તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો અને બનવાજોગ તમારો સામાન ચોરાઈ જાય તો તમે શું કરો? સામાનમાં કિંમતી ચીજવસ્તુઓ હોય તો તમે ટ્રેનના ટિકિટ ચેકર કે રેલવે પોલીસની મદદથી ચોરી વિશે ફરિયાદ નોંધાવો અને સામાન પાછો મળે તેની રાહ જુઓ. જો સામાનમાં ખાસ કોઈ કિંમતી ચીજવસ્તુઓ ન હોય તો તમે તેને ભૂલી જવાનું પસંદ કરો. તમિલનાડુના એક સજ્જન જુદા નીકળ્યા.

એમનું નામ રાજભગત. રાજભગત પોતે નહીં પરંતુ તેમના પિતા તમિલનાડુના નાગરકોઇલ સ્ટેશનથી ત્રિચી જવા નીકળ્યા. રસ્તામાં ભીડ અને રાતના સમયનો લાભ લઇને કોઈ તેમનો સામાન ચોરી ગયું. નસીબજોગે રાજભગતના પિતાની ઊંઘ ઊડી ગઈ અને તેમને ખ્યાલ આવ્યો કે સામાન ચોરાઈ ગયો છે. સામાનમાં તેમનો ફોન પણ હતો. પહેલાં તેમણે ટ્રેનમાં થોડી શોધખોળ કરી અને પછી બીજા કોઈના ફોન પરથી પોતાના દીકરાને જાણ કરી કે ફોન સાથે સામાન ચોરાઈ ગયો છે.
દીકરો કદાચ ટીવી પર ‘ક્રાઇમ પેટ્રોલ’ જેવા પ્રોગ્રામ્સ જોવાનો શોખીન હશે એટલે તેણે હાથ પર હાથ રાખીને બેસી રહેવાને બદલે પિતાના સામાનની શોધખોળ શરૂ કરી – ઘેરબેઠાં. તેના પ્રયાસોથી ગણતરીના સમયમાં પેલો ચોર મુદામાલ સાથે ઝડપાઈ પણ ગયો. સામાનમાંથી ફોન પણ મળ્યો. તમે સમજી જ ગયા હશો કે એ ફોનને કારણે જ રાજભગતને ચોરને પકડી પાડવામાં સફળતા મળી હતી!

રાજભગતે આ કિસ્સો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને ગૂગલ મેપ્સ એપના લોકેશન શેરિંગ ફીચર તેમની કેવી રીતે મદદ કરી તેની વિગતવાર વાત લખી (‘સાયબરસફર’માં આપણે એ વિશે અવારનવાર વાત કરી છે).
બન્યું એવું હતું કે રાજભગતના પરિવારના સૌ સભ્યો મેપ્સ એપમાં પોતાનું લાઇવ લોકેશન પરિવારના અન્ય સભ્યો સાથે કાયમ શેર્ડ રાખતા હતા. પિતાના ફોન સાથે તેમનો સામાન ચોરી થયો હોવાની જાણ થઈ એ સાથે રાજભગત કામે લાગી ગયા. નસીબે તેમને સાથ આપ્યો. પેલો ચોર સામાન ચોરી કર્યા પછી આગલા સ્ટેશને ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને બીજી ટ્રેન પકડીને પહેલી ટ્રેન કરતાં ઉંધી મુસાફરી શરૂ કરી હતી. તેને સામાન ફંફોસવાનો સમય મળ્યો નહોતો. આથી ફોન તેના હાથમાં આવ્યો નહોતો અને તેણે તેમાંનું ઇન્ટરનેટ કનેકશન બંધ કર્યું નહોતું.
રાજભગતે પોતાની ફોન એપમાં જોયું કે ફોન નાગરકોઇલ તરફ પરત આવી રહ્યો હતો. તરત તેણે મિત્રો અને પોલીસની મદદ લીધી. સૌ રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને રાજભગતે જોયું કે ચોર તેમની બિલકુલ પાછળ ઊભો હતો!
