ફેસબુકમાં પેઇડ એડ કેમ્પેઇન ચલાવતી વખતે આપણી અપેક્ષા શી છે એ સ્પષ્ટ હોવું જરૂરી છે. ફેસબુકમાં એડવર્ટાઇઝિંગનાં બધાં પાસાં સ્પષ્ટપણે સમજ્યા વિના આપણે ‘ફટાફટ સેલ્સ મળશે કે વધશે’ એવી આશા સાથે એમાં એડ કેમ્પેઇન ચલાવીએ અને પછી ધાર્યું પરિણામ ન મળતાં નિરાશ થઈએ એવું બની શકે છે.
ફેસબુક પર યૂઝર્સની સંખ્યા બહુ મોટી છે પરંતુ એનો અર્થ એ નથી કે એ બધા આપણી જાહેરાત પર ક્લિક કરવા ટાંપીને બેઠા છે!
ફેસબુક પર તેઓ બે ઘડી રીલેક્સ થવા, તેમને ગમતું કન્ટેન્ટ જોવા કે મિત્રો સાથે કનેક્ટેડ રહેવા કે જુદા જુદા ટ્રેન્ડઝથી અપડેટેડ રહેવા માટે લોગ-ઇન કરે છે. એ સમયે તેમને આપણી જાહેરાત દેખાય એ ખરેખર તેમના મૂળ હેતુમાં અવરોધ ઊભો કરે છે.

જે રીતે આપણે યુટ્યૂબ એપ ઓપન કરીને તેમાં કોઈ વીડિયો જોવાનું ચાલુ કરીએ ત્યારે શરૂઆતમાં જ એડનો અવરોધ આવે ત્યારે આપણું બધું ધ્યાન સ્ક્રીન પર જમણા ખૂણે ‘સ્કિપ’નું બટન ક્યારે જોવા મળે છે તેના પર હોય છે – જાહેરાત પર નહીં. સ્કિપ દેખાતાં જ આપણે જાહેરાત સ્કિપ કરીને વીડિયો જોવા આગળ વધી જઈએ છીએ. પરિણામે પેલી એડ આપનારના એ એડ પૂરતા રૂપિયા પાણીમાં ગયા!
એનો અર્થ એ નથી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબ પર કરેલાં ડિજિટલ માર્કેટિંગ કેમ્પેઇન નિષ્ફળ જ થાય છે. પરંતુ એડ કેમ્પેઇનની સફળતાનો આધાર જુદી જુદી ઘણી બાબતો પર છે.
સવાલ ફેસબુકનો છે એટલે સંદર્ભે જ વાત કરીએ તો, સામાન્ય રીતે એ કેમ્પેઇન વધુ સફળ થાય છે જેનો હેતુ ફેસબુક પર એક્ટિવ યૂઝર્સના હેતુ સાથે મેચ થતો હોય.
ફેસબુક પર લોકો આપણી એડ પર ક્લિક કરે અને સીધા જ આપણી પ્રોડક્ટ કે સર્વિસ ખરીદી લે એવી અપેક્ષા રાખવાને બદલે શરૂઆતમાં માત્ર તેમની સાથે આપણી બ્રાન્ડનું એન્ગેજમેન્ટ વધે અને તેઓ આપણી સાઇટ કે એપ પર આવીને કંઈક એકશન લે, જે મોટા ભાગે ફ્રી હોય એવાં એડ કેમ્પેઇન લાંબે ગાળે વધુ સફળ થાય.
જેમ કે કોઈ યૂઝર ફેસબુક પર આપણી એડ પર ક્લિક કરી સાઇટ કે એપમાં આવીને ફ્રી એકાઉન્ટ ક્રિએટ કરે, ફ્રી ન્યૂઝલેટર માટે સાઇન-અપ કરે કે આપણને કોઈ પ્રશ્ન પૂછે તો એ યૂઝરનું આપણી બ્રાન્ડ સાથે એન્ગેજમેન્ટ થયું કહેવાય, જેને આગળ જતાં સેલ્સમાં કન્વર્ટ કરી શકાય!

