આપણી ભાષામાં એક મજાની કહેવાત છે – કૂવામાં હોય એટલું હવાડામાં આવે! આ જૂની અને જાણીતી કહેવતને નવા સમયની ટેકનોલોજી ખોટી સાબિત કરી રહી છે. તમે ફોટો એડિટિંગ વિશે થોડું ઘણું જાણતા હો કે ન જાણતા હો, આપણે એટલું તો સમજી જ શકીએ કે કોઈ પણ ફોટોગ્રાફને તેની ઓરિજિનલ સાઇઝ કરતાં મોટો કરવાનો પ્રયાસ કરીએ તો તેની ક્વોલિટી બગડે.

આપણે જાણીએ છીએ કે ડિજિટલ ફોટોગ્રાફ્સ નાના નાના પિકસેલથી બનતા હોય છે. ડિજિટલ ફોટોગ્રાફને આપણે ગ્રાફ પેપર સાથે સરખાવી શકીએ. ગ્રાફપેપરની જેમ ડિજિટલ ફોટોગ્રાફમાં આડી રો અને ઊભી કોલમમાં સંખ્યાબંધ ચોકઠાં હોય છે, જે ‘પિકસેલ’ કહેવાય છે. જ્યારે ડિજિટલ ફોટોગ્રાફ કેમેરાથી કેપ્ચર થાય ત્યારે કેમેરાના નિશ્ચિત રેઝોલ્યુશન અનુસાર, નિશ્ચિત સંખ્યામાં પિકસેલ ધરાવતી ડિજિટલ ઇમેજ બને. દરેક પિકસેલમાં ‘આરજીબી’ એટલે કે રેડ, ગ્રીન, બ્લૂ કલરની ઇન્ફર્મેશન વધતા ઓછા પ્રમાણમાં ઉમેરાય, તેમાંથી આખી ડિજિટલ ઇમેજ ક્રિએટ થાય.
ડિજિટલ ઇમેજને જે નિશ્ચિત રેઝોલ્યુશનમાં કેપ્ચર કરવામાં આવી હોય એ મુજબ આગળ તેનો ઉપયોગ થઈ શકે. જેમ કે પ્રમાણમાં લો રેઝોલ્યુશનમાં એટલે કે ઓછા પિકસેલમાં ઇમેજ કેપ્ચર થઈ હોય તો તેને પોસ્ટકાર્ડ સાઇઝના પેપર પર પ્રિન્ટ કરી શકાય. એ-૪ સાઇઝના કાગળ કે તેનાથી મોટી સાઇઝમાં પ્રિન્ટ કરવા જઈએ તો ‘પિક્સેલ ફાટી જાય’ અને ઇમેજ બ્લર્ડ કે ધૂંધળી પ્રિન્ટ થાય.
મતલબ કે કૂવામાં હોય એટલું હવાડામાં આવે.

પરંતુ હવે આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે. ફોટો એડિટિંગ માટે વર્ષોથી અત્યંત પાવરફુલ ગણાતા ફોટોશોપ પ્રોગ્રામમાં ઇમેજને તેની ઓરિજિનલ સાઇઝ કરતાં મોટી બનાવી શકાય છે, એ પણ તેની ક્વોલિટીમાં કોઈ દેખીતા ઘટાડા વિના. ફોટોશોપમાં આ નવું ફીચર ‘સુપર રેઝોલ્યુશન’ તરીકે ઓળખાય છે.
હાલમાં એડોબનું ક્રિએટિવ ક્લાઉડ સબસ્ક્રિપ્શન ધરાવતા લોકો આ ફીચરનો લાભ લઈ શકે છે. આપણે જ્યારે ફોટોશોપ પ્રોગ્રામમાં ડિજિટલ કેમેરાથી લીધેલી ઇમેજને તેના ‘રો’ ફોર્મેટમાં ઓપન કરીએ ત્યારે આ ફીચલનો લાભ લઈ શકાય છે.
ઇમેજ ઓપન થયા પછી તેને રાઇટ ક્લિક કરીને ‘એન્હેન્સ’નો વિકલ્પ પસંદ કરતાં એક ડાયલોગ બોક્સ ખૂલે છે. એ બોક્સમાં આપણી ઇમેજનો ઝૂમ થયેલો પ્રીવ્યૂ જોવા મળે છે.
ઇમેજને આપણે માઉસથી ક્લિક કરીને હોલ્ડ કરીએ તો તેનું ઓરિજિનલ રેઝોલ્યુશન જોવા મળે. આથી આપણને બંને ઇમેજ વચ્ચેનો તફાવત પણ ખ્યાલ આવે. એ પછી આપણે એન્હેન્સનો વિકલ્પ પસંદ કરીએ ત્યારે પ્રોગ્રામ તેની કરામત શરૂ કરે છે (તમારું કમ્પ્યૂટર પાવરફુલ હોવું જરૂરી છે).

ફોટોશોપ પ્રોગ્રામ ‘સેન્સેઇ’ નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મની મદદથી ફોટોગ્રાફને એન્હેન્સ કરવા માટે એટલે કે તેમાં દરેક પિકસેલમાં હોય એવી જ વધારાની ઇન્ફર્મેશન ઉમેરવામાં માટે વધારાનો કયો ડેટા, કેટલા પ્રમાણમાં જોઇશે તે નક્કી કરે છે.
એન્હેન્સ ફીચરથી ઓરિજિનલ ફોટોગ્રાફમાં આડી અને ઊભી હરોળમાં જેટલા પિકસેલ હોય એટલા જ પ્રમાણમાં નવા પિકસેલ ઉમેરાય છે અને આજુબાજુના પિકસેલમાંથી ડેટા ‘સૂંઘી’ને બરાબર એ જ પ્રમાણમાં નવા પિકસેલમાં ઉમેરવામાં આવે છે!
પરિણામે ફોટોગ્રાફ ઓરોજિનલ કરતાં ઘણો મોટો થઈ જાય છે અને તેમ છતાં તેની ગુણવત્તાને લગભગ કોઈ અસર થતી નથી! ફોટોગ્રાફને આપણે જ્યારે ઝૂમ કરીને જોઇએ ત્યારે આ તફાવત દેખાય પરંતુ સામાન્ય આંખે આ તફાવત બહુ અસર કરતો નથી.
તમે કદાચ એ પણ જાણતા હશો કે ફોટોશોપમાં આપણે ઇમેજમાંથી કોઈ ભાગ દૂર કરીએ ત્યારે એ ભાગની જગ્યાએ ઇમેજમાંથી આજુબાજુના ભાગમાંથી ડિટેઇલ્સ એવી રીતે પૂરી શકાય છે કે ઇમેજમાં કોઈ ફેરફાર થયો હોવાનું લાગે નહીં!
ફોટોની ગુણવત્તા સુધારતી ફ્રી સર્વિસ
ઉપરના લેખમાં નબળી ગુણવત્તાના ફોટોગ્રાફની ગુણવત્તા વધારવાની સગવડ ફોટોશોપના માત્ર પેઇડ વર્ઝનમાં મળે છે એવું વાંચીને નિરાશ થયા? તો આ વેબસાઇટ તપાસી જુઓ – https://www.fotor.com/
તેના ફ્રી એકાઉન્ટમાં પણ ફોટોગ્રાફની ગુણવત્તામાં ખરેખર નોંધપાત્ર સુધારો કરી શકાય છે. તમે ફક્ત ઇમેજ અપલોડ કરી, સુધારો કરી જે રિઝલ્ટ મળે તેને માઉસથી રાઇટ ક્લિક કરી સેવ એઝ પણ કરી શકો! તકલીફ એ છે કે મૂળ આ ચાઇનીઝ કંપની છે. મહત્ત્વના ફોટોગ્રાફ કે દસ્તાવેજોની ક્લેરિટી સુધારવા માટે તેમને આ સાઇટ પર અપલોડ કરશો નહીં. |



