(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનના ડિસ્પ્લેમાં ગરબડ થઈ છે, જાતે કોઈ ઉપાય થઈ શકે?

તમારા સ્માર્ટફોનના સ્ક્રીન પર કોઈ ભાગમાં પીળા કે અન્ય રંગનો ડાઘ દેખાય છે? અથવા કોઈ ભાગમાં લીટીઓ જેવું દેખાય છે? કે પછી કોઈ ભાગમાં આંગળીથી સ્પર્શ કરતાં ધાર્યો રિસ્પોન્સ ન મળતો હોય તેવું લાગે છે? આ બધી તકલીફોના મૂળમાં એક જ વાત છે – સ્ક્રીન પરના ડિસ્પ્લેમાં એ નિશ્ચિત ભાગમાં કંઈક ગરબડ સર્જાઈ છે.

જેમ સ્માર્ટફોનમાંની વિવિધ એપ્સ એને સ્માર્ટ બનાવે છે, તેમ ફોનનાં હાર્ડવેર પણ સતત સ્માર્ટ થતાં જાય છે. ફોનનો ડિસ્પ્લે સંખ્યાબંધ ટ્રાન્ઝિસ્ટર્સ ધરાવતો હોય છે. જે આપણા સ્પર્શનો પ્રતિસાદ આપે છે. તેમ જ સ્ક્રીન પર વિવિધ પિક્સેલમાં કલર્સ દર્શાવીને સ્ક્રીનનું મૂળભૂત કામ કરે છે.

સ્ક્રીન પાછળનાં ટ્રાન્ઝિસ્ટર્સ સ્ક્રીનના દરેકે દરેક પિક્સેલને કંટ્રોલ કરતાં હોય છે. કોઈક કારણસર આ ટ્રાન્ઝિસ્ટર્સના કામમાં ગરબડ ઊભી થાય તો તેના પરિણામે સ્ક્રીન પર ડાઘ, લીટીઓ કે સ્પર્શનો પ્રતિસાદ ન મળવા જેવી તકલીફ ઊભી થાય છે. ટ્રાન્ઝિસ્ટર્સની કામગીરી ખોરવાવાના જુદાં જુદાં કારણો હોય છે.

પહેલાં આપણે આ તકલીફ થવાનાં કારણ જાણીએ અને પછી તેના ઉપાય સમજીએ. 

ડિસ્પ્લેમાં ગરબડનાં કારણો

મેન્યુફેક્ચરિંગમાં જ ખામી : જો તમે નવો નક્કોર ફોન ખરીદ્યો હોય અને એ સમયથી જ તેમાં સ્ક્રીન પર આવી કોઈ તકલીફ જોવા મળે તો તેનું સ્પષ્ટ કારણ ફોનના મેન્યુફેકચરિંગમાં રહી ગયેલી ખામી હોઈ શકે. ફોનનો સ્ક્રીન જુદા જુદા લેયરનો બનેલો હોય છે. આ લેયર્સ ખાસ પ્રકારના એડહેસિવની મદદથી એકમેક સાથે ચોંટાડવામાં આવે છે. તેના ઉપયોગમાં કંઈક વધઘટ થાય કે એડહેસિવ યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં સ્ક્રીનના બધા ભાગમાં સમાન રીતે પથરાય નહીં તો અમુક ભાગમાં તકલીફ સર્જાઇ શકે છે. આવું થવાની શક્યતા ઓછી કેમ કે બધી જ સારી કંપનીના ફોન ક્વોલિટી ચેકિંગના અનેક માપદંડોમાંથી પસાર થતા હોય છે. તેમ છતાં કોઈ ફોનમાં આવી ખામી રહી ગઈ હોય તો આપણે તાબડતોબ તેને રિટર્ન કરી દેવો હિતાવહ છે.

  • સ્ક્રીનને ભૌતિક નુકસાન : ફોન ખરીદ્યો હોય ત્યારે તેમાં કોઈ તકલીફ ન હોય પરંતુ તેના ઉપયોગ દરમિયાન ફોન હાથમાંથી છટકે, નીચે પછડાય તો પણ સ્ક્રીનમાં તકલીફ ઊભી થઈ શકે છે. સ્ક્રીનમાં દેખીતી ક્રેક ન પડે તો પણ પછડાટના મારને કારણે સ્ક્રીનની મૂળ કામગીરી કરતા પેલા ટ્રાન્ઝિસ્ટર્સનું કામકાજ ખોરવાઈ શકે છે.
  • સોફ્ટવેરમાં ખામી : સ્માર્ટફોનનું બધું કામકાજ તેના સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચેના યોગ્ય સંતુલનથી ચાલતું હોય છે. હાર્ડવેર પાસેથી ધાર્યું કામ લેતા સોફ્ટવેરમાં ગમે તે કારણસર કંઈક ગરબડ ઊભી થાય તો તેની અસર ફોનના ડિસ્પ્લે સુધી પહોંચી શકે છે.
  • વધુ પડતી ગરમી : ફોન લાંબો સમય વધુ પડતા તડકા કે આકરી લાઇટ નીચે રહે તો પણ તેના સ્ક્રીનનું કલર બેલેન્સ બગડી શકે છે અને સ્ક્રીનના અમુક ભાગમાં ધબ્બા ઊભા થઈ શકે છે.
  • ઘોસ્ટ ઇમેજ : અમુક પ્રકારના સ્ક્રીનમાં ‘સ્ક્રીન બર્ન ઇન’ તરીકે ઓળખાતી તકલીફ થઈ શકે છે. જ્યારે ફોનમાં વધુ પડતી બ્રાઇટનેસ લાંબો સમય રાખવામાં આવે કે અમુક ઇમેજ લાંબો સમય સ્ક્રીન પર રહે તો તે સ્ક્રીન પર થોડા સમય માટે ‘અમીટ છાપ’ છોડી જાય છે. સ્ક્રીન પરનું કન્ટેન્ટ બદલાય તો પણ થોડા સમય સુધી પેલી જૂની, ભૂતિયા ઇમેજ ઝાંખા સ્વરૂપે સ્ક્રીન પર રહે.
  • સ્ક્રીન પ્રોટેક્ટરની ગરબડ : આપણે સૌ ફોનના અસલી સ્ક્રીનને નુકસાન થતું બચાવવા માટે તેના પર સ્ક્રીનગાર્ડ કે સ્ક્રીન પ્રોટેક્ટર લગાવતા હોઇએ છીએ. આ વધારાનો સ્ક્રીન સારી ક્વોલિટીનો ન હોય કે તેને લગાવતી વખતે ભૂલથી કોઈ ભાગમાં વધુ પડતું દબાણ આપવામાં આવે તો પણ ફોનના ડિસ્પ્લેમાં ગરબડ ઊભી થઈ શકે છે.

આ બધાં કારણો ઉપરાંત ફોન જેમ જેમ જૂનો થતો જાય તેમ તેમ તેના સ્ક્રીનની આવરદા ઘટતી જાય છે અને તેના કારણે પણ ડિસ્પ્લેમાં ગરબડ થઈ શકે છે.

ડિસ્પ્લેમાં ખામીના ઉપાયો

ઉપર વાત કરી તેમ ફોનમાં મેન્યુફેકચરિંગ સમયની ડિફેક્ટ હોય તો તેને કંપનીમાં રિટર્ન કરી દેવો એ જ સૌથી સારો ઉપાય છે. ફોનનો ઉપયોગ શરૂ કર્યા પછી જાણે અજાણે તેમાં તકલીફ ઊભી થઈ હોય તો તેના જુદા જુદા ઉપાય અજમાવી શકાય.

ફોનના સોફ્ટવેરમાં અણધારી કોઈ તકલીફથી ડિસ્પ્લેમાં ગરબડ ઊભી થઈ હોય તો તેના ઉપાય તરીકે ફોનને રિસ્ટાર્ટ કરવાનો સૌથી સાદો ઉપાય અજમાવી શકાય. તેનાથી કામ ન પતે તો ફોન પૂરેપૂરો શટડાઉન કરી થોડો સમય રાહ જોયા પછી તેને ફરી ચાલુ કરી શકાય. સોફ્ટવેરમાં નજીવી ખામી હોય તો તે આ રીતે દૂર થઈ શકે. ફોનના ડિસ્પ્લે સેટિંગ્સ એડજસ્ટ કરવાનો પણ પ્રયાસ કરી શકાય. બ્રાઇટનેસ એકદમ વધુ કે એકદમ ઓછી કર્યા પછી તેને ફરી નોર્મલ સ્થિતિમાં લાવીને જોઈ શકીએ કે પેલા સ્ક્રીન પર ડાઘ દૂર થયા કે નહીં. તમે સ્ક્રીનની બ્રાઇટનેસ ઉપરાંત કલર ટેમ્પરેચર, સ્ક્રીન મોડ કે નાઇટ લાઇટ કે બ્લુ લાઇટ ફિલ્ટરને ઓન-ઓફ કરીને પણ પેલા ધબ્બા દૂર થાય છે કે નહીં તે તપાસી શકો.

ફોનની ઓપરેટિંગ સિસ્ટમ માટે કોઈ નવા અપડેટ ઉપલબ્ધ હોય તો તેને ઇન્સ્ટોલ કરીને ફોન રિસ્ટાર્ટ કરવાથી પણ આપણો પ્રશ્ન ઉકેલાઈ શકે.

ફોનના સ્ક્રીન પર આપણે વધારાનો સ્ક્રીનગાર્ડ લગાવેલ હોય તો ફોનના અસલી સ્ક્રીનમાં નહીં પરંતુ ફક્ત સ્ક્રીનગાર્ડમાં તકલીફ હોય તેવું પણ બની શકે. તેને કાળજીપૂર્વક દૂર કરીને આ શક્યતા તપાસી શકાય.


આ બધા ઉપાયો જાતે તપાસ્યા પછી પણ સ્ક્રીન પર તકલીફ જોવા મળે તો આપણે ‘બેડ પિક્સેલ ટેસ્ટ એન્ડ ફિક્સ’ નામની એક થર્ડ પાર્ટી એપ ફોનમાં ઇન્સ્ટોલ કરીને તેની મદદથી સ્ક્રીનના પિકસેલ્સમાં થયેલી ગરબડનાં કારણ તપાસી શકીએ છીએ. પછી એપની સૂચના મુજબ તેના ઉપાયો કરી શકીએ છીએ. આવી થર્ડ પાર્ટી એપનો ઉપયોગ ટાળવો હોય તો ફોનમાંના તમારા બધા ડેટાનો પૂરેપૂરો બેકઅપ લઇ, તેને ફેકટરી રિસેટ કરીને કંપનીના સર્વિસ સેન્ટર કે અન્ય કોઈ મોબાઇલ રિપેરિંગ શોપની મદદ લીધા વિના છૂટકો નહીં રહે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!