પશ્ચિમના દેશો માટે એવું કહેવાય છે કે ત્યાં કોઈ વ્યક્તિ કોઈ બિલ્ડિંગમાં ચાલતી વખતે લપસી પડે, તો એ બિલ્ડિંગના માલિક અને ફર્શનું પોલિશિંગ કરનાર કંપની તો ઠીક, દૂર આકાશમાં કોઈ પ્લેન પસાર થઈ રહ્યું હોય અને એને જોવામાં ભાઈ લપસી પડ્યો હોય, તો એ વિમાન કંપની સામે પણ નુકસાનીનો કેસ ઠોકી બેસાડી શકાય.
હમણાં કંઈક આવો જ એક કેસ નોંધાયો.

એક બ્રિટિશ બિઝનેસમેનની પત્નીએ તેની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. બંનેના આખરે છૂટાછેડા થયા. પરંતુ એ કેસ એ પતિ મહાશયને પચાસ લાખ પાઉન્ડ એટલે કે આશરે ૫૫ કરોડ રૂપિયા જેટલો મોંઘો પડ્યો. માનસિક યાતના ભોગવવી પડી એ અલગ. એ બિઝનેસમેને છૂટાછેડાના કેસમાંથી થાક્યા નહોતા. છૂટાછેડાનો કેસ હજી તો માંડ પત્યો ત્યાં તેમણે એપલ કંપની સામે નવો કેસ માંડ્યો. કારણ જો કે પેલો છૂટાછેડાનો કેસ જ હતો.
થયું એવું હતું કે એ બિઝનેસમેને પોતાના આઇફોનમાંથી અમુક વ્યક્તિઓને વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. મોટા ભાગના પતિદેવો કરતા હોય છે તેમ આ બિઝનેસમેને થોડા સમય પછી એ વાંધાજનક મેસેજિસ પોતાના આઇફોનમાંથી ડિલીટ કર્યા. સ્ક્રિન પર મેસેજ ડિલીટ થઈ ગયા હોવાનું કન્ફર્મેશન પણ મળ્યું. તેમણે રાહતનો દમ ભર્યો.
પછી એમની પત્ની આખું ફેમિલી જેનો ઉપયોગ કરતું હતું તે આઇમેક પર કંઈક કામ કરવા બેઠી. બનવાજોગ તેણે તેમાં આઇમેસેજિસ ચેક કર્યા. તેમાં તેના પતિએ મોકલેલા પેલા વાંધાજનક મેસેજિસ અકબંધ મળી આવ્યા. મેસેજિસ ખરેખર વાંધાજનક હતા. પત્નીએ અકળાઈને પતિ સામે છૂટાછેડાનો કેસ કર્યો.
આ વાતે એ બિઝનેસમેને એપલ સામે આશરે ૫૫ કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. તેમનું કહેવું છે કે જ્યારે આઇફોન પર તેમણે મેસેજ ડિલીટ કર્યા અને મેસેજ ડિલીટ થયા હોવાનું કન્ફર્મેશન જોવા મળ્યું તો તેનો કોઈ પણ વ્યક્તિ એવો અર્થ કાઢે કે મેસેજ બરાબર ડિલીટ થઈ ગયા છે.
આમ જુઓ તો એ ભાઈની વાત ખોટી નથી. મેસેજ આઇક્લાઉડથી સિંક્ડ હોય તો એ બધાં ડિવાઇસમાંથી ડિલીટ થઈ જવા જોઇતા હતા. તેમનું માનવું છે કે એમની પત્નીએ બીજા ડિવાઇસમાં એ મેસેજ વાંચ્યા ન હોય તો વાત છૂટાછેડા સુધી પહોંચી ન હોત.
એ બિઝનેસમેનનું માનવું છે કે તેમના જેવા બીજા ઘણા લોકો પણ ‘એપલની આવી અપૂરતી માહિતી’થી ગેરસમજનો ભોગ બનતા હશે.
આ બાબતે અદાલત કેવું વલણ લે છે તે જોવાનું રહ્યું!

