જેમ આપણને હવે સ્માર્ટફોન વિના ચાલતું નથી, બરાબર એ જ રીતે અલગ અલગ પ્રકારનાં બ્લુટૂથ ડિવાઇસ વિના પણ ચાલતું નથી!
સ્માર્ટફોન કે કમ્પ્યૂટર સાથે વાયર વિના, બ્લુટૂથ સિગ્નલ્સથી કનેક્ટ થઈ શકતાં સાધનો તો ઘણાં બધાં છે, તેમાં આપણો સૌથી વધુ ઉપયોગ બ્લુટૂથ ઇયરબડ્સ, હેડફોન કે સ્પીકર્સનો.

પરિવારમાં જેટલા સભ્યો હોય એટલા સ્માર્ટફોન હોય અને લગભગ દરેક વ્યક્તિ માટે કમ સે કમ એક બ્લુટૂથ ઇયરબડ/હેડફોન હોય. આપણો સ્માર્ટફોન અને બ્લુટૂથ ઇયરબડ એકમેક સાથે કનેક્ટ થઈ જાય એ પછી બંનેનો ઉપયોગ બહુ સહેલો છે, પરંતુ તેની શરૂઆત કરવાનો તબક્કો ઘણા લોકોને ગૂંચવી શકે છે. સ્માર્ટફોન અને બ્લુટૂથ ડિવાઇસ એકમેક સાથે કનેક્ટ થઈ શકે એ માટે પહેલાં બંનેને ‘પેર’ કરવા પડે – સાદા શબ્દોમાં બંનેની જોડી જમાવવી પડે.
એ માટે સ્માર્ટફોનમાં આપણે સેટિંગ્સમાં, કનેશન્સમાં બ્લુટૂથનો ઓપ્શન ઓન કરીએ એ સાથે સ્માર્ટફોન સાથે કનેક્ટ થવા માટે તૈયાર જુદાં જુદાં સાધનોનાં નામ જોવા મળે. આમાંનાં બધાં સાધનો આપણાં ન પણ હોય. પરંતુ એ યાદીમાં આપણે ઓન કરેલાં બ્લુટૂથ ઇયરબડ પણ હશે (તેનું નામ કંપનીના મોડેલ મુજબ હોઈ શકે છે. આપણે પછી તેને બદલીને યાદ રહે તેવું કોઈ પણ નામ આપી શકીએ છીએ). સ્ક્રીન પર આપણા બ્લુુટૂથ ઇયરબડના નામને ક્લિક કરતાં સ્માર્ટફોન અને હેડફોન બંને એકમેક સાથે કનેક્ટ થાય છે.
પરંતુ આ કામ સલામત રીતે થવું જોઈએ – બે અલગ અલગ, અજાણી વ્યક્તિનાં સાધન એકમેક સાથે કનેક્ટ થઈ જાય એવું થવું ન જોઈએ. એ માટે બ્લુટૂથ ડિવાઇસ ઓન કરીએ એ સાથે તે અન્ય ડિવાઇસ સાથે કનેક્ટ થવા માટે તૈયાર થાય અને ત્યારે એક કન્ફર્મેશન કો઼ડની આપલે પછી જ, બંને ‘પેર’ થાય.

આ પછી બંને સાધન એકમેક સાથે પેર્ડ રહે છે એટલે કે કનેક્ટ થવા માટે તૈયાર રહે છે. સ્માર્ટફોનમાં કનેકશન્સમાં બ્લુટૂથ ડિવાઇસિસની યાદીમાંથી આપણે પોતાના બ્લુટૂથ સાધનને રિમૂવ ન કરીએ ત્યાં સુધી બંને સાધન એકમેક સાથે પેર્ડ રહે છે. બ્લુટૂથ ડિવાઇસને આપણે ઓફ કરીએ કે ચાર્જિંગના બોક્સમાં મૂકી દઇએ ત્યારે પણ બંને સાધન એકમેક સાથે પેર્ડ રહે છે, ફક્ત કનેક્ટેડ હોતાં નથી. બ્લુટૂથ ઇયરબડ જ્યારે પણ ઓન કરીએ ત્યારે તે આપણા સ્માર્ટફોન સાથે આપોઆપ કનેક્ટ થઈ જાય છે.
એ જ કારણે બ્લુટૂથ કનેક્શનની સગવડ ધરાવતી કારની સિસ્ટમ અને સ્માર્ટફોનને એક વાર પેર કરી દઈએ, પછી કારમાં બેસતાંવેંત બંને કનેક્ટ થઈ જાય છે.
આખી વાત હજી વધુ સાદા શબ્દોમાં કહેવી હોય તો એમ કહી શકાય કે બ્લુટૂથ પેરિંગની પ્રક્રિયા એ બે સાધનને એકબીજા સાથે જોડવા પહેલાંની પ્રક્રિયા છે. જેમ કોઈ વ્યક્તિને આપણે ફોનકોલ જોડવો હોય તો એમનો ફોન નંબર ખબર હોવો જોઇએ, બરાબર એ રીતે સ્માર્ટફોન અને બ્લુટૂથ ડિવાઇસને એકબીજાના ‘સરનામાં’ની ખબર હોવી જોઇએ. સરનામું મળ્યા પછી બંને એકમેક સાથે જોડાવા માટે તૈયાર રહે છે. બંને ડિવાઇસ કનેક્ટ થાય ત્યારે બ્લુટૂથ ડિવાઇસ સ્માર્ટફોનમાંથી ડેટા મેળવે છે ને સ્માર્ટફોનનો વોઇસ ઇયરબડમાં પહોંચે છે!

