
આપણા સ્માર્ટફોન સાથેનો આપણો સંંબંધ કંઈક ગજબનો છે – જેટલો આપણે તેનો ઉપયોગ કરીએ એટલો જ એ આપણો ઉપયોગ કરે ને જેટલો આપણે તેને પરેશાન કરીએ, એટલો જ એ આપણને પણ પરેશાન કરે! નવા સમયના સ્માર્ટફોન વધુ ને વધુ સ્માર્ટ અને પાવરફુલ થયા જાય છે, સામે તેને મચડવાનું કે તેની જરૂરિયાતો તરફ પૂરતું ધ્યાન ન આપવાનું પ્રમાણ પણ વધતું જાય છે. આથી નાની નાની વાતે ફોનને વાંધાવચકા થાય એવું બની શકે. આવા પ્રોબ્લેમ નાના હોય, એનું સોલ્યુશન સહેલું હોય, પરંત આપણે જાણતા હોઈએ તો!
સ્માર્ટફોનના યોગ્ય મેઇન્ટેનન્સના અભાવે તેમાં ઘણી વાર નાની-મોટી તકલીફો ઊભી થઈ શકે છે. આવી તકલીફનાં સોલ્યુશન સહેલાં હોય, પણ આપણને તેની ખબર હોય તો જ એ કારગત બની શકે! જૂના ફોનની તકલીફોથી થાકીને તમે નવા ફોન તરફ નજર દોડાવો, એ પહેલાં ઘણાં પગલાં લઈ શકાય.
સામાન્ય રીતે આપણે ફોનના મેઇન્ટેનન્સ સંબંધિત કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો ફોનના ઉપયોગમાં ખાસ કોઈ તકલીફ આવે નહીં. છતાં ક્યારેક એવું બને કે ફોન આપણા કહ્યા મુજબ કામ ન કરે. ક્યારેક, કોઈ સ્પષ્ટ કારણ વિના, અમથો અમથો એ રિસ્ટાર્ટ થવા લાગે કે કોઈ એપ વારંવાર ક્રેશ થવા લાગે. આવું થતું હોય તો એનો ચોખ્ખો સંકેત એક જ – ફોન યોગ્ય મેઇન્ટેનન્સ માગે છે. આગળ આપેલી બાબતો મોટા ભાગે ફોનના સોફ્ટવેર સંબંધિત છે. પ્રોબ્લેમના સોલ્યુશન તરીકે એ કામ લાગશે, તેમ પહેલાં ધ્યાન આપવાથી પ્રોબ્લેમ ટાળી પણ શકાશે!

આપણા સ્માર્ટફોનના રોજિંદા ઉપયોગમાં પ્રોબ્લેમ થવાનું એક કારણ ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં કંઈક ગરબડ હોઈ શકે છે. એન્ડ્રોઇડના કિસ્સામાં આ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ કંપની તથા ફોન મેન્યુફેકચર કરનાર કંપની સતત અપડેટ કરતી હોય છે. આ અપડેટ આપણા સુધી પહોંચે કે નહીં તેનો આધાર ફોન મેન્યુફેકચર કરનારી કંપની પર છે. અમુક ફોન ખરીદ્યા પછી નિશ્ચિત સમય સુધી આપણને નિયમિત રીતે આવા અપડેટ્સ મળે છે.
ફોન ખાસ્સો જૂનો થયો હોય અને તેમાં આવા અપડેટ્સ મળવાનું બંધ થયું હોય તો આપણે કંપનીના સર્વિસ સેન્ટરમાં જઇને ફોનની સમસ્યાનો કાયમી ઉપાય મેળવવાની કોશિશ કરવી પડે. જો ફોન પ્રમાણમાં નવો હોય અને તમને અપડેટ્સ મળતા હોય અને તેમ છતાં આપણે તેનો લાભ ન લીધો હોય તો પણ તકલીફ થઈ શકે છે.
ફોનમાંની જુદી જુદી ઘણી બાબતોમાં થતા ફેરફારથી ઉપયોગમાં તકલીફ સર્જાઈ શકે છે. આપણે એ ફેરફાર પારખવો પડે.
એવી સ્થિતિના ઉપાય માટે ફોનના સેટિંગ્સમાં જાઓ અને તેમાં સોફ્ટવેર અપડેટ્સ (Software update) સર્ચ કરો. તેનું અલગ સેકશન હોઈ શકે છે અથવા ‘અબાઉટ ફોન’ સેકશનમાં તેનું પેજ મળી શકે છે. તેના પર ક્લિક કરતાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ તથા વાઇ-ફાઇ પર ઓટો ડાઉનલોડનો વિકલ્પ મળશે. અહીં આપણા ફોનની સિસ્ટમ છેલ્લે ક્યારે અપડેટ થઈ હતી એ જોવા મળી શકે છે તેમ જ નવો અપડેટ ઉપલબ્ધ હોય તો તે પણ જોવા મળશે. અપડેટ પર ક્લિક કરતાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમ કંપની તરફથી મળેલા લેટેસ્ટ વર્ઝન અનુસાર અપડેટ થશે.
ફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમની જેમ આપણે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી વિવિધ એપ્સમાં પણ સતત નવા નવા અપડેટ્સ આવતા હોય છે. એપના ડેવલપર એપ લોન્ચ થયા પછી ધ્યાનમાં આવેલી ખામીઓ સુધારી લેવા કે નવી સગવડો ઉમેરવા આવા નવા અપડેટ આપતા હોય છે.

સામાન્ય સ્થિતિમાં આપણે ફોનમાંની બધી એપ નિયમિત રીતે અપડેટ કરતા રહીએ એ હિતાવહ છે. એ માટે પ્લે સ્ટોર ઓપન કરો. ઉપર જમણા ખૂણે તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો અને જે પેજ ખૂલે તેમાં ‘મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસ’ પર ક્લિક કરો. અહીં ‘અપડેટ્સ અવેલેબલ’ એવા શીર્ષક હેઠળ જેટલી એપમાં નવા અપડેટ આવ્યા હશે તે જોવા મળશે. ‘અપડેટ ઓલ’ પર ક્લિક કરીને આપણે બધી જ એપ વારાફરતી અપડેટ કરી શકીએ.
જો કોઈ ચોક્કસ એપ ઓપન કર્યા પછી ફોન આપમેળે રિસ્ટાર્ટ થઈ જતો હોય તો સૌથી પહેલાં એ એપમાં કોઈ અપડેટ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસીને તેને અપડેટ કરી શકાય. એપ બહુ ઉપયોગી ન હોય તો તેને અનઇન્સ્ટોલ કરવાથી ફોન આપમેળે રિસ્ટાર્ટ થવાની સમસ્યા ઉકેલાઈ જાય છે કે નહીં તે તપાસી શકાય.

ક્યારેક એવું પણ બને કે આપણે ઇન્સ્ટોલ કરેલી એપ જૂની હોય અને તે ફોનની ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝન સાથે મેચ ન થતી હોય. આવું બને તો પણ એ એપને ઓપન કરતાં ફોન રિસ્ટાર્ટ થવાની સમસ્યા સર્જાઈ શકે છે.
એવું પણ બને કે ફોનમાંની કોઈ ચોક્કસ એપ જ ફોનની કામગીરીમાં તકલીફ ઊભી કરી રહી હોય પરંતુ એ એપ આપણને હાથતાળી આપતી હોય. દેખીતું છે કે આપણે તો ફોનમાં પાર વગરની એપ્સ ડાઉનલોડ કરીને બેઠા હોઇએ. એમાંથી કઈ એપ આપણી ગુનેગાર છે એ કઈ રીતે શોધવું?
એક સહેલો ઉપાય એ કે ફોન વારંવાર રિસ્ટાર્ટ થવા જેવી તકલીફ જ્યારથી શરૂ થઈ હોય તેના થોડા સમય પહેલાં આપણે ઇન્સ્ટોલ કરેલી એપ્સ વારાફરતી અનઇન્સ્ટોલ કરી શકાય. એ રીતે ચોક્કસ કઈ એપને કારણે તકલીફ થઈ રહી છે તે પકડી શકાશે. પછી અનઇન્સ્ટોલ કરેલી, પણ ‘નિર્દોષ’ સાબિત થયેલી એપ્સ આપણને હજી પણ ઉપયોગી લાગતી હોય તો તેને ફરી ઇન્સ્ટોલ કરી શકાય.
અગાઉના સમય કરતાં હવે આપણને ફોનમાં ખાસ્સા વધુ પ્રમાણમાં સ્ટોરેજ મળે છે. મુશ્કેલી એ છે કે તેની સામે વિવિધ એપ્સ હેવી બનતી જાય છે અને તેનો આપણો ઉપયોગ પણ હેવી થતો જાય છે. પરિણામે ફોનમાં હોય એટલી સ્પેસ ઓછી પડે છે.
સામાન્ય રીતે ફોનમાં ઉપલબ્ધ કુલ સ્ટોરેજમાંથી ૮૦-૯૦ ટકા સુધીની સ્પેસ ભરાઈ જાય ત્યાં સુધી ફોનની રોજિંદી કામગીરીમાં કોઈ મોટી તકલીફ સર્જાવી ન જોઈએ. સ્ટોરેજ એથી ઉપર ભરાવા લાગે તો પછી તકલીફ થઈ શકે.

ફોનની સ્ટોરેજ ખાલી કરવાના ઘણા બધા ઉપાય છે. ફોનના સેટિંગ્સમાં સ્ટોરેજ સેકશનમાં જઈને કઈ બાબત વધુ જગ્યા રોકે છે અને હવે આપણે માટે બિનઉપયોગી છે એ તપાસીને તેને દૂર કરી શકાય. ફોટોગ્રાફ અને વીડિયોથી ફોનની સ્ટોરેજ વધુ પ્રમાણમાં ભરાઈ ગઈ હોય અને જો તમે ગૂગલ ફોટોઝ એપનો ઉપયોગ કરતા હો તો ફોનમાં સ્ટોર થયેલા ફોટો/વીડિયોનો તમારા ક્લાઉડ એકાઉન્ટમાં બેકઅપ લઈ શકાય છે. આ પછી એ ફોટો/વીડિયોને ફોનમાંથી સલામત રીતે ડિલીટ કરી શકાય.
ગૂગલ ફાઇલ્સ જેવી એપનો ઉપયોગ કરીને પણ આપણા ફોનમાં જગ્યા રોકતી બિનજરૂરી ઘણા પ્રકારની ફાઇલ્સ શોધીને તેને સલામત રીતે ડિલીટ કરી શકાય.
ફોનનો રોજિંદો ઉપયોગ કરવામાં આપણને તકલીફ પડી રહી હોય તો, બધા ઉપાય અજમાવ્યા પછીના અને નવો ફોન ખરીદતાં પહેલાંના છેલ્લા ઉપાય તરીકે ફોનને ફેક્ટરી રિસેટ કરી શકીએ. ફોનને સર્વિસ સેન્ટરમાં કે નજીકની મોબાઇલ રિપેરિંગ શોપમાં રિપેરિંગ માટે આપવો હોય તો પણ ફોનને ફેકટરી રિસેટ કરવો હિતાવહ છે, જેથી આપણો કોઈ પણ ડેટા અન્ય અજાણી વ્યક્તિને મળે નહીં.

ફોન ફેકટરી રિસેટ કરવાથી એ ખરીદ્યો હોય ત્યારની સ્થિતિમાં આવીને કોરી પાટી જેવો બની જાય છે. આ છેલ્લું પગલું ભરતાં પહેલાં આપણે ફોનમાંનાં બધા ડેટાનો યોગ્ય રીતે બેકઅપ લેવો જરૂરી છે.
આ પગલાં આપણે અગાઉ આ ‘સાયબરસફર’માં આવરી લીધાં છે. અહીં પુનરાવર્તનનો અવકાશ નથી પરંતુ ફોનના ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ ઓપ્શન ઇનેબલ રાખશો તો તે લગભગ પૂરતો સાબિત થશે. તેમ ફોનમાંના બધા ફોટો અને વીડિયોનો ગૂગલ ફોટોઝમાં બેકઅપ લેવાઈ ગયો છે તેની પણ ખાતરી કરી લો.
પછી ફોનના સેટિંગ્સમાં જાઓ અને ‘ફેકટરી ડેટા રિસેટ’ શોધી કાઢો. ફોનમાંનો તમામ ડેટા ભૂંસી નાખીને ફેકટરી રિસેટ કરવાથી ફોનમાં કોઈ પણ પ્રકારની સોફ્ટવેર સંબંધિત તકલીફ હોય તો તે દૂર થઈ જવાની શક્યતા છે. મોબાઇલ રિપેરિંગ શોપનો તમારો ધક્કો બચી જાય એમ પણ બને!
જેમ ભારે અને અતિભારે વરસાદની આગાહીમાં ફેર હોય છે, એમ ફોનના ભારે અને અતિ ભારે ઉપયોગમાં પણ ફેર હોય છે! ફોનનો ભારે ઉપયોગ તો આપણે રોજેરોજ કરીએ છીએ પણ ફોનની કેપિસિટી બહારની હોય એવી ગેમ આપણે ફોનમાં લાંબા સમય સુધી રમીએ તો એ સમયે ફોન હાંફી જાય એ નક્કી છે. પરંતુ આવા અતિ ભારે નહીં, ભારે કે સામાન્ય વપરાશ દરમિયાન પણ ફોન વધુ પડતો ગરમ થતો હોય તો તે ફોનના ઉપયોગમાં જુદી જુદી તકલીફ સર્જી શકે છે. આપણે તેનાં કારણ દૂર કરવાં જરૂરી છે.
ફોન નિશ્ચિત મર્યાદા કરતાં વધુ ગરમ થઈ જાય ત્યારે વધુ તકલીફ નિવારવા માટે ફોન આપોઆપ રિસેટ થઈ જતો હોય છે. અગાઉના સમયમાં ફોનની ડિસ્પ્લે બ્રાઇટનેસ વધુ પડતી રાખી હોય કે તેમાં વધુ પડતી હેવી ગેમ્સ રમવામાં આવે કે લાંબા સમય સુધી વાઇ-ફાઇ કનેકશન ઓન રાખવામાં આવે તો ફોન ગરમ થઈ જતો. હવેના નવા સ્માર્ટફોન વધુ સ્માર્ટ થયા છે. પરિણામે તે આવાં ‘નજીવાં’ કારણોસર ગરમ થઈ જતા નથી.

મતલબ કે જો તમારો પ્રમાણમાં નવો સ્માર્ટફોન સામાન્ય કે થોડા ભારે ઉપયોગમાં ગરમ થઈ જતો હોય તો તેનું બીજું કોઈ કારણ હોઈ શકે છે.
આ માટે પણ આપણે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી કોઈ ચોક્કસ એપ જવાબદાર હોઈ શકે છે. એવું પણ બને કે આપણે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરી ન હોય, પરંતુ ફોનમાંની બધી એપ્સ ઓટો અપડેટ થાય તેવું સેટિંગ રાખ્યું હોય તો કોઈ એપના નવા વર્ઝનને કારણે ફોન ગરમ થઈ જતો હોય. આ બંને સ્થિતિમાં આપણે આ લેખમાં અન્ય જગ્યાએ જણાવેલી પદ્ધતિ અનુસાર જવાબદાર એપ શોધીને તેને અનઇન્સ્ટોલ કરવી પડે.
ફોનમાં કોઈ માલવેર ઘૂસ્યો હોય તો પણ ફોન ગરમ થઈ શકે છે. એ સ્થિતિમાં ફોનને ફેકટરી રિસેટ કરવો હિતાવહ રહેશે. ફોન વધુ પડતો ગરમ થવાનું બંધ થશે તો પણ તે વારંવાર આપમેળે રિસ્ટાર્ટ થવાની કે અન્ય તકલીફ દૂર થઈ શકે છે.
ફોન વારંવાર આપમેળે રિસ્ટાર્ટ થવા જેવી તકલીફ સર્જાવાનું મહત્ત્વનું કારણ ફોનની બેટરીની કથળેલી સ્થિતિ હોઈ શકે છે.
ફોનની બેટરી પણ માણસ જેવી છે, નિશ્ચિત આવરદા લઇને જન્મી હોય છે! ફોન વારંવાર રિસ્ટાર્ટ થતો હોય તો એ ફોનની બેટરી ડચકાં ખાતી હોવાનો સંકેત હોઈ શકે.
અગાઉના સ્માર્ટફોનમાં બેટરી રિમૂવેબલ રહેતી. જોકે તો પણ આપણા મોડેલ માટે કંપનીમાંથી ઓરિજિનલ બેટરી મેળવવી મુશ્કેલ બનતી. હવેના સમયમાં વાત વધુ મુશ્કેલ છે કે બેટરી રિમૂવેબલ હોતી જ નથી.
હવે આપણે ઓરિજિનલ બેટરી મેળવવા કંપનીના સર્વિસ સેન્ટરનો સંપર્ક સાધવો પડે અથવા પછી નવા સ્માર્ટફોનનો ખર્ચ કરવો પડે!
