોમાંથી મોટા પ્રમાણના અકસ્માતો એક જ ટ્રેક પર સામસામેથી આવી રહેલી બે ટ્રેન અથડાઈ પડવાથી સર્જાતા હોય છે. તેના નિવારણ માટે ‘ટ્રાફિક કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ’ નામે એક વ્યવસ્થા વિકસાવવામાં આવી છે, જેમાં દોડતી ટ્રેનના એન્જિનમાં તથા રેલવે સ્ટેશન્સ પર ટ્રાન્સમિશન ટાવર્સની મદદથી ટુ-વે કમ્યુનિકેશન સ્થાપવામાં આવશે. તેમાં એન્જિન અને સ્ટેશન વચ્ચે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ટેગથી કમ્યુનિકેશન સ્થપાશે. પરિણામે એન્જિનના પાઇલટ અને સ્ટેશન માસ્ટર વધુ ઝડપથી ઇમરજન્સી મેસેજની આપલે કરી શકશે. ઉપરાંત એન્જિનમાંનાં ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી, એન્જિન ડ્રાઇવરને દેખીતી નજરે રેડ સિગ્નલ દેખાય એ પહેલાં જ આગળ રેડ સિગ્નલ હોવાની જાણ થઈ જશે અને તેને કેટલી સ્પીડ સુધીની છૂટ છે તે પણ ખબર પડશે.
પછી પણ જો ટ્રેન રેડ સિગ્નલ વટાવી જાયે એક જ લાઇન પર બે ટ્રેન સામસામે આવી જાય તો એન્જિનમાંની ટેકનોલોજી ટ્રેનનો કંટ્રોલ પોતાના હાથમાં લઇ લેશે અને તાબડતોબ બ્રેક લગાવશે. તેમ, ટ્રેક પર ફાટક આવી રહ્યું હોય અને ધુમ્મસ કે અંધકારને કારણે એન્જિન ડ્રાઇવરને એ નરી આંખે દેખાતું ન હોય ત્યારે એન્જિનમાંનું હૂટર ફાટક નજીક આવતાં આપોઆપ એક્ટિવ થશે. આ બધા ઉપરાંત તમામ ટ્રેનની મૂવમેન્ટના લાઇવ મોનિટરિંગ માટે નેટવર્ક મોનિટર સિસ્ટમ પણ આકાર લઈ રહી છે.
ગયા વર્ષે ઓડિશાના બાલાસોર જિલ્લામાં બે ટ્રેનોની અથડામણમાં ૨૮૮થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. એ સમયે એ બંને ટ્રેનમાં કવચ સિસ્ટમનો ઉપયોગ હજી શરૂ થયો નહોતો. અત્યારે સાઉથ સેન્ટ્રલ રેલવે ઝોનમાં કવચનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં ૭૭ એન્જિન અને ૧૩૫ સ્ટેશનમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. ઉપરાંત શરૂઆતમાં નવીદિલ્હી-મુંબઈ અને નવીદિલ્હી-હાવરા સ્ટેશન્સના સૌથી વધુ ડેન્સિટી ધરાવતા રૂટ્સ પર કવચ સિસ્ટમનો ઉપયોગ શરૂ કરાશે. આ રૂટ પર દોડતી ટ્રેન એકમેકની સૌથી નજીક હોય છે. ત્યાર પછી અન્ય વધુ ટ્રાફિક ધરાવતા રૂટ્સ પર અને છેવટે સમગ્ર દેશના તમામ રૂટ પર કવચ સિસ્ટમનો ઉપયોગ શરૂ કરી દેવાનું પ્લાનિંગ છે.
હાથીને ટ્રેનથી બચાવવા માટે ‘ગજરાજ’ સોફ્ટવેરભારતમાં હાઇસ્પીડ વંદે ભારત ટ્રેન શરૂ થયા પછી તેની સાથે ગાય, ભેંસ ટકરાવાના સંખ્યાબંધ બનાવો નોંધાયા હતા. પૂર્વોત્તર અને દક્ષિણનાં રાજ્યોમાં ટ્રેનના પાટા ઓળંગતા હાથી સાથે ટ્રેન ટકરાઈ જવાના બનાવો પણ અવારનવાર બને છે. રેલવે મંત્રાલયે તેનો ઉપાય શોધવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે. એઆઇ આધારિત આ સોફ્ટવેરને ‘ગજરાજ’ નામ આપવામાં આવ્યું છે. તેનું આસામમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે.
આ આખી સિસ્ટમમાં સોફ્ટવેર ઉપરાંત ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આવતા આઠેક મહિનામાં હાથીની વસતી ધરાવતાં વિવિધ રાજ્યોમાં કુલ ૭૦૦ કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર ઓપ્ટિકલ ફાઇબર કેબલ બીછાવવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૧૮૧ કરોડ થવાની સંભાવના છે. આ પછી ટ્રેન પાટા પર દોડતી હોય ત્યારે તેનાથી ૨૦૦ મીટરના અંતરમાં ટ્રેક પર, ટ્રેકની આજુબાજુ કોઈ નોંધપાત્ર મૂવમેન્ટ જણાય તો ઓપ્ટિકલ ફાઇબર કેબલ મારફત ગજરાજ સોફ્ટવેર એક્ટિવેટ થાય છે અને તે ટ્રેનના પાઇલટને એલર્ટ કરે છે. હાથી, અન્ય પ્રાણી અને માણસોની મૂવમેન્ટને કારણે ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સના સિગ્નલ્સમાં વેરિએશન ઊભાં થાય છે. ગજરાજ સોફ્ટવેર સિગ્નલમાં આ થતા ફેરફારને આધારે ટ્રેક પર શું છે તે જાણી શકે છે. ટ્રેનની નજીક ટ્રેક પર કેટલાં પ્રાણી છે તેની સંખ્યા પણ આ સિસ્ટમ જાણી શકે છે. પાછલાં ત્રણ વર્ષમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં ટ્રેન સાથે અથડાવાથી ૪૫ હાથીઓનાં મૃત્યુ થયાં છે એ જોતાં રેલવે મંત્રાલયને આવી કોઈ સિસ્ટમનો ઉપયોગ જરૂરી લાગ્યો. રેલવે મંત્રાલય આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ તથા તમિલનાડુના વિવિધ રેલવે ટ્રેક પર આ સિસ્ટમનો ઉપયોગ શરૂ કરશે. |


