વર્ષ બદલાય કે સ્કૂલ-કોલેજ પૂરી થાય કે દીકરા દીકરીની સગાઈ થતાં આપણો સામાજિક દરજ્જો બદલાય એવા સમયના જુદા જુદા પડાવે આપણને અચૂક આ વિચાર આવી જતો હોય છે કે સમય કેટલો ઝડપથી વહે છે! સામાન્ય રીતે મનમાં આ વિચાર જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી આપણે તેને ભૂલી પણ જતા હોઇએ છીએ.
પરંતુ એરિક રૂડ નામના એક ડેવલપરને પોતાની જિંદગીમાં જુદા જુદા કામ પાછળ સમય કેટલો ખર્ચાય છે અને હવે પોતાની પાસે કેટલો સમય બચ્યો છે એ જાણવામાં જબરો રસ પડ્યો. એ સાથે તેમણે એક એવું ઓનલાઇન કેલક્યુલેટર તૈયાર કર્યું, જેની મદદથી આપણે પણ આપણી રોજબરોજની ઘટમાળમાં જુદાં જુદાં કાર્યો પાછળ જે સમય વીતે છે એનો ઇનપૂટ આપીને હવે કેટલો સમય બચ્યો છે એનો આઉટપૂટ મેળવી શકીએ છીએ!

આ માટે તમે https://erikrood.com/Posts/free_time_calc.html વેબપેજ પર જશો એટલે તમને આ અનોખું કેલક્યુલેટર જોવા મળશે. અહીં તમે જોશો તેમ એરિકે પોતાની ઉંમર અને પોતે દર અઠવાડિયે ઊંઘવામાં, કામ કરવામાં, આવન-જાવનમાં, જિમ જવામાં, ખાવા પીવામાં કે રસોઈ કરવામાં, અન્ય રોજિંદા કામ કરવામાં, દૈનિક સફાઇ જાળવવામાં કે માતાપિતા તરીકેની ફરજો નિભાવવામાં અને અન્ય બાબતોમાં કેટલા કલાક વીતે છે તેની નોંધ કરી છે.
તમારે એરિકની વિગતોને સ્થાને તમારી પોતાની વિગતો આપવાની છે, ચિંતા ના કરશો, અહીં તમારે કોઈ એકાઉન્ટ ખોલાવવાનું નથી કે કલાકની સંખ્યા સિવાય પોતાની કોઈ અંગત માહિતી આપવાની નથી, તેમ છતાં તમે ઇચ્છો તો આ પેજ ડકડકગો કે ફાયરફોક્સ જેવા પ્રાઇવસી જાળવતા બ્રાઉઝરમાં ઓપન કરી શકો છો.
કલાકો જણાવ્યા પછી ‘રન’ બટન ક્લિક કરશો એટલે તમને જાણવા મળશે કે દર અઠવાડિયે તમને ખરેખર કેટલા ફ્રી અવર્સ મળે છે? ટકાવારીમાં અઠવાડિયાનો કેટલો સમય ફ્રી રહે છે? એટલું જ નહીં વર્ષની દૃષ્ટિએ, વ્યક્તિ સરેરાશ ૭૯ વર્ષ જીવે એવી ધારણા સાથે હવે કેટલા વર્ષ સુધી તમે બિઝી રહેવાના છો અને કેટલાં વર્ષ પોતાને ગમતી પ્રવૃત્તિઓ માટે ફ્રી રહેશે એની ગણતરી પણ તમને જોવા મળશે. એ સાથે દર અઠવાડિયે જુદી જુદી પ્રવૃત્તિઓ પાછળ તમે કેટલો સમય વીતાવો છો એનો પાઇ ચાર્ટ પણ જોવા મળશે.
આ કેલ્ક્યુલેટર આમ તો બે ઘડી ગમ્મત જેવું છે, પણ રમત-રમતમાં આપણી જિંદગીમાં સમયની કિંમત સમજાઈ જાય તો એથી રૂડું શું?!

