
નવા વર્ષમાં આપણો ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ હજી વધવાનો છે ત્યારે એમ કરતી વખતે સાયબર સેફ્ટીના કેટલાક એકદમ પાયાના નિયમો તરફ ખાસ આપવા જેવું છે. અહીં આપેલા ફક્ત ચાર નિયમ રાખવાથી આપણે મોટાં જોખમોથી બચી શકીએ છીએ કેમ કે ભૂલની શરૂઆત અહીં આપેલી બાબતોથી જ થતી હોય છે.

આપણા કોઈ મિત્ર આપણને રસ પડી શકે તેવી એપ સજેસ્ટ કરે અને આપણે તે એપ ફોનમાં ઇન્સ્ટોલ કરીએ એ અલગ વાત થઈ, પણ સાવ અજાણી વ્યક્તિ ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવા કહે કે ‘ક્લિક કરવા જેવી’ કોઈ લિંક મોકલે અને આપણે એમ કરીએ તો એમાં બહુ મોટાં જોખમ છે. આવું કોઈ પણ પગલું લેવાથી, એ અજાણી વ્યક્તિને આપણા ફોનનો પૂરો કંટ્રોલ મળી જાય કે આપણા ફોનમાં જોખમી માલવેર ઇન્સ્ટોલ થઈ જાય એવું બની શકે છે. અજાણી વ્યક્તિની વાત પર ક્યારેય ભરોસો કરશો નહીં.
ઇન્ટરનેટ પર સલામત રહેવાનો આ એક સૌથી સાદો નિયમ છે. ઇન્ટરનેટ પર સતત એક્ટિવ હેકર્સ જુદી જુદી એપ કે સોફ્ટવેરમાં રહેલી ખામી શોધીને તેનો ગેરલાભ લેતા હોય છે. તેની સામે જે તે એપ/સોફ્ટવેરના ડેવલપર આવી ખામી તેમના ધ્યાનમાં આવે તો તેને તરત સુધારીને એપ/સોફ્ટવેરમાં અપડેટ આપતા હોય છે.
આપણે એપ કે સોફ્ટવેરને અપડેટ કરી લઇએ એટલે આપણા ડિવાઇસમાં પણ તે ખામી સુધરી જાય અને તેનો ગેરલાભ લેવાનું હેકર માટે મુશ્કેલ બને. કમ્પ્યૂટર કે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને દરેકેદરેક એપ કે સોફ્ટવેરમાં નિયમિત રીતે અપડેટ્સ આવતા હોય છે.

આપણને અપડેટ ઉપલબ્ધ હોવાની જાણ કરતી સૂચના પણ બતાવવામાં આવતી હોય છે. તેને ટાળવાને બદલે અપડેટ્સ અચૂકપણે ઇન્સ્ટોલ કરી લેવા જોઇએ.
યાદ ફક્ત એટલું રાખવું કે અપડેટ ઇન્સ્ટોલ કરવા માટે આપણે મૂળ સ્રોતનો જ ઉપયોગ કરીએ. જેમ કે સ્માર્ટફોનમાં પ્લેસ્ટોરમાંથી કોઈ એપ ઇન્સ્ટોલ કરી હોય તો ફરી પ્લેસ્ટોરમાં જઇને જ તેને અપડેટ કરવી, અન્ય કોઈ પણ જગ્યાએથી મળેલી લિંક પર ક્લિક કરીને નહીં.
આ વાત આપણા વિવિધ ઓનલાઇન એકાઉન્ટ અને સોફ્ટવેર/એપ સહિત બધી બાબતોને લાગુ પડે છે. મોટા ભાગે એવું બનતું હોય છે કે શરૂઆતમાં આપણને કોઈ વાત ઉપયોગી લાગે તો તેને માટે આપણે એકાઉન્ટ ખોલાવીએ કે તેને સ્માર્ટફોન અથવા પીસીમાં ડાઉનલોડ કરીએ. એ બરાબર, પરંતુ પછી તેનો ઉપયોગ ન રહે તો યાદ રાખીને તેને દૂર કરવાનું પગલું પણ લેવું જોઇએ.

આમ કરવાના બે ફાયદા છે. – પહેલો ફાયદો આપણા સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં બિનજરૂરી બાબતોનો ભરાવો થવાનું અટકશે. આવી બાબતોનું પ્રમાણ વધતું જાય તો તે સાધનના પર્ફોર્મન્સ પર ખરાબ અસર કર્યા વિના રહેતું નથી.
બીજો ફાયદો સીધો જ સલામતીને સંબંધિત છે. આપણે માટે જે વાત હવે બિનઉપયોગી હોય તેને દૂર કરવાની કાળજી ન લઇએ તો તેને અપડેટ કરવાની કાળજી પણ ન લઇએ તે દેખીતું છે. આથી આગળ જણાવ્યા મુજબ કોઈ ઓનલાઇન એકાઉન્ટ કે એપ અથવા સોફ્ટવેરમાં ખામી રહી ગઈ હોય અને તેને સુધારી લેવા માટેના અપડેટ્સનો આપણે લાભ ન લઇએ તો ક્યારેક ને ક્યારેક એ છીંડું આપણને ભારે પડી શકે.
ઇન્ટરનેટ પર લગભગ બધી બાબતમાં તાળી એક હાથે વાગતી નથી. હેકર તેના પક્ષે કોઈ કરામત કરવા માટે કશુંક કરે એ પછી તે પાર પડી શકે તે માટે એના નિશાન પર રહેલા યૂઝર એટલે કે આપણા તરફથી પણ કોઈક એકશન લેવાવું જરૂરી હોય છે.
જેમ કે હેકર આપણી વિગતો ચોરવા માટે કે સ્માર્ટફોન/કમ્પ્યૂટરમાં કશુંક જોખમી ઇન્સ્ટોલ થઈ શકે તેવી લિંક આપણને મોકલે એ પછી આપણે તેના પર ક્લિક કરીએ તો આખી સાયકલ પૂરી થાય.

આથી ઇન્ટરનેટ પર સલામત રહેવાનો સૌથી સાદો નિયમ એ કે આપણે જેને પોતે સર્ચ કરતા ન હોઇએ તેવું કંઈ પણ સામે આવે તો તેને ક્લિક કે ઇન્સ્ટોલ કરવું નહીં.
એ જ રીતે, આપણે કોઈ ચોક્કસ સોફ્ટવેર શોધીને તેને યોગ્ય સોર્સમાંથી ડાઉનલોડ કરતા હોઇએ ત્યારે તેની સાથોસાથ બીજું કંઈ પણ ડાઉનલોડ કરવાનું સૂચન કરવામાં આવે તો તે સૂચન અવગણવામાં સાર છે – આપણે એ શોધતા નહોતા, સામેથી ઓફર કરાયું છે. ઇન્ટરનેટ પર બધું જ જોખમી છે એવું નથી, પરંતુ સાવચેત રહેવામાં કશું ખોટું નથી.
