(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવા વર્ષે આખી દુનિયા ઘૂમીએ, નવી રીતે!

દિવાળીની રજાઓમાં ફરવા જવાનું શક્ય ન બન્યું? ડોન્ટ વરી.તમારામાંના ‘ટુરિસ્ટ’ નહીં, ‘ટ્રાવેલર’ને જગાડે એવી કેટલીક સાઇટ્સ...

કોઇ શહેર શહેર અને તેના લોકોને નજીકથી જોવા-જાણવા હોય તો ‘ફૂટલૂઝ’ બનવું પડે – પગપાળા રખડપટ્ટી કરવી પડે. એવું સદભાગ્ય બધાને ન પણ મળે. એવા સંજોગમાં લોકો ‘આર્મચેર ટુરિસ્ટ’ બની જાય. આરામખુરશીમાં બેઠાં બેઠાં દુનિયા જોવાનો અેમને શોખ હોય. ઘણી વાર એવું પણ બને કે આપણને ફરવા જવાનું ચોક્કસ ગમતું હોય તો પણ ખુલ્લી હવામાં, દિલ ખોલીને પ્રવાસ કરવાનું  ગમે તે કારણસર શક્ય ન બનતું હોય. એટલે આપણે આર્મચેર ટુરિસ્ટ બનીએ.

થોડા સમય પહેલાં આવા આર્મચેર ટુરિસ્ટ માટે ટીવી પરની ટ્રાવેલ સાઇટ્સ એક માત્ર સહારો હતી.

પરંતુ ઇન્ટરનેટે હવે ખરા અર્થમાં આખી દુનિયા ખોલી આપી છે. યુટ્યૂબ જેવી સાઇટ્સ પર કે પોડકાસ્ટ એપ્સમાં આપણે દુનિયાભરનાં અનેક સ્થળોની સફર કરી શકીએ.

પરંતુ નીચે જે સ્થળોની વાત કરી છે એ ખરા અર્થમાં આગવાં ને અનોખાં છે. એમાં દુનિયા ને બ્રહ્માંડને ખરેખર જુદી જ રીતે જોવાની વાત છે. ફક્ત સાદા વીડિયો નહીં, ૩૬૦ ડિગ્રી વીડિયો, ૩ડી મેપ્સ, ઇન્ટરેક્ટિવ એનિમેશન્સ, ડિજિટલ સ્ટ્રીટવ્યૂ  વગેરે બધું એમાં સામેલ છે.

ઇન્ટરનેટ પર આપણે દિવસરાત સર્ફિંગ કરતા રહેતા હોવા છતાં, અહીં આપેલી સાઇટ્સ આપણા રડારની બહાર રહે છે. આ સાઇટ્સ આપણી દુનિયાનાં અનેક નવીન, અનોખાં ને રોમાંચક પાસાંને બિલકુલ નવી રીતે, નવી નજરે જોવાની તક આપે છે. દરેકમાં તમારે પોતે થોડાં ખાંખાંખોળાં કરવાં પડશે, પણ એ પછી ઘણું નવું જાણવા મળશે અને વધુ જાણવાની ઇચ્છા પણ જાગશે.

આમાંથી ઘણી સાઇટનાં સરનામાં અટપટાં આપ્યાં હોવાથી, દરેકના ક્યૂઆર કોડ આપ્યા છે. તમારા આઇફોનમાં કેમેરામાં જ ક્યૂઆર કોડ સ્કેનર સામેલ છે. એન્ડ્રોઇડમાં ગૂગલ સર્ચ એપમાં કેમેરા આઇકન પર ક્લિક કરી, આ કોડ્સ સ્કેન કરીને જે તે સાઇટ પર સહેલાઈથી પહોંચી શકાશે. એ રસ્તો સૌથી સહેલો છે, છતાં અટપટો લાગે તો દરેક  બાબત વિશે થોડું ગૂગલિંગ કરશો તો પણ એ સાઇટ્સ પર પહોંચી શકાશે – હેપ્પી વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ!

નવા સમયમાં શાળાઓ આવા ‘પ્રવાસ’ પણ યોજી શકે.

મંગળની ‘ધરતી’ કેવી છે? રોજ આપણી માથેથી પસાર થતા, જીવતા જાગતા અવકાશયાત્રીઓ સાથેનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કેવું છે? આ અવકાશયાત્રીઓને તેમની યાત્રા માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? રોજ રાત્રે આપણે જેને જોઈએ છીએ એ ચંદ્ર તદ્દન નજીકથી કેવો દેખાય છે?

આ બધા સવાલોના જવાબ મેળવવા હોય તો નીચેની લિંક્સ તપાસો.

યાદ રહે, અહીં આપેલું બધું હીમશીલાની ટોચ જેટલું પણ નથી, પણ આટલું જોશો તો બીજું જોવાનું મન જરૂર થશે!

મંગળની ‘ધરતી’નું નિકટદર્શન

૨૬નવેમ્બર, ૨૦૧૧ના દિવસે અમેરિકાએ ‘ક્યુરિયોસિટી’ નામે, આપણી કાર જેવડું એક વાહન – રોવર –  અવકાશમાં મોકલ્યું. તે ૫૬૦ મિલિયન કિલોમીટરની યાત્રા ખેડીને ૬ ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે, તેના મુકામ મંગળ પર પહોંચ્યું. લક્ષ્ય હતું, માનવવસવાટ માટે મંગળ અનુકૂળ છે કે નહીં તે તપાસવું. તેનું મિશન બે વર્ષ પૂરતું હતું, પણ રોવર એવું કામઢું સાબિત થયું કે આજે પણ મંગળ પર એક્ટિવ છે!

ક્યુરિયોસિટી રોવરે મંગળની સપાટીની મોટા પાયે ફોટોગ્રાફી કરી છે. નાસાએ એ તમામ ફોટો એકમેક સાથે જોડીને મંગળની સપાટીનું આબેહૂબ ૩ડી મોડેલ તૈયાર કર્યું છે, જેથી મંગળનો અભ્યાસ થઈ શકે અને ભવિષ્યમાં કેવા અભ્યાસ કરવા તેનું પ્લાનિંગ થઈ શકે.

 બરાબર એ જ ૩ડી મોડેલ, આપણે આપણા બ્રાઉઝરમાં જોઈ શકીએ છીએ!

એસ્ટ્રોનોટ બનવું છે?

આરામખુરશીમાં બેઠાં બેઠાં અવકાશદર્શન કરવું છે? (આકાશ નહીં!) ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર એક એવું ઓનલાઇન પ્લેટફોર્મ છે જેમાં દુનિયાભરનાં ૨૦૦૦થી વધુ મ્યુઝિયમ્સ અને આર્કાવ્ઝની વિવિધ બાબતો ડિજિટલ સ્વરૂપે જોઈ શકાય છે.

નાસા અને બીજી એજન્સીઝના સાથમાં, આ પ્લેટફોર્મ પર અવકાશ સંશોધન સંબંધિત વિવિધ પ્રકારના કન્ટેન્ટની ભરમાર છે. જેમ કે ‘હાઉ ટુ બી એન આર્મચેર એસ્ટ્રોનોટ’ પેજ પર ઇમેજ, વીડિયો, ૩૬૦ ડિગ્રી વીડિયો, સ્ટ્રીટવ્યૂ વગેરે પ્રકારના મીડિયાની મદદથી અવકાશ અને અવકાશયાત્રી સાથે દોસ્તી કરી શકાય છે. એસ્ટ્રોનોટ્સની ટ્રેનિંગ ફેસિલિટી, સ્પેસ શટલનાં લોન્ચ પેડ્સ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદરના ૩ડી વ્યૂ, અવકાશની સફર કરી પરત આવેલ એપોલો ૧૧ કમાન્ડ મોડ્યુલની એઆર ટુર… જોવા જેવું ઘણું છે!

અંતરીક્ષ તો દૂરની વાત છે, આ પૃથ્વી પર પણ કેટલાંય સ્થળો એવાં છે જ્યાં આપણે ક્યારેય પહોંચી શકવાના નથી. માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવવાનું સૌનું નસીબ નથી હોતું. ફાઇવ સ્ટાર હોટેલના ઇન્ફિનિટી પૂલમાં તરવા મળે, પણ દુનિયાના સૌથી વિશાળ ધોધની લગોલગ કુદરતી ઇન્ફિનિટી પૂલ સાવ નજીકથી જોવો હોય તો? પણ થેંક્સ ટુ ઇન્ટરનેટ, આ બધું હવે શક્ય છે!

હિમાલય ખૂંદો, ઘેરબેઠાં

ઘેરબેઠાં હિમાલય ખૂંદવો છે? એક જર્મન કંપનીએ એવરેસ્ટ, હિમાલય અને તેના પોપ્યુલર ટ્રેકિંગ રુટ્સનો એક ઇન્ટરેક્ટિવ ૩ડી મેપ તૈયાર કર્યો છે. આ મેપ એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે.

માઉસના ઇશારે કે આંગળીના ટેરવે વ્યૂ બદલી શકાય એવા આ મેપમાં આપણે એવરેસ્ટ સુધી પહોંચવાના વિવિધ રૂટ તપાસી શકીએ છીએ. એ કામ અઘરું લાગે તો સાઇટ પર બેઝ કેમ્પથી છેક માઉન્ટ એવરેસ્ટ પહોંચવાના સમગ્ર રૂટનું અફલાતૂન એનિમેશન એક વીડિયોમાં જોવા મળશે. ફક્ત દોઢ મિનિટનો આ વીડિયો જોવાનું ચૂકશો નહીં. જીપીએસ ટેક્નોલોજીની કમાલ પણ જુઓ – આ સાઇટ એવરેસ્ટ આરોહણ કરી રહેલા પર્વતારોહકોના ૩ડી મેપ પર લાઇવ ટ્રેકિંગની પણ સગવડ આપે છે. પર્વતારોહક જે તે ક્ષણે ક્યાં પહોંચ્યા છે તે તેનો પરિવાર કે આપણે જોઈ શકીએ છીએ!

કુદરતના ઇન્ફિનિટી પૂલની મજા

ફક્ત દોઢ મિનિટમાં, કુદરતના કરિશ્માનો અનુભવ કરવો છેે? બોનસમાં, નવી ટેક્નોલોજીથી શું શક્ય છે એ પણ જાણવા મળશે અને પછી એ પ્રકારના ‘એક્સ્પિરીયન્સ’ કરવાની ભૂખ ઊઘડશે!

આફ્રિકાના ઝામ્બિયામાં, ઝાંબેઝી નદીના કાંઠે નાના-મોટા કુદરતી સ્વીમિંગ પૂલ્સ સર્જાયા છે. એમાંનો એક વિક્ટોરિયા ફોલ્સની અડોઅડ છે. તમે ખરા સાહસિક હો તો વિશ્ર્વના સૌથી વિશાળ ધોધમાંના એક એવા આ ધોધની સાવ ધાર પર, ‘ડેવિલ્સ પૂલ’ તરીકે ઓળખાતા આ કુદરતી ઇન્ફિનિટી પૂલમાં છબછબિયાં કરી શકો!

એવી હિંમત કે પહોંચ ન હોય તો નેશનલ જ્યોગ્રાફિકે તૈયાર કરેલ ૩૬૦ ડિગ્રી વીડિયો યુટ્યૂબ પર જોવા-માણવા જેવો છે.  વીડિયો ફક્ત દોઢ મિનિટનો છે પણ અનોખો છે. ૩૬૦ ડિગ્રી વીડિયો હોવાથી, માઉસ કે આંગળીના ઇશારે તમે ડેવિલ્સ પૂલ ચારે તરફથી જોઈ શકશો.

આખેઆખા પ્લેન કે બહુમાળી ઇમારતને સમાવી લેતી ગુફા,પૃથ્વીના ભૂસ્તરશાસ્ત્રનાં રહસ્યો ઉકેલતાં કોતરો કે પછી અવકાશમાંથી પણ દેખાતી ગ્રેટ બેરિયર કોરલ રીફ… આ બધું ગ્લોબલ ટુરિઝમનો એક ભાગ છે એટલે ખિસ્સું જોર કરતું હોય તો ક્યારેક આપણે જીવતેજીવ એ બધું જોઈ શકીએ.

તેમ છતાં, તમે એ સ્થળોએ ખરેખર પહોંચો તો પણ, અહીં આપેલી રીતોથી આ સ્થળોનો જે પરિચય થશે એવો તો રૂબરૂ પહોંચીને પણ નહીં થાય!

વિશ્વની સૌથી વિશાળ ગુફામાં…

૨૦૧૮માં થાઇલેન્ડની એક ગુફામાં ફસાયેલા છોકરાઓને બચાવવા ૧૭ દિવસ મથામણ ચાલી હતી. આપણને સવાલ થાય કે એક ગુફા એવી તે કેવી મોટી હોઈ શકે?

જવાબ થાઈલેન્ડની જ બીજી એક ગુફામાં મળે. ચારેક કિલોમીટર લાંબી આ ગુફા  વિશ્વની સૌથી વિશાળ ગુફા છે.

માંડ ૧૩ વર્ષ પહેલાં દુનિયાની નજરમાં આવેલી આ ચારેક કિલોમીટર લાંબી ગુફામાં આખેઆખું બોઇંગ ૭૪૭ પ્લેન પહોળી પાંખ સાથે સમાઈ શકે. ઊંચી ઇમારતો પણ આખેઆખી આ ગુફામાં સમાઈ શકે. આ વાંચીને ગુફાની વિશાળતાનો અંદાજ આવ્યો ન હોય, તો અંદર દાખલ થઈને જાતે જોઈ લો!

થેંક્સ ટુ ઇન્ટરનેટ અને નેશનલ જ્યોગ્રાફિક, આપણે આ ગુફાના અનોખા કુદરતી વાતાવરણને ૩ડી પેનોરમા, ડ્રોન વીડિયો અને એનિમેટેડ ફિલ્મ સ્વરૂપે ઘેરબેઠાં માણી શકીએ છીએ (એ માટે થોડું વધુ સર્ચ કરવું પડશે)!

પૃથ્વીના ભૂસ્તરનાં રહસ્યો ઉકેલો

નીચેની ઇમેજ તમે અનેક વાર વિન્ડોઝ પીસીના વોલપેપર તરીકે જોઈ હશે.

આ ઇમેજ અમેરિકાના એરિઝોના સ્ટેટમાંની કોલોરાડો નદીનાં કોતરોની છે. સાડા ચારસો કિલોમીટર લાંબી, ૨૯ કિમી પહોળી અને અમુક ઠેકાણે ૧.૮ કિમી જેટલી ઊંડી ગ્રાન્ડ કેન્યનની ખીણોમાં નદીના પ્રવાહને કારણે જમીનમાં જે લેયર્સ કોતરાયાં છે તેમાંથી પૃથ્વીના બે અબજ વર્ષના ઇતિહાસનાં રહસ્યો જાણી શકાય છે.

ભૂસ્તરશાસ્ત્રીઓની સાથોસાથ આપણે પણ આ કુદરતની અજાયબી કંદરાઓ ખૂંદી શકીએ છીએ – ઘેરબેઠાં!

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ ગ્રાન્ડ કેન્યનની ‘ઇમર્સિવ વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રિપ’ તૈયાર કરી છે. આ પેજ પર તમે તેની ગાઇડેડ અથવા જાતે જ ટુર માણી શકો છો.

બધું જ ઇન્ટરેક્ટિવ છે, માઉસના ઇશારે આમતેમ ફરી શકાશે. થોડી જૂની સાઇટ છે, પણ આપણે માટે નવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!