(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પ્રેમભરી મોસમમાં રોમાન્સ સ્કેમ્સની વાત

સોશિયલ સાઇટ્સ અને ડેટિંગ પ્લેટફોર્મ્સનો પ્રસાર વધવાની સાથે ‘પ્રેમપૂર્વક’ છેતરપિંડીનું પ્રમાણે વધ્યું છે.

આ મહિને તો આવશે વેલેન્ટાઇન ડે! ઉંમર ગમે તે હોય, તમારા મનમાં પણ કૂણી કૂણી લાગણીઓ જન્મશે, આખી દુનિયા ગુલાબી ગુલાબી, સરસ મજાની, ભરોસાપાત્ર લાગશે, કોઈ જરા હસીને કંઈ કહે તો એને માટે ચાંદ-સિતારા તોડી લાવવાના અરમાન જાગશે…

મોસમ આવી આશિકાના હોય અને કોઈ પણ વ્યક્તિ ભાન ભૂલવા માટે પોતે જ તલપાપડ હોય, ત્યારે એમને શીશામાં ઉતારવા માટે હેકર્સ પણ તૈયાર હોય એમાં કોઈ નવાઈ નથી.

અગાઉ જ્યારે માત્ર ઈ-મેઇલથી ફિશિંગ થતું ત્યારે ‘‘ફ્રોમ યોર ટ્રુ લવ’’ કે ‘‘સ્પેશિયલ ગિફ્ટ ફ્રોમ યોર વેલેન્ટાઇન’’ સબ્જેટ લાઇનવાળા મેઇલ્સની ફેંકાફેંકી થતી. ૨૦૦૦ના વર્ષમાં ‘‘આઇલવયુ’’ સબ્જેક્ટ લાઇનવાળા એક કમ્પ્યૂટર વર્મે એવો તરખાટ મચાવ્યો હતો કે આખી દુનિયાનાં એકાદ કરોડ જેટલાં કમ્પ્યૂટર્સ એ એક તીરથી વીંધાઈ ગયાં હતાં.

ઇન્ટરનેટ પર જુદી જુદી અનેક રીતે ફ્રોડ, સ્કેમ થતાં રહે છે. તેમાં રોમાન્સ સ્કેમ્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બિલકુલ બનાવટી પ્રોફાઇલથી ઓળખાણ ઊભી કરી, સંબંધ કેળવીને પછી સિફતપૂર્વક લોકોને લૂંટવામાં આવે છે. પ્રેમને નામે થતી છેતરપિંડીમાં મોટા ભાગે, પ્રેમમાં નાસીપાસ થયેલા કે હતાશ એકલવાયા લોકો વધુ ફસાય છે.

હવે હેકર્સ વધુ સ્માર્ટ થયા છે અને વાસ્તવિક દુનિયામાં ખરેખરા હૂંફાળા સ્પર્શ ઓછા થતાં, લોકો કદાચ વધુ પ્રેમભૂખ્યા થયા છે.

હવે સૌ સોશિયલ સાઇટ્સ અને ડેટિંગ પ્લેટફોર્મ્સ પર પ્રેમ શોધે છે અને પછી પસ્તાય છે. અમેરિકા કે યુરોપના દેશોમાં ‘રોમાન્સ સ્કેમ્સ’  બહુ ગાજતો વિષય છે. આપણે ત્યાં એ શબ્દ કદાચ ઓછો જાણીતો, પણ તરખાટ એટલો જ અને નુક્સાન કદાચ વિદેશો કરતાં પણ વધુ. પ્રેમ આંધળો હોય છે એ તો આપણે જાણીએ છીએ, પણ ઠગો સાબિત કરે છે કે પ્રેમમાં પડેલ વ્યક્તિ ખરેખર સાનભાન ગુમાવે છે, બાકી અહીં આપેલી વાતો કોમન સેન્સની જ છે.

હેપ્પી એન્ડ સેફ વેલેન્ટાઇન ડે!

યુરોપની સોશિયલ સાઇટમાં ભેરવાયા

ઉંમર ૭૯ વર્ષ. એક જાણીતી કંપનીમાં એન્જિનીયર તરીકે કામ કરવાનો વર્ષોનો અનભવ. મુંબઈમાં રહેતા આવા આ ‘અનુભવી’ વડીલે યુરોપની એક સોશિયલ મીિડયા સાઇટ પર એકાઉન્ટ ખોલાવ્યું. તેમાં એક સ્પેનિશ મહિલાનો પરિચય થયો. થોડા સમય પછી બંને વોટ્સએપ પર વાતચીત કરવા લાગ્યાં. પછી પેલીએ કહ્યું કે તે સ્પેનથી લેપટોપ, મોબાઇલ ફોન અને જ્વેલરીની ગિફ્ટ મોકલાવી રહી છે. વડીલે આનાકાની કરી, પણ થોડા દિવસ પછી ‘દિલ્હીના કસ્ટમ ક્લીયરન્સમાંથી રાધિકા શર્મા’ નામથી ફોન આવ્યો કે તેમને માટે ‘સ્પેન’થી ગિફ્ટ આવી છે, ડ્યૂટીના રૂ. ૫૦,૦૦૦ ભરવાના છે. તેમણે રકમ ચૂકવી અને ‘દિલ્હી કસ્ટમ્સ’ તરફથી તેમને ‘રીસિપ્ટ’ પણ મળી.

થોડા દિવસ પછી, પેલી ‘સ્પેનિશ મહિલા’એ વડીલનો સંપર્ક કરીને કહ્યું કે તે પોતે દિલ્હી આવી છે પરંતુ તેની પાસે મોટા પ્રમાણમાં ફોરેન કરન્સી હોવાથી કસ્ટમ્સે તેની ધરપકડ કરી છે. વડીલે તેને છોડાવવા પત્નીનાં ઘરેણાં વેચીને ત્રીસ લાખ ચૂકવ્યા. પછી વારંવાર ‘રાધિકા’ અને ‘સ્પેનિશ મહિલા’ના ફોન આવતા રહ્યા, જુદા જુદા બહાને રકમ પડાવવાનો સીલસીલો ચાલુ રહ્યો. છેવટે વડીલે પોતાનું ઘર વેચવાનો નિર્ણય કર્યો.

આ વાત તેમના યુએસ રહેતા દીકરા સુધી પહોંચી. દીકરો તાબડતોબ ભારત આવ્યો. પપ્પાના ફોનમાંની ચેટ્સ જોઈ, બધું સમજાયું, ત્યાં સુધીમાં વડીલે દોઢેક કરોડ રૂપિયાની ચુકવણી કરી નાખી હતી!

ડેટિંગ સાઇટ પરની ઓળખાણ ભારે પડી

કામ બેંગલુરુમાં ઇન્ટિરીયર ડિઝાઇનર તરીકેનું. સ્માર્ટ, ભણેલી-ગણેલી, ડેટિંગ સાઇટ્સ પર પણ એક્ટિવ. આવી એક યુવતીને કોરોના સમયમાં એક ડેટિંગ સાઇટ પર, એક યુવકનો પરિચય થયો ને થયું કે બસ, આ જ છે ધ પરફેક્ટ મેન! બંને વચ્ચે સંપર્ક વધતો ગયો. પેલાની સ્માર્ટ, પ્રેમાળ વાતોથી યુવતી વધુ ને વધુ અંજાતી ગઈ. કોરોના જાય તે પછી સાથે આખી દુનિયા ફરવાના વાયદા પણ થયા.


પછી એક વાર પેલાએ મેસેજ કર્યો કે તેનું બેન્ક એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે, ૪૮ કલાક સુધી બ્લોક્ડ રહેશે અને તેને થોડા રૂપિયાની જરૂર છે. યુવતીએ તરત તેને રૂપિયા ટ્રાન્સફર કર્યા. પેલાએ કહ્યું, ‘‘હજી કેમ મોકલ્યા નહીં?’’ યુવતીએ ફરી ટ્રાય કરી. પેલાએ કહ્યું, ‘‘હજી ન મોકલ્યા? આપણા આટલા સંબંધ પછી, મારા પર આટલો પણ વિશ્વાસ નથી કે શું?’’

પ્રેમમાં તરબોળ યુવતીએ એને સમજાવવાની કોશિશ કરી ને વારાફરતી પાંચેક વાર રૂપિયા ટ્રાન્સફર કરવાની ‘ટ્રાય’ કરી. કહેવાની જરૂર ખરી કે એ જેને ટ્રાય માનતી હતી એ દરેક વખતે ખરેખર રૂપિયા ટ્રાન્સફર થયા જ હતા?!

છેવટે યુવતીએ પેલાને કહ્યું કે એ બેન્કમાં કોલ કરીને પૂછી જુએ છે કે રકમ કેમ જતી નથી. પેલાએ ‘‘જો મારામાં ભરસો ન હોય તો સંબંધ રાખવાની જરૂર નથી’’કહી ફોન કટ કર્યો અને પછી બંનેનો ક્યારેય સંપર્ક થયો નહીં.

યુવતી કહે છે કે ‘‘હું પ્રેમમાં એવી પાગલ હતી કે હજી પણ ક્યારેક મને લાગે છે કે એ સાચો જ હશે, રૂપિયા ટ્રાન્સફર નહીં થયા હોય!’’

આગળ લખ્યા એવા કિસ્સા અવારનવાર અખબારોમાં ચમકતા રહે છે. આ બંને કિસ્સામાં માત્ર રૂપિયાનું નુક્સાન થયું છે, ઘણી વાર નુક્સાન એથી ઘણું આગળ વધી જાય છે.

સોશિયલ સાઇટ્સ પર, ડેટિંગ પ્લેટફોર્મ્સ પર, આખા ઇન્ટરનેટ પર જે દેખાય છે એ બધું સાચું હોતું નથી. બધું ભરોસાપાત્ર હોતું નથી. અજાણી વ્યક્તિ પર વાસ્તવિક જીવનમાં આંખ મીંચીને આપણે ભરોસો કરતા નથી, તો જેને માત્ર ઓનલાઇન મળ્યા છીએ, જેનું નામ સાચું છે કે નહીં, જેના ફોટોઝ જોઈએ છીએ એ સાચા છે કે નહીં… વગેરે વાતોની કોઈ ખાતરી નથી, એ વ્યક્તિ પર આંધળો ભરોસો કેમ મૂકી શકાય? છતાં, પ્રેમમાં પાગલ લોકો ભરોસો મૂકી દે છે. 

ઇન્ટરનેટ પર અનેક રીતે છેતરપિંડી થાય છે, ‘રોમાન્સ સ્કેમ’ એમાંનો જ એક પ્રકાર છે.

તેમાં મોટા ભાગે ઇરાદો માત્ર રૂપિયાની લૂંટ ચલાવવાનો હોય છે, એ માટે પ્રેમનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. અત્યાર સુધી ડેટિંગ સાઇટ્સ પર આ પ્રકારે છેતરપિંડી વધુ થતી હતી, હવે આ રીતે લોકોને નિશાન બનાવનારા લોકો સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતા થયા છે. આવાં સ્કેમ્સનો ભણેલા-ગણેલા, સ્માર્ટ અને અનુભવે દુનિયા જોઈ-જાણી ચુકેલા લોકો પણ ભોગ બની જાય છે કેમ કે વાત દિલની હોય ત્યારે તેઓ દિમાગનું સાંભળતા નથી.

એકબીજાને ઓળખતી વ્યક્તિ, ખાસ કરીને યુવક કોઈ યુવતી સાથે સોશિયલ સાઇટ્સ કે વોટ્સએપ ચેટ વગેરેની મદદથી સંબંધ વધારે અને પછી યુવતીના ભોળપણ (કે ઇચ્છા)નો ફાયદો ઉઠાવે એ તો દેખીતો સોશિયલ ક્રાઇમ છે, પરંતુ ‘રોમાન્સ સ્કેમ્સ’માં લક્ષ્ય મોટા ભાગે પ્રેમ ઝંખતી વ્યક્તિ સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ કરવાનું જ હોય છે.

આ પ્રકારના ફ્રોડ કરનારા લોકો ‘રોડ સાઇડ રોમિયો’ ટાઇપના નહીં, પણ ખરેખર સ્માર્ટ અને સોફિસ્ટિકેશન બતાવી શકે એવા હોય છે – યુવક, યુવતી, આધેડ, વૃદ્ધ કોઈ પણ એમનો શિકાર બની શકે છે.

તદ્દન બનાવટી પ્રોફાઇલથી શરૂઆત

હેકર સોશિયલ સાઇટ્સ અને ડેટિંગ પ્લેટફોર્મ પર તદ્દન બનાવટી વિગતો અને ફોટોગ્રાફ સાથે એકાઉન્ટ ક્રિએટ કરે છે. એ સ્માર્ટ હોય તો જુદા જુદા પ્લેટફોર્મમાં એક સરખી વિગતો રાખે છે, જેથી કોઈ તપાસ કરવા જાય તો પણ એવી કોઈ વ્યક્તિ હોવાનો વિશ્વાસ બેસે. કોલ/વીડિયો ચેટ ન થાય ત્યાં સુધી સામેની વ્યક્તિ ખરેખર સ્ત્રી છે કે પુરુષ એ પણ પારખી શકાતું નથી.

ઓનલાઇન સંબંધો અને ‘વિશ્વાસ’

હેકર્સ શરૂઆતમાં પૂરતું અંતર જાળવીને તેમના શિકાર સાથે વાતચીત શરૂ કરે છે, શિકાર કેવો છે તેના આધારે ધીમે ધીમે કે ઝડપથી સંબંધનો વ્યાપ વધારે છે અને બીજાં પ્લેટફોર્મ પર પણ વાતચીત શરૂ કરે છે. લોકોની માનસિકતા બરાબર સમજતા આ લોકો કાળજીપૂર્વક શિકારનો વિશ્વાસ જીતે છે. વાતચીતમાં સભ્યતા, સ્માર્ટનેસ અને સોફિસ્ટિકેશન એમનાં હથિયાર હોય છે.

કોઈને કોઈ બહાને રૂપિયા પડાવી ગાયબ

રોમાન્સ સ્કેમર્સને આખરે તો રૂપિયામાં જ રસ હોય છે એથી એ રૂબરૂ મળવાની કોઈ શક્યતા ઊભી થવા દેતા નથી.

શિકારનો વિશ્વાસ બરાબર જીતી લીધા પછી એ વાતવાતમાં નાણાંની જરૂર હોવાનું કહે છે (એક-બે વાર નજીવી રકમ મેળવી, પરત કરે એવું પણ બને). એ પછી મોટી રકમ મેળવે છે અને એમના સંપર્કના બધા રસ્તા કાપી નાખી ગાયબ થાય છે.

સામાન્ય સંજોગોમાં સ્માર્ટ હોય એવી વ્યક્તિ પણ રોમાન્સ સ્કેમનો ભોગ બને છે કેમ કે તેમાં બધો વિચાર દિલથી થાય છે! આમ છતાં, દિલની સાથોસાથ દિમાગનું પણ સાંભળવામાં આવે તો ઓનલાઇન સ્કેમર્સને પારખવા બહુ મુશ્કેલ નથી. હા, એ તમને વાસ્તવિક રીતે ઓળખતી વ્યક્તિ હોય તો વાત થોડી મુશ્કેલ બની શકે છે.

ઠગનો ઇરાદો માત્ર રૂપિયાની છેતરપિંડીનો હોય તો એ પોતાના શિકારનો રૂબરૂ સંપર્ક થાય એવા સંજોગો ટાળે છે. તે શિકારની પૂરતી વિગતો મેળવીને પોતે દૂરના શહેરમાં કે આર્મીમાં પોસ્ટિંગ પર કે બીજા દેશમાં કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા હોય એવો દેખાવ ઊભો કરે છે. યાદ રહે, મોટા ભાગના લોકોનું જીવન સામાન્ય જ હોય છે, તમને એની લાઇફ ‘ઇન્ટરેસ્ટિંગ’ લાગે તો ચેતજો!

ડેટિંગ પ્લેટફોર્મ અને સોશિયલ સાઇટ્સમાં એક મોટો ફેર છે – સોશિયલ સાઇટ્સ પર આપણે બને તેટલા વધુ લોકો સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરીએ, જ્યારે ડેટિંગ પ્લેટફોર્મ પર દરેક વ્યક્તિ ‘દિલ મળી જાય’ એવી વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરીને પછી એની સાથે જ સંપર્કમાં આગળ વધે છે. આ કારણે ઠગને પોતાની ઓળખ છુપાવવી સહેલી બને છે.

મોટા ભાગે ડેટિંગ પ્લેટફોર્મ પર એક્ટિવ લોકો પોતાના સંખ્યાબંધ, ફુલ ફોટોઝ શેર કરતા હોય છે, જ્યારે ઠગ લોકો આવી સાઇટ પર આખો ચહેરો પણ નહીં, એના અમુક ભાગ જ દેખાય એવા ફોટો શેર કરે છે. યોગ્ય વ્યક્તિ પોતાના ફેસબુક કે ઇન્સ્ટા એકાઉન્ટની લિંક્સ કદાચ શેર કરશે, ઠગ બને ત્યાં સુધી એમ નહીં કરે, સિવાય કે એણે મોટી જાળ ફેલાવી હોય.

કોઈ અજાણી વ્યક્તિના ઓનલાઇન સંપર્કમાં આવ્યા પછી, ફ્રોડનો ભોગ બનેલી વ્યક્તિઓનો અનુભવ કહે છે કે મોટા ભાગે સ્કેમર્સ તેમના સંબંધમાં ઝડપથી આગળ વધે છે. હજી તો માંડ ઓળખાણ થઈ હોય, હાય-હલો થયું હોય ત્યાં પ્રેમનો ઇઝહાર ટપકી પડે, ‘મિસ યુ’થી વાત ઝડપથી આગળ વધી ‘વિલ યુ મેરી મી’ સુધી પહોંચી જાય તો કંઈક ગરબડ હોઈ શકે છે.

તમે રૂબરૂ મળવાનો કે વીડિયો ચેટનો આગ્રહ કરો અને કોઈ ને કોઈ બહાને વાત ટાળવામાં આવે તો આંખ ઝીણી કરો. અચાનક ‘ફેમિલી ઇમર્જન્સી, સર્જરી, ટિકિટ બુક કરાવવી છે, પણ કાર્ડ બ્લોક થઈ ગયું છે’ વગેરે જેવા કોઈ ‘સોલિડ’ કારણસર રૂપિયાની માગણી થાય, અમુક ચોક્કસ રીતે જ રૂપિયા મોકલવાનું કહેવામાં આવે તો અચૂક દિલનું નહીં, દિમાગનું સાંભળો!

સોશિયલ સાઇટ્સ પર બહુ સોશિયલ હોય, પણ વાસ્તવિક જીવનમાં નહીં એવી વ્યક્તિ રોમાન્સ સ્કેમનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે.

રોજરોજ ભરપૂર જીવાતી જિંદગીમાં સ્વજનો, મિત્રો સાથે દિલ ખોલીને વાત કરી શકતા લોકોએ એમનું કોઈ સાંભળે એ માટે કે રડી શકાય એવો ખભો શોધવા માટે ઓનલાઇન ફાંફાં મારવાં પડતાં નથી.

એનાથી વિપરિત એકલવાઈ, સાચા પ્રેમમાં ઠોકર ખાધેલી કે વધતી ઉંમરે જીવનસાથી ગુમાવી બેઠેલી અને હતાશામાં ગરકાવ થયેલી વ્યક્તિ બહુ સહેલાઈથી રોમાન્સ સ્કેમનો ભોગ બની શકે છે.

સ્વસ્થ ઓનલાઇન પ્રેઝન્સ કેળવો :

સાચા મિત્રો ઓનલાઇન હોય કે અસલી દુનિયાના, દરેક બાબતમાં આપણી ઢાલ બની શકે છે. દિલ ખોલો, પણ એમની જ પાસે. સોશિયલ મીડિયા પર સૌ કોઈ જુએ કે વાંચી શકે એ રીતે અંગત વાતો શેર કરવી એ ફ્રેન્કનેસ  કે બોલ્ડનેસ હશે, સ્માર્ટનેસ નથી.

સંબંધમાં ઉતાવળ ન હોય :

બની શકે કે ઓનલાઇન મિત્રો કે કોન્ટેક્ટ્સમાંથી કોઈ ખરેખર સ્પેશિયલ, બીજાથી અલગ લાગે. તો પણ, એની સાથેના સંબંધમાં કાળજીપૂર્વક આગળ વધો. આગળ લખ્યા મુજબ, સામે પક્ષે વાતની ઉતાવળ દેખાય તો તમે ધીમા પડી જાઓ!

ડિટેક્ટિવ બનો :

ઓનલાઇન કોઈ ગમ્યું? એના વિશે વધુ સર્ચ કરી જુઓ. ગૂગલ પર ઇમેજ અપલોડ કરીને તેના વિશે રીવર્સ સર્ચ પણ કરી શકાય છે. જો એ ઠગ હશે તો એનો ફોટોગ્રાફ બનાવટી જ હશે. ગૂગલ પર ઇમેજ સર્ચ કરતાં, એ જ ફોટોગ્રાફ માટે બીજાં નામ જોવા મળશે. કોઈ વ્યક્તિ ઓનલાઇન બહુ એક્ટિવ ન હોય તો પણ એના વિશે ઓનલાઇન કશું જ ન મળે તો એ વ્યક્તિ શંકાસ્પદ હોઈ શકે છે. તેના બીજા કોન્ટેક્ટ્સ સાથે પણ વાતનો પ્રયાસ કરી જુઓ.

વીડિયો ચેટનો આગ્રહ રાખો :

ચહેરો ખરેખર ઘણું બધું કહી શકતો હોય છે, કોઈની પણ સાથે સંબંધમાં આગળ વધતાં પહેલાં વીડિયો ચેટનો આગ્રહ કરી જુઓ. ફક્ત રૂપિયામાં રસ ધરાવતો ઠગ હશે તો એ બહાનાં બતાવશે. બીજો બદઇરાદો ધરાવતી વ્યક્તિ વીડિયો ચેટમાં કોઈ અણછાજતી માગણી કરે તો પણ એ તરત પરખાઈ આવશે. બસ એ સમયે દિલ પર પૂરો કાબુ રાખવો જરૂરી છે.

ફોટો-વીડિયો શેર ન કરશો :

વીડિયો ચેટિંગ કે વન-ટાઇમ શેરિંગવાળી ચેટ્સ બેધારી તલવાર છે. વાતના પ્રવાહમાં તણાઈને ખોટું પગલું ભરી બેસશો તો બહુ મોટું નુક્સાન થઈ શકે છે. તમે ‘વ્યૂ ઓન્લી વન્સ’ના કોન્ફિડન્સ સાથે કોઈ ફોટોગ્રાફ મોકલો તો પણ એનો સ્ક્રીનશોટ કે ફરી ફોટો લેવાઈ શકે છે.

કોઈ માગણી સ્વીકારશો નહીં :

ફોટો, અંગત વિગતો, રૂપિયા વગેરે માટેની કોઈ પણ પ્રકારની માગણી ક્યારેય સ્વીકારશો નહીં. ઓનલાઇન સંબંધમાં આગળ વધેલી વ્યક્તિ પોતાના મનમાં સામેની વ્યક્તિની, પોતાને મનગમતી એક ઓળખ ઊભી કરી લે  છે. સામેની વ્યક્તિ એ કલ્પનાથી બિલકુલ અલગ હોઈ શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!