તમને પણ તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ ન હોય તેવા જુદા જુદા નંબર પરથી અવારનવાર કોલ આવતા હશે. ચૂંટણી પ્રચાર માટેના પ્રી-રેકોર્ડેડ કોલ કમ મેસેજની પણ આપણને કોઈ નવાઈ નથી. પરંતુ થોડા સમથી એક ખાસ પ્રકારનો પ્રી-રેકોર્ડેડ કોલ ઘણા લોકોને આવી રહ્યો છે. કદાચ તમને પણ આવ્યો હશે. તમે કોલ રીસિવ કરો એ સાથે સામે છેડેથી ટેલિકોમ કંપની કે ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટમાંથી મોકલવામાં આવ્યો હોય એવો લાગતો એક પ્રી-રેકોર્ડેડ મેસેજ સાંભળવા મળે.

આ મેસેજ મોટા ભાગે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં હોય છે. આ મેસેજનો ટોન, સામાન્ય રીતે આપણને ખરેખર ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર તરફથી મોકલવામાં આવતા મેસેજ જેવો જ હોય છે. મેસેજમાં આપણને કહેવામાં આવે છે કે ‘‘તમારા નામે રજિસ્ટર થયેલા બધા જ મોબાઇલ નંબર બે કલાકમાં ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.’’ આવી ‘જાણ’ કર્યા પછી મોબાઇલ નંબર ડિએક્ટિવેટ થવાનું ટાળવા માટે ફોનમાં નિશ્ચિત એકશન્સ લેવાનું કહેવામાં આવે છે. ફોનમાં આપણને કસ્ટમર હેલ્પલાઇનની ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ (આઇવીઆર) સિસ્ટમ મુજબ નવ નંબર પ્રેસ કરીને આગળનું એકશન સૂચવવામાં આવે છે.
દેખીતું છે કે આવા મેસેજ આપણા ફોનમાં આવતા ઓટીપી મેળવવા માટે મેસેજ કે કોલ ફોરવર્ડ કરવાની યુક્તિ હોય છે. હવે આપણે સૌ આવા કીમિયાથી પરિચિત થઈ ગયા છીએ, તેમ છતાં પોતાના બધા નંબર્સ ડિએક્ટિવેટ થઈ જવાની વાત ઘણી વ્યક્તિઓને ડરાવી શકે છે.
આવા પ્રકારના કોલ્સ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થયા હતા. હવે ફરી તેમાં ઉછાળો આવ્યો છે. આ ઓટોમેટેડ કોલ લગભગ ૪૪ સેકન્ડ સુધી ચાલે છે. આપણે કોઈ પગલું ન લઇએ તો કોલ ડિસ્કનેક્ટ થાય છે.
તમને આવો કોલ આવે તો તેના તરફ ધ્યાન આપશો નહીં. હમણાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે પોતે પણ એક જાહેર સૂચના આપીને કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ તરફથી આવા કોઈ કોલ કરવામાં આવતા નથી અને આવા કોલના સંદર્ભે પોતાના ફોનમાં કોઈ એકશન લેવાં નહીં કે કોઈ પણ પ્રકારની માહિતી આપવી નહીં.
