
હજી થોડાં વર્ષ પહેલાં સુધી, આપણે કોઈ અજાણ્યા સ્થળે પહોંચવું હોય તો રસ્તે જતી કોઈ પણ વ્યક્તિને અથવા પછી પાનના ગલ્લે રસ્તો પૂછી લેતા. અમુક સ્થળોએ તો લોકો આવી એટલી પૂછપરછ કરતા કે કંટાળેલા દુકાનદારો ‘અહીં રસ્તો પૂછવો નહીં’ એવાં બોર્ડ પણ મૂકતા!
એમની એ તકલીપ ગૂગલની મેપ્સ સર્વિસે લગભગ દૂર કરી દીધી. હવે આપણે પોતાના શહેરમાં હોઈએ કે કોઈ પણ અજાણ્યા શહેરમાં, ક્યાંય પણ પહોંચવું હોય તો આપણે ગૂગલ મહારાજનું માર્ગદર્શન મેળવી શકીએ.

ગૂગલે બહુ વ્યાપક પ્રમાણમાં ભારતના ખૂણેખૂણાનું મેપિંગ કર્યું છે. ફક્ત ભારતની વાત કરીએ તો આપણા દેશના ૭૦ લાખ કિલોમીટર રસ્તાઓ અને સાડા ત્રણ કરોડ જેટલા બિઝનેસ અને વિવિધ સ્થળોની વિગતો ગૂગલ મેપ્સમાં ઉમેરાઇ ગઈ છે.
એ જ કારણે આપણે વર્ષોથી ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા રહ્યા છે – મફતમાં!
ગૂગલ આપણને આ બધું મફત આપે છે, પણ બદલામાં આપણી જ પાસેથી વિવિધ ડેટા મેળવી, વ્યાપક મેપિંગ પ્લેટફોર્મ સર્વિસ જુદા જુદા પ્રકારના બિઝનેસને આપે છે અને બદલામાં તોતિંગ ફી વસૂલે છે.
આ બધી વાત આપણા ધ્યાનમાં ત્યારે આવી, જ્યારે ભારતની ઓલા કંપનીએ ગૂગલ મેપ્સનો ઉપયોગ બંધ કરીને વર્ષે સો કરોડ જેટલી રકમ બચાવવાની અને પોતાની મેપ્સ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી. એ પછી આપણું ધ્યાન ગૂગલના અન્ય વિકલ્પો તરફ ખેંચાયું.
ઓલા કંપનીએ જે પગલું ભર્યું તેને કારણે ભારતનું ગૂગલ જેટલું જ જૂનું મેપિંગ પ્લેટફોર્મ ‘મેપમાયઇન્ડિયા’ અને તેની મેપલ્સ એપ પણ સૌની વધુ નજરમાં આવ્યાં.
હવે આ ગૂગલ, ઓલા, મેપલ્સ ભારતમાં વિવિધ મેપ્સ સર્વિસ વચ્ચે જબરી હરીફાઇ થવાની શક્યતા છે – જે આપણે માટે સારી જ વાત છે!
ભારતમાં ગૂગલને બે વાતે મુખ્ય એડવાન્ટેજ છે – એક્સપિરિયન્સ અને એક્સેસ. સમગ્ર વિશ્વની રીતે જોઇએ તો સૌથી પહેલી વાર બે દાયકા પહેલાં લોકોના હાથમાં ડિજિટલ મેપ્સ પહોંચાડવાનું શ્રેય ગૂગલને ફાળે છે. આજે વિશ્વના ૨૫૦થી વધુ દેશોમાં એક અબજથી વધુ લોકો દર મહિને ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે.
ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનના દબદબાને કારણે ગૂગલ મેપ વધુ સહેલાઈથી લોકોના હાથમાં પહોંચે છે.
ડિજિટલ મેપ્સના ક્ષેત્રે તેમ જ સ્માર્ટફોનના યૂઝર્સની સંખ્યાની રીતે આખી દુનિયામાં અગ્રણી હોવાના ગૂગલને દેખીતા લાભ છે. તેને બહુ વિરાટ પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ થાય છે. માત્ર મેપ્સ નહીં કેટલીય વિવિધ પ્રકારની ટેકનોલોજીના ડેવલપમેન્ટમાં ગૂગલ અગ્રણી હોવાને કારણે મેપ્સમાં સતત નવાં નવાં ઇનોવેશન્સ અને ફીચર્સ તે ઉમેરી શકે છે.

ભારતની વાત કરીએ તો કંપની દેશના ખૂણેખૂણાનું મેપિંગ કરી ચૂકી છે. સરકારી ને અન્ય સ્થાનિક સંસ્થાઓના સાથમાં સમગ્ર દેશના રોડ નેટવર્ક, તથા બસ સર્વિસ, રેલ સર્વિસ, લોકલ બસ, મેટ્રો વગેરેનાં ટાઇમ ટેબલ પણ ગૂગલ મેપ્સમાં ઉપલબ્ધ છે.
આપણે ભલે અવારનવાર અખબારમાં વાંચીએ કે લોકો ગૂગલ મેપના સહારે રહેવાને કારણે નદી નાળામાં ખાબક્યા પરંતુ એવા સમાચારોમાં મેપ્સની ખામી કરતાં યૂઝર્સની ભૂલ તથા અધકચરું રિપોર્ટિંગ વધુ જવાબદાર લાગે છે.
સ્ટ્રીટવ્યૂના મામલે ભારતમાં નવેસરથી એન્ટ્રી મળ્યા પછી ગૂગલે આખા દેશના ટુડી મેપિંગ ઉપરાંત નાનાં નાનાં ગામડાંની ગલીઓ સુધીના સ્ટ્રીટવ્યૂ પણ કેપ્ચર કર્યા છે.
આ બધા ઉપરાંત એન્ડ્રોઇડ યૂઝર્સ તરફથી મળતો જબરજસ્ત ડેટા ગૂગલ મેપ્સને વધુ પાવરફુલ બનાવે છે. ગૂગલ મેપ્સમાં ‘લોકલ ગાઇડ’ નામે એક ફીચર છે, જેને કારણે લોકો તેઓ જે રેસ્ટોરાં કે અન્ય સ્થળોની મુલાકાત લેતા હોય તેના ફોટોગ્રાફ કે રિવ્યૂ કે અન્ય લોકોના સવાલોના જવાબ જેવી વિવિધ રીતે પોતાનું યોગદાન આપતા રહે છે અને ગૂગલ મેપ્સને ડેટાની રીતે વધુ ને વધુ રીતે સમૃદ્ધ તથા લોકઉપયોગી બનાવતા રહે છે.
આજે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ગૂગલ મેપ્સમાં તેનું સહેલું નેવિગેશન મેળવી શકીએ છીએ. ત્યાં કયા સમયે કેટલી ભીડ હશે તે જાણી શકીએ છીએ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) ઉપરાંત વર્ચ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ તથા સ્ટ્રીટવ્યૂ ટેકનોલોજીના કોમ્બિનેશનના કારણે ગૂગલ મેપ્સમાં જે તે સ્થળના ટુડી મેપ ઉપરાંત, આપણે ચાલતા જઇ રહ્યા હોઇએ તો આપણી આસપાસની બાબતોના લાઇવ વ્યૂ સાથે સ્ક્રીન પર દેખાતા એરોની મદદથી આપણે નેવિગેશનનો લાભ લઈ શકીએ છીએ. ગૂગલ મેપ્સમાં એરપોર્ટ અને વિશાળ મોલ્સના આંતરિક નકશા પણ ઉપલબ્ધ થઈ ગયા છે. તેમ જ વિવિધ બિઝનેસ તથા અન્ય સ્થળોની થ્રીડી ઇમેજિસ પણ મેપ્સમાં જોઈ શકાય છે.
ટૂંકમાં ગૂગલ મેપ્સે ભારતીયોના જીવનમાં જબરજસ્ત પગપેસારો કરી લીધો છે, તેને સહેલાઈથી ઓવરટેક કરી શકાય તેમ નથી.
તમે કદાચ હમણાં સમાચાર વાંચ્યા હશે કે ઓલા એપ કેબ સર્વિસ અને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરથી ભારતમાં ખૂબ જાણીતા બનેલા ઓલા કંપનીના સીઇઓ ભવિષ અગ્રવાલે પોતાની સર્વિસિસ અને સ્કૂટર્સમાં નેવિગેશન માટે ગૂગલ મેપ સર્વિસનો ઉપયોગ કરવાનું બંધ કર્યું અને તેને સ્થાને ઓલા કંપનીની પોતાની મેપ સર્વિસ વિકસાવી. આ એક પગલાંથી તેમની કંપનીએ ગૂગલને વાર્ષિક ધોરણે ચૂકવવાના થતા રૂા. ૧૦૦ કરોડ બચાવી લીધા!

ભારતમાં અન્ય અનેક સ્ટાર્ટઅપ અને અન્ય કંપનીઓ ગૂગલ મેપ્સ સર્વિસનો બહોળો ઉપયોગ કરે છે. આપણા જેવા વ્યક્તિગત યૂઝર્સ માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ ફ્રી છે પરંતુ કમર્શિયલ હેતુ માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવો હોય તો ગૂગલને તેની તોતિંગ ફી ચૂકવવી પડે છે.

જોકે ઓલાના ભવિષ અગ્રવાલે જે બોલ્ડ સ્ટેપ લીધું તેને કારણે ભારતમાં મેપ્સ વૉર શરૂ થઈ છે. તેમના આ પગલાંની ગૂગલ પર તરત અસર થઈ હોય તેવું લાગે છે. ગૂગલે ઓગસ્ટ ૧, ૨૦૨૪થી ગૂગલના મેપ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માગતા ભારતીય ડેવલપર્સની ફીમાં ૭૦ ટકા જેટલો મોટો ઘટાડો કરી દીધો છે! એટલું જ નહીં કંપની ઓપન નેટવર્કિંગ ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) સાથે પણ જોડાણ કરી રહી છે અને આ પ્લેટફોર્મ માટે સોફ્ટવેર ડેવલપ કરતા ડેવલપર્સને ગૂગલની ફીમાં ૯૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકશે.
ઓલા કંપનીએ પોતાનાં ઇ-સ્કૂટર્સ અને કેબ્સ માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ બંધ કરીને પોતાનું મેપ્સ પ્લેટફોર્મ વિક્સાવી લીધું છે.
બીજી બાજુ ઓલા કંપનીએ તેનું મેપ્સ પ્લેટફોર્મ એક વર્ષ માટે ભારતીય ડેવલપર્સને બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરી છે. અત્યારે કંપની ઓપનસોર્સ મેપ સર્વિસ, સરકાર અને ઓલા-કેબ-સ્કૂરટર્સ તરફથી મળતા ડેટાનો ઉપયોગ કરશે.
મૂળ સવાલ એ છે કે આપણે ગૂગલ મેપ્સની જેમ ઓલા મેપ્સનો ઉપયોગ કરી શકીશું? કંપનીએ જાહેર કરેલા રોડમેપ અનુસાર, ઓલા મેપ્સની એપ્સનો ઉપયોગ શરૂઆતમાં ઓલા સ્કૂટર્સ અને એપ-કેબ્સ અને અન્ય ડેવલપર્સ પૂરતો સીમિત રહેશે. ઓલા મેપ્સ આપણા જેવા વ્યક્તિગત યૂઝર્સ માટે પણ ઝડપથી લોન્ચ થાય તેવી શક્યતા ઓછી છે.
અત્યારે ભારતમાં ડિજિટલ મેપ્સની રીતે જોઇએ તો ગૂગલ મેપ્સને સૌથી વધુ મજબૂત હરીફાઈ ‘મેપમાયઇન્ડિયા’ કંપની આપી રહી છે. ગૂગલની પણ પહેલાં, છેક ૧૯૯૫થી આ કંપનીએ ડિજિટલ મેપ્સ ડેવલપ કરવાની શરૂઆત કરી. કંપનીએ પહેલાં વિવિધ બિઝનેસને મેપ્સ સંબંધિત ટેકનોલોજી અને સર્વિસ આપવાનું શરૂ કર્યું. ગૂગલ મેપ્સ વિશ્વસ્તરે લોન્ચ થયા તેની સાથોસાથ વર્ષ ૨૦૦૪માં આ કંપનીએ ભારતનું પહેલું ઇન્ટરએક્ટિવ ડિજિટલ મેપિંગ પોર્ટલ www.mapmyindia.com લોન્ચ કર્યું.

૨૦૧૦માં કંપનીએ ભારતનાં શહેરો અને ગામડાઓને આવરી લેતી જીપીએસ નેવિગેશન સર્વિસ પણ લોન્ચ કરી. કંપનીના ઓનલાઇન મેપ ઇસરોની સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરે છે.
મેપમાયઇન્ડિયા કંપનીની નેવિગેશન અને લોકેશન સર્વિસિસનો ઉપયોગ મુખ્યત્વે કાર, બાઇક કમર્શિયલ વ્હિકલ્સ, ઇલેક્ટ્રિકલ વ્હિકલ્સ વગેરેના મેન્યુફેકચરર્સ કરે છે. કંપનીના દાવા મુજબ ભારતમાં જીપીએસ નેવિગેશન સર્વિસની બાબતે મેપમાયઇન્ડિયા લગભગ ૯૦ ટકા માર્કેટ શેર ધરાવે છે. વ્હિકલ્સ ઉપરાંત ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ, ફૂડ ડિલિવરી સર્વિસ, એપ કેબ વગેરે પણ મેપમાયઇન્ડિયાની સર્વિસિસનો વ્યાપક ઉપયોગ કરે છે.
મેપ માય ઇન્ડિયાની મેપલ્સ એપમાં ભારતનો હાઇપર લોકલ ડેટા છે અને એ જ કારણે તે ગૂગલને મોટી હરીફાઇ આપી રહી છે.
કંપનીએ ‘મેપલ્સ’ નામે સરેરાશ લોકો ગૂગલ મેપ્સની જેમ પોતાના સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકે એવી એપ પણ લોન્ચ કરી છે. આ એપનો ઉપયોગ સતત વધી રહ્યો છે. એપલના એપ સ્ટોરમાં નેવિગેશન કેટેગરીમાં ફ્રી એપ્સમાં સામાન્ય રીતે ભારતમાં પહેલા નંબરે ગૂગલ મેપ્સ અને બીજા નંબરે મેપમાયઇન્ડિયાની મેપલ્સ એપ રહે છે. પરંતુ ગયા વર્ષે એક તબક્કો એવો પણ આવ્યો કે જ્યારે મેપલ્સ એપ ગૂગલ મેપ્સને ઓવરટેક કરીને ટોચના સ્થાન પર પહોંચી ગઈ હતી!
મેપલ્સ એપની ખાસિયત એ છે કે તેમાં આપણે નેવિગેશનનો લાભ લઈ રહ્યા હોઇએ ત્યારે ફ્લાયઓવર નજીક હોય ત્યારે આપણે કઈ તરફ રહેવાનું છે તે બહુ સ્પષ્ટ રીતે બતાવવામાં આવે છે. એ જ રીતે ભારતના રસ્તાઓને ધ્યાનમાં રાખીને આપણા રસ્તામાં આગળ સ્પીડ બ્રેકર કે વધુ પડતા ખાડા ખબડા હોય તો તેના એલર્ટ પણ મળે છે!
કંપનીનો દાવો એ જ છે કે તેનો મેપિંગ ડેટા હાઇપર લોકલ છે અને એ કારણે ભારતીય યૂઝર્સ માટે તે મેપિંગનાં સચોટ સોલ્યુશન્સ આપે છે.
ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ચેરમેન એસ. સોમનાથે હમણાં ગૌરવભેર જાહેર કર્યું કે ઇસરોએ ડેવલપ કરેલ સ્વદેશી જિઓસ્પેશિયલ (Geospatial) મેપિંગ સોલ્યુશન ‘ભુવન’ ગૂગલ કરતાં દસ ગણી વધુ વિગતવાર માહિતી પૂરી પાડી શકે છે. અલબત્ત આપણા જેવા સરેરાશ યૂઝર્સની રોજિંદી નેવિગેશન કે ડિજિટલ મેપ્સની અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં લઇએ તો ભુવન અન્ય સર્વિસિસ સાથેની હરીફાઈમાં નથી.

ભુવનની મદદથી ભારતની પાયાની જરૂરિયાતો મુજબ અત્યંત વિગતવાર મેપ સંબંધિત ડેટા એકઠો કરવામાં આવ્યો છે અને તેનો મુખ્ય ઉપયોગ ખેતીવાડી, અર્બન પ્લાનિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રોમાં છે. ભુવન હેઠળ દેશના સાડ સાત લાખ ગામડાં, સાડા સાત હજાર શહેરો અને ત્રણ કરોડથી વધુ સ્થળોની વિગતવાર માહિતી એકઠી કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં ગૂગલની પણ આટલી પહોંચ નથી.
ઇસરોએ વિવિધ સરકારી વિભાગો અને અન્ય સંસ્થાઓ ભુવનના ડેટા અને મેપિંગ સર્વિસનો ઉપયોગ કરી શકે એ માટે એક જિઓ પોર્ટલ લોન્ચ કર્યું છે અને તેમાં પંચાયત સ્તરની વિગતો સાથે ‘ભુવન પંચાયત’ તથા આફતના સંજોગોમાં ઉપયોગ માટે ‘નેશનલ ડેટાબેઝ ફોર ઇમરજન્સી મેનેજમેેન્ટ’ જેવાં ટૂલ પણ ઉમેર્યાં છે.
ભારતીય યૂઝર્સને રાજી રાખવા ગૂગલે મેપ્સમાં તાબડતોબ કેટલાંક નવાં ફીચર્સ ઉમેરવાની જાહેરાત કરી છે.
સાંકડા રસ્તાઓમાં પણ હવે સહેલું નેવિગેશન

ભારતનાં સાંકડા રસ્તાની નવાઈ નથી, પણ આવડા વિરાટ દેશની ગલીકૂંચીઓમાં રસ્તાની પહોળાઈ માપવી સહેલી નથી. મેપ્સમાં નેવિગેશન સમયે હવે રૂટમાંના સાંકડા રસ્તા વિશે ચેતવણી મળશે!
ફ્લાયઓવરની આગોતરી જાણ

આપણા રૂટમાં આગળ ફ્લાયઓવર હોય, તો આપણે ડેસ્ટિનેશન અનુસાર, કઈ તરફ જવાનું છે – બ્રિજની ડાબી તરફથી કે ફ્લાયઓવર પરથી, એ પણ નેવિગેશન દરમિયાન સમયસર કહેવામાં આવશે.
રસ્તાની અડચણો સહેલાઈથી રિપોર્ટ થશે

રસ્તે જતાં કોઈ ખોદકામ કે અકસ્માત કે ટ્રાફિક જામ ધ્યાનમાં આવ્યો? તમે હવે વધુ સહેલાઈથી આ બાબતો મેપ્સમાં રિપોર્ટ કરી શકશો, જેથી અન્ય લોકો સમયસર પોતાનો રૂટ બદલી શકે.
આઠ હજાર ઇવી સ્ટેશન્સ શોધો

ભારત ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી)નો ઉપયોગ સતત વધી રહ્યો છે, પણ ખાસ કરીને અજાણ્યા શહેરમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન શોધવાં મુશ્કેલ બની શકે છે. ગૂગલ મેપ્સમાં હવે – ટુ-વ્હીલર સહિત -ઇવી માટેનાં ૮૦૦૦ જેટલાં ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ શોધી શકાય છે.
જાણીતાં સ્થળો માટે ક્યુરેટેડ લિસ્ટ્સ

ગૂગલ મેપ્સનો વ્યક્તિગત ઉપયોગ કરતા લોકો ઉપરાંત, ગમતાંનો ગુલાલ કરતા લોકોનું પ્રમાણ બહુ બહુ મોટું છે. આવા લોકો ઉપરાંત, ગૂગલે ભારતની કેટલીક લોકલ કંપની સાથે મળીને અમદાવાદ અને મુંબઈ સહિત ૧૦ મોટાં શહેરોનાં ખાણી-પીણી અને જોવા જેવાં સ્થળોનાં લિસ્ટ તૈયાર કર્યાં છે.
મેટ્રો માટે ટિકિટ બુકિંગ – સીધા મેપ્સમાંથી

ગૂગલ મેપ્સમાં વર્ષોથી ભારતનાં વિવિધ શહેરોની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનાં વિગતવાર ટાઇમટેબલ ઉપલબ્ધ છે. હવે કોચી અને ચેન્નઈ શહેરોમાં, મેટ્રો માટેનું ટિકિટ બુકિંગ પણ ઉમેરાયું છે – હવે મેપ્સમાંથી જ બુકિંગ માટે આગળ વધી શકાશે.
