
નિષ્ણાતો કહે છે કે રાતના સમયે, અંધારામાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરવાથી જુદા જુદા ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે.
- યાદશક્તિ : બ્લુ લાઇટની અસરથી આપણને રાત્રિ દરમિયાન ગાઢ ઊંઘનો લાભ મળતો નથી, જેના કારણે ઊંઘ બીજા દિવસ સુધી લંબાય છે અને આખો દિવસ મન અસ્વસ્થ રહે છે. આની લાંબા ગાળાની અસરને કારણે આપણી યાદશક્તિ પણ ખોરવાઈ શકે છે.
- અભ્યાસ પર અસર : જો ઊંઘનું નિયમિત ચક્ર ખોરવાઈ જાય તો અપૂરતી ઊંઘની દેખીતી અસર અભ્યાસ પર થાય છે અને નવું શીખવામાં મુશ્કેલી થાય છે.
- ન્યુરોટોક્સિનમાં વધારો : લાંબા ગાળા સુધી પૂરતી ઊંઘ ન મળે તો ન્યુરોટોક્સિન નામે ઓળખાતાં, ચેતાતંત્ર માટે ઝેરી તત્ત્વો જમા થઈ શકે, જેથી સારી ઊંઘ વધુ ને વધુ મુશ્કેલ બને છે.

- હતાશા : સારી ઊંઘ મેલેટોનિન નામના હોર્મોનથી આવે છે, પણ તેને બ્લુ લાઇટથી વિપરિત અસર થાય છે. આ હોર્મોનનું ઓછું પ્રમાણ અને શારીરિક સમયચક્ર બગડવાને કારણે લાંબા ગાળે વ્યક્તિ હતાશામાં ધકેલાઈ શકે છે.
- રેટિનાને નુક્સાન : લાંબા ગાળે બ્લુ લાઇટથી રેટિનાને નુક્સાન થતું હોવાનું પણ નોંધાયું છે. અલબત્ત, તજજ્ઞોના મતે આ વિશે હજી વધુ અભ્યાસોની જરૂર છે.
- વહેલો મોતિયો : બ્લુ લાઇટને કારણે આંખમાં વહેલા મોતિયાની તકલીફ સર્જાઈ શકે કે કેમ એ વિશે પણ સંશોધનો ચાલી રહ્યાં છે.
- સ્થૂળતા : બ્લુ લાઇટથી મેલેટોનિનના પ્રમાણ તથા ઊંઘમાં ગરબડ થવાની સાથોસાથ ભૂખને અંકુશમાં રાખતાં હોર્મોન્સ પેદા થવાનું પ્રમાણ પણ બગડે છે, જેથી સ્થૂળતાનું જોખમ વધી જાય છે. બાળકોમાં મેદસ્વિતા વધવાનું આ પણ કારણ હોઈ શકે.
- કેન્સર : રાતના સમયે વધુ પડતા પ્રકાશમાં રહેવાથી અપૂરતી ઊંઘ આવે તો આ બાબતને સ્તન અને પ્રોસ્ટેટના કેન્સર સાથે સંબંધ હોવાનું પણ તબીબી નિષ્ણાતો માને છે.
સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ – ખાસ કરીને રાતના સમયે અંધારામાં – ટાળવા વિશે આપણે સભાન નથી, પણ ફોન પોતે છે. તેમાં Digital Wellbeing સર્ચ કરશો તો ફોનનો ઉપયોગ મર્યાદિત કરવાના ઉપાયો મળી આવશે.
