આજના સમયમાં સ્માર્ટફોનથી ફોટોગ્રાફી અત્યંત સહેલી બની છે, પરંતુ આપણા ડિજિટલ ફોટોઝને સાચવવાની પળોજણ વધી છે!

‘સાયબરસફર’માં આપણે અવારનવાર ગૂગલ ફોટોઝ સર્વિસની વાત કરી છે. ગૂગલને તેની વિઝન ટેક્નોલોજી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ ધારદાર બનાવવા માટે પાર વગરના ફોટોગ્રાફ્સની જરૂર હતી અને કદાચ એ જ કારણે તેણે ફોટોઝ એપ આપીને આપણને સૌને અનલિમિટેડ સંખ્યામાં તેમાં ફોટોગ્રાફ સાચવવાની સગવડ પણ આપી.
ગૂગલનાં મશીન્સ તેને ‘જોઈ’ શકે છે એ યાદ રાખવા જેવું છે, પણ સરવાળે આપણને પોતાના ડિજિટલ ફોટોઝ સાચવવાનું એક કાયમી સરનામું મળ્યું એ પણ હકીકત છે.
જો તમારે માટે ગૂગલ ફોટોઝ પ્રમાણમાં અજાણી વાત હોય તો પણ બની શકે કે તમે તેનો ઓલરેડી ઉપયોગ કરી રહ્યા હો!

હવે ઘણા બધા એન્ડ્રોઇડ ફોનમાં ફોટોગેલેરી એપની જગ્યાએ ગૂગલ ફોટોઝ એપનો જ ઉપયોગ થાય છે. આથી તમારા સ્માર્ટફોનમાં લીધેલા બધા ફોટોગ્રાફ અને વોટ્સએપ જેવી સર્વિસમાં ડાઉનલોડ કરેલા ફોટોગ્રાફ્સ પણ અલગ અલગ ફોલ્ડરમાં આ એપમાં જ જમા થતા હશે. એટલે તમે કદાચ આ એપ જોતા હશો છતાં, તેની બીજી ખૂબીઓ તરફ ખાસ ધ્યાન આપ્યું ન હોય એવું બની શકે.
ગૂગલ ફોટોઝમાં આપણા ફોટોગ્રાફ્સ તારીખ, મહિના અને વર્ષ મુજબ આપોઆપ સોર્ટ થાય છે, તેમ જ આપણે મંજૂરી આપીએ તો જુદી જુદી વ્યક્તિના ચહેરા ઓળખી તેમનું આપોઆપ નેમ ટેગિંગ થતું રહે છે, જેથી આપણા પરિવારની કે કોઈ પણ પરિચિત વ્યક્તિના ફોટોગ્રાફ આપણે બહુ સહેલાઈથી શોધી શકીએ.
એ ઉપરાંત, જુદી જુદી જગ્યાઓ અને વિવિધ પ્રકારના ફોટોગ્રાફ (જેમ કે કાર, વરસાદ, ફૂડ, સનસેટ વગેરે)નું પણ આપોઆપ ટેગિંગ થાય છે, આથી આપણને માત્ર ‘રેઇન’ સર્ચ કરીએ તો આપણા આખા કલેક્શનમાંથી વરસાદી વાતાવરણના તમામ ફોટોગ્રાફ પલકવારમાં આપણને મળી જાય છે!
આ મજાની સર્વિસમાં એક ખાસ સગવડ છે ‘લાઇવ આલબમ’. તેની મદદથી આપણે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે પાલતુ પ્રાણીના ફોટોગ્રાફ્સનું આલબમ ક્રિએટ કરીએ અને તેને લાઇવ આલબમ તરીકે સેટ કરીએ તો પછી એ વ્યક્તિ કે પાલતુ પ્રાણીના જે જે ફોટોગ્રાફ આપણે લઇએ તે એ આલબમમાં આપોઆપ ઉમેરાતા જાય છે! આ આલબમ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે શેર પણ કરી શકીએ છીએ અને તેમના શેર્ડ આલબમમાં પણ આપણે લીધેલા ફોટોગ્રાફ ઉમેરાતા જાય છે. તેનો ઉપયોગ કરવાનાં સ્ટેપ્સ જાણીએ.
લાઇવ આલબમ ક્રિએટ કરવાનાં સ્ટેપ્સ

ફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો. તેમાં સૌથી ઉપરની તરફ ‘પ્લસ’ પર ક્લિક કરો.

નીચેની તરફ જે મેનૂ ખુલે, તેમાં ક્રિએટ ન્યૂ ‘આલબમ’ પર ક્લિક કરો (અન્ય વિકલ્પો પણ તપાસી જુઓ!)

આલબમનું ટાઇટલ આપી, ‘સિલેક્ટ પીપલ એન્ડ પેટ્સ’ પસંદ કરો. ચાહો તો આ આલબમ અન્યને શેર કરો.

જુદી જુદી વ્યક્તિ/પેટના ચહેરા જોવા મળશે. તમારું કલેક્શન જેમ વધુ, તેમ વધુ ચહેરા દેખાશે.

જેમનું લાઇવ આલબમ બનાવવું હોય તે વ્યક્તિઓને પસંદ કરો. ઉપર જમણી તરફ કન્ફર્મ પર ક્લિક કરો.

એ વ્યક્તિના તમામ જૂના-નવા ફોટોગ્રાફ્સ આ આલબમમાં ઉમેરાતા જશે!


