સવાલના જવાબ પર સીધેસીધા જતાં પહેલાં, આ ‘વેબપી’ ઇમેજ વિશે થોડી વાત કરી લઈએ.
તમારું કામકાજ ડિઝાઇનિંગને સંબંધિત હોય તો ઇન્ટરનેટ પરથી વિવિધ સ્રોતમાંથી ઇમેજ ડાઉનલોડ કરવાની થતી હશે. તો તમે જાણતા હશો કે ઇન્ટરનેટ પરની ઇમેજિસમાં સૌથી વધુ ત્રણ ફોર્મેટમાં ઇમેજ જોવા મળે છે – જેપીઇજી, પીએનજી અને હવે બહુ ઝડપથી લોકપ્રિય થઈ રહેલું નવું ફોર્મેટ વેબપી.
ડિજિટલ ઇમેજ માટે મોટા ભાગે જેપીઇજી ફોર્મેટનો ઉપયોગ થાય છે. જ્યારે ઇમેજનો અમુક ભાગ ટ્રાન્સપરન્ટ રાખવાનો હોય ત્યારે પીએનજી ફોર્મેટનો ઉપયોગ થાય છે.

વેબપી ફોર્મેટ પ્રમાણમાં નવું વિકસેલું ફોર્મેટ છે. ગૂગલે તેનો ઉપયોગ ચલણી બનાવ્યો છે. આ ફોર્મેટમાં ઇમેજની સાઇઝ સામાન્ય જેપીઇજી કે પીએનજીની સરખાણીમાં ઓછામાં ઓછી ૩૩ ટકા જેટલી ઘટી જાય છે! આ કારણે ઇન્ટરનેટ પર વેબપી ફોર્મેટનો ઉપયોગ વધી રહ્યો છે. તેનાથી ઇમેજ અપલોડ થવાનો સમય ઘટી જાય છે તેમજ વેબપેજ ઓપન થવાનો સમય પણ ઘટે છે.
ગૂગલ પ્લે સ્ટોરમાં વિવિધ એપ સંબંધિત બધી જ ઇમેજ આ નવા વેબપી ફોર્મેટમાં હોય છે. વર્ડપ્રેસ જેવા ઇન્ટરનેટ પર વેબસાઇટ ડેવલપમેન્ટ માટેના સૌથી વધુ પોપ્યુલર પ્લેટફોર્મ પર હવે એવાં પ્લગઇન ઉપલબ્ધ છે જે સાઇટ પરની બધી ઇમેજને ઓટોમેટિકલી વેબપી ફોર્મેટમાં ફેરવી નાખે છે, જેથી સાઇટનું પર્ફોર્મન્સ સુધરે.

આ બધી વેબ ડેવલપર માટે સારી વાત છે પરંતુ આપણે જ્યારે ઇન્ટરનેટ પરથી કોઈ ઇમેજ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે મુશ્કેલી થાય. હજી પણ ટોચના ડિઝાઇનિંગ સોફ્ટવેર વેબપી ફોર્મેટની ફાઇલ હેન્ડલ કરી શકતા નથી. આ સ્થિતિમાં આપણે વેબપી ફોર્મેટમાં રહેલી ઇમેજને સામાન્ય જેપીઇજી ફોર્મેટમાં કન્વર્ટ કરવી પડે. આના બે સહેલા રસ્તા છે.
ઉપાય ૧ઃ આ ઉપાય વધુ સચોટ અને દરેક સ્થિતિમાં કામ લાગે છે. ઇન્ટરનેટ પરથી તમે ડાઉનલોડ કરેલી ઇમેજ વેબપી ફોર્મેટમાં હોય તો તેને માઇક્રોસોફ્ટ પેઇન્ટ જેવા પ્રોગ્રામમાં ઓપન કરો. હવે ફાઇલને ‘સેવ એઝ’ કરો અને એ સમયે તેનું ફોર્મેટ જેપીઇજી પસંદ કરો. ફોટોગ્રાફમાંની બધી ટ્રાન્સપરન્સી દૂર થશે એવી ચેતવણી મળશે, તેને ઓકે કહી ફાઇલને જેપીઇજી ફોર્મેટમાં સેવ કરી લો.
ઉપાય ૨ઃ આ ઉપાય બધી વેબપી ઇમેજના કિસ્સામાં કદાચ કામ નહીં લાગે, પરંતુ ગૂગલ પ્લે સ્ટોરમાંની ઇમેજ જેપીઇજી ફોર્મેટમાં જોઇતી હોય ત્યારે કામ લાગશે. પ્લે સ્ટોરમાંની ઇમેજને સીધી ડાઉનલોડ કરવાને બદલે તેના પર રાઇટ ક્લિક કરીને એ ઇમેજ નવી ટેબમાં ઓપન કરો. હવે એડ્રેસબારમાં ઇમેજનું લાંબુંલચક યુઆરએલ જોવા મળશે. તેમાં સૌથી છેલ્લે -rw જોવા મળશે. ફક્ત આ ત્રણ કેરેકટર ડિલીટ કરતાં એ ઇમેજ તેના મૂળ જેપીઇજી ફોર્મેટમાં કન્વર્ટ થઈ જશે! હવે તેને ડાઉનલોડ કરવાથી ઇમેજ વેબપીને બદલે જેપીઇજી ફોર્મેટમાં ડાઉનલોડ થશે!
ઓનલાઇન કન્વર્ટર સાઇટ્સની મદદથી પણ વેબપી ઇમેજને જેપીઇજીમાં કન્વર્ટ કરી શકાય.
